સ્મશાનનું ફૂલ ~ ઉડિયા વાર્તા  ~ મૂળ લેખકઃ સચ્ચિદાનંદ રાઉતરાય ~ અનુવાદઃ ડૉ. રેણુકા સોની

ગામનો જગુ તિઆડી કીર્તન કરે, મૃદંગ વગાડે, ગાંજો ખાય, અને મડદા બાળે. એક સારા  મડદા બાળવાવાળા તરીકે એ વિસ્તારમાં એનું કામ વખણાય.

જયારે ચિતાની અગ્નિ ‘સેં, સેં’ કરતી બળતી હોય કે મડદાના પગ અગ્નિના તાપથી સીધા થઈ ઊંચા થઈ જાય, કે પેટનાં આતરડામાંથી પાણી નીકળી અગ્નિ સળગે નહીં ત્યારે ડાઘુ જગુ તિઆડીના મોં સામે જુવે, તેની સલાહ લે.

જગુ ભાંગના નશામાં બેધ્યાન, ઝોકા ખાતો બેઠો હોય સ્મશાનમાં થોડે દૂર બેઠો હોય. તે સફાળો ઊભો થાય અને મડદામાંથી ત્રણ ફૂટ લાંબો વાંસ ખેંચી લાવી માર માર કરતો મડદા પર ત્રણ ચાર ફટકા ઝીંકી દે.

મડદાનું માથું ફુરચે ફુરચા બની ઊડી જાય… તેમાંથી દહીં નીકળી એક ચોરસ ભાગમાં અગ્નિ હોલવાઈ જાય. ઊંચો થયેલો પગ વાંસના મારથી ઢીંચણથી તૂટી જાય અને નીચે લાકડાં પર પાછળ રહે ઢીંચણ સમી રાખ, સુપડી, સાવરણી, માટલી, ઠીકરા, ભીનું સ્મશાન, નખ, વાળ, નાના નાના હાડકાં, બધું ગંદુ.

જગુ તિઆડી ખુશ થઈ પાછો આવે. પુકુરના કિનારે શરીરે તેલ ચોપડતો ચોપડતો જાંઘ પર થપ્પડ મારી કહે, “ભગવાનની દયાથી કામ સારી રીતે પતી ગયું.”

ગામમાં જયારે ઝાડા ઊલટીનો રગચાળો ફેલાય – ચારે બાજુ મડદાના હગલા ખડકાય ત્યારે જગુનો ભાવ વધી જાય. બધાં તેની ખુશામત કરે. કોઈ રડે, કોઈ વળી કમરમાંથી પૈસાની ગાંઠ છોડે, તો વળી કોઈ તેનો હાથ પકડી “મારા દીકરા, મારા વહાલા” કહી કાલાવાલા કરે.

જગુ ગંભીર બની બધાંના કાલાવાલા સાંભળે; પણ તરત જવાબ ન આપે.

“કાલે રાતનું મડદું ઘરમાં પડ્યું છે. ગંધાય છે.” તો, ક્યારેક, “નવી વહુ બે દિવસથી ઘરના ખૂણે મરી સડે છે.”

આવી કેટલીયે વાતો જગુને કહેવામાં આવે પણ, જગુ તો આ બધાંનો આદિ થયેલો ખેલાડી…!.

જગુ પૈસાની બાબતમાં કોઈની શરમ ન રાખે. એક તોલો ગાંજો, અફીણની ડગળી, ચાર આના ન મળે ત્યાં સુધી તે ડગલું આગળ ન આવે. એ સિવાય ચોખા, કપડાં, દસમાંનું નોતરું એ બધું તો જુદું.

સધવા સ્ત્રીનું મડદું હોય તો વધારાનો લાભ થાય. પૈસાવાળા હોય તો કાનના બુટીયા, નાકની વાળી કે ચૂંક, અને ગરીબ ઘરની હોય તો પગની ચાંદીની વીંટી જગુને દક્ષિણામાં મળે.

મડદાને ચિતામાં મૂકતા પહેલાં તે આખું  શરીર ફેંદી નાંખે, કોઈ ઘરેણું છે કે નહિ, તે જુએ. જો હોય તો કાઢી લે. ક્યારેક બુટ્ટી, વાળી કે ચૂંક સીધેસીધી ન નીકળે, તો જગુ ચિડાઈને દાંત કચડી મડદાના શરીર પરથી જોરથી ખેંચી કાઢે. નાકનું ટેરવું ચીરાઈ જાય, કાનની બૂટ તૂટી જાય, ભૂરું ભૂરું પાણી જેવું લોહી વહી મડદાનું મોં ભીંજાઈ જાય. પણ જગુના પેટનું પાણી ન હાલે.

