ઉપર ગગન નીચે ધરતી (લઘુનવલ) ~ આશા વીરેન્દ્ર ~ પ્રકરણ:4 (12માંથી)

મોટા દીકરાનું ઘર ભલે સુધાંશુભાઈએ વસાવી આપ્યું પણ તોંતેર વાનાં માગતી તાવડીનો જોગ મોટેભાગે વિશાખાના પગારમાંથી જ થતો.

‘તારે તો કેટલું સારું નહીં નીલેશ? બીજા બધા હસબન્ડની જેમ રાત-દિવસ દોડાદોડી કરવાની નહીં, કોઈ વાતનું ટેંશન લેવાનું નહીં. બધું રેડીમેઈડ મળી જાય એ કેવી મજા, નહીં? અમારી જેવાને તો યાર, માંડ એક રવિવારે શ્વાસ લેવાનો ટાઈમ મળે!’

આવા મહેણાં ટોણાં સાંભળીને નીલેશસમસમી જતો પણ વિશાખા વ્યંગમાં જે સંભળાવતી એ નગ્ન સત્ય હતું એટલે નીચી મૂંડી કરીને સાંભળી લેવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. તોય કોઈ વાર સામી દલીલ કરતો,

મારે સારું, તો તારેય જલસા જ છે ને? તું વહેલી આવે, મોડી આવે, રસોઈ બનાવવાનો મૂડ હોય ન હોય પણ આ સેવક તારી સેવામાં હાજર જ હોય છે ને?’

દલીલ કરવા ખાતર ભલે એ કહેતો પણ દિવસે દિવસે એ અંદરથી ખોખલો થતો જતો હતો. જીવનમાં કંઈ ન કરી શકવાની, નિષ્ફળ જવાની લાગણી એને ખેંચીને હતાશાની ગર્તામાં ધકેલી દેતી હતી. ઘરનાં એકાંતમાં ચોતરફથી એને ભય ઘેરી વળતો હતો, ‘ક્યાંક મમ્મીની જેમ હું પણ…’

આવી દરેક પળોમાં એ મમ્મીનો પાલવ પકડીને એની પાછળ પાછળફરતો નાનકડો નીલુ બની જતો,

‘નીલુ’મારો રાજા બેટો, મારો ડાહ્યો દીકો, આ બે કોળિયા ખાઈ લે, બેટુ. શાબાશ, મમ્મીનું કહેવું કેવો માની ગયો મારો દીકરો!’આમ કહીને ગળે વળગાડતી હેતાળ માને હજી આંખ ભરીને જુએ ન જુએ ત્યાં તો અસ્ત-વ્યસ્ત કપડાં, વેરવિખેર વાળ અને ડરામણી આંખોવાળી સ્ત્રીએ એનું સ્થાન લઈ લીધેલું.

એ ક્યાં તો ઘરના એક ખૂણામાં ચૂપચાપ બેસી રહેતી ને ક્યાં તો ઉશ્કેરાઈને રાડો પાડતી,’જાવ, બધા જાવ. જતા રો, મારે કોઈનું કામ નથી.’
* * *
બે બાળકોની મા બન્યા પછી નીતાનાંવ્યક્તિત્વમાં ધરખમ ફેરફાર થઈ ગયો હતો. જાણે ઊછળકૂદ કરતાં ઝરણાંએ શાંત,સૌમ્ય નદીનું રૂપ ધારણ કરી લીધું હતું.

એનું નટખટ, અલ્લડ યુવતીમાંથી ધીર-ગંભીર, ઠરેલ ગ્રૃહિણીમાં થયેલું આ રૂપાંતર, એનું આ નવતર સ્વરૂપ  સુધાંશુને લોભામણું લાગતું હતું.

બંને બાળકો જંપી ગયાં હોય, રાત્રિનો ઘટ્ટ થતો જતો અંધકાર બળતામાં ઘી હોમવાનું કામ કરવાની પેરવીમાં હોય ત્યારે નીતાને આલિંગનમાં લેતાં એ પત્નીના કાનમાં ફૂસફૂસ કરતો,

‘મારી નીતારાણી, તેં મને સંસારનાં તમામ સુખ આપ્યાં છે. બસ, હવે તો આપણે બે અને આપણા નીલેશ અને પ્રશાંત.’ પછી કવિતાનો શોખીન સુધાંશુ નીતાના વાળની  લટને રમાડતાં કહેતો, ‘બે  દીકરા મુજને મળ્યા, નીલેશ અને પ્રશાંત, બહુ દઈ દીધું નાથ, જા, ત્રીજું નથી માગવું.’

