આથમણી કોરનો ઉજાસ ~ ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી ~ પત્રશ્રેણીનો છેલ્લો પત્ર નં: ૫૨ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં. ૫૧
પ્રિય દેવી,
તારા ‘અક્ષરના અજવાળે’ આ એક વર્ષ જોતજોતાંમાં ઉજાગર થઈ ગયું.
તારા ‘શબ્દોને પાલવડે’થી ખરેલી શબ્દો-સભર સંવેદનાઓ, મારી ‘ચરણ ઝંખતી કેડી’ પર પગલી પાડી ચરણ માટેની તરસને સંતૃપ્ત કરી ગઈ!
તેં શરૂ કરેલી પત્રોની ઘટમાળ અને મારા પ્રત્યુત્તરો સામસામે ૨૬-૨૬ વખત લખાયા. તેમાંથી વિચારોની આપ-લે તો થઈ જ દેવી, પરંતુ આત્મીયતાની ‘માળ’ વધુ ‘ઘટ્ટ’ બની. મારી દ્રષ્ટિએ આપણા વિચારો એક-બીજાના પૂરક છે એનો ખ્યાલ આવ્યો અને હૈયાના હોજના વૈભવમાં પલળ્યા એનો આનંદ અદકેરો!
મારા પડોશમાં બનેલી ઘટનાની ભયંકરતામાંથી બહાર આવી ગઈ છું. તેં લખ્યું હતું તેમ દુઃખના પંખીને માળો ન બાંધવા દેવાય પરંતુ ક્યારેક બેસે ત્યારે પંપાળીને ખસી જવાનું શીખી ગઈ છું.
તે જોકર સિવાયનાં પાનાંની કૅટ જેવા આ બાવન (૫૨) પત્રોની વાત લખી તે ખૂબ ગમી. એમાં થોડી વાત ઉમેરું?
આપણા બાવન પત્રોમાં આપણા બેના અસ્તિત્વને ઉમેરીએ – બે જોકરને – તો પૂરેપૂરી ૫૪ પાનાની કૅટ સંપૂર્ણ થઈ ગઈ ને?
બે જોકરોએ આજના ફાસ્ટ ટેકનોલોજીના જમાનામાં પત્રશ્રેણી શરૂ કરી અને બાવન ગંજીપાને સંવેદનાઓ, બૌદ્ધિક અને વૈચારિક અભિવ્યક્તિઓથી અને ૪૮-૪૮ વર્ષોથી મનને ખૂણે ભંડારાયેલી વાતોને મોકળી કરીને કદાચ આપણી મૈત્રીના ગંજીપાને એક નવો જ આયામ આપ્યો.
મૈત્રી માટેની કલાકાર મેહુલ બૂચની કવિતા વાંચી થયું, ચાલ, આજે તો પત્રની લંબાઈની ચિંતા કર્યા વગર જે મનમાં આવે તે લખું અને ગમતાંનો ગુલાલ કરું.
મૈત્રી એટલે રૂંધી નાંખે એવી લાગણી ને ભીંસ નહીં,
શ્વાસને મળતી મબલખ મોકળાશ એટલે મૈત્રી.
નિકટતા એટલી કે જે દૃષ્ટિને ધૂંધળી કરી નાખે એ મૈત્રી નહીં,
પુસ્તક અને આંખો વચ્ચેના અંતરથી ઉદભવતી સ્પષ્ટતા એટલે મૈત્રી.
મૈત્રી એટલે સુદામાની પોટલીમાં સંતાયેલા તાંદુલની હળવાશ.
વર્ષો પછી સાવ અચાનક આંખો પર દબાયેલી
જાણીતી હથેળીએ સર્જેલા ક્ષણિક અંધકારમાં ઊગતો કાયમી ઉજાસ એટલે મૈત્રી!
(દેવી, જેમ મને એક દિવસ તારો અચાનક ફોન આવ્યો અને ખબર પડી તારા મને પહોંચવાના પ્રયત્નો!)
‘ડૂબતાને બચાવવા કિનારે ઊભા રહી દોરડું ફેંકનાર કદાચ મિત્ર ન પણ હોય.
પરંતુ જેના સુધી પહોંચવાની ઝંખના, હલેસા બની સામે કિનારે પહોંચાડે એ તો મિત્ર જ હોય…..
હજુ આ કવિતા લાંબી છે તેં કદાચ ‘અક્ષરનાદ’માં વાંચી જ હશે.