આ તો તેનું રોજનું કામ, ને આમ જુઓ તો એક જાતનું વધારાનું કામ. આવું કરીકરી તે પથ્થર જેવો બની ગયો હતો.

પૈસાવાળાના ઘરનું મડદું હોય તો જગુ તિઆડી રોકડો રૂપિયો ન લે ત્યાં સુધી ઠાઠડી ઉપાડે નહીં. એક પૈસો પણ ઓછો મળે તો તે મડદું વાસી થઈ જશે એવી ધમકી આપે અને સાથી ડાઘુઓને પણ પોતાની સાથે ભેળવી લે.

જો રૂપિયો હાથમાં આવી જાય તો ડંડાની તાલે, તાલે ડગલાં ભરી, “રામનામ સત્ય હૈ” મોટેથી બોલતો આગળ થાય. આખો રસ્તો ગાજે.

સ્મશાનમાં ધોબી નખ કાપવાના સાધનથી ગર્ભવતી સ્ત્રીનું પેટ ચીરી બચ્ચાને કાઢી આપે ત્યારે જગ્ગુ બે ખાડા ખોદી મા બચ્ચાને બન્નેને ચત્તા સુવડાવી દે. ક્યારેક વળી એક જ ખાડામાં બન્નેને નાખી બાળે. એકમાં જો જગ્યા ખૂટે તો બચ્ચાને પાછળથી બળતા લાકડાંમાં ફેંકી દે.

આમ જગુ તિઆડી પોતાના ખેતરમાંથી પાકતા ચોખા સિવાય આવી રીતે ઉપરના પૈસા કમાઈ પોતાનું ઘર ચલાવે. એનું દેવું લેવું, અને વાર-વહેવાર પણ આમાંથી કરે.

કોઈ જગુની જગ્યા લેવાનું કરે તો પોતે ભૂતકાળમાં કરેલાં કામો કેવી રીતે પાર પાડ્યા હતાં, તેનું વર્ણન કરીને એવું પ્રમાણિત કરે કે તેના જેવો મડદા બાળવાવાળો દુનિયામાં બીજો કોઈ નથી. જગુને આ બાબતનું ખૂબ અભિમાન હતું.

ગયા વર્ષે નરસિહ મિશ્રની પત્નીને શી રીતે વરસતા વરસાદમાં બાળી આવ્યો હતો, પોષ મહિનાની ઠંડીમાં જલોદરની બીમારીમાં મરેલા નાથ બ્રહ્માને બાળતી વખતે બે માટલાં જેટલું પાણી નીકળી ચિતાની આગ ઠરી ગઈ ત્યારે હોશિયારીથી આટલું મોટું મડદું બાળી શક્યો, આ બધી જૂની વાતો તે આનંદથી બધાંને કરતો.

જગુ તિઆડીની હોશિયારી, મડદું બાળવાની તેની વિદ્યાની કળા બાબત ગ્રાહકની જોડે એ વાત કરે કે તરત ખબર પડી જાય.

જગુ દરરોજ સાંજે ગામના ચોરે બેસી બધાંને પોતાનાં અનુભવની વાતો કરે. ‘છપર-છપર’ વરસાદી વાતાવરણમાં ઘણાં શ્રોતા તેને વીંટળાઈને બેસે. ગાંજાની ચલમમાંથી એક-બે દમ મારી જગુ ગળું ખંખોરે. શ્રોતાને ખ્યાલ આવી જાય કે હવે વાર્તા શરુ થશે.

આવી રીતે તે બ્રાહ્મણોની વસ્તી વાળા રાજ્યમાં જગુ તિઆડીના દિવસો જતા હતા. ત્યારે અષાઢ મહિનાની રાત હતી. સાંજથી વાતાવરણ વાદળ છાયું હતું. જગુનું માથું દુખતું હતું હશે કે શું, કોને ખબર, પણ એ કપાળે કાન પર બન્ને બાજુ ચૂનાનું ટપકું લગાવી માથાપર મફલર બાંધી બહાર ઓટલા પર બેસી ભાગવત સંભાળતો હતો.

