રૂદેશાઈમ આઇમ રાહીનના વિવિધ મ્યુઝિયમો ને કેસલ્સનો રસિક ઈતિહાસ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:13 ~ ઉત્કર્ષ મઝુમદાર
અમારી ક્રુઝ પાછી સેન્ટ ગોર તરફ જવા ઉપડી ને અમે ઉપર ખુલ્લા ડેક પર અમારી જગા પર જઈને અડીંગો જમાવીને બેઠા ને થોડીવારે હીનાએ પૂછયું, “અહીંયા જોવા જેવું શું હતું, જે આપણે જોયું નહિ?”
જવાબના મેં કહ્યું “ઘણી બધી વસ્તુઓ. જેમ કે સીગફ્રાઇડ મિકેનિકલ મ્યુઝિક કેબિનેટ, ફર્સ્ટ જર્મન મ્યુઝિમ ઓફ મ્યુઝિકેલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ.

અહીંયા તમે સાડા ત્રણસોથી વધારે મિકેનિકલ મ્યુઝિકેલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈ શકો એટલું જ નહિ એને વાગતા સાંભળી પણ શકો.
સીગફ્રાઇડ વેન્ડેલ નામના કારીગરે આ બધા વાજિંત્રો બનાવેલા અને એનું નામ આ મ્યુઝિયમને આપવામાં આવ્યું છે. એક ગલીમાં પંદરમી સદીના એક નાઈટ એટલે કે સુભટના ઘરને મ્યુઝિયમમાં પરિવર્તિત કરાયું છે. એની સાથે સંકળાયેલી વર્કશોપ હજી પણ કાર્યરત છે.
છીકણીની ડાબલીમાં રખાયેલું એક ગાતાં પક્ષીથી લઈને ગાયકો, વાદ્યકારો, નૃત્યકારોનો સમાવેશ કરતુ એક વિશાળ સંગીતવૃંદ પણ છે. આની મુલાકાત લેવી એ અનુપમ લ્હાવો છે.”
સરસ જોવાનું રહી ગયું એ દુઃખ સાથે એણે કહ્યું, “તો ઉત્કર્ષ, તારે પહેલા કહેવું જોઈતું હતું ને. તો આપણે એ જોઈએ લેત ને?”
મેં ફોડ પાડતા કહ્યું, “કમનસીબે આ પિસ્તાલીસ મિનિટ્સની ટુર ફક્ત ગાઇડ સાથે જોઈ શકાય છે કારણ કે આ ગાઈડ બધા વાજિંત્રો વગાડીને સંભળાવે; પણ આનું પહેલેથી બુકીંગ કરાવવું પડે ને આજે એ ખુલ્લું ન હતું.” આ સાંભળી એણે નિસાસો નાખ્યો.
“એક બીજું મ્યુઝિયમ હતું – મેડીવલ ટોર્ચર મ્યુઝિયમ.”
બધા એકસાથે ચિત્કારી ઉઠ્યા, “શું ટોર્ચર મ્યુઝિયમ?”
“હા જી. આઘાત લાગ્યો ને? આવા મ્યુઝિયમ તો જર્મનીમાં ઠેકઠેકાણે છે. મધ્યકાલીન યુગમાં ટોર્ચર કરવાના વિવિધ પ્રકારના યંત્રોનો આવિષ્કાર થયેલો ને કથિત ગુનેગારો પર એની અજમાયેશ પણ નિયમિત રીતે જાહેર અને ખાનગીમાં થતી.
યાદ રહે આ બધું સત્તાવાર રીતે સરકારી તંત્ર દ્વારા થતું. આ મ્યુઝિયમમાં એ સાધનો અને એનો સમગ્ર ઇતિહાસ અને ‘વિચ હન્ટ’ એટલે કે સ્ત્રીઓને ડાકણ તરીકે ઠેરવી એમને કેવી રીતે બાળી મુકાતી તેનો ઇતિહાસ પણ સમાવાયો છે.”
સારું થયું આપણે એ જોવા ન ગયા.” હીનાએ કહ્યું. જોકે રોથનબર્ગમાં અમે એની મુલાકાત કરવાના હતા.
