|

પિંજરની આરપાર ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:1 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

પિંજરની આરપાર ~ ભાગ:1

એણે નામ લખ્યું,

શેફાલી…

પછી સહજ રીતે અટકી ગઈ. સહી કરતાં તો પૂરું નામ લખવાનું હોય. પોતાનાં નામ પછી પતિનું અને અટક.

`યસ શેફાલી!’

ચારુલતાએ કાગળો એની તરફ સહેજ ધકેલ્યા. આર્યનની ખુરશી થોડી દૂર હતી. એ નીચું મોં કરીને બેઠો હતો, હંમેશની જેમ મૌન. બે હાથે પકડી એને હચમચાવી દેવાનું એને મન થઈ આવ્યું.

ના. એ જાણતી હતી એ એવું નહીં કરે. જ્યારે જરૂર હતી ત્યારે પણ એ ન કરી શકી તો હવે સંબંધને સાવ છેવાડે એ શું કરવાની હતી! એવી જરૂર પણ હવે ક્યાં હતી!

મ્યુચ્યલ કન્સેન્ટના ડાયવૉર્સ પેપર્સ પર સહી કરતાં જ સંબંધનો અહીં, આ ક્ષણે જ અંત આવી જવાનો હતો. હવે છેડા છુટ્ટા થઈ જવાના હતા. ચારુલતા બેનરજીની ઑફિસમાં એ અને આર્યન આવ્યા હતા. ચારુલતા પ્રખ્યાત ડાયવૉર્સ લૉયર હતી.

`એની પ્રૉબ્લેમ શેફાલી?’

સૉરી નો કહેતાં એ સ્વસ્થ થઈ. અછડતી નજરે આર્યન તરફ જોયું. એ એને જ જોઈ રહ્યો હતો. એની આંખમાં આશાનું એક ઝાંખું કિરણ ઝબકી ઊઠ્યું હતું. કદાચ એને એમ હશે કે છેલ્લી ઘડીએ આ આખી વાત અહીં જ અટકી જાય…

શેફાલી ટટ્ટાર થઈ અને નિષ્કંપ હાથે એણે સહી પૂરી કરી, આર્યન દફ્તરી. એણે પેપર્સ આર્યન તરફ ખસેડ્યા. બસ આ છેલ્લીવાર પોતાના નામ સાથે એનું નામ જોડાવાનું હતું. ઘરેથી નીકળતાં જુઈએ કહેલું, દીદી ફટાફટ સહી કરી નાખજો. ડૉક્ટર કેમ સર્જરી કરી સડેલું અંગ ફેંકી દે છે એમ આર્યન નામ પણ તમારા નામથી કપાઈ જશે, ઇટ વીલ બી અ બાયૉલૉજિકલ વેસ્ટ.

આર્યને શર્ટના ફ્રન્ટ પોકેટમાંથી મોબ્લાં પેન લઈને સહી કરી. આ મોંઘીદાટ પેન મમ્મીએ ખાસ ખરીદી હતી. લગ્નની છાબમાં આર્યન માટે મૂકી હતી. એણે મમ્મીને ના પાડી હતી, એ લોકો પચાસ મોબ્લાં ખરીદી શકે તેમ છે અને તું એફ.ડી.તોડીને આવો ખર્ચો ન કર.

નિમુબહેને કહ્યું હતું,

`તને સમજ ન પડે વ્યવહારમાં બેટા. આવા સમૃદ્ધ ઘરમાં તું પરણીને જાય છે એ જ મારે મન મોટી વાત છે.’

અને એ અત્યારે ડાયવોર્સ પેપર્સ પર સહી કરી રહી હતી.

એણે પૂછ્યું હતું, તમને પેન ગમી ને? અને સોનાનાં બટન…

આર્યને એના હોઠ પર હોઠ મૂકી એને ચૂપ કરી દીધી હતી.

