ત્રણ ગઝલ ~ ઉર્વીશ વસાવડા ~ ગઝલસંગ્રહઃ સમયનો દીવો

1. 

હદ ક્યાં સુધી છે એનો વિસ્તાર શોધવો છે
અજવાસ લઈ દીવાનો અંધાર શોધવો છે

આ પારના બધાએ નક્શા ઉકેલી નાખ્યા
નક્શા વગરનો રસ્તો ઓ પાર શોધવો છે

દેખી શકે બધા જે શણગાર એ સહજ છે
દેખે ન કોઈ એવો શણગાર શોધવો છે

સ્પર્શ્યા વિનાયે જેને સાતેય સૂર પ્રગટે
તંબુરનો અદીઠો એ તાર શોધવો છે

ગીરવે નથી મૂક્યો મેં, સૂરો ભૂલી ગયો છું
કરતાલના ધ્વનિમાં કેદાર શોધવો છે

2.

ભલે મૌન લાગું ભીતરથી હસું છું
હું પુલકિત થયો છું ને ખુશીઓ શ્વસું છું

ગણે છે જગત જેને ચંદનની ખુશ્બૂ
હકીકતમાં હું જાત મારી ઘસું છું

ન ઊંચકું હું માથું, ન મારું ફૂંફાડો
હું માણસ છું, માણસની માફક ડસું છું

તમે યુદ્ધ ખેલો બિછાવીને મહોરાં
હું તલવાર તાણીને લડવા ધસું છું

નથી ભીડ કોઈ ન દે કોઈ ધક્કો
છતાં ટેવવશ હું આગળ ખસું છું

3.

ખેલ શું છે આ હવાનો, છે મને એની ખબર
જિંદગી આખી મથ્યો છું નામ લખવા રેત પર

શક્ય હો તો શોધવું છે આપણે એકાદ ઘર
બારણાંઓ જ્યાં ખૂલી જાતાં જ ખખડાવ્યાં વગર

હું બગીચામાં જતાં કાયમ ડરું છું એટલે
ક્યાંક ખૂણામાં લપાઈને પડી છે પાનખર

તું ભલે દેખાય, તારી ચીસ સંભળાશે નહીં
દોસ્ત, તારી ચોતરફ ઊભું કર્યું તે કાચઘર

કઈ રીતે ટહુકા વસાવું એ મને સમજાવ તું
વૃક્ષ સાથે દુશ્મની રાખે છે આ આખ્ખું નગર

એક આભાસી નદીમાં આપણે તરતાં રહ્યાં
એટલે સમજી શક્યા ના, હોય છે શું જળલહર

કાફલો શું, હમસફર શું ના કદી જાણી શક્યો
સાવ એકાકી રહી પૂરી કરી આખી સફર

~ ઉર્વીશ વસાવડા
~ ગઝલસંગ્રહઃ સમયનો દીવો
~ પ્રકાશકઃ મીડિયા પબ્લિકેશન
~ ફોનઃ 98985 12121

આપનો પ્રતિભાવ આપો..