શરમાઈને પતિની છાતી પર માથું ટેકવીને નીતા કહેતી,

‘તમારે ન માગવું હોય તો નહીં માગતા, હું તો હજી એક દીકરી માગવાની, માગવાની ને માગવાની જ. બંને દીકરા ભલે મારી ડાબી જમણી આંખ જેવા હોય પણ દીકરી તો કાળજાનો કટકો. દીકરી વિનાનું જીવન નકામું.’

શરૂશરૂમાં નીતાએ મજાકમાં માંડેલી આ વાત પછી તો એની રઢ જ બની ગઈ. સુધાંશુ  બંને સુવાવડ વખતે પડેલી તકલીફની યાદ અપાવી બે સંતાનોથી સંતોષ માનવા સમજાવતો પણ આખરે નીતાની જીદની જીત થઈ, નીતાને ત્રીજી વાર ગર્ભ રહ્યો ને સુધાંશુની ચઢતીના દિવસો શરૂ થયા. સૌએ એને દીકરીનાં આગમનની આગોતરી એંધાણી જ માની.

‘નીતા, લક્ષ્મીજીએ તો સાક્ષાત પધારતાં પહેલાં જ ચમત્કાર બતાવવા માંડ્યો.’ સુધાંશુનાં હૈયે હરખ માતો નહોતો.’ મેં જે જે શેરોમાં રોકાણ કર્યું હતું એ બધાના ભાવ એટલા ઉંચકાયા કે, આપણે તો ન્યાલ થઈ ગયાં.’

‘જોયું? હું કહેતી’તી ત્યારે ના ના કરતા હતા. હવે સમજાયું ને કે મારી વાત સાચી હતી? મને તો ખાત્રી હતી કે દીકરીનાં પગલે આપણાં ઘરમાં અજવાળાં પથરાવાના છે.’ નીતા આનંદથી છલકાઈ ઊઠતી.

‘પણ આપણે દીકરી પાસે અહીં નહીં, નવાં ઘરમાં અજવાળાં કરાવીએ તો?’

‘શું વાત કરો છો?’નીતાને લાગ્યું કે એકસામટી આટલી બધી ખુશી એ જીરવી નહીં શકે. એની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ગઈ.

‘સાચું કહુ છું નીતારાણી, આજે સાંજે  તમને તમારો રાજમહેલ જોવા લઈ જવાનાં છે. સાંતાક્રુઝમાં ફ્લેટ જોઈને છોકરાંઓને જુહુ – ચોપાટી ફેરવી આવીશું.’

એ સાંજે નીતાએ એટલી બારીકાઈથી ફ્લેટનું નિરીક્ષણ કર્યું કે, છોકરાંઓએ જીદ ન કરી હોત તો જુહુ જવાનું કેંસલ જ કરવું પડત.

રસોડામાં પાણિયારાંથી માંડીને બેડરૂમમાં પલંગની ગોઠવણ કેવી રીતે કરાશે એની યોજના એનાં મગજમાં આકાર લેવા માંડી પણ ત્યારે એને કે સુધાંશુને ક્યાં ખબર હતી કે આ યોજનાઓ કદી સાકાર થવાની નથી. આ ઘરની આજની મુલાકાત નીતા માટે પહેલી અને છેલ્લી બની રહેવાની છે.
* * *
મનોવિજ્ઞાનના વિષયની હોશિયાર વિદ્યાર્થિની હોવાના નાતે આભા જેમજેમ નીતા વિશે વિચારતી  તેમ તેનાં મનમાં ગુંચવાડા વધતા જતા હતા. એક છેડો હાથમાં આવે તો આખી ગૂંચ ઊકેલી શકાય પણ એ છેડો ક્યાં છે એ જ સમજાતું નહોતું.

