પુસ્તક: છીપ મોતી શંખ ~ લે: નિરંજના જોશી ~ સમીક્ષા: રિપલકુમાર પરીખ

વિચારદ્રવ્યની મધુર લહરીઓ

‘જીવન એક કળા છે. તે શીખવા કોઈ પાઠશાળા નથી. તે શીખવા દૃષ્ટિ હોવી જરૂરી છે.’ – નિરંજના જોશી.

જીવન જીવવાની કળાની કોઈ પાઠશાળા તો નથી પરંતુ આપણી જીવન પ્રત્યેની દૃષ્ટિ, આપણાં સારાં-માઠાં અનુભવોનું ભાથું જ આપણને જીવન જીવવાની કળા શીખવી જાય છે.

અનુભવો તો આપણને ઘણાં થાય છે પરંતુ તે અનુભવો પ્રત્યે આપણી વિશાળ દૃષ્ટિ જ જીવનને હકારાત્મક અભિગમથી ભરી દે છે.

સૃષ્ટિનાં કણકણમાં જે ભંડાર ભર્યો છે તે જો આપણે જાણી લઈએ તો જીવન ધન્ય થઈ જાય. આવું કણકણને જાણવાનો અને માણવાનો અવસર પુરું પાડતું એક મનનીય અને તાત્વિક વિચારધારા ધરાવતું પુસ્તક એટલે ‘છીપ મોતી શંખ.’ વિદુષી ડૉ. નિરંજનાબહેન જોષીનાં મનોમંથનની નિપજ રુપે તેમની હૃદયસ્પર્શી કલમથી અવતરેલું સંવેદનશીલ પુસ્તક એટલે ‘છીપ મોતી શંખ.’

પંચમહાભૂતથી બનેલું આપણું શરીર જેમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ અને ગગન તત્ત્વો સામેલ છે.  તે  પંચમહાભૂતથી પુસ્તકની આત્મીય શરુઆત પુસ્તકને નવી ઊંચાઈ બક્ષે છે. ઉપરાંત પુસ્તકમાં આપણી જિંદગીમાં પળેપળે ઉપયોગી એવાં વિવિધ તત્વો અને સજીવસૃષ્ટિને પણ લેખિકાએ પોતાનાં અભ્યાસપૂર્ણ નિબંધોથી સુંદર રીતે સમજાવ્યાં છે.‌

અહીં કોયલનો ટહુકો છે, ઘુઘવતો સમુદ્ર છે, પર્ણલીલા છે ઉપરાંત મનુષ્ય જીવનમાં સામેલ આહાર, ક્ષુધા, પ્રેમ, નિવૃત્તિ, જીવનકલા, શાંતિ એમ જીવનમાં સામેલ દરેક વસ્તુ અને સંવેદનાને લેખિકાએ પોતાનાં ટૂંકા પણ અભ્યાસપૂર્ણ નિબંધોથી સુંદર રીતે સમજાવીને પ્રસ્તુત કર્યા છે.

પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજી આ પુસ્તકને વિચાર દ્રવ્યની મધુર લહરીઓ સાથે સરખામણી કરતાં લખે છે,

‘નિરંજનાબહેને અહીં પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ જેવા પંચમહાભૂતો વિશે, તો કોયલ,  સમુદ્ર,  પર્ણલીલા,  વૃક્ષાદિ  સજીવસૃષ્ટિ વિશે, સાથે આહાર, સંતાન, ક્ષુધા,  પ્રેમ, નિવૃત્તિ,  જીવનકલા,  શાંતિ જેવા મનનરૂપે અવતરેલા નિબંધોનો આ સંચય તૈયાર કર્યો છે.

તેમની આ રચનાઓ શુષ્ક લેખો નથી. તો છેક જ લલિતનિબંધો પણ નથી. અહીં તેમની સંવેદના છે, એને પુષ્ટ  કરતો સંસ્કૃત,  અંગ્રેજી,  ગુજરાતી સાહિત્યનો અભ્યાસ છે.

આ લેખોને વિચારદ્રવ્યની મધુર લહરીઓ રૂપે જોવાનું વધુ પસંદ કરું છું. તેમની ભાષા શિષ્ટ રહીને થોડામાં ઘણું કહી શકે છે. આ મિતાક્ષરી સૃષ્ટિ એમ એમની સંવેદન, નિરીક્ષણ,  પરીક્ષણની લીલાસૃષ્ટિ બની રહી છે.’

