ગાંધીજી અને મહિલા સશક્તિકરણ ~ લે. ઉષા ઉપાધ્યાય

વેદ વ્યાસ માટે એવી ઉક્તિ છે કે – “व्यासोच्छिष्टम जगत सर्वम” ગાંધીજી માટે પણ આ જ ઉક્તિ યોજી શકાય એમ છે.
માનવ-જીવનના એકએક પાસાં વિશે આ મહામાનવે વિચાર કર્યો છે, અભિજ્ઞતા દાખવી છે, એટલું જ નહીં પૂર્ણ જાગૃતિ સાથે અભિનવ પ્રયોગો કરીને એનાં તથ્યો અને સત્યોને આપણી સમક્ષ મૂક્યાં છે.
માતૃભાષાનો મહિમા કરનાર અને આસ્તિકતાનો સ્વીકાર કરનાર ગાંધીજી મૂળની સાથે, પરંપરાની સાથે જેાડાયેલા છે તો બીજી બાજુ સદીઓથી ચાલી આવતી અનેક પરંપરાઓને તોડીને એમણે આપણી ’આજ’ માટે વધારે સારો, સાચો ને તેજેામય માર્ગ પ્રશસ્ત કરી આપ્યો છે.
પ્રવાહથી ઉફરાં ચાલવાની, સ્થિતિજડતાને તોડવાની અને નૂતન માર્ગો કંડારવાની કોઈ અજબની ક્ષમતા એમનામાં હતી. મનુષ્યનાં ’મનુષ્યત્વ’ને ઉજાગર કરે તેવા ગુણવિકાસ માટે નિરંતર જાગૃતિ, જાતતપાસ, સત્યનિષ્ઠા અને સાધના કરનાર ગાંધીજીએ આત્માની શક્તિનો જે પરિચય કરાવ્યો છે તે વિરલ છે.
ભૌતિકતાવાદ અને યંત્રોની ચુંગાલમાં ફસાતા જતા માનવે થાકી-હારીને ગાંધીચીંધ્યા માર્ગે પાછા ફરવું પડશે એનાં સંકેતો આજની પર્યાવરણીય પરિસ્થિતિ આપી રહી છે.
વિશ્વભરમાં ગાંધીજીની જયંતી ઉજવાઈ રહી છે ત્યારે ગુલામ ભારતને આઝાદી અપાવનાર ગાંધીજીના અન્ય બે મહત્ત્વનાં કાર્યો – અસ્પૃશ્યતા નિવરણ અને મહિલા સશક્તિકરણને અચૂક યાદ કરવા જેાઈએ.
મધ્યકાલીન સમયખંડમાં અસલામતીભરી પરિસ્થિતિઓમાં ભારતીય સમાજે કચ્છપનીતિએ પોતાનાં અંગો સંકોચીને સલામતી મેળવવાનો પ્રયાસ કરવો પડયો હતો, જેનાં પરિણામ સ્વરુપે વૈદિક સમયમાં જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રે, સમાજમાં અને જાહેરજીવનમાં સન્માનભર્યું સ્થાન મેળવનાર ભારતીય સ્ત્રીને અનેક કુરિવાજો અને કુરુઢિઓનો ભોગ બનવું પડયું.
અંધકારયુગ કહેવાયેલા આ મધ્યકાલીન સમયખંડમાં સ્ત્રીનું જીવન ક્રમશઃ ઘરની ચાર દિવાલોમાં સીમિત થતું ગયું.

બાળવિવાહ, વિધવા પુર્નવિવાહ નિષેધ, દૂધપીતી, દેવદાસી, કન્યાવિક્રય, વૃદ્ધવિવાહ, પરદાપ્રથા વગેરે અનેકાનેક કુરિવાજેાએ સ્ત્રીની નૈસર્ગિક શક્તિઓને રુંધી નાખી હતી.
ગાંધીજીએ આફ્રિકામાં અને ઈ.સ. 1915માં ભારત આવ્યા પછી ક્રમશઃ ભારતમાં પણ પોતાના દરેક મહત્ત્વનાં કાર્યોમાં સ્ત્રીશક્તિ ઉપર વિશ્વાસ રાખ્યો અને એને જાહેરજીવનના મુખ્ય પ્રવાહ સાથે જેાડવાનું અતિ મૂલ્યવાન કાર્ય કર્યું છે.
