|

ટહુકતી સાંજ ખળખળ વહી રહી છે…~ લલિત નિબંધ ~ રાકેશ પટેલ ~ સૌજન્ય: શબ્દસૃષ્ટિ

પંખીઓની પાંખો ઓઢી સાંજ ટહુકા વેરી રહી છે. હું મારા કાને ટકુકાઓને રોપી રહ્યો છું. મારી આંખોમાં ગુલાબી આકાશ લીંપી દઈ, દૂર ક્ષિતિજો પાર ઊડી જઈ રહેલાં પંખીઓના ટહુકાને વીણી રહ્યો છું ત્યારે મારી હથેળીઓ પણ ટહુકી ઊઠે છે.

આ હથેળીમાં સૂરજ તેના છેલ્લા શ્વાસો રોપી, આવતીકાલે પુન: આકાશને પ્રકાશપુંજથી છલકાવી દેવાની વાત કહી, ક્ષિતિજો પાછળ વિસામો લેવા ઓલવાઇ જઈ રહ્યો છે.

સાંજ નર્મદાના જળમાં ખળખળ ખળખળ વહેતી ક્ષિતિજોએથી મારી તરફ આવી રહી છે. સાંજને આવકારવા હું મારા બન્ને હાથ હવામાં લહેરાવી રહું છું ને આંગળીઓના ટેરવાં શીત પવનની લહેરખીઓથી ચમચમી ઊઠે છે.

માગસર માસની સાંજ ઠંડી પહેરીને મને ધ્રુજાવી રહી હતી. હું મારા એક મિત્ર નરેન્દ્રસિંહ મકવાણા સાથે રાહ જોતો બેઠો છું નાવિકના પગલાની! મારી આંખો સામે વહી રહી છે મૈયા નર્મદા.

સાંજને કિનારે બેઠો છું ત્યારે નર્મદાનાં જળ લય સાથે એક સરખી ગતિથી દૂર ક્ષિતિજો તરફ વહી રહ્યાં છે. કેસરીયાળો સાફો માથે બાંધી આકાશ જાણે જાનૈયાઓનું સ્વાગત કરવા થનગની રહ્યું હોય એમ આકાશે એની હથેળીઓમાં મૂકેલ મહેંદીથી નર્મદાનાં જળ ચમકી રહ્યાં હતાં ને નર્મદા પણ આખું આકાશ ઓઢી છલકાઇ ઊઠે છે.

કિનારે પંખીઓ છબછબિયા કરી રહ્યાં છે. એકલદોકલ માણસો સાંજને પોતાની ઝોળીમાં ભરી અવર-જવર કરી રહ્યાં છે. દૂર એક માણસ લાકડાંનો ભારો માથે મૂકી ઘાસમાં સૂતેલી કેડીઓને જગાડી ચૂપચાપ વહી રહ્યો હતો. તો એક વયસ્ક જેવો લાગતો માણસ નર્મદાને કાંઠે નાનકડી જાળ પાથરી સૂતો છે. માછલીઓની આંખોમાં આથમતી સાંજ ઘટ્ટ થઇ રહી હતી.

હું મારા મિત્ર સાથે શેરડીનો ભાઠો લઈ બેઠો છું. આખો દિવસ શેરડી ખાઈ ધરાઈ ગયો હતો આજે તો! અમે સવારથી ભાલોદ ગામે આવ્યા હતા. અહીં તેના કાકા રહે. ખેતી સંભાળે.

ભાલોદ ગામ નર્મદા કિનારે વસેલું. અત્યારે ઘરે‌ ‌‌- મોટી કોરલ જવા નાવની રાહ જોતા બેઠા છીએ. સામે કાંઠે જ છે મોટી કોરલ. થાય એક હનુમાનકૂદકો મારું અને પહોંચી જઉ…! પણ ઉપર ડુંગરે બેઠેલ મણિનાગેશ્વર મને ના પાડી રહ્યા છે! મને મગરની બીક બતાવી રહ્યા છે! અને એક મગર તો અમારાથી થોડે જ દૂર કિનારે-કિચ્ચડમાં આળોટી કિનારે સૂતો પડ્યો છે.  હું અર્જુન તો છું નહીં..!