ગામમાંથી રડવાનો અવાજ સંભળાયો. બાજુની શેરીમાંથી એક જણ પાન-મસાલો લઈ પાછો આવતો હતો. તેણે ખબર આપ્યા કે જટિયાની મા, ‘ડોસી’ની વહુ મરી ગઈ છે. જોતજોતામાં આખા ગામ વાત ફેલાઈ ગઈ.

જગુ તિઆડી બે પૈંસાની કમાણી થશે એ વિચારી ખુશ થયો. કેટલાય લોકો કેટલી જાતની વાત કહી ગયા. શેરીની વહુઓમાં જાતજાતની  ગુસપુસ ચાલી.

કોઈએ કહ્યું, “પાપ ગર્ભ” રહ્યો હતો. બીજા કોઈએ કહ્યું “ગર્ભ નાશ કરવા માટે કંઈ દવા ખાધી’તી તે આખા શરીરે ઝેર ફેલાઈ ગયું.”

જગુ તિઆડી ગંભીર બની બધું સાંભળી રહ્યો. પછી મોં મચકોડ્યું. નાત બહાર થવાની બીકે પૈસા કમાવાની આશા છોડી દીધી.

જટિયાની મા, ‘ડોસી’ના સંસારમાં કોઈ નથી – ખાલી સાસુ વહુ એમ બે જણા. લગનના બે મહિના પછી દીકરો કલકત્તા ગયો હતો. કમાઈને દેવું ભરશે એ માટે! આજે ત્રણ વર્ષ થયા, તેના કોઈ ખબર નથી. પહેલા તો કાગળ પતર લખતો; એક વર્ષ પછી એ પણ બંધ.

ગામના કલકત્તાથી આવતા કેટલાક ભ્રામણ મહારાજ વાતો લાવતા કે તે ત્યાં બીજું બૈરું કરી માટીયાબુરજમાં રહે છે. ઘેર એક વહુ હતી. આજે તે તો ગઈ પણ ડોસીના માથે કદી ન ભૂંસાય તેવું કલંક લગાડતી ગઈ. ડોસી ભ્રામણી માથે હાથ દઈ બેઠી.

તેની હાલતનું ગાણું આખો દિવસ ચાલ્યા કરત, પણ ગામના કેટલાંક વડીલોએ વાત સંભાળી લીધી. એ લોકોએ વહુને પહેલાથી દાબમાં રાખી નહીં એ બાબત ડોસીને ખુબ ગાળો દીધી. પછી ફેંસલો કર્યો કે જલ્દી લાશનો નિકાલ કરો. નહિતર છાટિયા થાનામાં જો ખબર જશે, તો આખા ગામની બદનામી થશે. બધાંના ઘરમાં વહુ-દીકરી છે.

જટીયાની મા, ‘ડોસી’એ મોમાં તરણું  ઝાલી બધાંને કોટિ કોટિ પ્રણામ કર્યા. પોતાને આ ઘોર વિપદામાંથી ઉગારવા માટે બધાંને કેટલાય ધન્યવાદ દીધાં.

મડદું ઉપાડવા માટે ગામના ત્રણ ચાર જણ યુવાનો આગળ આવ્યા. સામાન આવ્યો  ઠાઠડી બંધાઈ. સુપડી. માટલી, સાવરણી, લાકડાં બધું લાવી આંગણામાં મુક્યું. મડદાના શરીરે, માથે કપડું બાંધીને બધાંએ ઊંચકીને ઠાઠડીએ બાંધી. પણ એક વડીલ ડાઘુ ન હોય તો નહીં ચાલે.

અડધા કલાકમાં જો લાશનો નિકાલ નહીં થાય તો ઉપાધિ થશે; થાનેદારને જો ખબર પડશે  તો બધાંને જેલ થશે. ગામમાં ‘ચાડિયા’ની કંઈ કમી નથી.

વડીલોએ કહ્યું, “તિઆડીને બોલાવો.” તેના વગર આટલું મોટું કામ પર નહીં પડે. જગુ તિઆડીને કહેણ મોકલ્યું; પણ તિઆડીએ આવવાની ના પાડી. તે એક જ જીદ લઈને બેઠો. કહ્યું – “પાપગર્ભ લઈને મરી છે. હું તેને નહીં અડું. અ-સતી અને દુરાચારિણીને ખભો નહીં આપું.” બધા આડાઅવળા થઈ ગયા. જગુ તો અચળ, અટળ હતો.