પ્રસ્તુત લેખમાં ગાંધીજીએ સમયેસમયે સ્ત્રીનાં ગૌરવ, સ્ત્રી-સ્વાતંત્ર્ય અને સ્ત્રી-પુરુષ સમાનતા વિશે જે વિચારો વ્યક્ત કર્યાં છે તેને ક્રમશઃ ચકાસતા જઈને સ્ત્રી-સશક્તિકરણમાં એમનો કેવો મૂલ્યવાન ફાળો છે તે સ્પષ્ટ કરવાનો ઉપક્રમ છે.
સ્ત્રીને ’અબળા’નું નામાભિધાન આપનાર પર સીધો પ્રહાર કરતાં તેઓ કહે છે –
’’ભારતની બહેનોને અબળા કહેવાનું કોણે શોધ્યું હશે તે તો દૈવ જાણે! ’અબળા’ કહીને એ શક્તિને વગોવી છે. મારી ર્દષ્ટિએ તો બહેનોને એક જાતની ગાળ આપી છે. આપણી સ્ત્રીઓ કદી પણ અબળા ન હતી અને નથી.’’
(’બિહારની કોમી આગમાં’, પૃ. 215)
સ્ત્રીહૃદયમાં રહેલા નિરવધિ સ્નેહ, કરુણા અને એને કારણે જન્મતા ધીરજ, ત્યાગ તથા સહનશીલતા સ્ત્રીના ઉત્તમોત્તમ ગુણો છે. માતૃત્વની સાથે સહજપણે જ આ ગુણો સ્ત્રીને મળેલી કુદરતી બક્ષિસ છે.
અહીં સહેજે ગુજરાતી કહેવતભંડારની કેટલીક કહેવતો યાદ આવવાની, જેમ કે – ’મા તે મા, બીજા બધાં વગડાનાં વા’, ‘પોતે ભીનાંમાં સૂવે અને બાળકને કોરામાં સુવડાવે’, ’એક માતા સો શિક્ષક સમાન છે.’ વગેરે.
ગાંધીજી સ્ત્રીઓનાં ઉપરોક્ત વિશિષ્ટ ગુણોમાં વિશ્વશાંતિની ચાવી જુએ છે ’બિહાર પછી દિલ્હી’માં તેઓ લખે છે કે –
’’જગતમાં કેવળ સ્ત્રીસંગઠન થાય તો આ એટમબોમ્બને દડાની માફક ફેંકી દઈ શકે એવી બહાદુરીભરી અહિંસા તેઓ દાખવી શકવાની શક્તિ ધરાવે છે.’’
ગાંધીજીની આ વાતમાં સહેજે અતિશયોક્તિ નથી તેની સાક્ષી ઈતિહાસ પૂરે તેમ છે. રાજકીય અંધાધૂંધીના સમયે જ્યારે દ્વારકાના દ્વારાધીશના મંદિર પર તોપો મંડાઈ હતી ત્યારે સાહસિક વાઘેરાણીઓ ભીનાં ગોદડાઓથી મંદિરના શિખરને ઢાંકીને ઊભી રહી હતી અને તોપના અગનગોળાઓની આગ ઠારી દીધી હતી. સ્ત્રીઓમાં રહેલા અહિંસક પ્રતિરોધનું આ અદ્ભૂત દ્રષ્ટાંત છે.
સ્ત્રીને અહિંસાની અને ત્યાગની સાક્ષાત મૂર્તિ માનનાર ગાંધીજીએ ’અબળા’ ગણાયેલી સ્ત્રીની ’બહાદુરીભરી અહિંસા’માં વિશ્વશાંતિનો માર્ગ જેાયો છે.
’બિહાર પછી દિલ્હી’માં તેઓ લખે છે કે-
’’’(સ્ત્રી) સાક્ષાત્ દેવી છે, એટલે કે, ત્યાગમૂર્તિ છે. સ્ત્રીઓમાં એવી અદ્ભૂત શક્તિ છે કે, જો તેઓ કામ કરવા ધારે અને તેને ખંતપૂર્વક કરે છે તો પહાડ પણ હલાવી શકવાની તાકાત ધરાવે છે. એટલી શક્તિ ભરી છે.’ (પૃ. 237)
સ્ત્રીશક્તિનો આવો અનન્ય મહિમા કરવાની સાથે જ ગાંધીજી સ્ત્રીમાનસની એ સમયની પરિસ્થિતિ અને સમસ્યાને પણ સારી રીતે સમજે છે. જેમ પિંજરામાં પૂરાયેલાં પક્ષીને પિંજર બહાર કાઢવામાં આવે તો પણ તે જલદી ઊડી શકતું નથી, લાંબા સમયના બંધને તેની પાંખોને જકડી લીધી છે એટલું જ નહીં તેના આત્મવિશ્વાસને પણ હરી લીધો હોય છે.
