ઉપર ગગન નીચે ધરતી (લઘુનવલ) ~ આશા વીરેન્દ્ર ~ પ્રકરણ:5 (12માંથી)
આભાથી પોતાના આંસુ છુપાવવા સુધાંશુભાઈ ઊઠીને બાલ્કનીમાં જઈને ઊભા. આભા પાણીનો ગ્લાસ લઈને આવી. ‘પપ્પાજી, આઈ એમ વેરી સૉરી. આ રીતે તમારા રુઝાવા આવેલા ઘા ખોતરવાનો મને કોઈ અધિકાર નથી ને મારો એવો કોઈ આશય પણ નથી. છતાં મારે માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે મમ્મીએ આમ શા માટે કર્યું?
આ એક જ કડી મળી જાય તો ભૂતકાળ અને વર્તમાન વચ્ચે અનુસંધાન થઈ શકે, પણ તમારું મન દુભાવીને મારે એવું નથી કરવું. તમારે મારા બધા પ્રશ્નોના જવાબ આપવા જરૂરી નથી. આ તો મને એમ કે…’ બોલતાં બોલતાં એનો અવાજ તરડાવા લાગ્યો.
‘ના ના, એવું જરાય નથી. સાચું માનીશ? તને આ બધું કહીને મારી પીડાનો બોજ કંઈક હળવો થતો હોય એવું લાગે છે. ખૂબ બધો સામાન લઈને કોઈ મુસાફરીએ નીકળ્યું તો હોય પણ પછી એ સામાનનો બોજો પોતાનાથી જ ઊંચકાતો ન હોય એવા વખતે કોઈ કહે કે લાવો, થોડું હું ઉપાડવા લાગું – ત્યારે પેલા મુસાફરને જેવી રાહત થાય એવી મને તારી સાથે વાત કરીને મળે છે.
આ ભારેખમ પોટલું અત્યાર સુધી મારે માથે જ હતું. હવે એમાં ભાગ પડાવીને ઘડીક તું એ તારે માથે લે છે ત્યારે મને થાય છે કે મારું દુ:ખ ઉછીનું લેવાવાળું કોઈ તો છે!’ આભા અનિમેષ નયને આ લાગણીથી ભર્યા ભર્યા માણસને જોઈ રહી.
***
વિશાખા તીરછી નજરે નીલેશ સામે જોઈ રહી. હાથમાંનું મેગેઝિન ટીપાઈ પર મૂકીને તાળી પાડતાં બોલી, ‘નીલેશ, કહેવું પડે હં! બહુ હો તો ઐસી. આપણે તો ભઈ માની ગયાં. શાબાશ.’ વિશાખાનું તીર કોની સામે તકાયેલું છે એ ન સમજાતાં નીલેશ કંઈક જાણવાની જિજ્ઞાસાથી એની તરફ જોઈ રહ્યો.
ટીપાઈ પર પડેલી દ્રાક્ષ લઈને મોંમાં મૂકતાં એ બોલી, ‘એવી કહેવત છે ને કે,’ પુત્રનાં લક્ષણ પારણાંમાંથી અને વહુનાં લક્ષણ બારણાંમાંથી’ એ એકદમ સાચી છે. આભાવહુએ શ્રી સુધાંશુભાઈનાં બારણાંમાં હજી તો પગ મૂક્યો જ છે ત્યાં પોતાનાં લક્ષણ બતાવવા માંડ્યાં’
વ્યંગમાં બોલતી હોય ત્યારે એનો અવાજ તીણો અને કર્કશ થઈ જતો. આવે વખતે નીલેશ બહુ અકળાઈ જતો, પણ પૈસા કમાઈને ઘર ચલાવતી પત્ની સામે કશું ન બોલી શકવાની એની મજબૂરી હતી. હવે વાતને ગોળ ગોળ ઘૂમાવવાને બદલે એ કંઈ ફોડ પાડે તો આ અણગમતી પરિસ્થિતિમાંથી છૂટકારો મળે એમ વિચારી એણે પૂછ્યું,
‘કેમ, શું થયું?’
’શું થયું એટલે? શી ઈઝ વેરી સ્માર્ટ નીલેશ. તારા પપ્પાને અને એમની પ્રોપર્ટીને કેવી રીતે પોતાની મુઠ્ઠીમાં કરી લેવાં એ પોતાને પિયરથી શીખીને આવી છે.’
સોફા પરથી ઊઠીને આમથી તેમ આંટા મારતી વિશાખા અત્યારે વિફરેલી વાઘણ જેવી લાગતી હતી. હવે એની ધડ-માથા વગરની વાતો સાંભળવાનો નીલેશને કંટાળો આવતો હતો.
