“તારા બગીચામાં રહેતી ગઈ” : પન્ના નાયક ~ આસ્વાદઃ સુરેશ દલાલ ~ અંતિમ અવસરના જુહાર

“તારા બગીચામાં રહેતી ગઈ”: ~ અંતિમ અવસરના જુહાર 

તારા બગીચામાં રહેતી ગઈ

તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
ઝાડવાની લીલેરી માયા મને,
ફૂલની સુગંધની છાયા મને,
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.

આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.

– પન્ના નાયક

(* આ ગીત “વિદેશિની” સંગીત-આલ્બમમાં સ્વરકાર શ્રી દિલીપ ધોળકિયા દ્વારા સ્વરબદ્ધ કરાયું છે અને એને સુરીલા કંઠ આપનાર ગાયિકા છે કલ્યાણી કૌઠાળકર.)

અંતિમ અવસરના જુહાર –

પન્ના નાયક વિદેશમાં રહે છે અને સ્વદેશમાં આવનજાવન કરે છે. એમના એક ગીતસંગ્રહનું નામ પણ ‘આવનજાવન’ છે. પ્રારંભમાં કેવળ અછાંદસ કાવ્યો લખતાં. પછી એમની કલમ ગીત અને હાયકુ તરફ પણ વળી છે.

આ કાવ્ય એટલે અંતિમ સમયે વ્યકિત પ્રત્યે અને જગત પ્રત્યે આભારની અભિવ્યકિત- કોઈ પણ પ્રકારના ભાર વિના, નરી હળવાશ અને અનાયાસે પ્રગટેલી અભિવ્યકિત.

આ સૌંદર્યમય વિશ્વમાં જે કંઈ જોયું છે- જાણ્યું છે- માણ્યું છે એનો નર્યો આનંદ. સજજનો જયારે જાય છે ત્યારે ઘા કે ઘસરકા મૂકી જતા નથી. જતાં જતાં પણ કોઈને ‘આવજો’ કહીને જવું એમાં માણસની અને માણસાઈની ખાનદાની છે.

જીવનમાં જયારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે કોક આપણને પ્રેમ કરે છે. આ પ્રેમ એ કોઈકે રચી આપેલો બગીચો છે. હું તો ત્યાં સુધી કહું કે આ સૃષ્ટિમાં આવ્યા પછી આપણે સૃષ્ટિમાં જીવીએ છીએ એ બીજું કશું જ નથી પણ ઈશ્વરે આપણા માટે રચેલો બગીચો છે. તો જીવ જયારે અહીંથી વિદાય લે ત્યારે એ બગીચામાં રહેવાનો જે આનંદ મળ્યો એ આનંદની લાગણીને કઈ રીતે વ્યકત કરે?

ઈશ્વર પાસેથી માત્ર લેવાનું ન હોય. કશુંક સૂક્ષ્મ ઈશ્વરને આપવાનું પણ હોય. જેણે આપણને બગીચો આપ્યો, એને આપણે કમમાં કમ આપણા ટહુકાનું પંખી તો આપીએ. ટહુકો નિરાકાર છે ને પંખીને આકાર છે. આમ તો જીવ અને શિવની, રૂપ અને અરૂપની આ લીલા છે.

હરીન્દ્ર દવેની પંકિત યાદ આવે છે: ‘કોઈ મહેલેથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.’

આ ગીતની મજા એ છે કે એમાં મરણની ભયાનકતા નથી, મરણનું માંગલ્ય છે, એનું વૃંદાવન છે. ઝાડવાની લીલી માયા છે. ફૂલોની સુગંધી છાયા છે. વહેતા વાયરાની જેમ પસાર થતા કાળમાં આપણે પણ પસાર થઈએ છીએ અને આપણને ખબર નથી કે આ આપણો કયો અને કેટલામો જન્મ છે. પણ આપણે એ જન્મોની વાતને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક ક્ષણ એવી આવે છે કે જયારે આપણા આંગણે આખરનો અવસર આવી ઊભો રહે છે.

કવિ રાજેન્દ્ર શાહની પંકિતઓ માણવા જેવી છે:~
“આખરને અવસરિયે,
વણું જુહાર, જયાં વાર વાર,
ત્યારે જ મેં અરે, જાણ્યું
મારે આવડો છે પરિવાર.
રણની રેતાળ કેડીએ
જાતા ઝાકળને જળ ન્હા.”

અહીં પણ અંતિમ ક્ષણની વેદના નથી, પણ આનંદનો અવસર છે. આમ આમ કરતાં કેટલા દિવસો વહી ગયા. કેટલી કળીઓ દિવસ રાતની ખૂલી અને આ કળીઓની આસપાસ કાળના ભમરાનું ગુંજન અને એની ગાથાઓ ઝૂલતી રહી.

કાવ્યનાયિકા કહે છે કે; “હું તો જન્મોજન્મ લખચોર્યાશી ફેરામાં ભમતી રહી. ગત જન્મને ભૂલતી રહી અને છતાં કયાંક કયાંક પૂર્વજન્મના અને પુનર્જન્મના અણસાર આવતા રહ્યા. એ અણસારે અણસારે હું જન્મોની વાતોને ઉકેલતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉ છું.”

ખલિલ જિબ્રાને વિદાય વેળાનું એક ચિત્ર કર્યું છે. એમાં ‘આવજો’ કહીએ ત્યારે આપણો હાથ સહજપણે ઊચકાઈ જાય છે. કવિ – ચિત્રકાર ખલિલ જિબ્રાને ‘આવજો’ કહીને હથેળીમાં આંખને મૂકી છે. કારણ કે આવજો માત્ર હાથથી નહીં, પણ આંખથી કહેવાનું હોય છે.

આ સાથે સ્પેનિશ કવિ યિમિનેસના કાવ્ય, ‘અંતિમ યાત્રા’નો અનુવાદ મૂકું છું, જે તુલનાત્મક રીતે વાંચવા જેવો છે.

“લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
ને તોય હશે અહીં પંખી : રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!

લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ, શાંત, આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ: ઘંટનો હશે રણકતો નાદ:
નાદ એ નહીં જાય રે ઝાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!

મારી કમી પછીયે લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ પણ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- એકખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!

અને એકલો જાઉ : વટાવી ઘરના ઉંબર-પહાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
-તો ય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યો-ફાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!”

(કવિશ્રી સુરેશ દલાલ અને પન્ના નાયક – Friends forever)

 

 

 

 

 


સૌજન્ય: સાભાર
૧. દિવ્ય ભાસ્કર -30 માર્ચ 2009, “હયાતીનાં હસ્તાક્ષર” – કવિતાના આસ્વાદની કોલમ ~ સુરેશ દલાલ

આપનો પ્રતિભાવ આપો..