નવમું નોરતું ~ ગરબા ~ યામિની વ્યાસ (સુરત) ~ ૧. અવની અજવાળે ૨. શરદપૂનમનો ગરબો 3. આજ આભેથી છટક્યો
૧. અવની અજવાળે
અવની અજવાળે માની દીવડી સોહામણી,
ઝૂકી અંધારી રાત જાણે લજામણી!
દીવડીના તેજે તેજે ગાજે છે બ્રહ્મનાદ,
માડીના સ્વાગતમાં વાગે છે શંખનાદ,
ઝીણી ઘૂઘરીઓ મીઠા સ્વરને આલાપતી.
અવની અજવાળે …
ઝગમગતી પ્રેમજ્યોતે સહુ કોઈ ઘૂમતાં,
ચાંદ સાથે આભમાં તારલિયા રમતા,
ગબ્બરના ગોખેથી જગને દીપાવતી.
અવની અજવાળે …
૨. શરદપૂનમનો ગરબો
કેસર ઘોળીને માએ મધમીઠા રંગોથી
આભે કરી છે રંગોળી.
કે રાતમાં આભે ઊગી છે પૂરણપોળી.
આકાશી ઓરસિયો રૂડો લઈને માએ
ચંદન ઘસ્યું છે ચૌદ લોકનું,
શરદની પૂર્ણિમાએ કનકક્ટોરે
એ તો મઘમઘતા અજવાળે ઓપતું.
હે…આભી બનીને હું તો ચૂંટી ખણીને
મારી જાતને રહી ઢંઢોળી.
કે રાતમાં આભે ઊગી છે પૂરણપોળી.
આભની અટારી સંગ ઉરની અટારીએ
ગમતીલો ચંદ્રમાં ખીલતો,
અવનીની સંગસંગ મનને અજવાળી
એ તો હૈયાના ભાવને ઝીલતો,
હે… શુભ્ર ચંદ્રિકાએ અંતરનું વ્યોમ
આજ હેતે દીધું છે ઢોળી.
કે રાતમાં આભે ઊગી છે પૂરણપોળી
3. આજ આભેથી છટક્યો
આજ આભેથી છટક્યો અષાઢ,
મારે રોમ રોમ આવી એ ચટક્યો
સખી સાંભળે ના કોઈની એ વાત,
મારા હૈયાની ડાળ ડાળ લટક્યો.
ના રે ઝાઝું પલાળ, ફરી ભૂલું છું ભાન,
હવે ઠેકાણે લાવ થોડી ઝરમરની સાન.
ના એ માન્યો લગાર, આ છે છેલ્લું તોફાન
કહી વાદળીના પાલવને ઝટકયો.
આજ……
તારા મચડું હું કાન, નથી ટીપામાં તાન,
આપ લીલ્લેરું દાન, ઊગે સોનેરી ધાન,
સીધો સામે તું આવ જોડી સતરંગી જાન,
એ ત્યારે શરમનો માર્યો અટક્યો.
આજ….
~ યામિની વ્યાસ (સુરત)