|

ગરબા-ગીત સ્પર્ધા પરિણામ ~ કુલ પાંચ ઇનામ ~ નિર્ણાયક: નયનાક્ષીબેન વૈદ્ય, યામિની વ્યાસ, સોનલ વ્યાસ

(ગરબા-ગીત સ્પર્ધામાં ૬૧ એન્ટ્રી આવી હતી. ઉત્સાહપૂર્વક અને આસ્થાપૂર્વક ભાગ લેવા બદલ સૌ શિબિરાર્થીઓ અને કવિમિત્રોનો હ્રદયપૂર્વક આભાર. ટૂંક સમયમાં લખવું અને એ પણ સારું લખવું અઘરું કામ છે. મોટા ભાગની એન્ટ્રીમાં ગુણવત્તા જળવાઈ છે, એનો વિશેષ આનંદ છે.

આદરણીય નયનાક્ષીબેન વૈદ્ય, યામિની વ્યાસ, સોનલ વ્યાસ – આ નિર્ણાયક સમિતિએ ખાસ્સો સમય આપ્યો, ચર્ચાઓ કરી અને નિર્ણય લીધો. નિર્ણાયકોનો અંત:કરણપૂર્વક આભાર.

એમના જ્ઞાનનો લાભ આપણને મળ્યો છે. એટલું જ નહિ સ્વરકાર સોનલબહેન વ્યાસે તો પાંચેય વિજેતાઓના પ્રારંભિક સ્વરાંકનો પણ તૈયાર કરી લીધા. આ નિષ્ઠાને નમન કરીએ છીએ.

આ સાથે પાંચેય વિજેતા કૃતિઓ અને તેમના બેઝિક સ્વરાંકનો મુકીએ છીએ. ર્વ વિજેતાઓને અભિનંદન. આ મહિનાના અંત પહેલા વિજેતાઓને રૂપિયા ૩૦૦૦/-, ૨૫૦૦/-, ૨૦૦૦/-, ૧૫૦૦/- અને ૧૦૦૦/- રૂપિયાનું ઇનામ ઓનલાઈન NEFTથી મોકલવામાં આવશે.

વિશેષ:  આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ પહેલો – બીજો ક્રમ નહિ, પણ કાવ્યતત્વ ધરાવતા ગરબા લખાય એ હતો. અમને આનંદ છે કે આ ઉદ્દેશ બર આવ્યો છે. – સંપાદક)
***

પહેલું ઇનામ:
૧. કંકુવરણો ~ ભાર્ગવી પંડ્યા

કંકુવરણો છે ઘુમ્મટ આકાશમાં,
આજ માના લોચનિયે ઉઘડ્યા છે નોરતાં.
હિલ્લોળતું આ યૌવન અહીં ચોકમાં,
આનંદ છે આસોના ઉતર્યા છે નોરતાં.
કંકુવરણો…

આરાસુરે મા અંબાનો પગરવ,
રૂમઝુમતી મા બિરદાળી બહુચર.
દુ:ખ હરવા આ નીસર્યા છે નોરતાં.
કંકુવરણો…

કેવું તેજ ઢોળાય અવની અંગે,
ઝળુહળુ દીવડા લઈ હાથમાં સંગે,
લાલચટક ચુંદડીમાં ચમક્યા છે નોરતાં.
કંકુવરણો…

માડી લેખ વિધિના આકારશે,
ભક્તિ થકી ભવસાગર સૌનો તારશે,
ઝાંખી કરી નયનોમાં છલક્યા છે નોરતાં.
કંકુવરણો…
——————–

બીજું ઇનામ:
વાદળોને કહી દો ~ સંધ્યા ભટ્ટ

વાદળોને કહી દો કે નોરતે ન આવે
વરસાદી રાતો, સખી કેમ કરી ફાવે ?

છૂટ્યાં સંસારકેરી ગાંઠમાંથી આજ
નર્તન ને કંઠને સથવારે સજું સાજ
રોજિંદો સ્વાદ મને સ્હેજ નહી ભાવે
વાદળોને કહી દો…

નોરતાએ પ્રગટી છે મનની મિરાત
સખીઓને કહેવી છે દિલની સૌ વાત
મેહુલાને કહી દો પરદેશ જૈ સિધાવે
વાદળોને કહી દો…

રંગ રંગ ભાત,આભલાનો ઝગમગાટ
હું તો જોઉં છું રોજ સખીઓની વાટ
વર્ષા ઓ રાણી ! મને આજ ના સતાવે
વાદળોને કહી દો…
——————–

ત્રીજું ઇનામ:
શ્યામ તમે આવો હવે
~ શૈલેષ પંડ્યા ‘નિશેષ’

મારી વાંસળીમાં પ્રગટયાં છે સૂર
શ્યામ તમે આવો હવે,
મારી આંખોમાં સપનાં ઘેઘૂર
શ્યામ તમે આવો હવે.

