ઉપર ગગન નીચે ધરતી (લઘુનવલ) ~ આશા વીરેન્દ્ર ~ પ્રકરણ:3 (12માંથી)
વજાબાપાના એક દૂરના સગાશાંતિભાઈને ત્યાં એનું રહેવાનું નક્કી થયેલું. ગામમાંથી જે કોઈ મુંબઈમાં આવીને ગોઠવાઈ ગયા હોય એ પોતાના ઓળખીતાપાળખીતાને અહીં વસવામાં પૂરી મદદ કરતા.
એ જ રીતે શાંતિભાઈએ પણ આગોતરું કહેવરાવી દીધેલું કે, ‘વજાભાઈ, સુધાંશુ આપણે ત્યાં જ રહેશે.’
એમને ઘરે સુધાંશુને પણ સરસ ફાવી ગયું હતું. કૉલેજનો અભ્યાસ શરૂ થઈ ગયો હતો. તદ્દન નાનાં ગામડાંમાંથીઆવડાં મોટાં શહેરમાં આવીને પહેલા પહેલા તો એને એવું લાગતું હતું જાણે તણખલું હવામાં આમથી તેમ ફંગોળાતું હોય એમ પોતે દિશાશૂન્ય બનીને ભટ્ક્યા કરે છે, પણ ધીમે ધીમે એ મોહમયી નગરી એની ઉપર પોતાનો જાદુ પાથરવા લાગી. કૉલેજમાં મિત્રો બન્યા અને શાંતિકાકાને ઘરે પણ પોતીકું લાગવા માંડ્યું.
વજાબાપા ખુશ હતા કે ચાલો, સુધાંશુ કાલ સવારે આખા ઘરને ઊંચુ લાવી દેશે. એમણે તો હવાઈ કિલ્લા ચણવા માંડ્યા હતા કે, આખું કુટુંબ ભેળું મુંબઈ શહેરમાં રહેશે. વળી આગળ કલ્પનાના ઘોડા દોડાવતા કે મુંબઈ ભલે જઈએ પણ ગામની અને ખોરડાની માયા કંઈ થોડી છૂટવાની છે? હું ને છોકરાઓની મા તો આવતાં-જતાં રહેશું. સારા, સંસ્કારી ખોરડાની સુશીલ કન્યા જોઈને એક વખત સુધાંશુને પરણાવી દઈએ પછી તો એઈને લીલાલ્હેર. બે દીકરા, બે વહુઓ અને પોતરાપોતરીથી ભર્યુંભાદર્યું બાકીનું આયખું. બસ, આનાથી વધુ શું જોઈએ?
બધું સારું સારું ચાલતું હતું. એક સુખી અને સંતોષી કુટુંબ પોતાનાં નાનાં નાનાં સપનાંઓનાં મોતી પરોવીને માળા ગુંથી રહ્યું હતું પણ કહ્યું છે ને કે, ‘એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી’- એવું જ થયું. બે જ દિવસના તાવમાં મોટાભાઈએ વિદાય લીધી ને માળાનાં મોતી વેરણ-છેરણ થઈ ગયા. આશા ને અરમાનોની એક એક ઈંટ ગોઠવીને ચણેલું ઘર પત્તાના મહેલની માફક કકડભૂસ થઈ ગયું.
ઘરનો મોભી આમ એકાએક ચાલી નીકળતાં આખાય પરિવાર પર જાણે એક કાળો ઓછાયો ફરી વળ્યો. આખો વખત કલબલ કર્યા કરતી જુવાનજોધ વહુને કોરા કપાળે, સફેદ છાયલમાં ગૂમસૂમ થઈને બેસી રહેતી જોઈને વજાબાપાએ લકવાના હુમલામાં કાયમ માટે પથારી પકડી લીધી તો ભડભાદર દીકરો આમ ચાલી નીકળ્યાનાં દુ:ખમાં માએ રડી રડીને આંખોનું તેજ ખોયું.
એક એક કરીને ઝેરનાઘૂંટડા ચૂપચાપ ગળે ઉતારી રહેલી ભાભી તો પછી જાણે મા-બાપુની સેવા કરવા જ જનમ ધર્યો હોય એમ એ બંનેમાં જ ખૂંપી ગઈ. સુધાંશુએ ભણવાનું છોડીને ઘરે આવી જવા કેટલાય ત્રાગા કર્યા, ધમપછાડા કર્યા પણ એનું કંઈ ન ચાલ્યું.
આ શાપિત ઘરના ઓછાયાથી એણે દૂર જ રહેવાનું છે અને એણે પોતાનાં ભવિષ્યની જ ચિંતા કરવાની છે એવું મા-બાપુ અને ભાભીએ નક્કી જ કરી લીધું હતું.
