|

ઘરાક (ઉડિયા વાર્તા)~ મૂળ લેખક: અનીલ કુમાર પાઢી ~ અનુવાદકઃ ડૉ. રેણુકા સોની

આ એક અવિકસિત વિસ્તારની વાત છે. કયો અવિકસિત વિસ્તાર? આફ્રિકાનો કોઈ દેશ? એશિયાનો કોઈ વિસ્તાર અથવા માની લો ભારતનું કોઈ રાજ્ય! અને વિકસિત દેશો તો ગણ્યાગાંઠ્યા જ છે! અને જે વિસ્તારો વિકાસના સપનાં જોતા હતા, એ બધાં મહામારીમાં સાવ પડી ભાંગ્યા છે.

આ વિસ્તારમાં જેમણે કારખાના નાખ્યાં કે પછી કારખાના નાખવાના ચક્કરમાં હજારો એકર જમીનના માલિક બની બેઠેલા શહેરી દલાલોના સ્વજનો માટે તો આ પીકનીક સ્પોટ બની  રહ્યા છે.

અહીંની સ્ત્રીઓના નાક કાન ગળામાં પહેરેલા જંગલી ઘરેણાં જોઈ એ લોકો બોલી ઉઠે, “વાઉ! સ્ટ્રેંજ! દીજ પીપલ અલ્સો એકઝીસ્ટ![i]

સેલ્ફી પાડે અને ટાઇમ લાઈન પર મૂકી જંગલી આનંદ મેળવે. જંગલમાંથી મહુડો, મધ, બોર, દેશી મરઘા, કેટલુંય એમના માટે આવે. આ બાજુ રત્નો મળે છે. પણ એ બધી ખાણો હવે દલાલના હાથમાં છે! બાજુના પહાડોમાંથી ખનીજ મળતું હતું. એ બધું હવે કંપનીઓના હાથમાં છે!

આ બાજુથી બીડી તમાકુના પાન પણ બહાર જતા હતા, પણ હવે મહામારીમાં બંધ છે. ખાણો, કારખાના, રસ્તાનું કામ – બધું ઠપ છે. મહામારી આવે છે ત્યારે જીભ લપકાવતી ધસી આવે છે. ગમે તેટલાં પૂજા પાઠ કરો, મરઘાં બલી આપો. મહામારી શાંત નથી પડતી. તેનું ભૂત ધૂણે છે, ‘એકએકનો ભોગ લઈશ!’

અહીં બધાં ભૂખ્યાં છે. પણ જયારે અહીં ખાણો કોઈની માલિકીની ન હતી, કારખાના ન હતા, કે અહીં શહેર વસ્યા ન હતા, ત્યારે તો અહીં કંઈ ભૂખ કે ઉપવાસ ન હતા!

આ શહેરી લોકો અહીં ભૂખ, રોગ, રાગ બધું લઇ આવ્યા. જંગલમાં શિકારની મનાઈ, લાકડાં કાપવાની મનાઈ અને વળી વરસાદ પણ નથી, નહિતર ખેતી પણ કરાય! આ કારણે જ શાહુકારને ત્યાં લાંબી લાઈનો લાગે છે.

“ચોખા આપો, જુવાર આપો. કાંદા બટાકા આપો. તેલ આપો” ના અવાજો, અવાજો, અવાજો! એ પછી, હિસાબ કરી શેઠ જયારે પૈસા માંગે ત્યારે ચિંતા થાય. કમરે બાંધેલી ગાંઠ માંથી દશ કે પચાસ રૂપિયાની ચોળાયેલી નોટ, પરચૂરણ નીકળે. તે ધર્યાં પછી પણ જયારે સાહુકાર કહે, કે, “હજુ આપ!” ત્યારે મજબુર  માણસ બીડી ફૂંકતો લાઈટના થાંભલા પર ઉડતા જીવડાં તરફ જોતો હોય. તે થોડો ગભરાયેલો પણ હોય. બૈરીના દબાડવાથી કમરેથી બાકીના પૈસા કાઢી ધરી દે.