વૃક્ષો પાંખો ફફડાવી રહ્યાં છે અને અંધારું ઠાલવી રહ્યાં છે. હું ખોબે ખોબે અંધારુ ઉલેચી રહ્યો છું. નર્મદાના જળ જાણે થીજી ગયાં હોય એમ કશાય પ્રકારની કોઇ હલચલ નથી જણાતી.

ઠંડીના સુસવાટા વચ્ચે નદી પણ આકાશ ઓઢી મગરની બે તગતગતી આંખોમાં લપાઈ ગઈ લાગે છે! અને એ જ મગર ક્યારનોય ચત્તોપાટ પડ્યો પડ્યો અમારી સામું તાકી રહ્યો હતો. કેવો જાડી ચામડીનો! સ્હેજેય હલતો નથી…. કોઇ પંખીઓના ટહુકા સાંભળી એને નાચવાનું ય મન નઈ થતું હોય? જ્યારે મારું મન તો ક્યારનું ય નાચી રહ્યું હતું, ઝૂમી રહ્યું હતું.

ખળખળ કરતી નર્મદા અત્યારે ગંભીર થઇ ગઇ હતી. મણિનાગેશ્વર મંદિરમાં આરતી કરવા ઊભી રહી ગઈ હતી જાણે! અન્યથા નર્મદા હસતી, રમતી, કૂદતી ને એના પ્રવાહથી સમગ્ર વાતાશને સંગીતથી ભરી દેતી કલકલ કરતી વહેતી નદી છે!

તે દૂર દૂર ઊંચા પહાડો, જંગલો અને ઝાડીઓમાંથી પોતાનો રસ્તો કંડારતી પોતાની જ ધૂનમાં સતત એક જ લયમાં વહી રહી છે. એના સ્પર્શમાત્રથી કંઈકેટલાય ગામો, યાત્રીઓ ભવસાગર પાર કરી ગયાં છે…! ત્યારે હું એક એની સામે પાર જઇ શક્તો નથી! અને નર્મદાને આંખોમાં ભરી તરી રહ્યો છું એના કાંઠે બેઠો બેઠો!

આમ તો નર્મદા મૈયા માટે મને મમત્વ ઝાઝું. આખો દિવસ એના ખોળે બેસી રહેવાનું હોય તોય હું બેસી રહું. જિંદગીના કેટલાય પાઠ મને મા નર્મદાએ ભણાવ્યા છે. તો કેટલાક પાઠ પાઠશાળામાં ભણવા ન પડે તે માટે પણ નર્મદાએ જ હું ભાગીને સંતાઈ જતો!  નર્મદાનો સ્પર્શ થતાં જ મન હળવું ફૂલ બની જતું. પછી તો હું અને મૈયા એકબીજા સાથે ક્યાંય સુધી વાતો કર્યા કરીએ.

મૈયાના સ્પર્શે એક અલૌકિક અનુભૂતિ અનુભવાતી, ત્યારે તો જાણે મનમાં હજારો દીવડા એકીસાથે પ્રકટી ઊઠતાં અનુભવાતું! અને આજે પણ એના ખોળે બેઠો છું….. ને મન શાંત છે. હું મને પોતાને ખુદને વીસરી ગયો છું. દૂર-દૂરથી અંધારાં ઊતરી રહ્યાં છે, છતાં ભીતર કોઇ દિવ્ય પ્રકાશથી ઝળાંહળાં છે!

મૈયાના ચરણોમાં ક્યારની આળોટતી સાંજ મૈયા ભેગી જ ગીત ગાતી વહી ગઈ છે ક્ષિતિજો પાર અને અંધારાં છલકાવતી મૈયા થોડી ડરામણી તો જરૂર જણાય છે..! પણ એક વખત જે મૈયાને પામી જાય એની પાસે અંધારાં ગાડાં ભરીને આવે તોય એ તો ભીતરના પ્રકાશથી ઝળાંહળાં! એ તો અંધારાને માથે પગ ટેકવીને નૃત્ય કરવાનો.