આ ’આત્મવિસ્મૃતિ’માંથી સ્ત્રી બહાર આવી શકે તો જ તેની શક્તિઓ કાર્યશીલ બને. આ બાબતે પણ ગાંધીજીએ ’’સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ આવી જાય…’’ એ વાત ભારપૂર્વક જણાવી છે.
સ્ત્રી-શક્તિને પારખનાર અને એની ક્ષમતામાં ઊંડો વિશ્વાસ રાખનાર ગાંધીજીએ આઝાદીની લડત દરમિયાન સૌ પ્રથમ વખત સ્ત્રીઓને સદીઓના અંધકારભર્યા ઓરડામાંથી બહાર લાવીને જાહેરજીવનમાં સહભાગી બનાવી, એમની આત્મશક્તિના પૂર્ણ ઉજાસની પ્રતીતિ કરાવી છે.
’બાપુના પત્રોઃ આશ્રમની બહેનોને’માં એક પત્રમાં ગાંધીજીએ સ્પષ્ટપણે લખ્યું છે કે –
’’સ્ત્રીઓની પાસે સ્વરાજ્યની ચાવી છે એમ હું જેાઉં છું.’’
તો વળી, ’નવજીવન’ના 6-4-30ના અંકમાં પૃ. 295 ઉપર એમણે લખ્યું છે કે
’’મને તો લાગે છે કે સ્વરાજની લડતની અંદર પુરુષો કરતાં સ્ત્રીઓનો ફાળો વધારે હશે.’’
મીઠાના સત્યાગ્રહ કરતાં પણ વધારે ર્દઢતા, ધીરજ અને સાહસ માંગી લે તેવું કાર્ય ગાંધીજીને દારુના પીઠાનાં પેકેટિંગનું લાગ્યું હતું. ’નવજીવન’ના 6-4-30ના અંકમાં પૃષ્ઠ 291 ઉપર ગાંધીજીએ લખ્યું છે કે –
’’મીઠાના કરતાં અઘરું કામ મદ્યપાનનિષેધનું છે. એ વિષયમાં પુરુષની હાર હું કબૂલ કરવાને ઇચ્છું છું. 1921ની સાલમાં પુરુષો મીઠાની ચોકી કરતા હતા, પણ મારે તે બંધ કરવી પડી, કેમ કે ઠેકઠેકાણે પુરુષોએ ભૂલો કરી હતી. પીઠાં બળાત્કારે બંધ નથી કરાવવાં, એમ કરવામાં પ્રજાશક્તિ વધતી નથી. આપણો ખરો જ્ય પથ્થર જેવી છાતીવાળા પીઠાના માલિકોનાં હૃદય પિગળાવવામાં અને મદ્યપાન કરનારાં આપણાં ગાંડાં ભાઈબહેનોનાં હૃદય ઉપર એની અસર પહોંચાડવામાં રહેલ છે. આ લોકનાં હૃદયનું પરિવર્તન કરવું મને લાગે છે કે સ્ત્રીઓનું ખાસ ક્ષેત્ર છે અથવા તેને ખાસ ક્ષેત્ર કરી શકે છે.’’
નવજીવનના અન્ય એક અંકમાં એમણે એમ પણ નોંધ્યું છે કે –
’’ભાવિ લડતના મારા સૈન્યમાં પુરુષોના કરતાં સ્ત્રીઓની જ વિશાળ પ્રમાણમાં વધુ સંખ્યા ભરતી થાય એમ જેાઉં તો હું રાજી થાઉં.’’
સ્ત્રીશક્તિનો આવો અનન્ય મહિમા કરનાર ગાંધીજીએ સ્ત્રીની ઉન્નતિ કેવી રીતે સંભવે તે સંદર્ભે પોતાના સ્પષ્ટ વિચારો દર્શાવ્યા છે.
