| | |

દર્પણ તટસ્થ છે ~ લેખ: નિરંજના જોશી

દર્પણ, મુકુર, આદર્શ – આ ત્રિવિધ નામે ઓળખાતા દરેક શબ્દ અર્થસભર છે. તેથી જ કવિઓએ, દર્શનશાસ્ત્રીઓએ, ચિંતકોએ માનવી મનને દર્પણ જોડે સરખાવ્યું હશે. કવિ કહે: “તોરા મન દર્પણ કહેલાયે, ભલે બૂરે કર્મોં કો દેખે ઔર દિખાયે। “

દર્પણ તટસ્થ છે. જે બિંબ તેની સામે આવે, તેનું પ્રતિબિંબ માત્ર દેખાડે. તે બિંબની કોઇ અસર પોતા પર ન થવા દે.

ચિંતકો એટલે જ કહે: માનવી જો મન દર્પણ જેવું બનાવે , તો તેને કદી હતાશ, નિરાશ થવાનો વારો ન આવે. જે કોઇ ઘટના -સુખદ કે દુખદ, માનવીના જીવનમાં બને તેને તેનું મન પકડી રાખે છે, તેથી તે શ્રાન્ત બને છે, તે થાક અનુભવે છે. તેથી દર્પણની જેમ જો તે એ ઘટનાને ભૂલી જાય, તો તેનું મન નવું પ્રતિબિંબ ઝીલવા તૈયાર રહી શકે.

દર્પણ સામે આવનાર કોણ છે – રાય કે રંક, શિક્ષિત કે અશિક્ષિત, સવર્ણ કે પછાત – કશાનો છોછ રાખ્યા વગર તેને પ્રતિબિંબિત કરી અળગો થઇ જાય છે. તેમ માનવી પણ એનો આદર્શ રાખે તો તેને રાગદ્વેષથી પર થવા કોઇ આયાસ કરવો પડતો નથી. જે કર્મ અનાયાસે  થાય, તેનો કદી બોજ લાગતો નથી.

મુકુર ભાલે તિલક કરનારને, સૌંદર્યપિપાસુને, કેશકલાપને મઠારવા મથનારને, ચહેરા પરની વિકૃતિ શોધનારને – સહુને સંતુષ્ટ કરે છે. તેની પ્રતીતિ સંસ્કૃત કવિઓ પણ કરાવે છે. કવિકુલગુરૂ કાલિદાસ રઘુવંશમાં શેષશાયી વિષ્ણુનું વર્ણન કરતાં લખે છે—

પ્રભાનુલિપ્તશ્રીવત્સં લશ્ર્મી વિભ્રમદર્પણમ્
કૌસ્તુભાખ્યમપાં સારં બિભ્રાણં બૃહતોરસા। (10-10)

વિષ્ણુ ભગવાનના વિશાળ વક્ષસ્થલ પર જે કૌસ્તુભમણિ ચમકી રહ્યો હતો, તેને દર્પણ માની લક્ષ્મીજી શૃંગાર કરતી વખતે પોતાનું મુખ તેમાં જોયા કરતા હતા.

દર્પણે કેટલીક પરહેજ પણ પાળવી પડે. સૌને રાજી રાખવા તેણે નિર્મળ રહેવું પડે છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે: “યસ્માન્નોદ્વિજતેલોકો લોકોન્નોદ્વિજતે ચ ય: હર્ષામર્ષભયોદ્વેગૈ મુક્તો ય: સ ચ મે પ્રિય:”

આ  ભક્તનું વર્ણન છે. આયનો પણ સામે આવેલ વ્યક્તિને ઉદ્વેગ પહોંચાડતો નથી. ઉદ્વિગ્ન વ્યક્તિ પોતાના ચહેરા પરનો ભાવ જોઇને આયના પ્રત્યે નારાજ થતો નથી. આમ પ્રસન્નતાનું પ્રતિબિંબ દેખાડનાર અમર્ષ (ક્રોધ), ભય અને ઉદ્વેગથી મુક્ત રહેતો હોવાથી મુકુર પણ માનવી મનનો આદર્શ બની શકે.

