|

આપણી શ્રદ્ધાની સિગ્નેચર ટયુન (લલિત નિબંધ) ~ રમેશ ઠકકર

દશેરાથી દિવાળીનો દબદબો શરૂ થાય. તહેવારોનું ઝૂમખું લ્હેરાય. સૌ પરબલાંમાં દિવાળીનો દબદબો જ અનોખો. ઝરમર વરસતો વરસાદ પોતાનો કારોબાર ભાદરવાના પહેલા પખવાડીયાથી આટોપવા માંડે. આકાશમાં ઉઘાડ અને હેલીની જુગલબંધી કદીક ચાલ્યા કરે.

અનુભવી લોકો કહેતા ભાદરવો સીધેસીધો ચાલ્યો જાય તો વાંધો નહીં પરંતુ જો વરસવાનું ચાલુ કરે તો અષાઢ-શ્રાવણની ઓપનિંગ જોડીને પણ ઝાંખી પાડી દે!

ભાદરવાનો તાપ બાળી નાખે એવો. એક રીતે જોઇએ તો એનું વલણ જ અંતિમવાદી. ઘેરઘેર બિમારીના ખાટલા અને દવાખાને લાગતી લંગાર. શ્રાદ્ધની શરૂઆતથી એનો ખૌફ જરાક ધીમો પડે. નવલાં નોરતાં કુમકુમ પગલે શરૂ થાય એટલે વિધિવત ચકમકતા નવા દિવસો શરૂ થાય. એની તો વાત જ શું કરવી!

આકાશ વરસી વરસીને જાણે કોરું પડી ગયું હોય, ત્યારે હવામાં એક અનોખી સુગંધ ધીમા પગલે પ્રસરતી લાગે.

આસોનો આરંભે દિવસ કરતાં રાત વધારે રળિયામણી લાગે. ગરબે ઘૂમતાં પરસેવો થાય, તોય ધરપત એટલી કે થોડીક ખુલ્લી જગ્યામાં જઇને ઊભા રહીએ તો ઠંડી લ્હેરખીઓ દરિયાપારથી ઉમટી પડી હોય એમ ભેટી પડે. ચોમાસે આપણે મોકલેલી ધસમસતી નદીઓ સુખરૂપ એના ગંતવ્યસ્થાને પહોંચી ગઇ છે એની છડી પોકારતી હોય એમ!

વઢિયાર પંથકમાં તો નદીઓ પણ બધી કુમારિકાઓ. એના નસીબમાં સાગર કયાંથી હોય? ભરયુવાનીમાં ઝાંઝવાંને ભીંજવતી બનાસ, રૂપેણ, સરસ્વતી એ બધી જ પાકટ અવસ્થાએ પહોંચી  ભળી જાય મરૂભૂમિના મોહપાશમાં!

રણ એટલે આમ તો મૃત દરિયો જ કહેવાય. આ બધી લોકમાતાઓના સ્પર્શથી ઉતરતા ચોમાસે રણ થોડુંક સળવળતું લાગે. બાકી તો એની અફાટ એકલતા આ નદીઓને પોતાનામાં સમાવી એક સફેદ ચાદર બનીને ફેલાઇ જાય!

નવા દિવસો દશેરા પછી બરાબર રંગ પકડે. ગામડામાં એ દિવસે હવન થાય. વલોણાનાં ઘી યજ્ઞમાં હોમાય એક સાત્વિક સુગંધ વાતાવરણને તરબતર કરી જાય.

ફાફડા જલેબીની ઉકળતી ભઠ્ઠીઓ એ તો શહેરી મલકની નરી કૃત્રિમતા. દશેરાના દિવસે લાડુનું જમણ એતો દેવોને પણ દુર્લભ. દશેરા પછી શરદપૂનમ સુધીના દિવસો ભૂલીબિસરી યાદોને વાગોળવામાં જ વીતી જાય. સાંજ જલદી ઢળી જતી હોય એવું લાગે. અંધારૂં નમણું લાગે.

એ વખતે વીજળીનો મેકઅપ ન હતો. અક્ષુણ્ણ અંધારનો નિખાર આખા ગામને લપેટાઇ જતો. આકાશમાં તારાઓનો વૈભવ કોઇ ધનિકનો ખજાનો ખુલ્લો પડી ગયો હોય એવો લાગતો. ચાંદો ખાલી ચોકમાં જ નહીં પાદર સુધી પીળાશ પાથરી દેતો. નોરતાંની નવલી રાતો અને એની યાદનો વિષાદ રાત્રીની નિરવતાને વધારે ઘેઘૂર કરી દેતો.

મારી જિંદગીમાં સાક્ષાત્કારની જો કોઇ ઘટના હોય તો કામલપુર ગામમાં નીરવ રાત્રીએ ખુલ્લા આકાશમાં જોયેલો એ અદ્ભૂત નજારો!

શરદપૂનમ ઉમંગને ફરી એક ધક્કો મારતી હોય એવું લાગે. ચાંદો ચારેકોર પથરાઇ જતો લાગે. સતત પરિશ્રમ પરસ્ત એવાં એ જનને એના સૌંદર્યની કદાચ ભલે ખબર ના હોય, પણ એનાં મૂલ તો એ કરી જ જાણે.

એ પછીના દિવસો નવા વરસની છડી પોકારતા જાતજાતની તૈયારીઓમાં ઝડપથી વહી જાય. નવાં લૂગડાં, નવો શણગાર, નવેસરથી સજીધજીને સજજ થતાં ખોરડાં, મબલખ ખેતરો અને છલકાતાં ખળાં, નદી કૂવામાં નવાં નીર,આ બધો પ્રતાપ હતો એ નવા દિવસોનો! દરેક પ્રદેશની ભાષાનો એક આગવો વિકાસક્રમ હોય છે જે જીવાતા જીવનના પ્રતિઘોષ જેવો હોય છે.

ચારેતરફ બધું નવું નકકોર. સંબંધો જાણે નવા છંટકાવ સાથે રીફ્રેશ થઇ જતા લાગે. નવા દિવસો ઝડપથી વહી જાય. આગળ નવું ભાવિ ઊભેલું દેખાય.

નવા વરસની ઝાલર વાગે એ માણસની શ્રદ્ધાની સિગ્નેચર ટયુન જેવી લાગે. દીપોત્સવ, બેસતું વરસ, ભાઇબીજ અને લાભપાંચમ – એમ નવા દિવસો પુરા થાય. નવું જગત ઉઘડે. ઘરેડ પાછી શરૂ થાય. માણસ ફરીથી પ્રવૃત્ત થાય, એની મનગમતી પળોજણોમાં.

નવા દિવસોની સળંગ તાજગી એને સજજ બનાવી જાય આખા વરસની ઘટમાળની સામે ટકી રહેવા.

તહેવારો આપણી બરડ જિંદગીમાં ઓઇલિંગ કર જાય છે. નવા દિવસોની મજા એ માનવજીવનની એક મોંઘેરી મ્હોલાત છે.

~ રમેશ ઠકકર (ગાંધીનગર)

આપનો પ્રતિભાવ આપો..