હિના તરફ મુખાતિબ થઈને મેં કહ્યું, “અને આ ત્રીજું મ્યુઝિયમ તારા માટે હતું – બ્રાન્ડી મ્યુઝિયમ. અસબાક બ્રાન્ડી મ્યુઝિયમ. આ ગામની આ વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડી ૧૮૯૨થી બની રહી છે. અસબાક એટલે ઉત્તમ તત્વનો સમાવેશ કરતો વાઈન. આનું નામ જ શ્રેષ્ઠતાની ઓળખ છે. ક્લાસીક અસબાક ઉરાલ્ટ બ્રાન્ડી જર્મન દારૂનું આગવું નામ છે.
યાદ રહે રૂદેશએમ માત્ર રોમેન્ટિક રાહીન માટે કે માત્ર બ્રાન્ડી માટે જ નહિ, આ ગામ મશહૂર છે એની કોફી માટે પણ. એબાક માટે આ કોફી તૈયાર કરી ઓગણીસસો પચાસના દાયકાના પ્રસિદ્ધ ટીવી પાકશાસ્ત્રી હાન્સ કાર્લ આદમે. એવું કહેવાય છે કે એની પીવાની અસલી મઝા રૂદેશ્યમ કોફી મગમાં આવે છે.
મગમાં 50 મીલીલીટર બ્રાન્ડી નાખી એમાં ત્રણ ખાંડના ગાંગડા ઉમેરો પછી દીવાસળીથી સળગાવો. ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી એને હલાવો. પછી ગરમ ગરમ કૉફીથી એને ભરી દો ને થોડું ક્રિમ નાખી અને ચોકલેટની કતરણો એમાં ભભરાવો ને પછી મારો એની ચુસ્કી. આ મઝા તમે એસ્પ્રેસો કે ઠંડી કોફી સાથે પણ લઇ શકો.
અસબાક એની મીન્ત્સ અને ક્રીમ મીન્ત્સ ચોકલેટ માટે પણ વિખ્યાત છે.”
“હિના આ માહિતી તારા જેવા વાઈનના શોખીનો માટે. બ્રોમશેરબર્ગમાં હજાર વર્ષ પહેલા બંધાયેલ કેસલ તેમ જ તેટલા જ વર્ષ જૂના વાઈન બનાવવાનો ઇતિહાસ રેહેન્ગઆઉ વાઈન મ્યુઝિયમમાં સંઘરી રાખવામાં આવ્યો છે.
મૂળ નાઈડરબર્ગ નામનો આ ચોરસ કેસલ રોમન વસાહત સમયે બંધાયેલ રોમન ટાવરની જગા પર બંધાયેલો છે. મધ્ય રાહીન પરનો આ જૂનામાં જૂનો કેસલ છે.
સમય જતા આ કેસલની માલિકી બ્રોમ્સર્સ કુટુંબ પાસે આવી એટલે બ્રોમ્સર્સબર્ગ નામ પડ્યું. આ કુટુંબ અહીં અહીંયા સદીઓ સુધી રહ્યું. પછી એમણે થોડેક દૂર એક બીજું મકાન બાંધ્યું ને ત્યાં રહેવા ગયા, જે મકાનમાં હાલ પેલું પ્રખ્યાત મિકેનિકલ મ્યુઝિક મ્યુઝિયમ આવેલું છે.
પેલું વાઈન મ્યુઝિયમ છે તેની માલિકી હાલ અહીંના નગર પાસે આવી ગઈ છે. કેસલના બગીચામાં લાકડાના અને લોઢાના દ્રાક્ષને પીલવાના સંચાઓ, બેરલ સિક્કે રખાયેલા છે જેમાંના કેટલાક તો સોળમી સદીના છે. અંદર બે હજાર જેટલા વાઇનને લગતા એક્ઝિબિટ્સ રખાયેલા છે. હાથ બનાવટના ઓજારોથી લઈને યાંત્રિક સાધનો સુદ્ધા અહીંયા મુકાયા છે.