’બિહાર પછી દિલ્હી’માં એમણે બહુ મહત્ત્વનું વાક્ય કહ્યું છે – ’’સ્ત્રીઓનો ઉદ્ધાર સ્ત્રીઓ જ કરી શકે.’’ પિતૃસત્તાક સમાજે રચેલી સોશીયલ ફ્રેમ ’’સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે.’’ કરતાં તદ્દન જુદી રીતે ગાંધીજીએ આ વિધાન કર્યું છે, બલકે કહો કે નિદાન કર્યું છે.
મનીષી સર્જક મનુભાઈ પંચોળી ’દર્શક’ની કૃતિ ’દ્રૌપદી વસ્ત્રાવરણ’ અહીં યાદ કરવા જેવી છે. કૌરવસભામાં દુઃશાસનના હાથે થઈ રહેલા દ્રૌપદી વસ્ત્રહરણ સમયે તેનો આર્તનાદ સાંભળીને સખા કૃષ્ણ ચીર પૂરે છે એ પ્રચલિત, ચમત્કારિક ઘટનાને સ્થાને દર્શકે અનોખું આલેખન કર્યું છે.
દ્રૌપદીને માતૃવત્ ચાહતાં ગાંધારી અંતઃપુરમાં દ્યુતસભામાં થઈ રહેલાં દ્રૌપદી વસ્ત્રાહરણના ખબર સાંભળીને દાસીનો સહારો લઈ કૌરવસભામાં પહોંચે છે અને પોતાની તેજેાદીપ્ત વાણીથી અનર્થ રોકતાં દ્રૌપદીને પોતાનો ઉપરણો ઓઢાડે છે. શક્ય છે કે આ કૃતિમાં ગાંધીવાણીનો જ ધ્વનિ ઝીલાયો હોય.
સામાજિક કુરુઢિઓ સામે સ્ત્રીની પ્રતિકાર શક્તિને જગાડતાં ગાંધીજીએ કેટલું સ્પષ્ટ વિધાન કર્યું છે ! –
’’દુષ્ટ રિવાજને વશ થવામાં પામરતા છે, તેનો વિરોધ કરવામાં પુરુષાર્થ છે.’’
સ્ત્રીઓની ઉન્નતિ વિના હિંદુસ્તાન કદી શુદ્ધ સ્વરાજ નહીં ભોગવી શકે એવું ગાંધીજી ર્દઢપણે માનતા હતા અને તેથી જ સ્ત્રીકેળવણી માટે તેઓ ઘણાં આગ્રહી હતા ’બિહારની કોમી આગમાં’ પુસ્તકમાં એમણે લખ્યું છે કે –
’’જો બહેનોની પોતાની સ્વતંત્રતા મેળવવાની ઇચ્છા હોય તો પહેલું સાધન કેળવણી છે. મારી તો માન્યતા છે કે છોકરાઓ કરતાંય છોકરીઓને કેળવણી આપવી એ વધુ જરુરી છે. સ્વતંત્ર હિંદમાં જેા હું જીવતો રહ્યો અને મારું ઊપજશે તો હું સ્ત્રીકેળવણી પર વધુ જેાર આપવાનો છું.’’ (પૃ. 170)
સ્ત્રી-સશક્તિકરણ સંદર્ભે ગાંધીજીના સ્ત્રી-પુરુષ સમાનતાના ખ્યાલ કેટલાં બધાં પ્રગતિશીલ હતાં!
નારીવાદી આંદોલનના આરંભકાળે થયેલી ચર્ચાઓ અને સ્થાપનાઓમાં વારંવાર જે મુદ્દો કેન્દ્રમાં રહ્યો છે તે સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતા અને સહભાગિતા, તેમજ સમાન અધિકારની વાત ગાંધીજીએ સ્વતંત્ર રીતે ચર્ચી છે અને પોતાનાં સ્પષ્ટ અભિપ્રાયો આપ્યા છે.
આત્મારુપે સ્ત્રી અને પુરુષ બન્ને સરખાં છે એવું તાત્ત્વિક રીતે સ્વીકારનાર ગાંધીજી પુરુષપ્રધાન સમાજની સ્વકેન્દ્રી રીતિનીતિને પડકારતાં ’બિહારની કોમી આગ’માં લખે છે કે –
’’સ્ત્રીઓના અધિકારો વિશે એકે બાબતમાં હું જરાયે પડતું મેલવાને તૈયાર નથી. મારા મત પ્રમાણે કાયદાએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જાતની અસમાનતા રાખવી ન જેાઈએ. દીકરા અને દીકરી વચ્ચે કોઈ જાતનો ભેદભાવ ન હોવા જેાઈએ.’’ (પૃ. 64)
’હરિજનબંધુ’માં આ જ સંદર્ભે એમણે ફરી કહ્યું છે કે –
’દીકરીનો હિસ્સો દીકરા જેટલો જ હોવો જેાઈએ.’
