“તરહી” નયનાંજલિ (ભાગ-૨) ~ નયન દેસાઈની પંક્તિ આધારિત મુક્તક-ગઝલ ~ રચના: પ્રણવ જોશી ‘બેખુદ | ઉત્તમ પંચાલ | ડૉ. અર્ચના પટેલ | પૃથા મહેતા સોની  

(ભાગ-૨) ~ ચાર ગઝલ
નોંધ: અન્ડરલાઈન કરેલી પંક્તિ કવિ નયન દેસાઈની છે. 

ક્રમ: 9.

*ઘરની તમામ ભીંત પર વનવાસની કથા,
નભની તમામ ચીજ પર અજવાસની કથા.

છોડી ગયા મને રઝળતો, પથ વચાળ એ
મારી લખી હતી તમે સંન્યાસની કથા

દિલથી કરી ખરી મમતની શોધખોળ મેં
ભીતર પડી રહી પરમ પડતાલની કથા

ભગવાનની ઉમ્મીદ છોડી માંગતા રહ્યા
છેડી રહીશ હું પ્રભુ કરતાલની કથા

ઝાકળ હતી ઠરી પ્રભાતે કેમ પાંપણે
સપના રડી કરી ગયા મધરાતની કથા

ખીલ્યા નહીં ખર્યા નહીં કોઈ જ બાગમાં
કાંટા કદી ન જાણતા જઝબાતની કથા

આપ્યો ન કોઈએ સહારો વ્હાલથી કદી
ખાલી મકાન બોલશે વસવાટની કથા

બાકી રહી ગયા હતા છેલ્લે શરીરમાં
આ શ્વાસમાં હતી ઘણા ઉછ્શ્વાસની કથા

થાકી ઘણી હતી સતત આ જિંદગી ખરી
જો થાય તો લખો જરા નવરાશની કથા

ચોરી ગયા જીગર ખરેખર એક વારમાં
મારા શત્રુ થકી મળી હળવાશની કથા

મારો ઉઠી ગયો જનાજો એ જ કાંધ પર
જેણે જ ખુદ કરી હતી મુજ નાશની કથા

“બેખુદ” નહીં મળે સલામી કોઈની હવે
દાટી કબર મહીં નરી રઘવાટની કથા

~ પ્રણવ જોશી ‘બેખુદ’ – અમદાવાદ
——————–

10.

*દૂર હોડી, ગીત ધીમું, સહેજ કૅમેરા ફરે,
ચાંદનીમાં કોક બે જણ, પ્રેમના ફેરા ફરે.

આ જમાનામાં અહીં ભગવાનને પણ જપ નથી,
જ્યાં મનુષ્યો ફેરવે ત્યાં એમના ડેરા ફરે.

સત્ય આજે જૂઠ સામે મૌન છે એ રીતથી,
જેમ નેતાઓની સામે બોબડા – બહેરા ફરે.

પ્રેમ છે પણ તોય તું સ્વીકાર જો કરતી નથી,
તો નયન આ મારા ચહેરે કેમ છાનેરા ફરે?

~ ઉત્તમ પંચાલ
——————–

11.

ક્યાંકથી  ટહુકો  આવે છે, ક્યાંકથી સરગમ આવે છે,
*ક્યાંકથી પંખી આવે છે, ક્યાંકથી પગરવ આવે છે.

ક્યાંકથી દ્રશ્યો આવે છે, ક્યાંકથી  સપના  આવે  છે,
ક્યાંકથી  હૈયું  આવે છે, ક્યાંકથી  રમઝટ  આવે  છે.

ક્યાંકથી દરિયા આવે છે, ક્યાંકથી  રસ્તો  આવે  છે,
ક્યાંકથી મૃગજળ આવે છે,  ક્યાંકથી સરહદ  આવે  છે.

ક્યાંકથી  શબ્દો  આવે છે, ક્યાંકથી  અર્થો  આવે  છે,
ક્યાંકથી તોરણ આવે છે, ક્યાંકથી અવસર આવે છે.

ક્યાંકથી  શ્વાસો આવે છે, ક્યાંકથી અફવા  આવે  છે,
ક્યાંકથી  શ્રદ્ધા  આવે  છે, ક્યાંકથી  હરહર  આવે  છે.

~ ડૉ. અર્ચના પટેલ
——————-

12.

*હું નથી તો કેમ પડછાયો લઈ કેડે ફરે છે?
એકડાને ઘૂંટવાથી શૂન્ય પાછું ક્યાં મળે છે?

ના નરમ સ્મિત કે પછી સપનાં હશે ના કલ્પના
એ નકી ગમતાં હશે તારણ-તને જે છેતરે છે!

કૈંક મૌસમ આવજા કરતી રહી જેની તરફ
પાન ઊગ્યાં છે જ નહીં – એ ઝાડ પરથી શું ખરે છે?

સાવ વાંકો ચૂંક જેવો ચૂભતો મારો સમય
ગોળ ક્યાં છે ચાંદ જેવો? લોક અમથાં ક્હે- ફરે છે!

ધ્યાન કરવા ચેતના એકાંતમાં જઈ બેસતી
કોણ આવી સાવ પાસે કાન એનો આમળે છે?

ચૂપ રહે તે ફાવશે- શું હોડ લાગી લોકમાં!
ને ગઝલના દેશમાંયે કોણ કોને સાંભળે છે ?

~ પૃથા મહેતા સોની  

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..