લાખો લોકો મૈયાની પરિક્રમા કરે છે; કંઈ એમ જ થોડી કરે છે? એનો  હાથ અને સાથ તો મૈયા છેક સુધી ના છોડે! જ્યારે મારે તો કેવળ સામે પાર જ જવાનું છે…

ભાલોદ ગયા ત્યારે કોઈ પણ આયોજન વગર અમે એમ જ રખડવા નીકળી પડ્યા હતા. તેથી આખો દિવસ વાડીઓમાં મન ભરીને શેરડી ખાધી અને છેક સુધી એમ જ હતું કે ત્યાંથી આગળ જઈશું. પછી કોઈપણ કારણ વગર પાછા ફર્યા ને સાંજ ઊતરી આવી.

સાંજના અહીં અવરજવર ઓછી રહેતી. તેથી નાવિક પણ ચાલ્યો જતો. અને પાછો કારતક મહિનો. ઠંડી હવા ફૂંકી રહ્યો હતો. અહીં તો બપોર આથમી નથી કે સાંજ થઇ નથી!

સાંજ ભેગું જ જાણે આછું આછું અંધારું પણ ઊતરી આવે છે. તેથી ચારે તરફ સન્નાટો પ્રસરી જતો. પંખીઓ પણ પોતાના માળામાં લપાઈ જવા ઉતાવળાં બની રહેતાં. અને નાવિક દૂર કિનારે, તેની એકાદ બે નાવડીઓને, પાણીમાં જ હાલકડોલક બાંધી, સાંજનો નશો કરી, ઘરના ખૂણામાં આખા દિવસના થાકનો માર્યો લોચો થઇને પડ્યો હશે….

સામે કિનારે બે નાવડીઓ અંધારું ઓઢી સૂવાની મથામણમાં છે, ત્યારે કોઈ આવે અને અમને લઈ જાય ભવપાર, પેલે પાર..!

સાંજની આંગળી પકડી અમે અહીં આવ્યા હતા, પણ સાંજ અમારા પડછાયા પહેરી વહી નીકળી દૂર દૂર…પણ મૈયાએ ઘેરાતા અંધારામાં પણ અમારી આંગળી પકડી રાખી હતી. એનો મને વિશ્વાસ.

કંઈ કેટલાય પરિક્રમાવાસીઓની સેવા કરવાની તક મળી હતી મને. ત્યારે તેઓ કહેતા, ‘નર્મદા નદી થોડી છે? એ તો સાક્ષાત મા છે મા!  અને અમે આ ગીચ ઝાડીઓ, વનોમાં માત્ર એના જ ભરોસે છીએ. અને અમારો ભરોસો ક્યારેય તૂટતો નથી’.

ભીતરથી તો હું મક્ક્મ જ હતો, પણ વારેવાર મન ઊડ્યા કરતું હતું, સવાલો કર્યે જતું હતું. અને અમારા આચર્ય વચ્ચે દૂર એક નાવિક નાવ તરફ આવતો દેખાયો. એણે નાવ છોડી. અમે સામેથી બાઇક ચાલુ કરી લાઇટ ઓન ઓફ કરી.

એ હાથ હલાવી રહ્યો. અને નાવ લઈ અમારી તરફ આવી રહ્યો. શાંત થયેલી નર્મદા ફરી જાણે ઊછળવા લાગી હતી. છૂટાંછવાયાં પંખીઓ ટહુકી રહ્યાં. અને અમે બાઇક સાથે નાવમાં ગોઠવાઇ ગયા. નાવિકને પૂછતા ખબર પડી કે મણિનાગેશ્વર મંદિરના કોઈ પરિક્રમાવાસીઓને ફળ ઇત્યાદી આપવા – સેવા આપવા આવ્યો હતો.

નર્મદાના ચરણોમાં શીશ આપોઆપ ઝૂકી ગયું. કિનારે પહોંચી પવિત્ર જળની એક અંજલિ ભરી માથે ચઢાવી. ભીતર અનેક દીવા પ્રકટી ઊઠ્યા. અને અમે અંધારુ ચીરતાં ભાઠું પાર કરી ગયા….

~રાકેશ પટેલ
pr.rakeshpatel@gmail.com
~ (સાભાર: શબ્દસૃષ્ટિ,ઓગસ્ટ – ૨૦૨૩)

આપનો પ્રતિભાવ આપો..