વાઈન કેમ બને છે એ જ માત્ર નહીં પરંતુ એ કેવી રીતે રખાતો, અપાતો અને પીવાતો એના બધા વાસણો પણ રખાયા છે. વાઈન ટેસ્ટિંગ પણ તમે અહીં કરી શકો ને ખરીદી પણ શકો.
વાઈન અને બ્રાન્ડિય મ્યુઝિયમની આટલી બધી વાતો સાંભળી તેમાં એ પીવાની અમારી ઈચ્છા વધી ગઈ પણ અમે તૃષ્ણા પર કાબુ રાખ્યો કારણ કે આમેય ડિનર પહેલા તો અમે પીવાના જ હતા.
અમારી ફેરી સરકતી હતી. વાતાવરણ ખુશનુમા હતું. સહસા નિશ્ચિન્ત પૂછી બેઠી, “જર્મની મેં ઇતને સારે કેસલ્સ કયું હૈ? ઔર કિતને હૈં?”
પ્રશ્ન લાજિમ હતો કારણ કે અમે ક્રુઝમાં ઠગલાબંધ કેસલ્સ જોયા હતા. મેં ઈન્ટરનેટ પરથી પ્રાપ્ત કરેલી માહિતી મુજબ જવાબ આપવાનો પ્રયાસ કર્યો.
“જર્મનીમાં કુલ્લે વીસ હજાર કરતાં વધારે સાબૂત અને ભગ્નાવેશમાં આવેલા કેસલ્સ છે. મધ્યકાળમાં કેસલ્સ સત્તાનું પ્રતીક ગણાતા તેથી ઘણા ડ્યુક્સ, અર્લ્સ, બિશપ્સ ને રાજાઓએ કેસલ્સનું નિર્માણ કર્યું. રક્ષણ માટે તેમ જ વહીવટી કામ માટે એ બન્યા.
આ બધા કેસલ્સ જર્મનીમાં વ્યૂહાત્મક સ્થળે જેમ કે ડુંગરની ટોચે કે જળમાર્ગ આગળ વેપારમાર્ગોના રક્ષણ માટે ઊભા કરાયા. અલબત્ત એમના આકાર, રંગરૂપ સમય પ્રમાણે નોખા નોખા હતાં. નવા આવનાર માલિકો એમની ઈચ્છા પ્રમાણે એમાં ઉમેરો કરતા રહ્યા.”
નિશ્ચિંતની જિજ્ઞાસાની તુષ્ટિ થઇ ન હતી. તેણે પૂછ્યું, “પણ આ રાહીન નદીને કિનારે આટલા બધા કેસલ્સ શું કામ?”
“કમનસીબે વિવિધ કારણોસર આપણે ત્યાં નદીઓનો ઉપયોગ જોઈએ તેટલા પ્રમાણમાં થયો નથી. પરંતુ અહીંની નદીઓમાં તો બારેમાસ પાણી રહેતું તેથી નદીઓ યાતાયાતનો મોટો અને અગત્યનો માર્ગ હતો.
ઘણો બધો અને કિંમતી માલસામાન અહીંયાથી જતો આવતો. બધાને આની જાણ હતી. લૂંટારાઓ માટે તો આ આકડે મધ હતું. વેપારીઓને પોતાનો માલસામાન સૂખરૂપ એના ગંતવ્ય સ્થાને પહોંચે ત્યારે નિરાંત થાય, બાકી એમનો જીવ ઉચાટમાં જ હોય.
સરકારી તંત્ર તેથી એનો ખ્યાલ રાખતું કારણકે વેપાર વાણિજ્ય વિકસે. તો જ રાજ્યને આમદાની થાય ને તો જ વહીવટી ખર્ચાઓ નીકળે.
જહાજોને જળમાર્ગમાં ઘણે ઠેકાણે થોભવું પડે તેથી બંદરો વિકસવાયા અને જરુરી માળખું ઊભું કરાયું. ધીરે ધીરે અહીં લોકો વસવા લાગ્યા. ધનિક લોકોએ આવીને અહીં એમના મકાનો બાંધ્યા (કેસલ્સ). સલામત માર્ગ પૂરો પાડો તો લોકો તમને પૈસા ચુકવતા અચકાય નહિ.