આ વિસ્તારમાં આજકાલ બે વસ્તુ નથી પૂરી પડતી. એક, અહીંના આદિવાસીનું પેટ અને બીજી, સાહુકારનો લોભ! આ લોભ-લાભ, અગવડ-સગવડ વચ્ચે પણ જીવન ચાલતું હતું. આ લોકોને વળી ક્યાં મુંબઈ કે દિલ્લી જવાનું હતું?

આ જંગલની બહાર એક ઝાકઝમકવાળી જિંદગી છે, એ વાતનું ભાન પણ આ લોકોને આ શહેરી લોકોના અહીં આવ્યા પછી થયું. નહિતર તેમના માટે પૃથ્વી એટલે આ જંગલ અને પહાડ અને તે પછી, બસ શૂન્ય અને શૂન્ય! એ બાજુથી પરે જાવ એટલે જમીન પૂરી થઈ જાય અને તમે શૂન્યમાં ગરક થઇ જાવ! મજૂરી જ તેમની જિંદગી. બીજો કોઈ રસ્તો નથી. તમે બહાર જવા ઈચ્છો તો પણ ન જઈ શકો. એમના માટે બધે બધું બંધ છે.

પણ, આ બંધમાં સાહુકારોએ  કેટકેટલી જાતના ધંધા શરુ કર્યા! આદિવાસીઓ પાસેથી બધું ખરીદી લે – જમીન, જંગલ, માણસ….! એમનું ચાલે તો આ વિસ્તાર આખો જડ મૂળથી ઉખાડીને લઇ જાય! શહેરી લોકો આ બધું લઈને કરે છેય શું, કોણ જાણે? કોઈને સમજાય નહીં.. પણ રત્નો પછી એ લોકોની નજર અહીંની બીજી બે ચાર વસ્તુ પર છે- જંગલી સસલાં, મધ, મહુડો અને આદિવાસી કન્યા! આ બધું તરત વેચાઈ જાય!

ક્યારેક ફોરેસ્ટ ગાર્ડની નજર બચાવી આ લોકો, સસલા કે હરણનો શિકાર કરીને લોહીથી લથપથ માંસ લઇ શહેર તરફ દોટ મુકે! શિકાર ઓછા થાય ત્યારે બાબુઓ આદિવાસી છોકરીઓને ઘર કામ માટે લાંબા સમય માટે શહેરમાં લઈ જાય.

શરુઆતમાં મહિને મહિને પછી વર્ષમાં એક વાર પૈસા મોકલે અને પછી એ પણ બંધ થઈ જાય! શહેરમાં છોકરીઓ અજાણ્યા રોગથી મરી જાય કે પછી કયાંક ખોવાઈ જાય! કોઈને ખબર પડે નહિ અને ખુલાસો પણ કોણ માંગે? કોણ જાણે, સંતાન ગુમાવીને આ આદિવાસીઓ રડતાં હશે કે નહીં! આ લોકોની આંખોમાં કોઈએ ક્યારેય આસું નહી જોયા હોય? મહુડાના ઝાડ પાસે દેખાતી ડાકણ, ભૂત, આ ખોવાઈ ગયેલી કન્યાઓનું રૂપાંતર જ હશે!

આ બધાનું અહીં કોઈ મહત્ત્વ નથી. એક વાતનું જ અહીં મહત્વ છે તે છે ભૂખ. જયારે પેટમાંથી એક ઉદ્દામ, ઉદ્દાત, ભૂખ હાથ-પગ ધ્રુજાવી, માથા પર ચઢી જાય ત્યારે કંઈનું કંઈ થઈ જાય! જાણે એમ થાય ખાદ્ય હોય કે અખાદ્ય, બસ કંઇક તો પેટમા નાખે!

