પ્રકરણ:29 ~ અમેરિકાની જાહોજલાલી ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
દેશની ગરીબી અને તંગી હજી હમણાં જ અનુભવીને આવ્યો હતો એટલે મારે મન સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો અમેરિકાની સમૃદ્ધિ અને ભૌતિક જાહોજલાલીની હતી.
આપણે ત્યાં જે પૈસાદારો જ માણી શકે એ બધું સામાન્ય માણસને અહીં સહેલાઈથી મળતું હતું તે મેં જોયું. સામાન્યમાં સામાન્ય માણસને પણ જીવનની બધી પ્રાથમિક જરૂરિયાતો મળતી હતી. સારું રહેવાનું, ખાવાપીવાનું, અને વ્યક્તિગત સગવડ બધાને મળે.
મધ્યમ વર્ગના લોકોની પાસે પણ રહેવા માટે મોટાં ઘર.એકે એક ઘરમાં લિવિંગ રૂમ, ડાઈનિંગ રૂમ, બે ત્રણ બેડરૂમ, બેઝમેન્ટ, આગળપાછળ યાર્ડ હોય. ઘરમાં સેન્ટ્રલ હિટીંગ અને એરકન્ડીશનિંગ, રેફ્રિજરેટર, ઠંડા અને ગરમ પાણીના શાવર, ટોઇલેટ વગેરેની વ્યવસ્થા હોય.
જેની પાસે આવાં ઘર ન હોય, તે અપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહે, જો કે તેમાં પણ બધી સગવડો તો હોય જ. બધાને ત્યાં બબ્બે નહીં તો ઓછામાં ઓછી એક કાર તો ડ્રાઈવે કે ગરાજમાં જરૂર પડી હોય અને એ કારમાં પણ અનેક પ્રકારનાં ગેજેટ હોય.
અમેરિકાની ખરી જાહોજલાલી શું છે તે તો એના ગ્રોસરી સ્ટોરમાં જાઓ ત્યારે ખબર પડે. એની આઈલ્સ અને શેલ્ફ વસ્તુઓથી છલકાતા હોય.
દહીં, દૂધ, ચીઝ, બટર વગેરે ડેરીની વસ્તુઓ, અનેક પ્રકારનાં લીલાં શાકભાજી, ફળો, સીરિયલ, બ્રેડ, ચા, કૉફી, સ્યુગર, કોકો, વગેરે જે માંગો તે તરત મળે. માંસાહારીઓ માટે અનેક પ્રકારની ચીજ વસ્તુઓ હોય એ તો સ્વાભાવિક છે, પણ હવે તો શાકાહારીઓ માટે કે માત્ર વીગન અથવા અન્ય ડાએટ કરનારાઓ માટે પણ બધું મળી રહે. જેમ છતના આ ચાળા હોય તેમ ચીઝ અને બ્રેડ જેવી વસ્તુઓ એક નહીં પણ અનેક પ્રકારની મળે! કોઈ બાબતની તંગી જ નહીં.
દર શનિ રવિએ લોકો મોટી મોટી કાર્ટ ભરીને આ બધું લઈ જાય. જેવું ગ્રોસરી સ્ટોરનું તેવું જ વિશાળ ડીપાર્ટમેન્ટ સ્ટોરનું. કપડાં લત્તાં, ફર્નીચર, અને ઘરને સજ્જ અને સુશોભિત કરવા અમેરિકનો જે હજાર વસ્તુઓ માંગે તે બધી અહીં સ્ટોર્સમાં મળે. વળી સામેથી ઉધારમાં લઇ જવાનું કહે!
મુંબઈમાં મને ઓરડી લેતાં નાકે દમ આવી ગયો હતો. કારણ કે એ લેવા માટે મારી પાસે બે હજાર રૂપિયા જેટલા પણ રોકડા પૈસા નહોતા. આખરે હું મુંબઈ છોડવા તૈયાર થઈ ગયો હતો.
ઇન્સ્ટોલમેન્ટ દ્વારા કોઈ વસ્તુ દેશમાં ત્યારે ખરીદી શકાતી નહોતી. અહીં તો મોટા ઘર અને કારથી માંડીને નાનામાં નાની વસ્તુ ઉધાર મળે. અને તમે એ પૈસા હપ્તે હપ્તે વ્યાજ સાથે ભરી શકો.