આપણે પણ આજની તારીખમાં સલામત અને ઝડપથી જવા માટે ટોલ નાકા પર પૈસા ભરીએ છીએ જ ને! આમ આવકનો મોટો સ્ત્રોત ઉભો થવાથી વધુ ને વધુ કેસલ્સ બનતા ગયા.
આપણે આ રાહીન નદી પર ક્રુઝ લઇ રહ્યા છીએ ત્યારે આ નદી વિષે પણ થોડી જાણકારી આપી દઉં. આ યુરોપની મોટામાં મોટી નદીઓમાંની એક છે.
સેન્ટ્રલ અને પશ્ચિમ યુરોપની ડેન્યુબ પછીની બીજા નંબરની નદી જેની લંબાઈ છે ૧૨૩૦ કિલોમીટર. એનું મૂળ સ્વિત્ઝરલેન્ડમાં છે. ત્યાંથી જર્મનીમાં એક છેડે દાખલ થઇ બીજા છેડા સુધી જાય છે ને નેધરલેન્ડ જઈ ઉત્તરીય સમુદ્રમાં ભળે છે. આ નદીમાં બારે માસ પાણી હોય છે.
રોમન સમયથી આ નદી યાતાયાતનો માર્ગ રહી છે. હોલી રોમન એમ્પાયરના વખતમાં અગત્યનો જળમાર્ગ હતી જેથી બહુ બધા કેસલ્સ અહીં નિર્માણ પામ્યા ને આધુનિક યુગમાં આ કેસલસ જર્મન દેશાભિમાનનું પ્રતીક બની ગયા છે.
યુરોપના માલસામાનના પરિવહનનો મોટામાં મોટો જળમાર્ગ હોવાને કારણે અહીં પ્રદુષણ પણ બહુ વધી ગયું. ફેક્ટરીઓ પણ તેમનું ગંદું પાણી અહીં છોડતી. ઘરોનો કચરો પણ અહીંયા ઠલવાતો.
પરિસ્થિતિ એ હદ સુધી બગાડી કે મત્સ્યવેપાર ઠપ્પ થઇ ગયો. નદીમાં માછલીઓ હોય તો માછીમારી થાય ને? નદીનું પાણી ગંધાવા લાગ્યું હતું. પછી લોકો આ દુષણથી સભાન થયા ને નદીને ચોખ્ખી કરવાના અભિયાન આદર્યા. જાતજાતના પગલાં લઇ કાયદાઓ બનાવી તેનો અમલ કરાવી નદીને પણ જીવતી કરી ને અદ્રશ્ય થઇ ગયેલી માછલીઓ અને અન્ય નદીના જીવ પણ પાછા આવ્યા. આ જ સાબિતી છે કે હવે નદીમાં ઘણો સુધારો થયો છે.
વાતોમાં ને વાતોમાં ને આસપાસ નીરખતા સેન્ટ ગોર કયારે આવી ગયું તેનો ખ્યાલ પણ ન રહ્યો. પહોંચ્યા ત્યારે રાતના આઠ વાગી ગયા હતા. આ ક્રુઝ રોમાંચક રહી.
હોટેલ પર જવાને બદલે અમે સીધા ગયા રેસ્ટોરંટમાં ડિનર લેવા, કારણકે ગઈ કાલ રાતનો અનુભવ દોહરાવવો ના હતો.
અમે જ્યાં ઊતર્યા તેની સામે જ ગલીમાં એક પિઝા રેસ્ટોરન્ટ હતી એમાં ગયા. સ્વાદિષ્ટ પિઝા અને ઠંડા બિયરથી ભૂખ તરસ છીપાવી હોટેલની રૂમમાં પાછા ફર્યા ને સીધા પડ્યા ખાટલે તે વહેલી પડજો સવાર.
આવતી કાલનું પેપર તૈયાર કરવાની મારે ચિંતા ન હતી કારણકે એ કામ મુંબઈથી કરીને જ આવ્યો હતો. ઇતિ સમાપ્ત દ્વિતીય દિવસ: ને રાહીન ક્રુઝ.
(ક્રમશ:)