એમનો આ નિર્ણય સુધાંશુએ કમને સ્વીકાર્યો તો ખરો પણ ઘરમાં આવેલા ધરતીકંપમાં સઘળું ધ્વસ્ત થઈ ગયા પછી કેમે કરીને ભણવામાં એનું ચિત્ત ચોંટી જ ન શક્યું. કૉલેજનાં બે વર્ષ જેમતેમ પૂરાં કરીને એણે કામની શોધ આરંભી.
આજના જેટલું ભણતરનું મહત્વ એ સમયે ક્યાં હતું? મૂરતિયો પસંદ કરતી વખતે છોકરાનું ખાનદાન વધારે ગણતરીમાં લેવાતું અને એટલે જ વજાબાપાની શાખને કારણે જાદવજી શેઠે સુધાંશુને નોકરીની સાથોસાથ પોતાની છોકરી નીતા પણ આપી.
ગામમાં લગ્નવિધિ આટોપાયા પછી સાસુ-સસરાને પગે લાગતી વખતે નીતાએ ગામમાં જ રહેવાની જીદ પકડી, પણ સ્વમાની મા-બાપુ અને ભાભી માને શેનાં?
લગ્ન પછીનું સહજીવન એ બંનેએ મુંબઈમાં જ શરુ કરવાનું છે એવી એમની આજ્ઞા બેઉએ માથે ચઢાવવી જ પડી. સજળ આંખે અને ભારે હૈયે નવદંપતીએ મુંબઈ ભણી પ્રયાણ કર્યું.
* * *
‘વિશુ, મને લાગે છે કે, આપણે પપ્પાને થોડો વખત આપણી સાથે રહેવા લઈ આવીએ.’ ક્યારની મનમાં ઘોળાઈ રહેલી વાત નીલેશે અચકાતાં અચકાતાં કહી જ નાખી.
અરીસામાં જોઈને લીપસ્ટીક લગાડી રહેલી વિશાખાએ જવાબ દેવાનું જરૂરી ન સમજ્યું એટલે એની નજીક જઈને નીલેશે એની એ વાત ફરીથી દોહરાવી.
‘તને શું લાગે છે અને કેમ લાગે છે એ જાણવું મારે માટે જરાય જરૂરી નથી કેમકે, મને આ બાબતમાં શું લાગે છે એ મેં તને એક નહીં, હજાર વાર કહ્યું છે.’ કંઈક ચીડ સાથે વિશાખાએ હાથમાંનું બ્રશ ડ્રેસીંગ ટેબલ પર પછાડતાં કહ્યું.
‘ના, આ તો એમ કે, પ્રશાંત અને આભા નવાં નવાં પરણેલાં છે તે જરા હરેફરે અને મજા કરે. આમેય પપ્પા ક્યાં અહીં વધારે રોકાવાના હોય?’
‘સો વાતની એક વાત. મારે આ ઘરમાં આપણાં બે સિવાય ત્રીજું કોઈ ન જોઈએ. મારી આટલી જવાબદારી વાળી જૉબ સાથે હું વધારાના કોઈનો બોજો ઉપાડી ન શકું. ઈઝ ધેટ ક્લીયર?’ વિશાખાએ ખભે પર્સ લટકાવી.
ઘડિયાળ સામે જોતાં એણે કહ્યું, ‘હવે તારી અગત્યની વાત પૂરી થઈ હોય તો હું જાઉં? બરાબર દસથી છની ડ્યુટી કરું ત્યારે હાથમાં પગાર આવે છે. મહેનત કર્યા વિના એમ ને એમ કોઈ પૈસા નથી આપતું.’ એણે પગમાં સેંડલ પહેર્યાં.
નીલેશ ઝંખવાઈને બેસી રહ્યો. ઊંચો, ગોરો અને દેખાવડો નીલેશ નાનપણથી ભણવામાં ચોર હતો. જેમતેમ કરીને કૉલેજનું પગથિયું ચઢ્યો તો ખરો પણ ચઢ્યો એવો ઊતરીય ગયો. ભલે ભણ્યો નહીં પણ કૉલેજમાં જવાનો એક મોટો ફાયદો એ થયો કે એ ચાલાક અને હસમુખો છોકરો વિશાખાની આંખમાં અને હૈયામાં વસી ગયો. જ્યારે પણ બંને મળતાં ત્યારે વિશાખા કહેતી,
’નીલ પ્લીઝ, જરા દિલ દઈને ભણને! ભણતર વગર ભવિષ્યમાં શું કરીશ?’