‘તું સીધેસીધી વાત કરે તો સમજ પડે કે શું બન્યું છે તે તું આમ ઉશ્કેરાઈ ગઈ છે?’
‘વાત સીધી હોય તો સીધી રીતે કહુંને?’ચૂંચી આંખ કરીને એણે નીલેશ સામે જોતાં રહસ્યસ્ફોટ કર્યો.’ પ્રશાંતની ઈચ્છા વિરુધ્ધ જઈને પણ આભા મમ્મીને ઘરે લઈ આવવા માગે છે. ઈઝંટ ઈટ ગ્રેટ?’
કાળા ઘનઘોર આકાશમાં એકાએક વીજળી ચમકી ઊઠે ને પ્રકાશ ફેલાઈ જાય એમ આ વાત સાંભળતાંની સાથે નીલેશની આંખોમાં ચમક આવી ગઈ.
‘એમ? આભા મમ્મીને લઈ આવવાનું વિચારે છે? પણ એ મમ્મીને લઈ આવવા માગતી હોય એમાં પ્રોપર્ટીની વાત ક્યાંથી આવી એ જ મને સમજાતું નથી.’
‘તે તને ક્યાંથી સમજાય?’નીલેશને ઊભો ને ઊભો વેતરી નાખવો હોય એવું કાતિલ હસતાં એ બોલી, ‘એ સમજવા માટે ઈંટેલીજંસ જોઈએ. ચાલ, હુંતને સમજાવું. વિશાખા મમ્મીને લઈ આવે એ પપ્પાને તો ગમવાનું જ, એટલે ઓળઘોળ થઈને સસરાજી બધું એને સોંપી દેશે. ને એક વખત ડલ્લો હાથમાં આવે પછી કોણ સાસુ ને કોણ સસરા? આઈ બાત સમજ મેં?’
‘બસ, હવે બહુ થયું. ક્યારનો તારો બકવાસ સાંભળું છું પણ ઈનફ ઈઝ ઈનફ.’ કોઈ દિવસ પત્નીનું વેણ ઉથાપી ન શકનાર નીલેશ ક્રોધથી તમતમી ઊઠ્યો, ‘કોણ જાણે ક્યાંથી આવો કચરો ઉપાડી આવીને ઘરમાં ઠાલવે છે?’
‘ક્યાંથી તે મારા નાના દિયરિયા અને તારા લાડકાભાઈનાં મોઢે સાંભળીને આવી છું કે, આભાને સાસુમાને લઈ આવવાનો બહુ ઉમળકો જાગી ઊઠ્યો છે.’
***
‘આજના મટિરિયાલિસ્ટીક અને સેલ્ફ સેંટર્ડ જમાનામાં એક નવી પરણેલી યુવતી પોતાની માનસિક રીતે અસ્થિર સાસુને સાજી કરવા તૈયાર થાય એ મારા તો માનવામાં નથી આવતું.’ એ.સી. કેબીનમાં રિવોલ્વીંગ ચેર ઘૂમાવતાં ડૉ. વોરાએ કહ્યું, ‘આઈ એમ પ્રાઉડ ઓફ યુ આભા.’
‘હું કોઈને માટે કશું કરું છું એવું નથી ડૉક્ટર, હું જે કંઈ કરવા માગું છું એ મારા પોતાના સંતોષ માટે, મારી પોતાની જરૂરિયાત માટે જ. તણખલું તણખલું કરીને જે માળો પોતાના હાથે બાંધ્યો એનાં કેન્દ્રસ્થાનેથી ફંગોળાઈને પરિઘની બહાર જઈ પડેલી આ સ્ત્રીને ફરીથી એનું સ્થાન અપાવી શકું તો જીવનમાં એક કરવા જેવું કાર્ય કર્યાનો સંતોષ મેળવી શકીશ. ડૉ.,પ્લીઝ હેલ્પ મી ઈન માય મિશન.’
ટેબલ પર મૂકેલો આભાનો હાથ સ્નેહપૂર્વક થપથપાવતાં ડૉક્ટરે કહ્યું, ‘ઈટ વીલ બી માય પ્લેઝર આભા, આફ્ટર ઓલ, યુ વર માય ફેવરી ટસ્ટુડંટ.’
‘થેંકયુ ડૉક્ટર, થેંકયુ વેરી મચ.’ આભાએ પોતાની ભીની આંખો લૂછી.