છેલ્લે ગામના ઘરડાં ઘરડાં વડીલોએ ખૂબ આગ્રહ કર્યો, ત્યારે જગુ મડદું ઉપાડવા તૈયાર થયો; પણ પાંચ રૂપિયા નહીં મળે તો એટલું મોટું પાપકર્મ નહીં કરે, ચોખ્ખું કહી દીધું.

જટિઆ મા ડોસીના ઘરમાંથી વાળી ઝૂડીને જે મળ્યું એમાંથી લાકડાં, કેરોસીન, માટલી વગેરે સામાન માંડ માંડ આવ્યો. છેલ્લે વાતનો અંત આવ્યો જયારે નક્કી થયું કે વહુની નાકની સોનાની ચૂંક જગુ તિઆડી ભલે લઈ જાય.

જગુએ ખુશ થઈ ઠાઠડીને ખાંધ દીધી – “ રામ નામ સત્ય હે.”

સ્મશાનનું મેદાન… ભીનું ગંદું. માટલા, લાકડાં, માણસની ખોપરી, સુપડા, રાખના ઢગલે ઢગલાં. ચારેબાજુ આવતી ભયંકર આમીષ દુર્ગંધ.

‘પથ શ્રાધ’ પત્યું. જગુ તિઆડી મોટી ચિતા તૈયાર કરી. પછી મડદું લઈ લાકડાંના ઢગલાં પર ચત્તું સુવાડી તેના મોં પરથી કપડું ખેંચી કાઢ્યું.

ચૂંક તોલો ભાર સોનાની  હશે. ફાનસના અજવાળાંમાં જગુએ જોયું ચૂંક મડદાના મોં પર ચળકે છે.

વાદળાં વિખેરાઈને ચાંદો ધીમે ધીમે બહાર આવ્યો, મડદાનાં ધોળા ફીકા ચહેરા પર ચાંદના અજવાળાની  આછી છાયા પડી.

સાથીદારોએ કહ્યું, “જલદી કામ પતાવ. પોલીસ આવશે તો બાજી બગડી જશે.”

જગુએ ચૂંક કાઢવા હાથ લંબાવ્યો. તેણે જોયું નાનકડી વહુના ફીકું મોં કરમાયેલા કમળ જેવું લાગે છે. મોં ચારે બાજુથી કાળા કાળા વાંકડિયા વાળથી ઘેરાયેલું, જાણે આકાશના ચાંદા પાછળ કાળા વાદળની ઘેરી છાયા જોઈ લો.

જગુએ હાથ પાછો ખેંચી લીધો. પછી તેને આકાશમાં ફીકા ચાંદા સામે જોયું.

આમ તો જગુએ ઘણાં મડદા બળ્યા છે; પણ ક્યારેય તેના મનમાં આવી ગડમથલ નથી થઈ. નાના સરખા સુંદર મોં પરથી ચૂંક કાઢી મોંને અસુંદર બનાવાનું જગુને ગમ્યું નહીં. વહુના નાક પર ચૂંક ખૂબ શોભતી હતી. તે આ નારી વિશે કંઈ કેટલીયે વાતો વિચારવા લાગ્યો,

‘થોડા દિવસ પછી આ વહુ મા બનત. કદાચ કેટલું કંઈ એ કરી શકત પણ, કંઈ બની શકી નહીં. એક ફૂલ એની કોખમાં ઊગી રહ્યું હતું પણ એને મારીને પોતાનેય મરવું પડ્યું, આમાં વાંક કોનો?’

ચાંદાના આછાં અજવાળાંમાં નિસ્તબ્ધ સ્મશાનની નગ્ન છાતી પર સુતી છે એક નારી, સાવ એકાકી! ખરેખર તે સાવ એકલી, ખાલી…! આમ જુઓ તો આજે જ નહીં, આખી જિંદગી તે આમ જ એકલી હતી.

જગુ તિઆડી તેને ધારીધારીને જોતો હતો. આવી એકલવાઈ, એકધારી, થકવી નાખનારી, જિંદગીને જરી બદલી, તે માણવા ગઈ અને આ રીતે સ્મશાનમાં મડદું બની આવવું પડ્યું. કોણ જાણે કેમ પણ, વહુના ફિક્કા મોં પર લાંબું જીવવાની લાલસા તેને દેખાઈ.