ઓહ! એ.સી. છતાં કેટલી ગરમી થતી હતી! શેફાલીએ દુપટ્ટાથી મોં લૂછ્યું. આસપાસ નજર કરી. ક્યાંયથી હવા આવવાની સંભાવના નહોતી. ચારુલતાની ખુરશી પાછળના કબાટમાં ખોસેલી અસંખ્ય બ્રીફકેસમાં કેટકેટલાનાં દામ્પત્યજીવન કેદ હશે! કમ્પ્યૂટરની એક ક્લિકથી કંઈક ફાઇલ ખૂલતી હશે, બંધ થઈ જતી હશે! ચારુલતા ટેબલ પર કશુંક લેમૂક કરતી હતી, મોબાઇલની ઘંટડી રણકતી રહેતી હતી. આર્યન અદબ વાળી ચૂપચાપ બેઠો હતો.

નિસ્તબ્ધ ચૂપકીદી. જાણે આ ક્ષણના બિંદુએ આવી કશુંક અટકી હવામાં અધ્ધર લટકી રહ્યું હતું.

અકળાઈને શેફાલી ઊભી થઈ ગઈ. થોડે દૂર બેસી રહેલા અનંતભાઈએ પાસે આવી એને ખભે હાથ મૂક્યો. એણે મનમાં ગાંઠ વાળી હતી એ સ્વસ્થ રહેશે. અહીં સુધી પહોંચતાં એને પૂરા ત્રણ વર્ષ થયા હતાં બસ, હવે થોડો સમય.

એક અંત પછી બીજો આરંભ.

એણે ધીમેથી કહ્યું,

`યસ પપ્પા, આઇ એમ ઑલરાઇટ.’

ચારુલતાએ ડીવોર્સ પેપર લઈ લીધાં.

`ઓ.કે. હું એગ્રીમેન્ટ ફાઇલ કરી દઈશ. કાઉન્સિલિંગની મિટિંગની તારીખ તમને બન્નેને જણાવીશ. ફૅમિલી કૉર્ટમાં તમારે હાજર રહેવું પડશે. હૅવ અ ગૂડ ડે.’

બસ, હવે કશું કરવાનું ન હતું. વાત પૂરી થઈ ગઈ હતી. માત્ર સહી કરતાં ત્રણ વર્ષના લગ્નજીવનનો વીંટો વળી ગયો હતો.

માત્ર આર્યનનું નામ જ બાયૉલૉજિકલ વેસ્ટ ન હતું, એની જિંદગીના કિંમતી ત્રણ વર્ષ પણ. હવે માત્ર પ્રતીક્ષા કરવાની હતી. છ મહિના. એક સંબંધ જે કદી બંધાયો જ નહોતો તે હવે પૂરો થઈ જવાનો હતો. હૅવ અ ગૂડ ડે કહેતી ચારુલતાને ખબર હશે છ મહિનાના કેટલા કલાકના પળવિપળ હતા! સમયની એક એક ક્ષણ હારમાં ચાલી જતી કીડીની જેમ કેવા ડગલાં ભરતી જવાની હતી!

આર્યન હજી ટેબલ પાસે ઊભો હતો. એનું હૅન્ડસમ પ્રોફાઇલ ગરદનનો વળાંક… શેફાલીએ નજર વાળી લીધી, ત્યારે આર્યન ચારુલતા સાથે શેઇકહૅન્ડ કરતો હતો. આવા સંજોગોમાં પણ એ એટીકેટ ભૂલ્યો ન હતો. સાસુની ટ્રેઇનિંગ… ના. હવે શેની સાસુ! અનિલાબહેનના રોજના શબ્દો, સોશિયલ ગ્રેસ, એટીકેટ, સરસ કપડાં સાથે વેર અ સ્માઇલ.. આ સલાહોની લહાણી એનેય થતી એ ઉબાઈ ગઈ ત્યાં સુધી.

