ગઝલપંચમી ~ નંદિતા ઠાકોર ~ 1) તારા મહીં, મારા મહીં 2) બ્હાર છે 3) પાછી ફરી છું 4) વહેંચો 5) દોષ કેવળ આપણો!

 પાંચ ગઝલ 
 1. તારા મહીં, મારા મહીં

જો  શબ્દનું  ફૂટે ઝરણ તારા મહીં, મારા મહીં
હો અર્થનું વાતાવરણ તારા મહીં, મારા મહીં

આ  ટેરવાંમાં સ્પર્શ ઉઘડે મોગરાનાં ફૂલ શાં
ને મઘમઘે સઘળાં સ્મરણ તારા મહીં, મારા મહીં

એ એક ટીપું રેતનું દરિયો થઇ મળશે પછી
જાશે વહી આખાંય રણ તારા મહીં, મારા મહીં

આ વન બધાં ઉજડી ગયા હો એ પછી પણ ક્યાંક તો
કોળ્યું હશે લીલું પરણ તારા મહીં, મારા મહીં

છો ઓગળી જઈ જાતથી, છૂટાં પડી જઈએ પછી
અન્યોન્યનું હો અવતરણ તારા મહીં, મારા મહીં

2. બ્હાર છે

હું સમયની બ્હાર છું કે તું સમયની બ્હાર છે
આમ તો સમય બધો સમયની આરપાર છે

એક પળ કદી જરા ભળી ગઈ શું લોહીમાં
હજુય શ્વાસશ્વાસમાં બધે જ એ પ્રસાર છે

લે ઓઢ તુંય મૌનની નિઃસ્તબ્ધતાનું આવરણ
તનેય ખાતરી થશે કે શબ્દ સૌ અસાર છે

અકલ્પ્ય જે હતું બધું બની ગયું, બન્યા કર્યું
વિચાર પર સતત થતો સમય તણો પ્રહાર છે

પ્રયાસ તો કરી શકું, કરુંય ફળની ખેવના
છે આખરે સ્વીકાર જે નસીબનો પ્રકાર  છે

મનેય ચાંદ ઓશીકે લઇ સૂવું ગમે ખરું
છે હાશ એટલી કે મારી સોડમાં સવાર છે

3.  પાછી ફરી છું

હું હજારો રણ તરીને નિજ ગૃહે પાછી ફરી છું
કંઈક વસમી ક્ષણ ભરીને નિજ ગૃહે પાછી ફરી છું

એમ તો ગુલમ્હોર આખાં મ્હોરતા’તા ભીતરે
એય સઘળું પરહરીને નિજ ગૃહે પાછી ફરી છું

છે  મને મારી ખુમારી જીવથી વ્હાલી છતાં
જાત સાથે કરગરીને નિજ ગૃહે પાછી ફરી છું

એ જ રસ્તા, એ જ પગલાં, મંઝિલો છોડી પછી
હું તો ચીલો ચાતરીને નિજ ગૃહે પાછી ફરી છું

રોજ મારામાં ઉજવતી કૈંક અવસર મોતના
હું ફરીથી અવતરીને નિજ ગૃહે પાછી ફરી છું.

4.  વહેંચો

હૃદયને પીડતી વાતોને ખુલ્લેઆમ વહેંચો
બધા ગમગીન આ જઝબાતોને ખુલ્લેઆમ વહેંચો

પીએ છે ધોધ તડકાનો, એ સમજે ક્યાં કશુંયે
કદી ઘનઘોર એ રાતોને ખુલ્લેઆમ વહેંચો

સહુ ઠોકીને સીનો સાથની વાતો કરે છે
તમે વિશ્વાસઘાતોને ખુલ્લેઆમ વહેંચો

ભલેને જીત સઘળી એમના ભાગે લખી હો
તમારી કારમી મ્હાતોને ખુલ્લેઆમ વહેંચો

બધીયે પળ સદા ખુશહાલ હો, ના સંભવે તો
સતત વેઠેલ આઘાતોને ખુલ્લેઆમ વહેંચો

5. દોષ કેવળ આપણો !

અન્ય પર નિર્ભર સદાયે જોશ કેવળ આપણો
શી રીતે લાંબું જીવે પરિતોષ કેવળ આપણો

વેદનાની હોય ભાષા દિલના આ કાગળ ઉપર

અક્ષરો ઊકલે નહિ એ દોષ કેવળ આપણો!

મૌનનોયે મર્મ  જો પામી શકાતો હોય ના
ત્યાં શું કરે શબ્દો ભરેલો કોશ કેવળ આપણો?

છેવટે તો માત્ર ગમગીની જ બાકી હોય છે
એકલો ઘૂંટાય છે જ્યાં રોષ કેવળ આપણો!

દર્પના હુંકારથી બીજું તો કંઈ  મળતું નથી
માત્ર પડઘાયા કરે પ્રતિઘોષ કેવળ આપણો!

કોકને માટે  જીવ્યાની  હેસિયત શી આપણી
રોજ આપણને ગમે જયઘોષ કેવળ આપણો!

નંદિતા  ઠાકોર (અમેરિકા)

આપનો પ્રતિભાવ આપો..