જગુને મોડું કરતો જોઈ બીજા સાથી ડાઘુઓ ચીડાયા. તેમણે ધમકી આપી, “તું આવી રીતે મોડું કરીશ તો અમે મડદું છોડી જતા રહીશું.. પોલીસ આવશે તો કોણ જવાબદારી લેશે? લે… તારી ચૂંક કાઢી લે. નહીંતર અમે બાળી નાખીશું. ચૂંક લેવા માટે તો મરતો હતો, હવે કેમ પાછો પડે છે? “

જગુ તિઆડી આ એને માટે પણ અજાણી એવા વિચારોની જાળમાંથી બહાર આવ્યો. તેને લાગ્યું કે બધાં સામે આવું કહીને એ નબળો લાગશે અને એને શરમ આવી ગઈ. પછી પોતાની નબળાઈ છૂપાવવા બોલ્યો – “છી! છી! આવા મુર્દાની ચૂંક હું મારા ઘરમાં ક્યાં ઘાલું? એક  તો પાપનું હમેલ…”

સાથી ડાઘુઓએ કહ્યું, “ઠીક છે તારે નથી જોઈતું ને? અમે સળગાવીએ છીએ.”

જગુએ બેધ્યાનપણે કહ્યું- “હા, હા. સળગાવી દો. બરાબર સળગાવી દો. બધું બળીને ખાખ થઈ જાયને, એવી રીતે સળગાવી દો.”

ને, ભડભડ ચિતા સળગવા લાગી. આગની લપલપ થતી જીભ જાણે એક ક્ષણમાં બધું ઓહિયા કરી જશે. વહુનું ઉજળું માંસલ શરીર આગમાં શેકાઈને કાળું મેશ થઈ ગયું, તે પછી ફોડલાં થઈ તેમાંથી ચામડીનાં પડ નીકળવા લાગ્યાં.

દૂર ઝાડીમાં ગીધ અને કૂકડાનું ટોળું બેઠું હતું. ઘણે દૂર ડાંગરના ખેતરની પેલે પરથી ભૂખ્યા શિયાળની કાન ફાડી નાખે તેવી લાળી સંભળાતી હતી. ગંધાતા – અંધારા – હાડકાં, રાખ, અંગારા. ચિતામાંથી એક પ્રકારની સડેલી બળવાની દુર્ગંધ હવામાં ફેલાઈ ગઈ.

સાથી ભાઈઓએ જગુને કહ્યું- “સારું થયું તે પાપી, વ્યભિચારિણીના ઘરેણાં તારા બાલબચ્ચાંવાળા ઘરમાં ન ઘાલ્યા. નહિતર અમંગળ થાત. જોયું નહિ કેવી કમોતે મરી? કુમળા ફૂલ જેવા, પેટના જણ્યાને મારવા નીકળી હતી, પછી મરવું જ પડેને? ધરમ જેવું અને ન્યાય જેવુંય કંઈ હોય કે નહીં?

જગુ તિઆડીએ બળતી રાખ પર નજર  ફેરવી, અને, અચાનક જ શું થયું કે, જગુ એકદમ જ ચિડાઈને બોલ્યો – “રહેવા દો, કોઈનો ન્યાય કરવાનું રહેવા દો! આપણે કોણ આવ્યાં કોઈનોયે ન્યાય કરનારા? માણસ કદી માણસને સમજી શકે છે ખરો?”

અને, પછી એક બાજુ જઈને, જગુ તિઆડી નિસ્તબ્ધ, નિઃશબ્દ ઊભોઊભો, તે શરીરને એક ભૂલને કારણે રાખ થતાં જોઈ રહ્યો.
****
લેખકનો પરિચયઃ  સચિદાનંદ રાઉતરાય( ૧૯૧૬ – ૨૦૦૪ ) – જન્મસ્થળ: ખોર્ધા, ઓડિશા. વાર્તાકાર, કવિ, નવલકથાકાર, અનુવાદક, વિવેચક. કૃતિ: વાર્તાસંગ્રહ:  માંકડ ઓ અન્યાન્ય ગળ્પ, નૂતન ગળ્પ, મશાણીર ફૂલ, મટિર તાજ, છાઈ, વગેરે. કવિતાસંગ્રહ: રક્ત શિખા, સ્વગત, હસંત, કબિતા (૧૯૭૦, ૧૯૭૧, ૧૯૭૪) વગેરે. નવલકથા: ચિત્રગ્રીબ, વગેરે. સન્માન અને પુરસ્કાર: જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૮૬), મહાકવિ ઉપાધિ.

આપનો પ્રતિભાવ આપો..