કૅબિન બહાર જતાં એ સહેજ અચકાઈ, અરે! આર્યન તો પાછળ રહી ગયો! પણ હવે ક્યાં સાથે ચાલવાનું હતું! એ બહાર નીકળી. સહી કરતાં જ એક નાજુક કાચો તંતુ પળભરમાં છેદાઈ ગયો હતો.

એ બહાર નીકળી ત્યારે અનંતભાઈ લિફ્ટની રાહ જોતા ઊભા હતા. આર્યન હમણાં આવશે અને લિફ્ટમાં સાથે ઊતરવું પડશે. એણે અનંતભાઈનો હાથ પકડ્યો અને પિતાપુત્રી ખખડધજ મકાનના અંધારિયા દાદર ઊતરવા લાગ્યા. રસ્તા પર આવીને ટૅક્સી માટે ઊભા રહ્યા. લંચ અવરની ભીડમાં તરત ટૅક્સી મળવી અઘરું હતું. પરસેવો લૂછતા પપ્પા અચાનક થાકેલા લાગતા હતા. થોડા સમયમાં જાણે કેટલાં વર્ષ ઉમેરાઈ ગયાં હતાં!

એ થોડી નજીક આવી. એક ગાલમાં પડતું ખંજન ગાલના ખાડામાં દટાઈ ગયું હતું. કેમ એનું ધ્યાન ગયું નહોતું? અત્યાર સુધી પપ્પા કેટલા યુવાન દેખાતા હતા! મમ્મી સાથે બહાર જાય ત્યારે પરફ્યુમ સ્પ્રે કરતા લહેરથી ગાતા, ‘અભી તો મૈં જવાન હૂં..’ સમયને પણ સુગંધિત કરી દેતા.

`પપ્પા શેફાલી. ચાલો તમને ઘર સુધી મૂકી જાઉં.’

એ ચમકી ગઈ. ભરબપોરે રસ્તા પર ઊભા ઊભા અસંબંધિત વિચારો કરતાં ધ્યાન જ ન રહ્યું, આર્યન પાસે આવીને કહેતો હતો. અનંતભાઈ નવાઈ પામ્યા, પણ તરત કહ્યું,

`થૅન્ક્સ આર્યન પણ ટૅક્સી મળી જશે.’

આર્યનની લકઝરી કાર આવીને ઊભી રહી,

`પ્લીઝ શેફાલી, બપોરે અહીં ટૅક્સી નહીં મળે. શેફાલી, કમઑન. આવો પપ્પા.’

એણે કારનું બારણું ખોલ્યું. આસપાસ અટકી ગયેલાં વાહનોના હૉર્ન વાગી રહ્યા હતા, કોઈએ દૂરથી ગાળનો ઘા કર્યો.

‘નો. થૅન્ક્સ.’ કહેતાં એણે અનંતભાઈનો હાથ પકડ્યો અને ભીડમાં રસ્તો કરતી એ ચાલવા લાગી. સામેની તરફ પહોંચતાં એણે જોઈ લીધું. આર્યન જરા વાર ઊભો રહી એમને જોઈ રહ્યો હતો. પછી ઉભરાતી ગિરદીમાં આઇસબ્લ્યુ ઇલેક્ટ્રિક કાર આકાશી રંગનો શિરોટો ખેંચતી અદૃશ્ય થઈ ગઈ. હા, આ એ જ કાર હતી જેને માટે ઘરમાં કેટલો મોટો ઝઘડો થઈ ગયેલો!

લગ્ન પછીનો એનો પહેલો જન્મદિવસ. આર્યને આ કારની ચાવી એના હાથમાં મૂકેલી,

`આ તારી પર્સનલ કાર. ઇલેક્ટ્રિસિટી પર ચાલતી ન્યુ મૉડલ. હૅપી બર્થ ડે.’

