|

ત્રણ કાવ્યો ~ દત્તા હલસગીકર (મરાઠી) ~ અનુ. માધુરી દેશપાંડે – સંગ્રહઃ સહ્યાદ્રિને કદી ભૂલીશ નહીં

“સહ્યાદ્રિને કદી ભૂલીશ નહીં” અનુવાદ સંગ્રહમાં ચાર મરાઠી કવિઓના કાવ્યોનો ગુજરાતી અનુવાદ સમાવિષ્ટ છે: મંદાર કાળે, દત્તા હલસગીકર, કુસુમાગ્રજ અને મંગેશ પાડગાંવકર… સમયાન્તરે  માધુરી દેશપાંડે અનુવાદિત આ કાવ્યો મુકવામાં આવશે. આ રહી પહેલી પોસ્ટ.

1. સમજદાર

પુલ નીચે જે વહી ગયું
તેનો હવે શોક ન કરવો
એ મેં તને ઘણીવાર કહ્યું
કારણ તારી આંખોનું પાણી પણ
તે સાથે વહી ગયું હતું

એક ઘર ઊભું કરતાં
તેં તારું જીવન ગિરવી મૂક્યું હતું
થોડીવાર ચાંદની પણ ઘરબહાર મૂકી હતી
એની મને જાણ છે.

મને એનીય જાણ છે કે
શમણાંનાં ફૂલો દ્વાર પર બાંધી
તું ઊગતા પ્રભાતની રાહ જોતી.

તું સમજદાર છે એટલે કહું છું
વાદળોએ ઘણું બધું નુકસાન કર્યું તોય
મંદિરો કાંઠે ઊભાં જ હોય છે
અને અંદરનો દેવ બધાના માટે જ વિસામો હોય છે.

2. મુલાકાત

હું તમારી ઑફિસમાં આવ્યો
ત્યારે તમે ગંભીર અને ટટ્ટાર
હુંય મારી ધૂનમાં.
તોય મુલાકાત ઘણી સરસ થઈ હોવી જોઈએ
તમારા પ્રશ્નોને જોઈએ તેવા જવાબો મળ્યા
એ મને તમારા ચહેરા પરથી સમજાયું

તમે રોટલો આપવાનું આશ્વાસન આપ્યું
અને મારી તરફ જોઈ કેટલીક શરતો મૂકીઃ

આંખોમાં સ્વપ્નોની મહેફિલ મારે સજાવવાની નહિ
મારી ગગનવિહારી પાંખો મારે સમેટી લેવાની,
કવિતાની પંક્તિઓ ગણગણતા હોઠ બંધ રાખવાના
અધિકારીઓના શબ્દોને પ્રત્યુત્તરની અપેક્ષા નથી હોતી.
એ ઓળખવાનું
અને ખાસ તો
આત્મા ગેટ પર મૂકીને આવવાનો.
મારી આંખોએ, કાનોએ, હોઠોએ અને
આત્માએ પણ આ શરત મનોમન નકારી
ત્યારે એક સ્તોત્રએ પીઠ પર હાથ મૂકી કહ્યું,
`અન્ન માટે દસે દિશા! અમને ફેરવે તું જગદીશ!’

નિમણુકપત્ર લઈ હું કામ પર હાજર થયો.

3. કઠિન

અંજલિમાં પડેલાં તિખારા (અંગારા)
તેને ફૂલો સમજવાં
અને હસતાં રહેવું કેટલું કઠિન હોય છે!

અણગમતી ક્ષણ આવે
તેનું સ્વાગત કરવું
આપણું મન મારવું કેટલું કઠિન હોય છે!

આપણી દિશા છોડીને
બીજી દિશામાં જવું
તેને જ આપણી કહેવી કેટલું કઠિન હોય છે!

અને તે કરતાંયે
નીરસ જગતમાં રહેવું
તેને જ જીવન કહેવું કેટલું કઠિન હોય છે!
***

~ અનુવાદ સંગ્રહઃ સહ્યાદ્રિને કદી ભૂલીશ નહીં
~ ત્રણ મરાઠી કવિઓના કાવ્યોનો અનુવાદ
~ અનુ. માધુરી દેશપાંડે (વડોદરા)
~ મો. +91 98798 25158

આપનો પ્રતિભાવ આપો..