અને મારો ખોળો બની જાય છે આકાશ ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
જગતની બેહદ ખૂબસૂરત જગ્યા હોય તો એ છે માનો ખોળો. પૃથ્વીને ચેતનવંતી રાખનાર માતૃત્વનો ખોળો બાળક માટે નિરાંતનું સરનામું અને સંસાર માટે આસ્થાનું સરનામું છે. અંશની માવજત વંશ ટકાવવા જરૂરી છે. મરીઝ વાતને એક અસીમ ઊંચાઈએ લઈ જાય છે…
મોહબ્બતના દુઃખની
એ અંતિમ હદ છે
મને મારી પ્રેમાળ
મા યાદ આવી
કબરના આ એકાંત,
ઊંડાણ, ખોળો
બીજી કો હૂંફાળી
જગા યાદ આવી
સંતાન ગમે એટલું મોટું થાય, પણ માતા માટે તે નાનું જ રહેવાનું. બાળસ્વરૂપ આંખોમાં ભરી રાખ્યું હોય તો સ્નેહની સરવાણી સુકાય નહીં.
આપણે ત્યાં ઈશ્વરના બાળસ્વરૂપનો પણ એટલો જ મહિમા છે. ગણેશોત્સવમાં ગણપતિની મસમોટી મૂર્તિઓ સામે બાળસ્વરૂપની નાની મૂર્તિઓ આંખોને વધુ લીલીછમ કરી દે છે.
ગણપતિના વિસર્જન પછી હૃદયના એક ખૂણે ખાલીપો વર્તાય. પરમ શક્તિનો સૂક્ષ્મ ખોળો આપણને દેખાતો નથી, પણ એ અનુભવાય જરૂર. રવિ દવે પ્રત્યક્ષ આશ્વાસન શોધી લે છે…
મા ભલે માને કે એ તો ખોળો છે
હું સૂઉં તો એને ધારું ઓશીકું
મીઠી મીઠી નીંદ આપે છે મને
ખારાં આંસુને પીનારું ઓશીકું
પ્રત્યેક જણને એક આધાર જોઈએ છે. થાળીમાં દેખાવડી અને સ્વાદિષ્ટ પચ્ચીસ વાનગીઓ ભરી હોય છતાં એકલા-એકલા જ જમવાનું હોય એમાં મજા ન આવે. એની સરખામણીમાં બે જણ માત્ર શાક-ભાખરી સાથે બેસીને ખાતા હોય તોય સંતોષ થાય. વાનગીની સાથે વહાલ ન હોય તો ખાવું માત્ર દૈહિક પ્રક્રિયા બની જાય.
પરિવારોમાં સાથે બેસીને જમવાની પ્રથા હવે લુપ્ત થતી જાય છે.
દરેક જણનો ઘરે પાછા ફરવાનો સમય અલગ-અલગ હોય. આના કારણે અન્નથી આત્મીયતા સુધીની પ્રક્રિયામાં ગોબા પડે. એ દેખાય નહીં, પણ વર્ષો જતાં એની અસર વર્તાવા માંડે. ભાણે બેસીને થતી ક્ષુલ્લક વાતો સંબંધોની માવજતમાં મદદરૂપ થતી હોય છે. પ્રકાશ ચૌહાણ જલાલની પંક્તિઓ દ્વારા વાતને વળાંક આપીએ…
ભેગાં કરીશ બોર
તો એ કામ આવશે
ક્યારેક તો આ ઝૂંપડીએ
રામ આવશે
ખોળો ગઝલનો તો કદી
ખાલી નહીં રહે
આદિલ, ચિનુ, મરીઝ
ને બેફામ આવશે
ગઝલો લોકપ્રિય બને એ જરૂરી છે. તાજેતરમાં આલાપ દેસાઈએ ખલીલ ધનતેજવીની નવેક ગઝલોનાં સ્વરાંકન લોકો સુધી પહોંચાડવાનો આરંભ કર્યો છે.
આવો આલાપ-પુરુષાર્થ વિસ્તરે એ જરૂરી છે, કારણ ગઝલના સ્વરૂપમાં લાઘવ પણ છે અને ઊંડાણ પણ છે. કમનસીબે હિન્દી ફિલ્મોમાંથી ગઝલનું નામોનિશાન લગભગ નીકળી ગયું છે.
ગુજરાતી ફિલ્મોમાં તો ગઝલ બિચારી પ્રવેશી શકી જ નથી એમ કહીએ તો ખોટું ન કહેવાય. જે લોકો ગઝલ કે અન્ય કોઈ પણ સાહિત્ય-સર્જનમાં નિષ્ઠાથી પ્રવૃત્ત હોય તેમને ખબર હોય છે કે કલમને ખોળે જીવવું ભલે આકરું હોય તોય વહાલું લાગે છે. વળતરને માપી શકાય, સંતોષને તોલી શકાતો નથી. યુ.કે.માં રહીને સુંદર ગઝલકર્મ કરનાર પંચમ શુક્લ લખે છે…
વકાસેલું વદન મારું;
હું મારા દિલમાં નીરખું છું
નથી હું લાગતો પંડિત,
નથી હું લાગતો શાયર
પ્રભુ! ના કોરડો વીંઝો
લથડતા બાળની ઉપર
બિછાવો છંદનો ખોળો
નીતરતો ભાવ છે સાદર
ગઝલ માટે છંદનો ખોળો અનિવાર્ય છે. પ્રકૃતિના ખોળે માથું મૂકનારને પરમના અપાર આશીર્વાદ પ્રાપ્ત થયા છે એમ માનવું પડે. ધર્મના ખોળે બેસીને પણ જીવન વ્યતીત થઈ શકે. રંજ એ છે કે એક ધર્મના ખોળે બેસીને બીજા ધર્મને ખાડે લઈ જવાના ખતરનાક પ્રપંચ દેશ-વિદેશમાં ચાલે છે.
વીસમી સદીમાં મુખર થયેલું ધાર્મિક ઝનૂન એકવીસમી સદીમાં પણ ઓછું થયું નથી એ ચિંતાનો વિષય છે. શાયર કાયમ હજારીની વાત ખોટી પડે એવી પ્રાર્થના કરીએ…
ભગ્ન ચૂડી, ખાલી ખોળો
ને બળેલી રાખડી
જડ બનેલી જિંદગી
કઈ વાતનું માતમ કરે?
માનવીની પાશવી-ખૂની
લીલાઓ જોઈને
મંદિરો ને મસ્જિદોના
પથ્થરો હીબકાં ભરે
લાસ્ટ લાઈન
મારા ખોળામાં ઓથાર પાથરી
સગર્ભા રાત સૂતી છે
એને અસુખ જેવું વર્તાય છે.
હું એના કાળા ભમ્મર વાળમાં
હાથ ફેરવતી બેસી રહું છું
એને પીડા ઊપડે છે
ડોકિયાં કરતા ચાંદને હું
અમાસથી ઢાંકી દઉં છું
સમજુ તારાઓએ તો પોતે જ
આંખ બંધ કરી દીધી છે
ફરજ પરના પવને મોઢું
બીજી તરફ ફેરવી આડશ કરી દીધી છે
ધીરેથી પ્રસવ થાય છે અને
મારો ખોળો ગુલાબી ઝાંયથી
ભરાઈ જાય છે
ઓમકારાનાં ગુંજન સાથે જ
બાળસૂર્ય જન્મે છે
અને મારો ખોળો
બની જાય છે આકાશ
યામિની વ્યાસ
કાવ્યસંગ્રહઃ આવર્તનમ્