નોકરીની શરૂઆત કરો કે તરત જ તમને ક્રેડીટ કાર્ડ મળે, જેથી જે જે વસ્તુની જરૂરિયાત હોય તે બધી વસ્તુઓ ઉધાર લઈ શકો. તે માટે રોકડા પૈસાની જરૂર નહીં, એ જોઈ જાણી હું તો છક્ક થઈ ગયો!
અમેરિકનોની આ બધી વ્યક્તિગત અને કૌટુંબિક જાહોજલાલી તો ખરી જ, પણ ઘરની બહાર નીકળો તો દેશની સામૂહિક અને ભૌતિક સમૃદ્ધિનો અને એની નૈસર્ગિક રમણીયતાનો ખ્યાલ આવે.
અહીંના વિશાળ રસ્તાઓ, હાઇવે, ગામને ખૂણે ખૂણે આવેલી લાઈબ્રેરીઓ, સ્કૂલો, પાર્ક્સ, મ્યુઝિયમ્સ અને રીક્રીએશન સેન્ટર્સ, નેશનલ પાર્ક્સ અને રળિયામણા બીચ, એની દરિયા જેવી નદીઓ, ઊંચા નીચા પર્વતો, આ બધું મફતના ભાવે બધા લોકો માણી શકે એવી સરકાર વ્યવસ્થા કરે. એમાં ગરીબ તવંગરનો કોઈક ભેદભાવ નહીં.
આગળ ભણવું હોય તો સરકારી કૉલેજો પણ ખરી, જેમાં એકદમ ઓછી ફી ભરી ભણી શકાય.
વળી જેમને જરૂર હોય એમને સ્કોલરશિપ અને બીજી નાણાંકીય મદદ મળે. અરે, મારા જેવા વિદેશી વિદ્યાર્થીઓને પણ એ બધી મદદ મળતી હતી.
સૌથી વધુ આશ્ચર્યની વાત મને અહીંની સોશિયલ સિક્યોરિટીની લાગી. પાંસઠ વરસના થાઓ કે સરકાર તરફથી દર મહિને જીવનનિર્વાહ માટે સોશિયલ સિક્યોરીટીના ચેક આવવા શરૂ થઇ જાય!
જ્યારે કમાતા હો ત્યારે જરૂર પગારના ચેકમાંથી એ માટે સરકાર પૈસા લે, પણ એ જેટલા પૈસા કાપે એના કરતા અનેકગણા પૈસા પાછા આપે. માણસ મરે ત્યાં સુધી એ ચેક આવ્યા કરે. એના મર્યા પછી એની વિધવાને સર્વાઇવર બેનિફીટ મળ્યા કરે જેથી એને બીજા આગળ હાથ લંબાવવો ન પડે.
એવું પણ બને કે કેટલાય લોકોએ કાંઈ પણ પૈસા ન ભર્યા હોય, છતાં એમને પણ કંઈક ને કંઈક રકમનો ચેક તો આવે જ. આપણા ઘણા લોકો જે મોટી ઉંમરે અહીં આવ્યા હોય અને સોશિયલ સિક્યુરીટી સિસ્ટમમાં કશું પણ ભર્યું ન હોય છતાં એમને પણ ચેક તો આવે જ!
અમેરિકામાં મોટી ઉંમરે આવેલા આપણાં ઘણાં વૃદ્ધજનો એવો લાભ જરૂર લે! એવું જ હેલ્થ કેરનું. વૃદ્ધાવસ્થામાં જો તમારી પાસે કોઈ સગવડ ન હોય, અને તમારી તબિયત બગડી તો સરકાર તમારી હોસ્પિટલ સારવારનો ખર્ચ સંભાળી લે, કોઈ ફી વગર.
આવી ઉદાર સમાજવ્યવસ્થા અને અમેરિકન જાહોજલાલીને કારણે આખી દુનિયામાંથી આવીને લોકો અહીં ઠલવાય છે. ઘણાં તો ગેરકાયદે અમેરિકામાં ઘૂસે છે.
અમેરિકન પ્રજાની એવી જ ઉદારતા ઓછી શક્તિમત્તાવાળા નાગરિકો માટે અહીં જે ખાસ વ્યવસ્થા હોય છે તેમાં વ્યક્ત થાય છે.
