પિંજરની આરપાર ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:2 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

પિંજરની આરપાર ~ ભાગ:2

સિગ્નલ બદલાયું, ટૅક્સી ભીડમાં સામેલ થઈ ગઈ. એ બારી બહાર જોઈ રહી.

લગ્ન નામની એક ઘટના. કોઈના હાથમાં હાથ મૂકતાં જ જીવન કેટલું બદલાઈ ગયું હતું!

સસરા કિશોરભાઈ મૉર્નિંગ વૉક માટે વહેલા ઊઠતા. એને તો પિયર પણ વહેલાં ઊઠવાની ટેવ હતી. પપ્પા કહેતા, ચાનો પહેલો કપ તો મારી શેફાલીના જ હાથનો.

કિશોરભાઈ અને એ બન્ને સવારની ચા સાથે પીતાં. એ કહેતા,

`શેફાલી, તારા હાથની ચા પીઉં છું કે મન પ્રસન્ન થઈ જાય છે.’

નિરાંતની આ થોડી જ પળો. એને સારું લાગતું. આર્યન અને અનિલાબહેન સૂર્યવંશી. બન્ને સવારે સાથે જ ચા-નાસ્તો કરે. કોઈક વાર આર્યન સવારે એકલો એને સુવાંગ મળે ત્યારે નોકર અને બાઈ આસપાસ જ હોય. બહુ વખત પછી સમજાયું અનિલાબહેનનો આ ચોકીપહેરો હતો.

કોઈવાર કિશોરભાઈ કહેતા, અનિલા પરણીને આવી, સુખી ઘરની દીકરી અમારા બે બેડરૂમના જોઇન્ટ ફૅમિલીમાં રહી. મારી બા બહુ ભલી પણ એ તો વહેલી ચાલી ગઈ. મોટાભાઈનાં વહુ બહુ જબરાં. અનિલાએ વેઠ્યું છે હોં! બહુ વખતે જુદા થયાં, બહુ પાઠપૂજા પછી આર્યન આવ્યો, આ સમૃદ્ધિ આવી.. એટલે જરા… યુ… સી… બહુ હોશિયાર. સંસારનો વહેવાર એ જ સંભાળે.

સસરાના સૂરમાં સૂર પુરાવ્યા સિવાય એ શું કરી શકે તેમ હતી! ત્યાં અનિલાબહેન ઊઠતાં. ગુડ મૉર્નિંગ અનિલા કહેતા અખબારો લઈ કિશોરભાઈ બેડરૂમમાં ચાલ્યા જતા. અનિલાબહેન ઊઠતાં જ ઘર ધમધમી ઊઠતું. બાઈ… માલિશની તૈયારી કર, તું સાવ થાંથી છે… મહારાજ આવ્યા? જીતુ આર્યનભાઈને પૂછી આવ શું શાક મગાવું?… યાદવ કારની ચાવી લઈ ગયો?…

બંદૂકની ગોળીની જેમ ધડાધડ હુકમો છૂટતા. ગૃહસંસારનું એક વિરાટ ચક્ર ભયંકર અવાજ સાથે સતત ઘૂમતું રહેતું. એના આરાઓથી એ છેદાતી રહેતી, લોહીના ટશિયા ફૂટતા. પિતાપુત્ર ઑફિસે જતા પછી કોઈ જાળમાં સપડાઈ હોય એમ વિશાળ ફ્લૅટમાં એ બે જ, એ અને સાસુ.

દિવસ ખોડંગાતો માંડ પૂરો થતો. ઘરના મંદિરમાં સાંધ્યદીપ ઝળહળી ઊઠતો, છતાં રાત ઝાંખી લાગતી. પિતાપુત્ર ઑફિસેથી પાછા ફરતા કે અનિલાબહેન પ્રેમાળ માતાનું રૂપ ધારણ કરતા, આર્યનને વશમાં રાખતા.