‘શું કરીશ શું? તારો નોકર, રસોઈયો, શોફર બધું બનવા તૈયાર છું, પણ આ ભણવાનું બોરીંગ કામ તું જ સંભાળ. મને એમાં જરાય રસ નથી.’
યૌવનની મસ્તીમાં ડૂબેલાં પ્રેમીપંખીડાં ત્યારે તો એકમેકમાં ખોવાયેલાં હતાં. અભ્યાસમાં તેજસ્વી વિશાખા ડબલ ગ્રેજ્યુએટ થઈ ત્યાં સુધી નીલેશ નાની મોટી નોકરીમાં અલકચલાણું રમતો રહ્યો.
વિશાખાનાં મા-બાપે ઘણો વિરોધ કર્યો પણ અંતે એણે ભાગી જઈને નીલેશ સાથે જ લગ્ન કર્યા. વિશાખા પરણીને આવી ત્યારથી સુધાંશુભાઈ અને બંને દીકરાઓની મોજથી પાટા પર ચાલી રહેલી ગાડીનાં પૈડાં ઘસાઈને કર્કશ અવાજ કરવા લાગ્યા હતા.
‘મને ઑફિસેથી આવતાં મોડું થશે, અરજંટ મિટિંગ છે.’
‘તમને ત્રણેને તો પહેલેથી ઘરનાં બધાં કામ કરવાની આદત છે તો પછી મારા આવવાથી ફરક શા માટે પડવો જોઈએ?’
‘પપ્પા, તમે બહુ લાઉડ વોલ્યુમ પર ટી. વી. રાખો છો ને, તે મને રાત્રે ઊંઘ નથી આવતી. સવાર પડે ને પાછું ઑફિસે દોડવાનું હોય, ઘરમાં બેસી રહેવાનું હોય તો વાત જુદી છે.’
‘પ્રશાંત હજી હમણાં તો મૂવી જોવા ગયો હતો ને આજે પાછો જાય છે? ભણવામાં ધ્યાન આપ! તારા મોટાભાઈની જેમ ભણ્યા વિનાનો રહી જઈશ તો કમાઈને ઘર ચલાવવાની જવાબદારી મારી એકલીની જ રહેશે.’
દરેક વખતે આવી મર્મસ્થાનને ભેદી નાખે એવી વાત કરીને વિશાખા ભોળું મોં કરીને હસી દેતી. સુધાંશુભાઈને બહુ જલ્દી ખ્યાલ આવી ગયો હતો કે, નીલેશ અને વિશાખા આ માળાનાં પંખી નથી.
બાકી માળો એટલે હવે કંઈ ભૂલેશ્વરની ચાલ નહોતી. સાંતાક્રુઝ જેવાં પરાની પૉશ ગણાતી સોસાયટીમાં બે બેડરૂમ, હૉલ-કીચનનો ફ્લેટ તેઓ પોતાની વર્ષોની મહેનતનાં ફળરૂપે વસાવી શક્યા હતા.
નામુ લખવાની સાથે સાથે શેરબજારમાં કરેલા સોદાઓએ એમને માલામાલ કરી દીધા હતા. પોતાના જીગરી દોસ્ત એવા તુષારને એ હંમેશા કહેતા,
‘મને તો યાર, એવું લાગે છે કે, હમણાં લક્ષ્મીજીની મહેરબાની છે ત્યાં બંને દીકરાઓની વ્યવસ્થા કરી લીધી હોય તો કાયમની નિરાંત.’
‘તારે તો આમેય નિરાંત જ છે ને! બે દીકરા ને તમે હુતો ને હુતી. મારી જેમ ચાર ચાર દીકરીઓને પરણાવવાની ચિંતા હોય ને, તો રાતની ઊંઘ હરામ થઈ જાય. સમજ્યો?’
દૂરંદેશી એવા સુધાંશુભાઈ બધું સમજતા હતા એટલે જ એમના ધાર્યા કરતાં નિયતિ કંઈક જુદું જ નિર્માણ કરતી ગઈ તોય એમને કદી આર્થિક તકલીફ ન પડી.
બીજા ફ્લેટમાં એમણે મૂડીરોકાણ કરી જ રાખ્યું હતું એટલે એ રીતે નીલેશ-વિશાખાને અલગ કરવામાં બીજો કોઈ પ્રશ્ન નડે એમ નહોતું, પણ આ નિર્ણય લેતાં પહેલાં એમને પોતાની જાત સાથે બહુ ઝઝૂમવું પડ્યું હતું. અંતે આ નિર્ણય પર આવવામાં જ એમને શાણપણ લાગ્યું.
(ક્રમશ:)