સુના તે મ્હેલ મારાં સુની મોલાત્યું
ને સૂની છે જમુનાની પાળ,
ઝુરે છે આંખડીને ઝુરે છે ચિતડું
‘ને ઝુરે કદમ્બ કેરી ડાળ,
હવે નયનોમાં… કે હવે નયનોમાં…
એ હવે નયનોમાં ઉમટ્યા છે
દરશનનાં પૂર
શ્યામ તમે આવો હવે..

ક્યાંક ખરે સૂરજ, કયાંક ખરે ચાંદલો
કયાંક મારા તનનો શણગાર,
કોણ ખાશે માખણ, કોણ ખાશે મિસરી
કોણ ખાશે કાંકરીનો માર,
દાણ માગે છે, હો દાણ માગે છે…..
હો..દાણ માગે છે પ્રીતડીનું રાધા ભરપૂર.
શ્યામ તમે આવો હવે.

આંખ મારી યમુનાને, મન મારું મોરલી,
દિલ છે દ્વારિકાની પાસ,
વાંસળીની જેમ હું તો અંગ છેદાવું
તમે ફૂંકો જો પ્રેમભીનો શ્વાસ,
નહીં આવો તો, કે નહીં આવો તો….
નહીં આવો તો કહેવાશો પથ્થરથી ક્રૂર
શ્યામ તમે આવો હવે.
——————–

ચોથું ઇનામ:
આવે નભથી શુભ ~ ડૉ ભૂમા વશી

આવે નભથી શુભ રણકાર
સુંદર સોહે તવ શણગાર
માત તમારો જય જય કાર.

આકાશેથી કંકુ વેરી
વાદળ કહેતા વારંવાર
આવો માતા ચરણ મૂકજો
સ્વાગત કરશું અનરાધાર
માત તમારો જય જય કાર.

શિવ તત્ત્વને કુખ દઈને
જન્મ દીધો’તો તવ શક્તિથી
ભક્તિભાવથી હ્રદય ઝૂમતા
સઘળાં ગાતા શ્રી ૐ કાર
માત તમારો જયજયકાર.

ઘાટ ઘડીને સ્નેહ સીંચીને,
વિધિવિધ શા આકાર દઈને,
ગરબે દીવડા પ્રગટાવીને,
નિરાકારને દ્યો અવતાર
માત તમારો જય જય કાર.
——————–

પાંચમું ઇનામ:
માના નોરતા આવ્યા
~ મિતા ગોર મેવાડા

સાખી:
ચાચરવાળી,ગબ્બરવાળી
મા આરાસુરવાળી
વાઘ ઉપર અસવારી તારી,
તું છે અષ્ટભુજાળી
માતા તું છે અષ્ટભુજાળી
શંખલપુરમાં બહુચર રૂપે,
પાવાગઢમાં કાળી
સૌ ભક્તોના દુઃખ હરનારી,
તું તો દીનદયાળી
માતા તું તો દીનદયાળી

ગરબો:
નોરતાં આવ્યાં માનાં નોરતાં આવ્યાં
અંબા તે માનાં નોરતાં આવ્યાં
ઓરતાં જાગ્યાં મારા ઓરતાં જાગ્યાં
ભીતર સુતેલાં ઓરતાં જાગ્યાં

શેરીઓ વળાવી અને મોતીડાં વેરાવ્યાં
ટોડલે ટોડલે દીવડા પ્રગટાવ્યા
ગરબા કોરાવ્યા માના ગરબા કોરાવ્યા
સોના, રૂપાના ગરબા કોરાવ્યા
નોરતાં…

આસમાની ઓઢણીમાં આભલાં જડાવ્યાં
કમખામાં નાચંતા મોર ચિતરાવ્યા
ગજરા ગુંથાવ્યા માના ગજરા ગુંથાવ્યા
મોગરા, ગુલાબના ગજરા ગુંથાવ્યા
નોરતાં…

રૂમઝૂમતાં પગલે માડી આંગણે પધાર્યા
ચારે દિશાઓમાં અજવાળાં છાયાં
આંગણાં શોભાવ્યાં મારા આંગણાં શોભાવ્યાં
ગરબે ઘૂમીને માએ આંગણાં શોભાવ્યાં
નોરતાં…

***

આપનો પ્રતિભાવ આપો..