“તરહી” નયનાંજલિ (ભાગ-૧) ~ નયન દેસાઈની પંક્તિ આધારિત મુક્તક-ગઝલ ~ રચના: વિવિધ કવિઓ દ્વારા
તરહી પંક્તિ- નયન દેસાઈ
અન્ડરલાઈન કરેલી પંક્તિ કવિ નયન દેસાઈની છે. ગઝલ શિબિરના શિબિરાર્થીઓ તથા કવિમિત્રોએ; એ પંક્તિ પર આધારિત નવાં મુક્તકો લખ્યાં છે, તે પ્રસ્તુત છે.નયનાંજલિ શ્રેણીની આગામી પોસ્ટ્સમાં ગઝલો પણ મુકવામાં આવશે.
માત્ર દસ દિવસના ગાળામાં ૨૫થી વધુ કવિઓએ નવી રચનાઓ લખી એ ખરેખર પ્રશંસનીય કૃતિકર્મ છે. આશા છે આ રીતે એક ઉમદા કવિને અંજલિ આપવાનો સૌનો સહિયારો પ્રયાસ સાહિત્ય રસિકોને ગમશે.
1.
*બ્હારથી હું ઝળહળું છું, ભીતરે ભડકે બળું છું
જે થયું નુકશાન એને યાદ કરતાં ટળવળું છું.
કઈ રીતે ભૂલી શકું હું એ તબાહીના દિવસને
કેટલાં વર્ષો વીત્યાં તોપણ હજી હું ખળભળું છું.
~ જય સુરેશભાઈ દાવડા
2.
તાપથી અકળાય ને શેકાય, પરસેવે ઝરે છે.
*હું નથી તો કેમ પડછાયો લઇ કેડે ફરે છે?
દોષ બીજાના તો હરખીને ગણાવે છે સતત જે,
જોઈ મોકો એને એના લોક આયનો ધરે છે.
~ કાવ્યાલ્પ – અલ્પા વસા
૩.
નભમાં તારાની જાળ ગૂંથાતી ગઈ,
મખમલી છાપ જાણે ફેલાતી ગઈ.
એક કાતર ખુલી રાતની જયારથી,
*સાંજ પણ વસ્ત્ર માફક ચીરાતી ગઈ.
~ ડૉ. સેજલ દેસાઈ – સુરત
4.
*હું જ મારું નામ -સરનામું નહી આપી શકું,
એટલું પણ ક્યાં થયું છે નામ કે છાપી શકું.
પ્રાર્થના હું બસ કરું છું એટલી મારા પ્રભુ,
બળ મને તું આપજે હું નામને સ્થાપી શકું.
~ જીગ્નેશ ક્રિસ્ટી “સંગત”
5.
કલમથી કલાકારી કરવા ગયા
*ઘણીવાર એકાંત લખવા ગયા
હૃદયથી ન પહોંચી જે અધરો સુધી
હકીકત એ પાને ચીતરવા ગયા.
~ તૃપ્તિ ભાટકર
6.
*એ મળ્યો તો એની આંખોની ઉદાસી જોઈ મેં
ત્યાં સુધી મારી જ ગાથા યાતનાની જોઈ મેં
જાણતો ન્હોતો કે પરમાત્મા મને ચાહે બહુ
એટલે તો મારા દિલમાં ન્હોતી ભક્તિ જોઈ મેં
~ ગિરીશ દાણી
ત્રણ મુક્તક ~ કોકિલા ગડા ‘કોકી’
7.1
*ઘણીવાર એકાંત લખવા ગયા,
મરમ મૌનનો એમ કળવા ગયા,
સમંદર હતો ભીતરે ગર્જતો,
કલમના તરાપાથી તરવા ગયા.
7.2
*ઘરની તમામ ભીંત પર વનવાસની કથા,
પરખાય છે વિરહ પછી સહવાસની કથા,
અંધાર પણ ચૂપચાપ લ્યો સાંભળતો ધ્યાનથી,
નાનો દીપક કહી રહ્યો અજવાસની કથા.
7.3
*હું જ મારું નામ સરનામું નહીં આપી શકું,
હાથમાં લઈ માપણું ખુદને નહીં માપી શકું,
લાગણીની સોયથી સાંધેલ સંબંધો હવે,
વ્હેમની બુઠ્ઠી જ કાતરથી નહીં કાપી શકું.
બે મુક્તક ~ સંજય રાવ, વડોદરા
8.1
થઈને ફરિયાદી પછી મુજ પર હું આરોપો ઘડું છું,
ને પછી ખુદને જ મળવા માટે ભીતર ઊતરું છું.
સઘળાં વિવાદો ને વિષાદોની ઉપર રાખ વાળે,
*કેટલાં વર્ષો વીત્યાં તોપણ હજી હું ખળભળું છું.*
8.2
કોઈ ઉદાસી દિનભર છવાતી ગઈ.
*સાંજ પણ વસ્ત્ર માફક ચીરાતી ગઈ.*
માંડ પિંજરથી છટકીને ચકલી પછી,
પારધીઓની વચ્ચે ફસાતી ગઈ.
(ક્રમશ:)