બે ગઝલ ~ અશરફ ડબાવાલા ~ (૧) થવું’તું (૨) પણ ગયું

૧. થવું’તું

Writing On Paper Pictures | Download Free Images on Unsplash

કાગળમાં કલ્પનાને સોળે કળા થવું’તું
શબ્દોના પથ્થરોને ત્યારે ખુદા થવું’તું

કંઈ પણ હું ના હતો તો કોઈને ક્યાં પડી’તી
હું શ્રી થયો કે તરત જ સૌને સવા થવું’તું

વહેંચાઈ હું ગયો છું જળ ને વમળની વચ્ચે
નહિતર કમળની ભીતર મારે ફના થવું’તું

એના કદમ કદમ પર સૌ ચાલવા મથે છે
જેને બધી જ વાતે સૌથી જુદા થવું’તું

અણજાણ્યા દેશનો કાં શણગાર થઈ ગયા છો?
અશરફ! તમારે ઘરની આબોહવા થવું’તું

૨. પણ ગયું

How trees loom large in children's lives - The Hindu

ફોરમ વિશે હવાનું વક્તવ્ય પણ ગયું
ડાળી ઝુલાવવાનું કૌશલ્ય પણ ગયું

બિંદુ ને બિંદુ વચ્ચે તાદાત્મ્ય ક્યાં હવે?
રેખામાં જે હતું તે સાતત્ય પણ ગયું

તારી જ દૃષ્ટિથી જ્યાં જોવાય છે સકળ
ત્યાં કળવકળથી મારું લાલિત્ય પણ ગયું

સઘળી દિશાથી નેજવું પાછું જ ફર્યું છે
નૈઋત્ય પણ ગયું ને વાયવ્ય પણ ગયું

રોમાંચ પહોંચવાનો એથી શમી ગયો
જ્યાં હું ગયો હતો ત્યાં તો અન્ય પણ ગયું

~ અશરફ ડબાવાલા

આપનો પ્રતિભાવ આપો..