“કાવ્ય પંચવટી” ~ મિલિન્દ ગઢવી ~ ૧. બેરંગ ૨. દુહા ૩. તારું શહેર ૪. હાંફી ગયા…! ૫. જીવતરને કોડથી વલોવીને

(મિલિન્દ ગઢવી: યુવા પેઢીના કવિઓમાં કવિશ્રી મિલિન્દ ગઢવીનું નામ મોખરાની પંક્તિમાં આવે છે. માત્ર ૩૭ વરસના આ કવિ, M.B.A. નો ઉચ્ચ અભ્યાસ એમ.એસ. યુનિવર્સીટી, બરોડાથી કરીને હાલમાં સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંકમાં બ્રાંચ મેનેજરના ઉચ્ચ પદે પોતાની સેવા આપી રહ્યા છે.

કોમર્સનો અભ્યાસ કર્યા પછી પણ જીવ મૂળ તો સાહિત્યનો જ રહ્યો. એમણે પહેલી કવિતા ૧૧ વરસની વયે, છઠ્ઠા ધોરણમાં લખી હતી અને ત્યાર પછી આ સાહિત્યની સફર વણથંભી રહી છે.

વિદ્યાર્થીજીવનમાં રાજ્યની ગઝલલેખનની હરિફાઈમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની ગઝલ, કાવ્ય અને પાઠપૂર્તિની તથા એમ.એસ. યુનિવર્સીટીની કવિતા અને કવિતાવાંચનની સ્પર્ધાઓમાં જીતતા આવ્યા છે અને એ સફર હજુ વણથંભી રહી છે.

સાહિત્ય એકેડેમીથી માંડીને બેસ્ટ હિન્દી અને ગુજરાતી મુવી અને વેબસિરીઝમાં એમને ગીતો અને ગઝલો બદલ ઈનામો મળતાં જ રહ્યાં છે.

કવિશ્રી મિલિન્દની કલમ આમ લોકોમાં જાણીતી અને માનીતી બની ગઈ છે અને એમાં એમની કાવ્યપ્રીતિ અને કસબ બેઉનો કમાલ રહ્યો છે. અસ્મિતા પર્વ, જમાવટ, ગુજરાતી સાહિત્ય એકેડેમી, સાહિત્ય એકેડેમી ઓફ નોર્થ અમેરિકા અને દૂરદર્શન જેવી અનેક સુપ્રસિદ્ધ સંસ્થાઓ દ્વારા યોજાતા કવિસંમેલનોમાં એમનું નામ ‘The Must’ બની ગયું છે.

એમના લખેલા ગીતો અને ગઝલો સોનુ નિગમ, સુરેશ વાડકર, સુનિધિ ચૌહાણ અને અમર ભટ્ટ જેવા અનેક સંગીતકારો અને ગાયકોએ સ્વરબદ્ધ કર્યાં છે અને ગાયા છે.

એમના કાવ્યોના ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે; ‘રાઈજાઈ’ ગુજરાતી ગઝલસંગ્રહ, ‘નન્હેં આંસુ’ હિન્દી ટ્રિપલેટસ, અને ‘મારું બકેટ લિસ્ટ’ – સંપાદન એમને નામ છે.

મિલિન્દભાઈની તરોતાજા કલમ પાસેથી ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષીઓ ખૂબ અપેક્ષાઓ રાખે છે કારણ, એમની કલમનો વ્યાપ અને સક્ષમતા ફલફ સુધી વિસ્તરે છે.

મિલિન્દભાઈ, “આપણું આંગણું”માં અમારા વાચકો વતી અને સમસ્ત ટીમ વતી સ્વાગત કરતાં હું ખૂબ આનંદ અનુભવું છું. આપની કલમનો લાભ અમને અને અમારા વાચકોને આગળ પણ મળતો રહેશે એવી આશા રાખીએ છીએ. ~ જયશ્રી વિનુ મરચંટ)

૧.    “બેરંગ”

હવે મારા દિવસ કે રાતમાં રંગો નથી સ્હેજે…

ઘણાં સોનેરી સૂર્યોદય
ઉભયની આંખમાં મ્હોર્યાં
અને વખતોવખત લીલાં કિરણની વાર્તા માંડી;
ખબર ન્હોતી
કે ભૂરીભઠ સવારો પર
પવનથી પણ વધારે પાતળું પડ છે,
સમયનો કાટ લાગી જાય તો
તરત જ ખરી જાશે બધુંયે
પોપડા થઈને!

બધી બપ્પોર કંઈ પીળી નહોતી આપણી વચ્ચે,
ઘણી ગુલમ્હોર જેવી લાલ લાગેલી,
અમુક તો સાવ રાતીચોળ –
અડકો કે દઝાડી દે.!
અમુક તારા નયન જેવી જ
ભૂખરી પણ રિસાયેલી.

સુંવાળી કેસરી સાંજો
હું તારા હાથમાં ચોળ્યા કરતો કાયમ.
મને એમ જ હતું કે ત્યાં વસી જાશે
એક આખું ગામ મહેંદીનું,
પછી જાણ્યું કે સાલો રંગ કાચો છે.

અધૂરી જાંબલી રાતો ઉપર
મેં ચંદ્રનો કેન્વાસ ટાંગેલો,
અને તેં ‘હાઉક’ જેવો એક નાનો શબ્દ દોર્યો.
એ ગુલાબી રાત
જ્યારે વોલ-પેન્ટિંગમાંથી પેલો મોર
શરમાઈ અને ઊડી ગયેલો….
……
એ હજુ પાછો નથી આવ્યો!