મૂંગા, બહેરા, લૂલા, લંગડા, આંધળા, ઓછી બુદ્ધિ વાળા કે અન્ય રીતે વિકલાંગ થયેલાં બાળકોનો વ્યવસ્થિત ઉછેર થાય તે બાબતની જવાબદારી સરકાર ઉપાડે. એમને માટે વિશિષ્ટ સંસ્થાઓ હોય છે જ્યાં એમની સંભાળ લેતા શિક્ષકો પણ ખાસ તાલીમ પામેલા હોય છે.
ઠેઠ બાળમંદિરથી માંડીને કૉલેજ સુધી એમને બીજાઓ જેવું જ શિક્ષણ મળે તેની કાળજી રખાય છે. કશીક ખોડવાળા લોકો બીજા નાગરિકોની જેમ જ સમાજની બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે એવી અપેક્ષા હોય છે.
ટૂંકમાં વિકલાંગ લોકોની બધી શક્તિઓનો વિકાસ થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં અમેરિકન સમૃદ્ધિ જરૂર ઉપયોગી નીવડે જ છે, પણ એમાં સાથે સાથે અમેરિકનોની એક પ્રજા તરીકેની સંવેદનશીલતા અને ઉદારતા જોવા મળે છે.
હું દેશમાં હતો ત્યારે અમેરિકાના મોટાં શહેરોનાં સ્લમ્સ વિષે બહુ સાંભળેલું. થયું કે હું અમેરિકાની સમૃદ્ધિ અને આર્થિક વ્યવસ્થાથી બહુ અંજાયેલો છું, તો અહીંના ગરીબ લોકોનું શું થતું હશે એ પણ મારે જાણવું જોઈએ. થયું કે ચાલો એવા સ્લમ્સ જોવા જાઉં અને જોઉં કે એમાં ગરીબ લોકો કેવી રીતે રહે છે.
એક અમેરિકન મિત્રને લઈને એટલાન્ટાના સ્લમ્સ વિસ્તારમાં ગયો. મારા ખ્યાલમાં સ્લમ્સ એટલે આપણા મુંબઈની ઝોંપડપટ્ટી જેવું કંઈક હશે – ખુલ્લી ગટરમાં કે કચરાના ડુંગરાઓ ઉપર ચડીને અર્ધા નાગા છોકરાઓ રમતા હશે, લૂલા લંગડા ભીખારીઓ આવતા-જતા લોકોને કનડતા હશે, લોકો ખુલ્લામાં સૂતા હશે, ગંધાતી સાંકડી ગલીકૂંચીઓમાં પતરાંના છાપરાં નીચે કાચી બંધાયેલી નાની ઓરડીઓમાં લોકો વસતા હશે. જઈને જોયું તો આમાંનું કંઈ ન હતું.
ત્યાં રહેનારા મોટે ભાગે કાળા લોકો જ હતાં, પણ ઝૂંપડાઓને બદલે જૂના ટાઉન હાઉસની કતારો હતી, થોડા મોટા પબ્લિક હાઉસિંગના અપાર્ટમેન્ટ બિલ્ડીંગ હતાં.
હું મુંબઈની ચાલીમાં રહેતો હતો, તેના કરતા આ સ્લમ્સ સાત ગણા સારાં! મેં મારા મિત્રને પૂછ્યું કે આમાં કંઈ ભૂલ તો નથી થતી ને? પછી સમજાયું કે ગરીબી રિલેટીવ છે – જે અમેરિકામાં સ્લમ ગણાય તે આપણા દેશમાં મધ્યમ વર્ગમાં ખપે. અમેરિકામાં જે ગરીબ ગણાય તેને આપણા મધ્યમ વર્ગ કરતાં પણ સારાં સાધનસગવડ મળતાં હોય છે!
ભોળી આંખે થયેલું આ અમેરિકાનું મારું પ્રથમ દર્શન! શરૂ શરૂમાં અમેરિકાનું બધું સારું જ દેખાતું. અને જો કોઈ દેશી અમેરિકાની ટીકા કરે તે મારાથી સહેવાય નહીં, અને જેમ નવો મિયાં ચુક્યા વગર નમાજ પઢે અને બહુ અલ્લા અલ્લા કરે તેમ હું પણ અમેરિકાના ગુણગાન ગાતો. વધુમાં દેશના મારા કડવા અનુભવો હજી મનમાં તાજા હતા.