અનિલાબહેન આઘાતથી ઊકળી ઊઠ્યા હતા, અરે! ચાર કાર તો છે આર્યન! ફરી નવો ડ્રાઇવર રાખવાનો! આપણે વાત જ નહોતી થઈ અને તેં આમ અચાનક…

ત્યારે એને સમજાયું હતું કે ફાઇનાન્સનો ડિગ્રીધારી પતિ જે આટલી મોટી કંપનીઓમાં નિર્ણયો લેતો હતો પણ એની માને પૂછ્યા સિવાય એ અંગત નિર્ણયો ન લઈ શકતો.

એણે પતિના હાથમાં ચાવી પાછી મૂકી દીધી હતી. આ સત્ય એણે હવે જીરવી લેવાનું હતું. લુપ પર કોઈ કર્કશ ગીત સતત વાગ્યાં કરે એમ અનિલાબહેનના કર્કશ શબ્દો સંભળાતા રહ્યા હતા. શેફાલીએ બન્ને હાથ કાન પર જોરથી દાબી દીધા.

`શું થયું બેટા?’

અનંતભાઈ ચિંતાથી પૂછી રહ્યા હતા.

એણે હસવાનું કરતાં કહ્યું,

`ના ના. કંઈ નહીં પપ્પા. આ અવાજો… માથું પાકી ગયું એમાં ગરમી. લો આ રહી ટૅક્સી.’

ટૅક્સીમાં જતાં પણ મનમાં એ દૃશ્ય ફિલ્મની રીલની જેમ ચાલતું રહ્યું. અનિલાબહેને ઊંડો શ્વાસ ભર્યો, સ્વરમાં શક્ય એટલી નરમાશ લાવી હતી… એવું છે ને શેફાલી તમારી જૂની ગાડી તો રોહન ચલાવે, કોઈ વાર જૂઈ પણ. રાઇટ! તું તો શીખી જ નથી અને તને તો આવડે પણ નહીં… મુંબઈનો ટ્રાફિક યુ સી… પછી આર્યનને ધીમે સ્વરે, મિડલક્લાસને આવી મોંઘી કાર બેટા…

આર્યન સ્તબ્ધ. માને તાકી રહેલો. એ દૃશ્ય મનમાં રહી ગયું હતું.

કિશોરભાઈ પત્નીને સમજાવવાની કોશિશ કરતા રહ્યા હતા.. એ તો શેફાલી શીખી લેશે.. નવો ડ્રાઇવર… હા.. તમારી વાત સાચી. આજકાલ વિશ્વાસુ માણસો ક્યાં મળે છે? બબડતાં વિસ્કીની બૉટલ લઈ એમના બેડરૂમમાં જઈ બારણું બંધ કરી દીધું હતું,

વિજયી અદાથી ચાવી લઈ અનિલાબહેન પોતાના બેડરૂમમાં ચાલ્યા ગયાં હતાં.

પતિપત્નીના બે અલગ બેડરૂમ! શરૂઆતમાં એને ખૂબ નવાઈ લાગી હતી. પછી એ ટેવાઈ જવા લાગી હતી, બીજી ઘણી વાતોની જેમ.

`કીધર જાના હૈ?’

જરા ખીજથી ટૅક્સીડ્રાઇવરે પૂછ્યું,

દિશાહીન થઈ ગઈ હોય એમ એ આમતેમ જોવા લાગી. એ ભૂતકાળના એક અલગ કાળખંડની ભૂમિ પર હતી, અત્યારે એ ક્યાં હતી? ક્યાં જવું છે એને? અનંતભાઈ મોબાઇલ પર હતા, એમણે ઘરનું સરનામું આપ્યું.

`તારી મમ્મીનો ફોન હતો, તારી ચિંતા કરતી હતી, મેં કહ્યું અમે ઘરે જ આવીએ છીએ.’

એમણે શેફાલીની પીઠ પર હાથ ફેરવ્યો. દૃશ્ય સમેટી લેતી હોય એમ એણે આંખો બંધ કરી પિતાને ખભે માથું ઢાળી દીધું. ટૅક્સી દોડતી રહી. સ્વસ્થ થવા મથતાં એ બોલી,

`પપ્પા, એવી જોરદાર ભૂખ લાગી છેને?’