આ હરામખોર ભૂખ ઉમર, સબંધ, લિંગ વગેરેના ભેદ- બધું ભુલાવી દે. પહેલા એક બે અપવાસ થાય તો કંઈ થતું નહીં, પણ હવે એક વેળા ખાવાનું ન મળે તો હાથ-પગ જ શું આખું શરીર લાકડાં જેવા થઈ જાય! સર્વગ્રસી ભૂખ પર કાબુ નથી રહેતો, ખાસ તો આ મહામારીના સમયમાં.

જે લોકોને દશથી વીસ વર્ષની છોકરીઓ હતી એમને વાંધો ન આવ્યો. જેમને યુવાન દીકરા હતા, એ લોકોએ કોઈ ને કોઈ વ્યવસ્થા કરી. પણ રંગવતી લાક્રા, તેના પતિ જાની લાક્રાની હાલત ખરાબ હતી. આ લોકોની પાસે ન જુવાન ધાંગડા (આદિવાસી યુવક) કે ન જુવાન ધાંગડી (આદિવાસી યુવતી) છે. દશ વર્ષ સાથે રહીને છ બચ્ચાં જણ્યા છે. દરેક વર્ષ એક. છ વર્ષમાં છ. બે છોકરી, ચાર છોકરાં. ફરી રંગવતી ભારે પગે છે.

કારખાનાનો માલિક જાનીને  કહે, “ અરે જાની! મારું મશીન પણ એટલા સાબુ નથી બનાવી શકતું, જેટલાં તારી બૈરી છોકરાં જણે છે!”

જાની મશ્કરી સમજે નહીં. તે ખાલી હસે. માલિક કહે, “આને લઇને શહેર ચાલ. લોકો છોકરા પેદા કરવાનું મશીન જોઈને નવાઈ પામશે.”

સવાર પડે ને, જેમ મરઘીના બચ્ચાં ઘરમાંથી બહાર આવી દાણા ચણવા માંડે, તેવી રીતે છ બચ્ચાં ‘કેં.. કાં..મેં…માં..’ કરતાં ચીસો પાડે. બે ત્રણ બચ્ચાં રંગવતીની છાતીએ વળગી જતાં. સ્તનમાં દૂધ ન હોય. કોઈ બચ્ચું ગુસ્સાથી સ્તન પર દાંત બેસાડી બટકું ભરી લે, તો કોઈ તેનું લોહી ચૂસે. ત્યારે રંગવતી જોરથી ચીસો પાડે. બચ્ચાંને ધક્કા મારી આઘાં ઠેલી દે.

બચ્ચાં હાથમાં જે આવે તે મોંમાં નાખે – કીડી મંકોડા, મરઘાંનું મળ! તેમને જોઈને વધારે ચિંતા થાય. મહુડો, તેનો રસ, હાંડિયા (રાગીનો દારુ) બધું વેચવાનો પ્રયત્ન કર્યો. અહીં બધાં આ જ કરે. પણ ‘ઘરાખ’ ક્યાં! મહામારીએ તો આવવા જવા પર રોક લગાવી છે.

‘બે દીકરીઓ ક્યારે મોટી થશે, ક્યારે તેમને શહેરમાં મોકલશે, ત્યાં સુધી કેવી રીતે જીવશે!’ બસ, એ જ ચિંતા..!

બહારથી લીલાછમ દેખાતાં જંગલમાંથી પણ જાણે સમૃદ્ધિ જતી રહી છે. આજકાલ, ખિસકોલી કે સસલાં પણ નથી દેખાતાં! જે જંગલ પર આધાર રાખીને યુગોથી આદિવાસી જીવતા હતાં ત્યાં આજે કંઈ નથી. દુકાનો બંધ, હોટલો પણ બંધ છે. એટલે લાકડાં વેચાતા નથી. તો પણ, આદિવાસી આજ સુધી ભૂખ અપવાસથી મર્યાં નથી. કારણ કે આ વિસ્તારમાં જાતજાતના કામો શરુ થયા છે. પણ રંગવતી કે જાની બન્નેને આની ગંધ સુધ્ધા નથી.