તને જો ક્યાંક સપનામાં મળે
તો એટલું કહેજે
હવે મારા દિવસ કે રાતમાં રંગો નથી સ્હેજે!

૨.    “દુહા”

૧.
એવી રીતે ઘૂઘવે મનમાં ગૂઢ અતીત
જાણે મૂંગી વાવમાં કબૂતરોનું ગીત

૨.
તારા, દીવા, આગિયા, સરવાળે સબ વ્યર્થ
ક્યાંય જડ્યો ના રાતને અજવાળાનો અર્થ

૩.
મંગાવ્યા છે આંસુઓ, સોંપ્યું છે ધોવાણ
સપનાં કચ્ચરઘાણ, ક્યાં લગ રાખું આંખમાં

૪.
શબ્દો, સમજણ, લાગણી, દૂર તણાશે દૂર
નદી લખી’તી આપણે, એમાં  આવ્યાં પૂર

૫.
કેવી રીતે કહું તને – ઈચ્છાનો અંજામ
મળે રૅશન-કાર્ડમાં, નહીં ચડેલું નામ

૬.
છે નગરી ઘુસપેઠની, દોસ્ત! હ્રદયને બોલ
જોયા વિણ peep-holeમાં દરવાજો ના ખોલ

૩.    “તારું શહેર…”

હું એક આત્મકથાના નગરમાં ભટકું છું

ક્યાંક-ક્યાંક કૂરચા થયેલી લાગણીઓ
ક્યાંક-ક્યાંક ભૂલાઈ ગયેલી વારતાના ટુકડા
નદી જેમ જ વહે છે ધ્વસ્ત પડછાયા ગટરમાં
જ્યાં ત્યાં અજવાળાની રાખ
જ્યાં ત્યાં ભૂક્કો થઈને ખરી પડેલા તારાનો ઢગલો
હું એક આત્મકથાના નગરમાં ભટકું છું

અહીં હથેળીમાંથી ફેંકી દીધેલી રેખાઓ
બની ગઈ છે રસ્તા
અને રસ્તા પર વેરાયેલી પાછલી રાતની કરચોને
વહેલી સવારે વાળી નાખે છે સફાઈ કામદારો –
ક્યાંક કોઈને પગમાં વાગી ન જાય!
મોસમ અહીંયા રોજ મરે છે
ને રોજ દાટવા જવું પડે છે
એક ઈન્દ્રધનુષની લાશને તો
મેં મારા ખભા પર કબ્રસ્તાન સુધી પહોંચાડેલી!
હું એક આત્મકથાના નગરમાં ભટકું છું

કોઈ અજાણ્યા ટાપુ પર
ચાંચિયાને ફાંસીએ ચડાવ્યો હોય
એ રીતે ટીંગાય છે ઘરની દીવાલ પર
સ્મરણોના ફોટા
આંખોમાં ઘુવડ એમ મૂકી જાય છે સપનાંઓ
સુક્કાં તળાવમાં જાણે કોઈ
બે ખોબા આંસુ નાખી જાય
હું એ જ આત્મકથાના નગરમાં ભટકું છું

અહીં જ ક્યાંક સમયની અનંત ખીણ હતી
અહીં જ ક્યાંક સંબંધોએ પડતું મેલ્યું હતું.!

૪.    “હાંફી ગયા…!” ~ ગઝલ

રે લોલ, સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા
રે લોલ, દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા

આજેય સૂના કાંગરે પડઘાય કેસરિયો સમય
રે લોલ, તારી યાદના ચિત્તોડમાં  હાંફી ગયા

ક્યાં એક પણ રસ્તો હવે લઈ જાય મારી ભીતરે
રે લોલ, મારા શ્વાસ પણ ઘરફોડમાં હાંફી ગયા

છેવટ મળી બે ગજ ધરા, સૌ ઝંખના દફનાવવા
રે લોલ, આથમવા સુધીની દોડમાં હાંફી ગયા

તું  આવ ત્યારે અર્થનું, આકાશ  લેતી આવજે
રે લોલ,  શબ્દો  કાગળોની સોડમાં હાંફી ગયા

ઊગ્યા કરે છે જંગલોના જંગલો છાતી મહીં
રે લોલ, જ્યાં એકવાર લીલા છોડમાં હાંફી ગયા

૫.    ગીત

જીવતરને કોડથી વલોવીને જોયું
કે મંથનથી  મેળવીએ  શું?
પહેલાં જે પીધું તે ઝૂર્યાનું ઝેર
ને અમૃત જે તારવ્યું તે તું!
– જીવતરને કોડથી વલોવીને……

છાતીમાં તો એક-બે છમકલાં તો હોય
એમાં કશું નંખાય નહીં રોજ
તારે મન તે  કોઈ હસ્તરેખાનો  વાંક
અને મારે મન જન્મ્યાનો બોજ
ઊની બપ્પોર હજી ઠઠારો ન ઠઠારો
ત્યાં  હૈયાની  આરપાર  લૂ….
– જીવતરને કોડથી વલોવીને……

દરિયાને  જેમતેમ પાછો ધકેલો
કે પછી રેતીનો ખોવાશે  દેશ
જોજો અજવાળાં ભીડ કરે ના
નહિ તો ડહોળાશે ચાંદાનો વેશ
કલરવનો શોર જરી ઓછો કરો
મારા માળાને આવ્યું ઓછું…!
– જીવતરને કોડથી વલોવીને……

~ મિલિન્દ ગઢવી

આપનો પ્રતિભાવ આપો..