સ્ત્રી-પુરુષ વચ્ચે કુદરતે મૂકેલાં જૈવિક તફાવત સિવાય ગાંધીજી બીજાં કોઈ ભેદભાવ સ્વીકારવાના મતના ન હતાં. પતિની આવકમાં પતિ-પત્ની બન્ને સરખાં હકદાર છે, કારણ કે પતિ પત્નીની મદદથી જ કમાય છે એવું તેઓ સ્પષ્ટપણે માનતા હતા.
સદીઓથી પિતા, પતિ, પુત્ર આધારિત જીવન જીવતી સ્ત્રીઓની મનઃસ્થિતિનો એમણે સમ્યક્ વિચાર કર્યો છે. ’હરિજનબંધુ’ના 15-7-34ના અંકમાં તેઓ લખે છે કે –
’’જૂના જમાનામાં ગુલામને ભાન નહોતું કે મારે સ્વતંત્ર થવાનું છે અથવા મારાથી સ્વતંત્ર થવાય. આજે સ્ત્રીની દશા પણ કૈંક એવી જ છે. પેલા ગુલામને જ્યારે મુક્તિ મળી ત્યારે થોડો વખત એને એમ લાગ્યું કે મારો આધાર જતો રહ્યો. સ્ત્રીઓને એવું શીખવવામાં આવ્યું છે કે આપણે પુરુષનાં ગુલામ છીએ, એમ માનવું. અહીં મહાસભાવાદીઓની ફરજ એ છે કે તેઓ સ્ત્રીઓને પોતાના અસલ દરજ્જાનું ભાન કરાવે, અને જીવનમાં પુરુષ સાથે સરખા દરજ્જાથી પોતાનો ભાગ લેવાને તેમને કેળવીને લાયક બનાવે.’’ (પૃ. 134)
’’દીકરીનો હિસ્સો દીકરાના જેટલો જ હોવો જેાઈએ.’’, ’’હું પુત્ર અને પુત્રીની વચ્ચે ભેદ કરતો નથી. બંન્ને સરખા સ્વાગતને યોગ્ય છે.’’, ’’પુરુષોને મજૂરીને માટે કલાકના હિસાબે જે મહેનતાણું આપવામાં આવશે તે જ મહેનતાણું સ્ત્રીઓને આપવામાં આવશે.” વગેરે અનેક વિધાનોમાં ગાંધીજીના સ્ત્રી-પુરુષ સમાનતાના સ્પષ્ટ વિચારો પ્રગટ થયા છે.
સમગ્રપણે જેાઇએ તો ભારતની આઝાદીની લડતનું સફળ નેતૃત્વ લેનાર આ મહામાનવે તત્કાલિન સમાજને વળગેલાં ખોટાં ખ્યાલો અને માપદંડોના જાળાંને સાફ કરીને સ્વરાજ્ય સુરાજ્ય બની રહે એ માટેની નક્કર ભૂમિકા રચવાનું દૃષ્ટિપૂર્ણ કાર્ય કર્યું છે.
સ્ત્રી-શક્તિનો મહિમા સ્વીકારી, કેળવણી દ્વારા આ સ્ત્રી-શક્તિને જાગૃત કરવાના, તેમ જ જીવનનાં તમામ ક્ષેત્રોમાં સ્ત્રી-પુરુષ સમાનતાના વિચારોની સ્થાપના કરીને ગાંધીજીએ સ્ત્રી-શક્તિને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કાર્ય કર્યું છે.
ભારત જેવા વિરાટ દેશની અગણિત સ્ત્રીઓને માટે ગાંધીજીએ પોતાનાં વિચારો અને કાર્યોથી જે ગૌરવપૂર્ણ સ્થિતિનું નિર્માણ કર્યું તેનાં સુફળ આજે આપણે જોઈ શકીએ છીએ.
ભારતને મળેલી રાજકીય આઝાદીનું જેટલું મૂલ્ય છે, એટલું જ સ્વસ્થ સમાજરચના માટે એમણે કરેલાં સામાજીક સુધારાના નિરંતર પ્રયાસોનું પણ મૂલ્ય છે.
~ ઉષા ઉપાધ્યાય
u.upadhyay11@gmail.com