મલિનતા દર્પણને વાસ્તવ દર્શનથી દૂર રાખે છે. તેમ મનનો મેલો માનવી વાસ્તવ જગતથી અતડો જ રહેવા ચાહે છે. ઊજળા મન પર કદી પ્રિય – અપ્રિયનો ભાવ જાગતો નથી. મન સદૈવ રાગ અને દ્નેષના સંસ્કાર ગ્રહણ કરે છે.

“આયનો” શબ્દ અંગ્રેજીમાં લખીએ તો I know  –  એમ લખાય. તેથી જ કદાચ આયનો અને મન સર્વજ્ઞ છે. તેનાથી કોઇ વાત છાની ન રહે. છતાં જેટલું બાહ્ય દેખાય, તેનું જ પ્રતિબિંબ આયનો દેખાડે છે.

સારા-નરસા, નીતિ -અનીતિ, છળકપટ, દંભ જેવા તેના અંતસ્તલથી તે તટસ્થ રહે છે. તે ન પ્રગટ કરે. તેવી જ રીતે દર્પણ સમક્ષ ઠાવકો થઇ ઊભો રહેનાર પોતાના અંતસ્તલને છૂપાવી શકે છે. પ્રભાવક (પ્રકાશક) એટલે આયનો જો અપ્રભાવિત રહે, તો જ તેના પર કોઇ પ્રકારના સંસ્કાર પડતા નથી.

તે વરસાદથી ભીંજાતો નથી, ફૂલના પ્રતિબિંબથી સુગંધિત થતો નથી., પવનના સૂસવાટા તેને ધ્રૂજાવી શકતા નથી. દરેક બિંબથી પ્રભાવિત થયા વગર તે અવિચલિત રહી શકે તેનું જ નામ દર્પણ.

ચકલી જ્યારે દર્પણ સમક્ષ જઇને ઊભી રહે છે, ત્યારે તે પોતાના જ પ્રતિબિંબને સત્ય માને છે, તેથી તેને પોતાનો પ્રતિસ્પર્ધી માની તેને ચાંચ મારી મારી ત્યાંથી હટાવવા પ્રયત્ન કરે છે. છેવટે તે ઘાયલ થઇ પ્રતિસ્પર્ધીને શોધવા દર્પણની પાછળ પણ જાય છે, પણ ત્યાં તેને કશું દેખાતું નથી.

આમ દર્પણ ચકલીના પ્રતિબિંબથી કે તેની ચાંચના આઘાતથી જરા પણ પ્રભાવિત થતું નથી, તેવી જ રીતે આપણું મન પણ મન પર થતા કોઇ જ પ્રકારના આઘાત- પ્રત્યાઘાતથી પ્રભાવિત ન થાય તો જ તે શાંત, પ્રસન્ન રહી શકે.

દેહ, ઘર, ફર્નિચર, પરિધાન – બધાને અપ-ટુ-ડેટ રાખનાર માનવી જ્યારે મનને જ અપટુડેટ રાખવાનું ચૂકી જાય, ત્યારે સમાજમાં અનેક અણઉકલી સમસ્યાઓ (આત્મહત્યા, બળાત્કાર, ભ્રષ્ટાચાર, વગેરે) સર્જાતી જાય.

દુર્બળ મનોદશા જ આ સમસ્યાઓનું મૂળ છે. વિક્ષિપ્ત મન દુ:ખનું ઘર છે. શાંત મન સુખનું ધામ છે. મનની શાંતિને પ્રાધાન્ય આપતાં ફરિયાદ નથી રહેતી. દર્પણે કોઇ દિવસ બિંબ વિષે ફરિયાદ નથી કરી. તેથી જ તે સુખનું ધામ બન્યું છે.  દરેક ઘર આયના વિના અપૂર્ણ  જ મનાય.

***

આપનો પ્રતિભાવ આપો..