દશેરા ~ ગરબા ~ યામિની વ્યાસ (સુરત) ~ ૧. આસો માસે રે ૨. કાનો ક્યાં ગયો રે લોલ 3. દશેરાએ માને પત્ર

૧. આસો માસે રે

આસો માસે રે.. બાવરી રે..
મારી આંખડી,
હૈયું પાથરીને જોઉં મા
તારી વાટડી.

ફુલ ગુલાબ ને ચંપો ચમેલીથી
ભરું છાબડી,
સોનેરી ગલગોટાનો હાર ચઢાવું
નવ નવ રાતડી.

જળ નિર્મળ લેવા કાજ જાઉં
ચંદન તલાવડી,
નમન કરીને હું પ્રેમથી પખાળું
મા! તારી પાવડી.

ઓ માવડી! મેં તો રાખી
તારી આખડી,
તું ડૂબાડે કે તારે,
સોંપી તુજને મારી નાવડી.

ક્ષમા કરજે માત!
તારી ભક્તિની રીત ન આવડી,
જગ આખાનું રક્ષણ કરજે,
બાંધી દે એક રાખડી.

અમીમય આંખે
આશિષ આપ, મારી માવડી!(3)

૨. કાનો ક્યાં ગયો રે લોલ

કેટલી વેળા અહીં આવજા કરતો,રાધા રસ્તાને પૂછે કાનો ક્યાં ગયો રે લોલ.
પાછું ફરીફરીને જોયાં કરે રાધા,
તાજા પગલાંની છાપ મૂકી
કાનો ક્યાં ગયો રે લોલ.

પગલાંના રસ્તા કે રસ્તાના પગલાં
સખી અંકાતી રેખા જુદાઇની,
પગલાંના રણકાને લોક કહે પગરવ
સખી, હું ધૂન કહું એને શરણાઈની,
એવો પગનો આલાપ મૂકી
કાનો ક્યાં ગયો રે લોલ.
કેટલી વેળા…

સખી કાનાની યાદ સંગ
આખા ગોકુળિયામાં
એકલી હું આમતેમ મહાલું,
ગુપચુપ ઝૂકીને એના પગલાંની રજને
સખી, ઊંચકી હું શિર પર ચઢાવું,
આવો વિરહી સંતાપ મૂકી
કાનો ક્યાં ગયો રે લોલ.
કેટલી વેળા…

સખી એક નાના પગલામાં
ખોવાયો કાનુડો,
પાછું મળશે કે એ પગરવનું વન?
રસ્તાના અંત નહીં હોય કદી દુનિયામાં,
એમાં અટવાય મારું મન.
આવો પગરવ મૂકીને
કાનો ક્યાં ગયો રે લોલ.

3. દશેરાએ માને પત્ર

પત્ર પાઠવી રહી છું આજ
મા તને ખમ્મા ખમ્મા!
હવે પૂરી થઈ નવરાત,
મા તને ખમ્મા ખમ્મા!

જગતજનની, ત્રિભુનેશ્વરી,
વિશ્વવિજયીની મા!
હે દુર્ગેશ્વરી, આદ્યશક્તિ મા!
ઓ જગદંબા મા!
ધરતી પરથી પત્ર લખતી
તારી દીકરીઓનાં શત શત નમન.

જત જણાવવાનું કે, મા
અમારી ધરતી ડગમગ થાય,
જત જણાવવાનું કે, અહીં
તારી દીકરીઓની આબરૂ લૂંટાય,
ઘણી કળીઓની લખવી છે વાત,
મા તને ખમ્મા ખમ્મા!

અહીં ઊગ્યા છે ઊંડા આસુરી અંધારાં,
એને ઉલેચી માડી  ફેલાવો અજવાળાં,
લાવો સાચું દશેરાનું પ્રભાત,
મા તને ખમ્મા ખમ્મા!

ટૂંકમાં કહું તો- હરણ, હનન,
હત્યા થાય છે બહુ,
બસ રહેંસી નાખે નારીને,
વધુ તો હું શું કહું?
રોકી દે રોજનો ઉલ્કાપાત,
મા તને ખમ્મા ખમ્મા!

લાખો ત્રિશૂલો લઈ ગબ્બરથી
આવીને વધ કર,
ધરતીના મહિષાસુરને વધેરી
ખપ્પરનો ભોગ ધર,
રક્તબીજ સમા માનવ દાનવને સંહાર,
મા તને ખમ્મા ખમ્મા!

તા.ક.માં લખું છું છેલ્લે વિનંતી
ત્રિશૂળનું વરદાન દઈ દે,
તારી દરેક દીકરીને આત્મસુરક્ષા કાજ,
મા તને ખમ્મા ખમ્મા!

~ યામિની વ્યાસ (સુરત)

આપનો પ્રતિભાવ આપો..