‘પણ આભા, આમાં ઉતાવળ જરા પણ નહીં થઈ શકે. આ કેસ બહુ ડેલિકેટ અને કોમ્પલીકેટેડછે. એને બહુ ધીરજથી હેન્ડલ કરવો પડશે. મારે પહેલા તો નીતા આંટીનો કેસ ઝીણવટથી સ્ટડી કરવો પડશે.’
‘કશો વાંધો નહીં ડૉક્ટર, જ્યાં એમણે આટલાં વર્ષો આ ચાર દીવાલો વચ્ચે કાઢ્યાં છે ત્યાં થોડાં વધુ. તમે કહેશો એ પ્રમાણે બધું કરવા હું તૈયાર છું.’
‘હમણાં તો ફક્ત એટલું જ કે, તારે એકાંતરે અહીં આવતાં રહેવાનું અને કંઈકને કંઈક એમને ગમતું કરતાં રહેવાનું. એમનાં દિલ સુધી પહોંચવાનો રસ્તો તારે બનાવવો પડશે. નો ડાઉટ, ઈટ ઈઝ ડિફીકલ્ટ બટ નોટ ઈમ્પોસિબલ.’
આત્મવિશ્વાસથી ભર્યુંભર્યું સ્મિત કરતાં આભા ઊભી થઈ.
‘મને ખબર છે ડૉક્ટર, કે પોતાની આસપાસ એમણે રચેલ કિલ્લાની એકએક કાંગરી ખેરવતાં મને કેટલી મુશ્કેલી પડવાની છે, પણ એમાં જરૂર સફળતા મળશે એવો મને વિશ્વાસ છે. જો એવું ન હોત તો બરાબર અત્યારે ઓચિંતા તમે મને અહીં મળો એવું બને ખરું? ઈટ્સ અ પોઝીટીવ સિગ્નલ ફોર મી.’ ડૉ. વોરાને પ્રણામ કરી આભા એમની કેબીનમાંથી બહાર નીકળી.
માનસિક રીતે અસ્થિર દર્દીઓ માટેની આ હૉસ્પિટલનો પરિસર ખૂબ શાંત અને રમણીય હતો. રંગબેરંગી ફૂલોથી શોભતો બગીચો, વચ્ચોવચ કલાત્મક ફૂવારો, બે વ્યક્તિ બેસી શકે એવા નાના નાના ઝૂલા અને થોડે થોડે અંતરે મૂકેલા બાકડાઓ.
અહીંથી સીધા ઘરે જવાને બદલે આભાને ઘડીક બાકડા પર બેસવાનું મન થયું. આજે અહીં અચાનક ડૉ.વોરાની મુલાકાત થવાથી પોતાની સમસ્યા અડધી હલ થઈ ગઈ હોય એવી નિરાંત એ અનુભવી રહી હતી. ચંપલ કાઢીને એ બાંકડા પર પલાંઠી વાળીને બેઠી.
‘એક્સક્યુઝ મી, હું અહીં બેસી શકું? ’અચાનક પૂછાયેલા સવાલે આભાને તંદ્રામાં થી બહાર કાઢી. એની સામે એક સોહામણો, ગૌર વર્ણનો યુવાન ઊભો હતો.
આભા એને જવાબ આપે એ પહેલાં એણે હસીને કહ્યું, ‘તમને થતું હશે કે, આટલી બધી ખાલી જગ્યા હોવા છતાં હું અહીં જ કેમ બેસવા માગું છું, રાઈટ? તમારા મનમાં અત્યારે આ જ પ્રશ્ન ચાલી રહ્યો છે ને?’
આભાને હસવું આવ્યું. આ જગ્યાએ મનની ભાષા ઉકેલનાર ન મળે તો બીજે ક્યાં મળે? એણે હસીને સહેજ ખસતાં પોતાની પાસેની જગ્યા બતાવી પેલાને બેસવાનું કહેવા સાથે કહ્યું, ‘યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ.’
યુવક જાણે કારણ વગર હસતો હોય એમ હો હો કરતો હસવા લાગ્યો. ‘હું તમારી પાસે બેસવા માગું છું કેમકે, મારે કોઈ સાથે વાત કરવી છે.’
આભાએ કહ્યું, ‘પ્લીઝ, બેસો. મને પણ તમારી સાથે વાત કરવી ગમશે.’ દૂર દૂર નજર કરતાં એ બોલ્યો, ‘આમ તો જો કે, મારી પાસે વાત કરવા માટે કોઈ ટૉપિક નથી, પણ તેથી શું? બે જણ એકબીજાની બાજુમાં ચૂપચાપ ન બેસી શકે?’