જ્યાં હૃદયસ્થ સાહિત્યકાર સ્વ. ધીરુબહેન પટેલ આ નિબંધસંગ્રહને દરેક વાચકને આનંદદાયક પ્રવૃત્તિ પૂરું પાડતું હોય તેવું જણાવે છે તો  ‘લેખિની’ સંસ્થાનાં પ્રમુખ ડૉ. પ્રીતિ જરીવાલા આ લલિતનિબંધ સંગ્રહને ચેતોવિસ્તાર કરે એવા વિચારપ્રધાન અને ચિંતનાત્મક જણાવે છે.

લેખિકા ડૉ. નિરંજનાબહેન જોશી આ નિબંધસંગ્રહ માટે પોતાનાં મનોભાવોને વર્ણવતાં લખે છે,

‘જીવન સાગરતટ પરની રેતી સમાન છે. તેના પર અનુભવોનાં પદચિન્હો વિચારો રૂપે મોજાંની જેમ આવનજાવન કર્યા કરે છે.  કાલાન્તરે  રેતી પર બચે છે મનોમંથન:  છીપ મોતી શંખ…  આ મનોમંથન આઠ દાયકા પછી નિબંધનું રૂપ ધારણ કરે છે.

વિદ્યાવ્યાસંગી હોવાને કારણે અધ્યયન અને અધ્યાપન કાર્ય બાદ લગભગ ચાર દાયકા સુધી સમાજની વિવિધ વય, સ્તરની મહિલાઓ સમક્ષ આત્મજાગૃતિ અને ભાવવૃદ્ધિના આશયથી વક્તવ્ય રૂપે અક્ષર આરાધના કરી હતી. પરિણામે મનોમંથનનો મહાવરો થઈ ગયો.

ત્યારબાદ સંસ્કૃત ભાષામાં કાવ્યશાસ્ત્રના તજજ્ઞો મમ્મટ અને આનંદવર્ધનના સાહિત્યમાં ચિત્ર કાવ્ય વિષે વાંચ્યું.  મનમાં વિચારવમળ જાગ્યા. ગદ્યમાં દસેક ચિત્રચિંતન વિડીયોરૂપે તૈયાર થયા.

આ શબ્દાન્કિત લેખો સંચિત વૈભવ સમાન પડ્યા હતા. તે લેખો ડૉ. કવિત પંડ્યાની ચકોર નજરમાં વસી ગયા. પ્રેરણાબહેન  લીમડીને જાણ થઈ.  તે બંનેના  પ્રેમાગ્રહ અને સાતત્યપૂર્ણ પ્રોત્સાહનની  નીપજ છે આ ‘છીપ મોતી શંખ.’

આ નિબંધસંગ્રહનો એક નિબંધ ‘શું ઈશ્વર છે?’ નો એક અદ્ભુત અંશ માણીએ.

‘જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય જેવા અણમોલ ઉપહાર તેં ન માગ્યા હોવા છતાં તને આપીને પૃથ્વી પર મોકલ્યો ત્યારે જગ આખાએ તને હસીને વધાવ્યો.

ચાલણગાડીની મદદથી ચાલતો હતો, કેટલી વાર પડ્યો છતાં ફરી ઊભો થઈ તને આંગળી પકડી ચલાવ્યો, કાલુંઘેલું બોલનારને સ્નેહથી સીંચનાર  માતાને તારી બોલી સમજવા જેટલી બુદ્ધિ કોણે આપી? ત્યારે કયા શહેરમાં, કયા ઘરમાં, કયા માબાપને ત્યાં જન્મ લેવો તેમાં તારો મતાધિકાર હતો? તારી manufacturing date અને તારી expiry date ની તને જાણ છે? તો તું કયા અધિકારથી પૂછે છે કે, “ઈશ્વર છે?”

પુસ્તક પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ
ફોન: (૦૨૨) ૨૨૦૧૭૨૧૩, ૨૨૦૮૫૫૯૩
કિંમત: ₹ ૨૭૫/-
પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: ૯૬૦૧૬૫૯૬૫૫

આપનો પ્રતિભાવ આપો..