ગાડી-ઘોડા બંધ છે પણ અહીં રોજ નવી નવી ગાડીઓ આવે છે, નવા નવા લોકો આવે છે. મહામારી એ લોકોનું કંઈ બગાડી નથી શકતી! આ લોક કેમ આ વિસ્તારમાં  આવે છે! શું લઈ જાય છે અહીંથી?

જાની રસ્તામાં જતો હોય ત્યારે દીવાલોથી ઘેરાયેલી મોટી મોટી જગ્યાઓ જુવે! ક્યારેક આ બધી જગ્યાઓ આદિવાસીઓની હતી. આજે લીઝ પર કોઈ કંપનીની છે. દશ વર્ષથી “કારખાના ખુલશે, ખુલશે” કરીને પણ હજુ ખુલ્યાં નથી. એણે સાંભળ્યું છે કે શહેરમાં જગ્યા ઓછી છે, એટલે જ કદાચ શહેરના લોકો અહીં આવે છે!

રંગવતી દરરોજ શહેર તરફના રસ્તા પર કોથળો નાખીને બેસે. કયારેક મહુડો, ક્યારેક ગૂગળ, ક્યારેક હાંડિયા  લઈને બેસે. ક્યારેક જંગલમાંથી ભેગા કરેલા રત્નો પણ હોય. શહેરના લોકો ખુબ ચાલાક. એ લોકોએ તરત ખબર પડી જાય કે આ સાચ્ચા નથી. ક્યારેક એ લોકો મહુડો ખરી દે, તો ક્યારેક હાંડિયા પીવે. પણ એનાથી કંઈ આટલા મોટા પરિવારનું પૂરું થાય નહીં!

જાની પણ જંગલમાં ધારિયુ લઇને જાય. પાછો આવે ત્યારે ક્યારેક હાથમાં એક ખિસકોલી લટકતી હોય.! બન્ને એક બીજાને જોતા બેસી રહે! વિચારે, કાલે રસ્તાનું ખોદકામ શરુ થઈ જાય તો કેટલું સારું! બિસ્કીટ કે સાબુની ફેક્ટરીની સાઈરન વાગે તો કેવું સારું! આ મહામારી કાલે આખા વિસ્તારમાંથી ક્યાંક  જતી રહે તો કેવું સારૂ! પણ એવું બને નહીં.

મહામારી શહેરના લોકોને પકડે અને પછી જંગલી લોકોને. જોને દશ બાર જંગલી લોકો પણ મરી ગયા! સાહેબો ક્હે, મહામારી જાય પછી કારખાનાં ચાલુ કરવાનું વિચારીએ!

રંગવતી રસ્તાની એક બાજુ હાંડિયાની હાંડી અને ગ્લાસ લઈને બેસે. હાંડિયામાં ડોયો હોય. કોથળા પર કુમળા પાન પાથરી છોકરાઓ માટે પથારી કરી રાખે. બે છોકરા તેની છાતીમાં મોં ખોંસી પડ્યા હોય. બે પથારીમાં સૂતા હોય. બે મોટા ખોરાકની શોધમાં અહીં તહીં રખડતાં હોય.

ભૂખ લાગે ત્યારે તે છોકરાઓને હાંડિયા પીવડાવી દે. આજ કાલ હાંડિયા પણ ઘણી મુશ્કેલીથી બનાવે છે. પાસે અનાજ ન હોય તો હાંડિયા કેવી રીતે બને! ક્યારેક કોઈ ગાડી કે મોટર સાઇકલ તેની પાસે આવીને ઊભી રહે ત્યારે છોકરાઓને છાતી સાથે જકડી રાખી પૂછે, હાંડિયા આપું? મહુડો આપું? રત્ન પથ્થર આપું? જો ઘરાક ‘હા’ પાડે તો તે બન્ને છોકરાંના મોમાંથી સ્તન છોડવી, તેમને ધકેલી નીચે નાખી અને ઘરાકને હાંડિયા આપે!