જમવાનું પૂરું થતાં કિશોરભાઈ વ્હીસ્કીની બૉટલ લઈ બેડરૂમમાં ટી.વી. ચાલુ કરતા દરવાજો બંધ થઈ જતો. અનિલાબહેન આર્યન સાથે દિવસભરની ઇધરઊધરની વાતોની ગઠરી ખોલી નિરાંતે બેસતા. એ મોડી રાત સુધી પતિની પ્રતીક્ષા કરતી રહેતી. કેટકેટલી વાતો મનમાં ધરબાયેલી જ રહેતી!

ટૅક્સી ઊભી રહી. ઘર આવી ગયું હતું. લિફ્ટનું બટન દાબ્યું. કયું ઘર? આ ઘર છોડી એ એક દિવસ પોતાને ઘરે જવા હોંશભેર નીકળી હતી પછી ધીમે ધીમે સમજાયું હતું, એ ઘર એનું ન હતું, અને એ પાછી ફરી હતી.

લિફ્ટનો દરવાજો ખોલી અનંતભાઈએ ઘરની ડોરબેલ દાબી. એના મોબાઇલ પર આર્યનનો વ્હૉટ્સએપ મૅસેજ,

આઇ મિસ યુ, લવ યુ.

એ સ્તબ્ધ બની મૅસેજને તાકી રહી.
* * *
તરત બારણું ખૂલ્યું, નિમુબહેન અધીરાઈથી દરવાજામાં ઊભાં હતાં,

`બહુ વાર લાગી! ક્યારના રાહ જોઈએ છીએ, જુઈ પણ કૉલેજથી વહેલી આવી ગઈ…’

પહેલાં ઘરમાં તો આવીએ બોલતાં અનંતભાઈ શેફાલી અંદર આવતાં જ જોયું તો નિમુબહેનના સખીરી નાટ્ય ગ્રુપનાં સ્મિતાબહેન ડાયરીમાં કશુંક લખી રહ્યાં હતાં. અનંતભાઈ તરત અંદર ચાલ્યા ગયા. શેફાલી અંદર જતાં પહેલાં જ ઝડપાઈ ગઈ,

`ક્યાં જઈ આવ્યાં બાપદીકરી? આજે અનંતભાઈ ઑફિસે નથી ગયા?’

`ના, બૅંકમાં જરા કામ હતું.’

ફ્રીજમાંથી ઠંડું પાણી લઈ એ અનંતભાઈને આપવા ગઈ,

`પપ્પા, થાળી પીરસું?’

`હમણાં નહી, થોડીવાર પછી.’

શેફાલીને જતાં જતાં સ્મિતાબહેનનો ફુસફુસાતો, ધીમું ખોતરતો અવાજ સંભળાતો હતો. આ જ સ્ત્રીની દીકરીએ એના લગ્નમાં મહેંદી અને હૅરસ્ટાઇલ કરી હતી. જે ઘરેથી એ વાજતેગાજતે હોંશથી વિદાય લીધી હતી આજે ત્યાં એક અપરાધીની જેમ ચૂપચાપ ઘરમાં ભરાઈ ગઈ હતી.

એણે ફરી મોબાઇલ મૅસેજ જોઈ લીધો, આઇ મિસ યુ, લવ યુ.

બેડરૂમમાં દાખલ થતાં જ જુઈએ અધીરતાથી પૂછ્યું,

`દીદી, સહી કરતાં ત્યાં કંઈ નાટક-બાટક… આ મીન પેલી અનિલા આવી હતી? બેસો શાંતિથી. પપ્પા અને તમારું લંચ ગરમ કરું? ડ્રોઇંગરૂમમાં તો ગોસિપ ક્વીન બિરાજ્યાં છે, અહીં બેડરૂમમાં?’

`એને જવા દે.’

સ્મિતાબહેનનો અવાજ સાંભળ્યો. લીસ્સો. હળવે હળવે સરકતો.