આટલું કહીને એ ફરીથી જોરથી હસ્યો. હવે આભાને કંઈક વિચિત્ર લાગવા માંડ્યું. જાણે વાત કરવા ખાતર કરતી હોય એમ એણે પૂછ્યું, ‘તમે અહીં શું કરો છો?’
‘આમ જુઓ તો હું કંઈ નથી કરતો પણ આમ પાછો હું આઈ. આઈ. ટી. ગ્રેજ્યુએટ છું અને તે પણ પાછો ગોલ્ડ મેડલિસ્ટ.’એણે નીચે ઊગેલું ઘાસ જોરથી ખેંચી કાઢ્યું અને એની ઝીણી ઝીણી કટકી કરીને ચારે બાજુ ઉડાડતાં કહ્યું, ‘આ ઘાસનાં તણખલાની કેટલી કિંમત? બસ, એટલી જ મારા મેડલની પણ છે.’
આ વાક્ય બોલતાંની સાથે એની આંખોમાં ઉદાસી ઊતરી આવી. કોણ જાણે કેમ પણ આભાને આ અજાણ્યા યુવક પ્રત્યે સહાનુભૂતિ થઈ આવી. એણે વાતમાં હળવાશ લાવવાના ઈરાદાથી કહ્યું, ‘ના ના, એવું કંઈ હોય?’
આભાના આ સવાલ સાથે સૌમ્ય લાગતો એ યુવક ભડકી ઊઠ્યો. પોતાની બેઠક પરથી ઊભો થઈ જઈને કહેવા લાગ્યો, ‘એવું જ છે મેડમ, તમને કંઈ ખબર નથી એટલે તમે આમ કહો છો. બાકી પૂછી જુઓ બધાને, કેટલી કિંમત છે મારા મેડલની કે પછી મારી? કોને કિંમત છે – મારાં મા-બાપને, ભાઈ- બહેનને કે પછી જેની ખાતર હું આખી દુનિયા છોડવા તૈયાર હતો એને?’
બોલતાં બોલતાં એની આંખો લાલચોળ થઈ ગઈ ને એ હવામાં મુઠ્ઠીઓ વીંઝવા લાગ્યો. આભાને ડર લાગ્યો, આવેશમાં આવીને એ કંઈ કરી બેસશે તો?
ત્યાં જ અંદરથી એક નર્સે આવીને એને માથે, એની પીઠ પર પ્રેમપૂર્વક હાથ પસવાર્યો કે તરત શાંત થઈને એણે આભાને સૉરી કહ્યું અને પાછું ફરીને જોયા વિના હૉસ્પિટલ તરફ જવા લાગ્યો.
આભાએ ડરી જઈને નર્સને કહ્યું, ‘આવા દર્દીઓને તમે છુટ્ટા કેમ મૂકો છો?’
નર્સે એની તરફ વેધક નજરે જોતાં કહ્યું, ’આવા એટલે કેવા? એણે તમને કંઈ નુકસાન કર્યું? તમને ઈજા પહોંચાડી?’
પછી અવાજમાં જરા નરમાશ લાવીને બોલી, ’તોફાની અને મારપીટ કરે એવા દર્દીઓને આમ એકલા ફરવા નથી દેતા. સવાર-સાંજ એમને બગીચામાં ફરવા લઈ આવીએ, પણ ત્યારે એમની સાથે કોઈને કોઈ તો હોય જ. આ…આકાશ નામ છે એનું ને ખરેખર આભને આંબી શકે એટલું કૌવત પણ એનામાં હતું, પણ આજે જુઓ છો ને એને? જો કે એનો આક્રોશ, એની ફરિયાદ એના પોતાના સુધી જ સીમિત છે. એણે કદી કોઈ પર હાથ નથી ઉપાડ્યો. પ્રેમનો ભૂખ્યો છે બિચારો. જે એને મળવાનું નથી એને માટે વલખાં મારે છે.’
ત્યાંથી ક્યારના જઈ ચૂકેલા આકાશની પીઠ હજીય દેખાતી હોય એમ નર્સ એ દિશામાં તાકી રહી. આઈ.આઈ.ટી.નો ગોલ્ડમેડલિસ્ટ યુવક અને અહીં માનસિક રોગીઓની હૉસ્પિટલમાં? એવું તે શું બન્યું હશે એનાં જીવનમાં? મનમાં કંઈ કેટલાય સવાલો લઈ આભાએ ઘર ભણી જવા પગ ઉપાડ્યા.
(ક્રમશ:)