ઘરાક તેના હાથમાં પૈસા આપે તો તેને થાય કે તેના છોકરાં ખાવા પામશે! પેટમાં રહેલું બાળક ત્યારે લાત મારે. રંગવતી પ્રેમથી પેટ પર હાથ ફેરવે. ભલેને સાત કે પછી સતર છોકરાં! બધાં તેના કાળજાના કટકા છે. આ લોકોને પૂરું ખાવા નથી આપી શકતી એટલે ક્યારેક તેને ગુસ્સો આવે. નહિતર કોઈ મા પોતાના છોકરાને ધક્કો મારે ખરી!

ઘરાક ન હોય ત્યારે તે છોકરાં તરફ જુવે! મોટા થઈને આ લોકો તેને પોષશે. જુવાન ‘ધાંગડા’, ‘ધાંગડી’ થઈ આ વિસ્તાર ગજવશે. ત્યારે ભૂખ્યું નહીં રહેવું પડે. તે સાંજના ટાઈમે આવા દીવાસ્વપ્ન જુવે. ત્યારે જો કોઈ ગાડીમાંથી માબાપ સાથે પેન્ટ શર્ટ બૂટ પહેરેલું શહેરી બાળક ઉતરે ત્યારે તેનું સપનું તૂટી જાય. તેને વિચાર આવે માતાજીએ બધાં બચ્ચાને જનમ આપ્યો છે, તો આવો ભેદભાવ શા માટે?

શહેરી છોકરાંને જોઈને તે નીચે સૂતેલાં પોતાના ભૂખ્યા નાગા બચ્ચાંઓને સરખાવતી અને ખૂબ ઉદાસ થઇ જતી!

ભર બપોરે ખૂબ તડકો પડે, ત્યારે બચ્ચાં ઊંઘી જાય. તે બાજુની જાંબુડી પરથી કુણા ડાળખાં તોડી લાવી તેમની પર નાખી દે. કુમળા પાનના સ્પર્શથી બચ્ચાં ઊંઘી જાય. જો બપોરે કોઈ ઘરાક ઊભો રહે તો તેને લાગે કે રંગવતીએ કોઈ નવી વસ્તુ વેચવા  મૂકી છે અને તે ઢાંકીને રાખી છે.

કોઈ કોઈ તો પૂછે, ‘પેલી કઈ વસ્તુ છે?’ મહુડા અને હાંડિયા પરથી માખી ઉડાડતા ઉડાડતા રંગવતી નવાઈથી ઘરાક સામે જોઈ રહે અને ત્યારે જ બચ્ચું પડખું ફેરવી ‘કે.. કેં..’ કરે. ઓહ! ઘરાક પોતાની ભૂલ સુધારી લે. રંગવતીને લાગે કે એક દિવસ આ મહામારી અહીના આદિવાસીને મારી નાખે તે પહેલા ભૂખ આ લોકોને મારી નાખશે.

કેટલાક લોકોએ તો દલાલ જોડે વાતચીત પણ કરી રાખી છે, આ બાજુ મહામારીના નિયંત્રણો દૂર થશે ને પેલી બાજુ તે લોકો કામ માટે બીજાં રાજ્યમાં જતા રહેશે. ને, કદાચ, જાની પણ જતો રહેશે. આટલા મોટા પરિવારને રંગવતી એકલી શી રીતે સંભાળશે!

પંદર વર્ષની હતી ત્યારે જાની પાસે આવી હતી. અત્યારે વીસ કે બાવીસ કે ચોવીસની થઈ હશે! તેની લીસ્સી કાળી કાયા, નાકમાં નથ, કાનમાં બુટિયા, ડોકમાં વાઘનખવાળી એક માળા અને હાથમાં લાલ રંગની કાચની બંગડી છે!