`હા, રસોઈ કરી મમ્મી રાહ જ જુએ છે. યાદ છેને, જુઈએ રાત્રે કોઈ મૂવી પ્રોગ્રામ કર્યો છે?’

પિતાને સધિયારો આપવો હોય એમ એ ફિક્કું હસી. એ સમજતી હતી, એનું મન આનંદમાં રાખવા પપ્પા, મમ્મી, જુઈ, રોહન બધાં જ કોશિશ કરતાં હતાં. એ પણ રમતમાં ભાગ લેતી હોય એમ ખોટા ઉત્સાહથી બોલી,

`હા પપ્પા, જુઈ તો બિન્દાસ. હાઉસફૂલ હશે તોય ટિકિટનો ચમત્કાર એ કરશે. રોહન થોડો પોચકીદાસ નહીં પપ્પા.’

બન્ને થોડું હસ્યા. ફૅશન સ્ટ્રીટ પાસેથી ટૅક્સી પસાર થઈ રહી હતી. એ કૉલેજમાં હતી ત્યારે બન્ને બહેનો અહીં કેટલી રખડપટ્ટી કરતાં! ઍક્સપોર્ટ રીજેક્ટના ડ્રેસ સસ્તામાં ખરીદતાં. જુઈ ભાવતોલ કરવામાં એકદમ હોશિયાર. અનિલાબહેનની ભાષામાં મિડલક્લાસ મૅન્ટાલિટી. જાણે કોઈએ અણીદાર પથ્થર ફેંક્યો હોય એમ એ શબ્દનું કપાળે ઢીમણું થઈ આવ્યું.

શૉપિંગ કરી, મસાલા હિંદી ફિલ્મ જોઈ આઇસક્રીમ ખાતાં બસમાં બન્ને બહેનો ઘરે આવતી ત્યારે નિમુબહેન એમના સખીરી નાટ્યગ્રુપના સાથીદાર સ્મિતાબહેન સાથે નવા નાટકની ચર્ચા કરતાં હોય. સખીરી ગ્રુપ મહિલાઓ માટેનું નાટ્યગ્રુપ હતું. વર્ષની મૅમ્બરશીપમાં વર્ષમાં પાંચ નાટકો સભ્યોને બતાવતા. નિમુબહેનની એ ભાંજગડ રોજની.

પછી રાત્રે હસીમજાક સાથે જમવાનું. ટી.વી. રિમોટ માટે લડાઈ જામે. નીમુબહેન ટી.વી.ની સાસુબહુ સિરીયલના શોખીન. હીરોઇનના ચાંદલા, બ્લાઉઝની ડીઝાઇન, મંગળસૂત્ર, બંગડીઓ ધ્યાનથી જુએ, ક્યારેક ફોટો પણ પાડી લે પછી એવું જ સસ્તામાં શોધવાની રખડપટ્ટી અને નાટકના શોઝમાં લકી નં.માં બહેનોને એની ગિફ્ટ આપે. સભ્યબહેનો તો નિમુબહેન પર ઓળઘોળ. જુઈને અંગ્રેજી ફિલ્મ ગમે. રોહન અને અનંતભાઈને સ્પૉર્ટ્સ ચૅનલ પસંદ.

પછી તો બીજું ટી.વી. ઘરમાં આવ્યું પણ ત્યાં સુધી એ પોતે જે ચૅનલ ચાલતી હોય એમાં જોડાઈ જતી. ન લડાઈ, ન હારવું, જીતવું.

લગ્ન પણ એ જ રીતે થઈ ગયા હતા ને?

ટ્રાફિકમાં ટૅક્સી અટકી. સૂરજ ધૃષ્ટતાથી તપતો હતો. કયો તાપ વધુ બાળી રહ્યો હતો- અંદરનો કે બહારનો?

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..