`પછી શેફાલીનું શું નક્કી થયું?’

નિમુબહેનનો અવાજ અસહાય, દુભાયેલો.

`ના. કશું નથી થયું.’

`તમે તે સામેની પાર્ટીને દબાવોને!’

`એટલે?’

`નિમુબહેન, તમે ભોલેનાથ જેવા ભોળા. અનિલાને સ્ટેટસનો બહુ ફાંકો છે. જ્ઞાતિના વડીલને વચ્ચે રાખશો એટલે શરમે શરમે શેફાલીને પાછી બોલાવી લેશે. બિચ્ચારી દીકરી! આમ વચ્ચે ટીંગાઈ રહે તે આપણેય સમાજની શરમ હોય કે નહીં?’

શેફાલી જુઈ સામે જોઈ રહી. હે ભગવાન! મમ્મી ડાયવોર્સનું બાફી ન મારે તો સારું. જુઈએ તરત કહ્યું,

`ચિંતા ન કરો, મેં મમ્મીને બરાબર પઢાવી હતી.’

`અરે સ્મિતાબહેન! એવા વચેટિયાની ક્યાં જરૂર જ લાગે છે? શેફાલીના સાસરિયા તો રાજી જ છે. એમણે તો કહેવડાવ્યું જ છે.’

`લે રાજી છે? તો વાંધો ક્યાં આવ્યો?’

શેફાલી ઊકળી ઊઠી, ક્ષણભર તો થયું બહાર જઈ સ્મિતાબહેનને સંભળાવી દે, લડે. એ લોકો રાજી છે. એમાં બધું આવી ગયું! એની મરજી, પસંદગીનું શું?

જે દિવસે એ પહેરેલે કપડે એ ઘરેથી પગથિયાં ઊતરી ગઈ હતી ઘરઆંગણે આવીને ઊભી રહી હતી, એ રાત્રે ઘરમાં ધરતીકંપ થઈ ગયો હતો. સપનાંના કાટમાળ વચ્ચે એનો શ્વાસ રૂંધાઈ ગયો હતો.

સહુએ કહ્યું હતું. આ તારું જ ઘર છે. હા, ઘર તો એ જ હતું. સ્વજનો પણ ક્યાં અલગ હતા પણ એ અહીંથી ગઈ અને પાછી ફરી એ વચ્ચેનો લંબાયેલો સમયનો પટ. નિર્જન-રેતાળ. કેટલું બધું બદલાયેલું લાગે છે! નરી આંખે ન દેખાય. હવા સરખું. જાણે તેની ખાલી પડેલી જગ્યા પુરાઈ ગઈ હતી.

`આ સ્મિતાબાઈ તો ખરી ચીટકુ છે. ઊઠતી જ નથી. પપ્પા ને તમારે જમવું નથી દીદી?’

`આ સ્મિતાબેન ઊઠતાં લાગે છે. હાશ!’

પણ ફરી એ અટક્યા હશે,

`મારું માનો નિમુબેન, શેફાલીના ડાયવોર્સ કરાવી દો. બિચ્ચારી. ખરી થઈ હોં!’

જુઈ બબડી, `આ બાઈનું શું કરવું?’

`સારા એવા પૈસા સેટલમેન્ટમાં લઈ લો, દરદાગીનોય તે… સમજ્યા ને? મારી જ્ઞાતિની ફોરમ ખરીને! લો તમે ક્યાંથી ઓળખો? એણે તો.. લ્યો, ડ્રાઇવરનો ફોન, કે’છે જલદી ચલો. પાર્કિંગનો પ્રૉબ્લેમ છે.’

`ઓકે. આવજો.’