આટલાં બધાં છોકરાં થયા, એટલે શરીર થોડું વળી ગયું છે, પણ કામમાં તો તે જાનીને પાછળ પાડી દે! સવારથી સાંજ સુધી ગધેડાંની જેમ કામ કરતી હોય. થાકીને થોડી વાર બેસે કે આંખો સામે છ-છ છોકરાં તરવા લાગે!! સાતમું પણ પેટમાં મૃદુ લાત મારી પોતાની સત્તા જાહેર કરે.

આ બધી તો સમય સમયની વાત છે. આ ખરાબ સમય આવ્યો છે, કાલે જતો રહેશે. આ છોકરાં પણ કામે જશે. બસ, થોડા મોટા થઈ જાય! ક્યારેક કંટાળીને તે બધાંને મારી દે, પણ પછી તેને રડવું આવે! ત્યારે તેને થાય કે, ‘આ કંઈ ખાલી છોકરાં નથી, પણ તેનો જીવ છે! ભલે ભૂખ્યાં, તરસ્યાં રહે, પણ પોતાની નજર સામે રહે એટલે બસ!’

એક દિવસ જાની જંગલમાં શિકાર કરવા ગયો હતો,, ત્યાં પથ્થર પર પટકાઈ લોહીલુહાણ થઈ ઘરે આવ્યો. ઉઠવા બેસવાનું બંધ! એણે પથારી પકડી લીધી. કોણ જાણે ક્યારે સારો થશે?

એ ગાળામાં મોટા છોકરાને તાવ ઉધરસ થયા. આ મહામારીના લક્ષણ!  હવે શું કરવું, રંગવતીને  સમજાતું નથી. સૌથી મોટું કામ આ બધાંનું પેટ ભરવાનું છે. એ પણ થતું નથી. મોટા છોકરા અને જાનીને છોડી તે દરરોજ વન્ય સામગ્રી, મહુડો વગેરે લઇ રસ્તા બાજુ જાય. કોઈ દિવસ બે પૈસા લઇને તો કોઈ દિવસ ખાલી હાથે પાછી આવે. તેને ખબર પડી ગઈ હવે નહીં પહોંચી વળાય. ઘોર વિપદા આવે છે. હવે તો માતાજી જ બચાવી શકે.

તેનું પોતાનું પેટ પણ ભૂખથી ગડગડાટ કરે. જાનીથી લઈને બધાં છોકરાં બધાં બૂમો પાડે. ભૂખ, ભૂખ, ભૂખ! બચ્ચાંઓને તો સુખ સ્તન સાથે વળગાડીને ચુપ કરી દે, પણ જાની જેવા મોટા માણસનું શું?

એક દિવસ એણે જોયું કે છોકરાઓને ધવડાવતી વખતે જાની ભૂખી નજરે છોકરાં સામે જોઈ રહ્યો છે. રંગવતીએ જાનીની આવી નજર કદી જોઈ ન હતી. એટલે તેને સમજાયું નહીં. તેણે સાડીનો પાલવ સ્તન અને છોકરાના મોં પર નાખી દીધો.

“રંગવતી !” જાનીએ બોલાવી. તે હવે કેટલાક દિવસથી મુશ્કેલીથી ઊઠીને બેસતો થયો છે. હવે કદાચ પંદરેક દિવસમાં સાજો થઇ જશે. મોટો દીકરો ધીમે ધીમે સારો થતો જાય છે. જો બે મૂઠી સરખું ખાવા મળે તો જલદી સારો થઈ જાય.

રંગવતીએ જાની સામે જોઈ પૂછ્યું, “શું છે?“

જાની બે હાથ ટેકવીને બેઠો થયો. કહ્યું, “પાસે આવ !”

બચ્ચાંઓને ઊંઘાડી  રંગવતી પાસે આવી.. જાની પાસે બેઠી. પૂછ્યું,  ભૂખ લાગી છે? ઘરમાં એક પણ દાણો નથી.”