ચાલ, આપણે એક બીજાને પૂરતી શાબાશી આપી લીધી! જુગાર કે કસીનોની વાત જવા જ દઈએ! અને વાત કરીએ ‘વિશ્વમાનવ’ની.
ખૂબ આગળના એક પત્રમાં મેં લખ્યું હતું કે ‘આપણા સમાજે મેચ્યોરીટી – પુખ્તતા કેળવવાની જરુર એટલા માટે જ છે કે સંકુચિતતામાંથી બહાર આવી ‘વિશ્વમાનવ’ બનવા માટેની દિશામાં પ્રયાણ કરી શકે.
મેં નક્કી કર્યું હતું કે આજે કોઈ નેગેટિવ વાત નથી કરવી તોય કહેવાઈ જાય છે કે આપણા સમાજે અંધશ્રદ્ધાના કચરાને હટાવી એકબીજા તરફ અને ઈશ્વર તરફ સાચી (માત્ર દેખાવ માટેની નહી) શ્રદ્ધા, સન્માન અને નિર્ભેળ અને નિસ્વાર્થ પ્રેમ સાથે પુખ્તતા કેળવવી જ પડશે, છૂટકો નથી.
જવા દે એ વાત; કારણ એ વાત દરેકે વ્યક્તિગત વિચારવા અને આચારવાની છે – ચર્ચાની નહીં.
તે સવારના પહોરે માણેલી આદિદેવ અને વરુણદેવે વર્ષાવેલી કૃપાની વાત વાંચી જરા હસવું આવ્યું, કારણ અમારે ત્યાં માઈનસ ટેંપરેચર શરૂ થઈ ગયું છે.
ઠરેલું ફ્રોસ્ટ, ગોરંભાયેલું આકાશ અને ક્યારેક શરમાતાં શરમાતાં દર્શન દઈ જતાં સૂર્યદેવની વાસ્તવિકતા વચ્ચે તને પરોક્ષ રીતે હાથ અડાડી લઉં છું (કથા-પૂજા કરતી વખતે ગોર મહારાજ સજોડે પૂજા કરવા બેઠેલા પતિ-પત્નીને કહે છે ને ‘બહેન ભાઈના(!) હાથને અડકો – એટલે તમને પણ એ પુણ્ય મળી જશે! તેમ જ.) – આ હાસ્યવાનગી કેવી લાગી? આશા રાખું છું, ભાવી હશે!
મૈત્રીના ઉપનિષદો વાંચવા કરાતાં આવા પત્રો મનને તરબતર કરી દે અને આંખમાં પ્રાણ લાવી રાહ જોવાની મઝા જ અનોખી છે, નહીં? જોકે હું આજે આ બાવન (૫૨)માં પત્રની સાક્ષીએ કબૂલ કરું છું કે મેં ઘણીવાર તને રાહ જોવડાવી છે, હેં ને? ચલ, માફી પણ નથી માગતી કારણ ક્ષમા-યાચના ઔપચારિકતા તરફ ઘસડી જશે અને ઔપચારિકતા અને મૈત્રી શબ્દો સાથે આવે જ નહીં ને?
એચ.કે.ના દિવસો પણ આ પત્રો દ્વારા જીવી લીધા અને એ નિર્ભેળ આનંદ અને મસ્તી!
‘મત પીઓ રે ભંવરજી તંબાકુડી’ નૃત્ય એન.સી.સીમાં કર્યું હતું અને પછી વાર્ષિક ઉત્સવમાં કર્યું હતું, અને મને એકદમ સ્પષ્ટ યાદ છે નગીનકાકાએ સ્ટેજ પાસેના દરવાજા પાસે કહ્યું હતું, ‘નાચતાં ન આવડતું હોય તેને પણ તમારા બેઉના ડાન્સ જોઈને નાચવાનું મન થઈ જાય!’
‘મોટાકાકાની મૈયત’ નાટક કરતાંય તેના રિહર્સલ વખતે માણેલી એક એક ક્ષણ!
મધુભાઈના ક્લાસમાં ચાલુ ક્લાસે મેં હથેળી પર લખીને તને અને રંજનને વંચાવ્યું હતું ‘સરનાં બુશશર્ટના જુદા જુદા કલરનાં બટન જો!’ અને સરે પૂછ્યું હતું નયના, દેવિકાને અને રંજનને શું વંચાવ્યું અમને પણ વંચાવને!