શરૂઆતમાં તો મને નાઇટમેર આવતા કે હજી હું દેશમાં જ છું, મૂળજી જેઠા મારકેટમાં હજી ગુમાસ્તાની નોકરી કરું છું, અને શેઠિયાઓ અને એમના નબીરાઓ માટે ચાપાણી લઈ આવું છું! ભર ઊંઘમાંથી જાગી પડું, અને જ્યારે ખાતરી થાય કે મારા જીવનની એ કારમી યાત્રા પૂરી થઇ છે, અને હવે તો હું અમેરિકામાં જ છું, ત્યારે પાછો સૂવા પ્રયત્ન કરું.
જેમ જેમ હું એટલાન્ટામાં સેટલ થતો ગયો તેમ તેમ દેશની બીજી બાજુ મને દેખાતી ગઈ. દેશની વિદેશનીતિ અને ખાસ કરીને વિએટનામનું યુદ્ધ મારે માટે અસહ્ય હતું. ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં કાળા લોકો પ્રત્યેના રંગભેદને કારણે થતો ભેદભાવ મને બહુ કઠતો.
કાળા લોકોની સ્થિતિ સુધારવા માટે, એમને પૂર્ણ નાગરિકત્વ આપવા માટે પ્રયત્નો જરૂર થતા હતા, પણ દક્ષિણનાં રંગભેદી દુષ્ટ રાજકારણીઓ એનો વિરોધ કરતા હતા. મોટા ભાગના સુધારાઓ વૉશિંગ્ટનથી ફેડરલ ગવર્ન્મેન્ટ અને સુપ્રીમ કોર્ટના દબાણથી જ થતા હતા.
કાળા લોકોની આ કફોડી દશાનો કોઈ અંત ન જોતા કાળા યુવાનોએ માર્ટીન લ્યુથર કિંગે ગાંધીજીની અસર નીચે આદરેલ અહિંસક અસહકારને નકાર્યો. તેમણે ‘બ્લેક પાવર’ની હિંસક ઝુંબેશ ઉપાડી.
દેશનાં મોટાં શહેરોમાં હુલ્લડો શરૂ થયાં. એ જ સમયે વિએટનામનું યુદ્ધ પુર જોશમાં ચાલતું હતું. તેની વિરુદ્ધ પણ આંદોલનો શરૂ થયાં.
વધુમાં અમેરિકાના રાજકારણમાં નેશનલ રાઇફલ એસોશિએશન (એન.આર.એ.), અમેરિકન મેડિકલ એસોશિએશન (એ.એમ.એ.) વગેરે સ્થાપિત હિતોની જોરદાર લૉબીઓ પ્રગતિશીલ સુધારાઓ કેવી રીતે અટકાવતી હતી તે ધીમે ધીમે સમજાયું.
દાખલા તરીકે એનઆરએને કારણે અમેરિકામાં રાઇફલ, હેન્ડગન અને અન્ય હિંસક સાધનો બજારમાં છડેચોક વ્હેંચાય અને દર વર્ષે લગભગ 33,000 લોકોની હત્યા થાય.
એ.એમ.એ. અને ઈન્સ્યુરન્સ કંપનીઓની લૉબીઓને કારણે દેશમાં પબ્લિક હેલ્થકેરની વ્યવસ્થા ન થઈ શકે.
મધ્યમ વર્ગ ને ગરીબ લોકો સામાન્ય સારવાર મેળવવામાં પણ પાયમાલ થઇ જાય, તો પછી કેન્સર જેવા જીવલેણ રોગની તો વાત જ શી કરવી?
આવી અનેક લૉબીઓથી કલુષિત થયેલું અમેરિકન રાજકારણ બહુજન પ્રજાના હિતો કરતાં સ્વાર્થી સ્થાપિત હિતોનું જ રક્ષણ કરતી. આ બધું મને અહીંના વસવાટ પછી જ સમજાયું અને અમેરિકાની એક જુદી જ ભાત જોવા મળી.
(ક્રમશ:)