જાની વ્યાકુળ હતો. ભૂખ સહન નથી થતી. કહ્યું, “રંગ, તારા સ્તન મને દે! હું જીવી જઉં.”

આ પ્રસ્તાવથી રંગવતી એટલી નવાઈ પામી કે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. ભૂખ માટે દુનિયાના કોઈ પતિએ આવી માંગણી કરી નહીં હોય! પણ હાય રે નસીબ! એના સ્તનમાં એક ટીપું પણ અમૃત નથી. જાનીના મોંને સ્તન જોડે લગાડી તે ધ્રુસકે ધ્રૂસકે રડી પડી.

નાના બચ્ચાની જેમ જાની સ્તન ચુસતો રહ્યો! બચ્ચાં એક નવા પ્રતિસ્પર્ધીને શી રીતે સહન કરે! ભોજક અને ભોજ્યનો સબંધ હમેંશા સંગ્રામનો હોય. એ લોકો જાની તરફ ધસ્યા. એ લોકોના નાના નાના મોં સ્તન પાસે પહોંચવા પ્રયત્ન કરવા લાગ્યા. આ દૃશ્ય સંસારનું પ્રથમ અને અંતિમ દૃશ્ય હતું.

રંગવતીને કંઈ કરવું પડશે, પણ શું તે નથી જાણતી. તે રસ્તાની એક બાજુ બેધ્યાન પણે બેઠી છે. ખરેખર શું મનને સમજાવવાથી ભૂખ સમી જાય. નહિતર તેના સુકાઈ ગયેલા સ્તન ચૂસી બચ્ચાં શી રીતે ધરાયેલા લાગે. આજે જાનીના મોં પર પણ પેટ ભરાઈ ગયાની તૃપ્તિ તેણે જોઈ છે. હાય! પોતે કેટલી નિરુપાય છે!

અત્યારે, જંગલમાંથી વીણેલા પથ્થર લઇને તે બેઠી છે. થોડા જંગલી બોર પણ રાખ્યા છે. થોડાં વેલ, મૂળિયા પણ રાખ્યા છે. ઊંઘી ગયેલાં બાળકો પર જાંબુના કુણા પાન અને ડાળખાં ઢાંકી દીધાં છે.

બપોર થવા આવી. અત્યારે સુધી એક પણ ઘરાક નથી આવ્યો. રસ્તા સુમસામ છે. એક બે ગાડી અવાજ કરતી પસાર થઈ જાય છે. આજે પણ ખાલી હાથે પાછા જવું પડશે! આજે પણ ગમે તે ખાઈ પેટ ભરવું પડશે. છોકરાંઓનું જંગલી બોરથી પેટ ભરવું પડશે! ખૂબ તડકો છે. માથું ફરી જાય છે.

રંગવતીના પેટમાં જે કંઈ જાય છે તે બહાર સ્તનમાંથી છોકરાં, તમનો બાપ અને ગર્ભમાં રહેલું બાળક ચૂસી લે છે. તે દિવસે દિવસે નબળી થતી જાય છે. પણ તે આ પરિવાર દોરો છે. તે તૂટી જશે તો આખો પરિવાર વેરવિખેર થઈ જશે!

તે ઘરે જવા ઊભી થઇ. ત્યાં તો એક મોટી ગાડી આવી ઊભી રહી. અંદરથી એક સુટ બૂટ પહેરેલો ફ્રેંચકટ દાઢી રાખેલો મધ્યમ વયસ્ક માણસ નીકળ્યો. મોટો ઘરાક લાગે છે.

“એઈ ! તારી પાસે શું છે? હાંડિયા છે?”

“ના સાહેબ, હાંડિયા નથી.” રંગવતીએ પથ્થર અને બોર દેખાડી કહ્યું સાહેબ ઘણા દિવસથી કંઈ ખાધું નથી. જે આપવું હોય તે આપજો. આ બધું લઈ જાવ.”