`તો નિમુબેન, આવતા રવિવારે નાટકનું પાક્કું કરી દઉં છું, ‘નકટાને નાક નહીં.’ બરાબર?.. આ ડ્રાઇવર પાછો…’

દરવાજો બંધ થવાનો અવાજ થતાં શેફાલી બહાર આવી,

`મમ્મી સ્મિતાબેન સાથે મારી પર્સનલ વાત તું નહીં કરને! તારા આખા ગ્રુપમાં એ ચર્ચાનો ચોતરો કરશે.’

નિમુબેન ઝંખવાઈ ગયા.

`નહીં સમજતી હોઉં! પણ વાત એણે જ કાઢી.’

`પણ જ્યારે એ દીદીને બિચ્ચારી કહેતી હતી ત્યારે જ એનું મોં તોડી લેવું’તું ને?’

`હવે બેટા, કોને કોને મોઢે ગરણું બાંધું?’

શેફાલી રસોડામાં ગઈ. જમવાની ઇચ્છા ન થઈ. બિચ્ચારી શબ્દથી દાઝ્યાનો ફરફોલોમાં બળતરા થતી હતી. ઊકળતા પાણીમાં ચા ખાંડ નાંખ્યા. આદુ ખમણતાં સહેજ આંગળી છોલાઈ.

સ્મૃતિનો ટશિયો ફૂટી આવ્યો. એ દિવસે પણ એ ચા બનાવતી હતી અને અચાનક કોઈ પથ્થર ફેંકે એમ અનિલાબેનની બૂમ ધસી આવી હતી, શે..ફા..લી…! એ ગભરાઈ ગઈ હતી. જો આ શર્ટની ઇસ્ત્રી, હાઉ કેરલેસ યુ આર!

ચા ગાળતાં હાથ પર જરા છલકાઈ ગઈ. રાત્રે આર્યનનું ધ્યાન ગયું,

`અરે કેમ કરતાં દાઝી?’

`હું ચા ગાળતી હતી અને મમ્મીએ કશીક બૂમ પાડી… હું એટલે…’

`ધ્યાન રાખ શેફાલી.’

એણે ક્રીમ લગાડી ફૂંક મારી તોય હૈયું ચચરતું રહ્યું, બધી વાતનું ધ્યાન એણે જ રાખવાનું! એવું કેમ આર્યન?

તોય મનમાં મંત્રજાપની જેમ રટણ થયું.. આઇ મિસ યુ… તો પછી આજે ડાયવૉર્સ પેપરની સહીનું શું?

જુઈ દોડતી આવી, ગેસ બંધ કર્યો,

`ચા ઉભરાય છે દીદી. શું કામ રસોડામાં આવ્યા? પપ્પાએ ઝપકી લઈ લીધી છે. હું ટ્રે લઈ આવું છું.’

એ ડ્રોઇંગરૂમમાં આવી ત્યારે નિમુબેન પતિને ધીમેથી પૂછી રહ્યા હતા… એની મા આવી હતી? ઘરેણાં, ચીજવસ્તુની લેતીદેતીની વાત થઈ? એ તો વ્યવહાર છે…

શેફાલી જુઈને જોતાં એમણે અખબારમાં મોં ખોસી દીધું. શેફાલીને થયું, શું એ છે એના જ ઘરમાં આગંતુક! એની સામે અંગત વાતો કરવાની હવે ન હતી! પણ ત્યાં રોહન પણ આવી ગયો.

જુઈને મૂવી ટિકિટો મળી ગઈ હતી. વાતો કરતાં ચા પિવાતી હતી, એ તૈયાર થવા બેડરૂમમાં આવી. મોબાઇલમાં નોટિફિકેશન રણકી ઊઠ્યું. ધાર્યું હતું એમ જ, ફરી આર્યનનો મૅસેજ.

એણે મૅસેજ ડીલીટ કર્યો, પણ એ જાણતી હતી આર્યનના મોબાઇલમાંથી મૅસેજ ડીલીટ નહીં થાય, આર્યનના જીવનમાંથી પણ એ ડીલીટ નથી થઈ.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..