… અને એ ખાડાના ગોટાં! એ સાબરમતીનો સૂક્કોભઠ્ઠ રેતાળ, પાણી માટે તલસતો અદીઠ પ્રવાહ! અને એની પરવા કર્યા વગર ત્યાં કલાકો બેસીને કરેલી વાતો!
સાચે જ તારું આ પત્રશ્રેણીનું સૂચન જ્યારે ફળીભૂત થયું ત્યારે મનને ખૂણે ઢબૂરાઈ ગયેલી યાદો ફરી શ્વસવા માંડી.
ઉપર જણાવ્યા એ બધા આનંદ કરતાંય અદકેરો આનંદ દર અઠવાડિયે તારો પત્ર આવે કે મારે લખવાનો હોય ત્યારે આ બધી યાદો આળસ મરડીને ઊભી થતી રહી એ છોગામાં! જોકે દેવી, આ લખું છું ત્યારે રંજનને યાદ કર્યા વગર રહી શકતી નથી! આપણે બન્નેને એની ખોટ સાલે છે અને હંમેશા આપણી યાદોમાં એ રહેશે જ.‘
….कभी अलविदा ना कहेना, कभी अलविदा ना कहेना!
આપણે જરૂર મળીશું. ક્યારેક અમેરિકા તો ક્યારેક યુ.કે તો ક્યારેક બન્ને કાંઠે પાણીથી છલોછલ સાબરમતીને આરે તો વળી તાપીને કિનારે આવવાનું આમંત્રણ આપીને વિરમું તે પહેલાં પતિદેવોના મન સુધી પહોંચવાના રસ્તાનો એકાદ દરવાજો ખોલવો તો રહી જ ગયો, યાર!!
એક એવી વાનગીની વાત કરું જેમાં બહેનોને રાંધવું ન પડે અને છતાં પતિદેવો ખુશ થઈ જાય એવી વાનગી એટલે અમારા સુરતનો પોંક.
પોંક અને તે પણ વાનીનો પોંક તેની સાથે લીંબુ મરીની સેવ, સાદી સેવ, નાના સાંકરિયા દાણા, લીલું લસણ, કોથમીરની તીખી તમતમતી ચટણી અને ઉપરથી જાડી છાશ. હજુ પણ ખૂખ લાગી હોય તો પોંકના ગરમ ગરમ ભજિયા.
આ પોંક વાની નામની જુવારનો પોંક હોય તો ખૂબ જ મીઠો લાગે. બાકી હવે તો રંગ કરીને લીલો કરેલો અથવા બીજા પ્રકારની જુવારનો પોંક ઘણીવાર વેચાતો હોવાથી જેને એની પરખ હોય તેને જ આ કામ સોંપવું જોઈએ.
બસ, એકવાર તો દરેક જણે આનો સ્વાદ લેવો જ જોઈએ, પરંતુ એ માત્ર શિયાળાના અમુક જ સમય ખાસ કરીને ડિસેમ્બર – જાન્યુઆરી દરમ્યાન જ મળે.
અરે હા, ડિસેમ્બર યાદ કર્યો એટલે ક્રિસમસ યાદ આવી. દેવી, આમ તો આપણે ધાર્મિક રીતે આ તહેવાર ઊજવતાં નથી. છતાં ક્રિસમસ એટલે સાથે મળીને આનંદ કરીએ છીએ. નાનાથી મોટાં, સૌ કોઈ માટે ગિફ્ટ એક્સચેઈન્જ કરવાનો, ખાવાપીવાનો, લાઈટોની ઝાકઝમાળ અને મોજમસ્તીનો દિવસ. વિશ્વના જુદા જુદા સ્થળે જુદી જુદી રીતે સાથે મળીને ઊજવવાનો દિવસ. એકલા એકલા આ તહેવાર ઊજવાય જ નહીં ને? તમે સૌ સાથે મળ્યા હશો અથવા મળવાની યોજના કરી જ હશે.
ચાલ, સૌને અમારા તરફથી ક્રિસમસની રજાઓની અને નવા વર્ષની શુભકામના.
આ વખતે આવીશને પોંક ખાવા; અને હા પતિદેવને લાવવાનું ન ભૂલતી!
નીનાની સ્નેહ યાદ.
(શ્રેણી સમાપ્ત)