“બોર!” ઘરાક જોરથી હસ્યો. અને ત્યાં તો તેની નજર જાંબુના કુણા પાંદડા વડે ઢાંકેલી વસ્તુ પર પડી. તેણે કેટલાંક ડાળખા હટાવી કહ્યું, “ઈંટરેસ્ટીંગ!”

બચ્ચાં આડાઅવળાં સૂતેલાં પડ્યા હતાં. જાણે ઘરાક માટે રાખેલી નવી પ્રોડક્ટ. તેણે રસથી છોકરાંઓને પરખી જોયા., ફણસ પાકી ગયું છે કે નહીં તે પરખતો હોય તેમ.

અચાનક મરઘાની ટાંગ પકડી ઉપાડતો હોય તે રીતે એક બચ્ચાની ટાંગ પકડી ઊંચકી પૂછ્યું, “આપવું છે?”

“શું!” રંગવતીએ નવાઈ પામી પૂછ્યું.

“ત્રણસો આપીશ. વજન ચાર પાંચ કિલોથી વધારે નહીં હોય.”

પગ ઉપર અને માથું નીચે કરીને લટકાવ્યું હોવાથી બચ્ચાએ ભેંકડો તાણ્યો.

“એટલે?” રંગવતીએ ફરી પૂછ્યું.

“આપતી હોય તો બધાં લઈ જઉં. બે હજાર આપીશ.” ઘરાક બચ્ચાને નીચે મૂકતા બોલ્યો.

રંગવતીને થયું ઘરાકની છાતી ચીરી નાખું! તેણે છોકરાને નીચેથી ઉપાડી છાતી સરસું છાપ્યું.

“આપવા છે?” ઘરાકે હાથ ધોતા ધોતા પૂછ્યું.

“જાય છે કે નહીં, અહીંથી, નહિતર!…” રંગવતીએ એક ધારદાર દાતરડા જેવું શસ્ત્ર ઘરાક સામે ઉગામ્યું. ‘બચ્ચાને કિલોના ભાવથી લેવા છે! આ શહેરના લોકો… માણસ છે કે કોણ છે!’ તેની આખોમાં આસું સાથે આગ હતી.

ઘરાક ગાડીમાં બેસતા બેસતા બોલ્યો. “રાખ તારી પાસે, પછી સામેથી આવીશ. આવા તો કેટલાંય લીધાં! તું વળી આવી મોટી ભારતમાતા!”

ઘરાકની ગાડી દૂર જતી રહી. તે દિવસનો બચેલો બધો સામાન અને બચ્ચાં લઈ રંગવતી ઘેર પાછી આવવા નીકળી.

***

મૂળ ઉડિયા વાર્તા, “ઘરાક”ના લેખકનો ટૂંકો પરિચયઃ
અનીલ કુમાર પાઢી– જન્મ ૯-૪-૧૯૬૯, જન્મ સ્થળ જડીદા ગામ તા. સોરો, જિ. બાલેશ્વર.

વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, નિબંધકાર. વાર્તા સંગ્રહ- એક બીસ્ફોરણ અપેક્ષારે, સોપાન સોપાન મુક્તિ, આદ્રા નક્ષત્રર બર્ષા, છાઈ પરી કીછી, હાટ, નીડ નિર્જન, શેષ રાતીર શોષ વગેરે બાવીસ વાર્તા સંગ્રહ. નવલકથા-મેધા રાતી, સારા રાસ્તા, ઓ એકાકી મધ્ય પદ વગેરે. વિવેચન અને નિબંધ સંગ્રહ: અલ્પ આલાપ, સંચિત અનાબરણ. સન્માન અને પુરસ્કાર: સર્વ ભારતીય “કથા” એવોર્ડ, દિલ્લી. કાદમ્બિની ગલ્પ પુરસ્કાર , કલિંગ પ્રભા સાહિત્ય સારથી સન્માન, પ્રજાતંત્ર બિષબ જ્હન્કાર ગલ્પ સન્માન વગેરે.

આપનો પ્રતિભાવ આપો..