મમ્મીને મેંટલ હૉસ્પિટલમાં રાખવાનો નિર્ણય લેવાયો ત્યારે પ્રશાંત તો છેક જ અણસમજુ એટલે ‘મમ્મીએ માસૂમ કળી જેવી મારી નાનકડી બેનને પીંખી નાખી’ એટલી એકની એક વાત આવેશપૂર્વક કર્યા કરતો.

આભાને લાગ્યું કે આ બાબતમાં એની તો કંઈ મદદ મળે એમ નથી.

પપ્પાને પૂછી શકાય? એમને મારો અવિવેક તો નહીં લાગે ને? શંકા-કુશંકામાં અટવાતી આભાએ નક્કી કર્યું કે હવે તો ઈસ પાર કે  પછી ઉસ પાર. એક વખત તો વાત કરી જ લેવી. ભલે જે થવાનું હોય તે થાય. બહુ બહુ તો પપ્પા વાત કરવાની ના પાડશે એટલું જ ને?

સુધાંશુભાઈ બપોરે આડું પડખું કરીને ઊઠ્યા પછી એમને ચા આપતી વખતે એણે તક ઝડપી જ લીધી.

‘પપ્પા, તમને કદાચ મારી વાત નાને મોઢે મોટી લાગે તો માફ કરજો પણ મને લાગે છે કે, મમ્મીની બાબતમાં જે કંઈ બન્યું હોય એ આખી વાત મારે જાણી લેવી જોઈએ, સમજી લેવી જોઈએ. એમને ઘરે લાવવાનું પગલું ઉતાવળિયું કે આખા કુટુંબને મુસીબતમાં મૂકી દે એવું ન બને એટલા માટે મારે બધી વાત પહેલેથી સમજવી છે.’ આભાએ સંકોચ સાથે રજૂઆત કરી.

એક જ ઘૂંટડે ચા ખતમ કરી, કપ-રકાબી ટિપાય પર મૂકતાં સુધાંશુભાઈએ કહ્યું, ‘દીકરા, તારા મનમાં આ પરિવારનું કલ્યાણ કરવાની ભાવના છે એટલું શું હું નથી સમજતો? બેસ, શાંતિથી બેસ અને તારાં મનમાં જે કંઈ મૂંઝવણ હોય, જે સવાલ ઊઠતા હોય એ જરાય અચકાયા વિના કે ગભરાયા વિના પૂછી લે. તારી બધી વાતનો જવાબ તને મારી પાસેથી મળશે એની ખાત્રી રાખજે.’

એક મોટો બોજો ઊતરી ગયાના ભાવ સાથે આભા એમની સામે બેઠી.

‘પપ્પા, મને એ નથી સમજાતું કે, મમ્મી જેવી આનંદી, પ્રેમાળ અને છલોછલ લાગણીથી ભરેલી સ્ત્રી કેવી રીતે પોતાના હાથે, પોતાની જણેલી…’

‘ચાર્વી, ચાર્વી નામ પાડ્યું હતું અમે એ ઢીંગલીનું,’ આભાના અધૂરા સવાલે જ સુધાંશુભાઈએ જવાબ આપવાનું શરૂ કર્યું. આભાના પ્રશ્ન સાથે જ એમના ચહેરાના ભાવોમાં કંઈક અજબ ફેરફાર થઈ ગયો. ઘડી પહેલાના હસતાં મોઢાં પર ક્ષણવારમાં પીડાના ઊંડા ચાસ દેખાવા લાગ્યા.

‘એ વખતે પણ એ પ્રસુતિ માટે પિયર ગઈ હતી કેમકે, મારી બંને બહેનો એમનાં વસ્તારી કુટુંબોની પળોજણમાં ખૂંપેલી હતી અને મારા બાપુના ગયા પછી દેશમાં અંધ મા અને એમની દેખભાળ કરતાં ભાભી જ રહી ગયેલાં. આ બધામાંથી નીતાની સુવાવડ માટે કોણ આવી શકે?

અમે ઈચ્છતાં હતાં એ મુજબ દીકરીનો જન્મ થયો એટલે મારો હરખ માતો નહોતો. હું હોંશેહોંશે દીકરીનું મોં જોવા એના મામાને ઘેર ગયો ત્યારે નીતાના ચહેરાની જે રોનક જોઈ હતી આભા, એ જોઈને હું તો દંગ રહી ગયો. એક સ્ત્રીનાં કેટકેટલાં રૂપ? હું ગયો એટલે મને કહે,

‘પોતાની જાતને કવિ અને લેખક ગણાવવાનો બહુ શોખ છે ને તે આ નવી નવાઈની દીકરીનું નવુંનક્કોર નામ શોધી આપો ત્યારે ખરા!’

પછી મસ્તીભરી આંખો નચાવતાં કહે, ’મીન રાશિ આવી છે તમારી લાડલીની. દ,ચ ,થ અને ઝ  આમાંથી કોઈ પણ એક અક્ષર પર નામ કહો. ને જુઓ, સાક્ષાત લક્ષ્મી છે આપણી દીકરી, એની સાબિતી તો એણે પૃથ્વી પર આવતાં પહેલાં જ આપી દીધી છે એટલે એનાં નામનો અર્થ લક્ષ્મી હોવો જોઈએ.’

મને થયું, આણે તો ભારે કરી. આપણે તો જાણકાર તરીકેની બાંધી મુઠ્ઠી રાખીને ફરતા’તા ને હવે તો પોલ ખુલ્લી પડી જવાની!’

આભા આ વાત પર જોરથી હસી પડી. તાળી પાડતાં એ બોલી ઊઠી, ‘વાહ વાહ, કહેવું પડે. મમ્મીએ તમને બરાબરની ચેલેંજ આપી.’

ભારેખમ શિલા જેવા વર્તમાનમાંથી રમતિયાળ પતંગિયા જેવા અતીતમાં પહોંચીને સુધાંશુભાઈ પણ રંગમાં આવી ગયા હતા, ‘એમ તો હું પણ ચેલેંજ સ્વીકારવામાં પાછો પડું એમ નહોતો હોં આભા!  ને આમાં તો વળી આપણી ઈજ્જતનો સવાલ હતો. આપણે તો ઘરે જઈને જોડણીકોશ ખોલ્યો ને એમાંથી શોધી કાઢ્યું કે ચાર્વી એટલે કુબેરની પત્ની. ને કુબેરની પત્ની તો લક્ષ્મી જ થયાંને?’

‘વાઉ, એટલે અંતે તમે મમ્મીની શરત પૂરી કરી ખરી, એમને?’

‘મેં તો એની શરત પૂરી કરી પણ એ મારી શરત પૂરી ન કરી શકી. એ શરત એવી હતી કે એમાં અમારાં બેમાંથી કોઈની પણ હાર કે જીત થાય તોય બેઉને આનંદ જ થવાનો હતો પણ હારવા કે જીતવા સિવાય કોઈ ત્રીજો વિકલ્પ પણ હોઈ શકે અને એ આટલો ભયંકર હોય એવું તો કોઈએ વિચાર્યું જ ક્યાંથી હોય?’

ઘડીભર પહેલાં પોતાની રંગછટાથી સોહામણું દેખાતું આકાશ સૂર્યાસ્ત થતાંની સાથે કાળુંધબ્બ લાગવા માંડે એમ થોડીવાર પહેલાનો સુધાંશુભાઈનો ખીલેલો ચહેરો કરમાઈ ગયો.

‘દીકરી જન્મની એને એટલી બધી હોંશ હતી અને ખાત્રી પણ હતી કે, દીકરી જ પધારશે ત્યારે હું એને ચીઢવતો,’તું ગમે તેટલું દીકરી, દીકરી કરે પણ પુત્રી હંમેશા બાપને જ વધુ વ્હાલ કરે, બાપ પાસે જ વધુ લાડ કરે એટલે તારી કરતાં એ મારી જ વધારે લાડકી થઈને રહેવાની.’

ત્યારે એ કહેતી, ‘ચાલો, કેટલા કેટલાની શરત લાગી? એ તો મારે ગળે એવી વળગીને રહેશે કે તમારી પાસે આવવાનું નામ પણ નહીં લે પણ ગળે વળગાડવાને બદલે એણે તો એનું ગળું…’ એમના કંઠમાં શબ્દો અટવાઈ ગયા.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..