વ્હોટ? કીચન ઇસ કલોઝડ? ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:-6 ~ ઉત્કર્ષ મઝુમદાર

પહેલા અમે પાર્કિંગ લોટ આગળ ગયા. આ પાર્કિંગ લોટ સાંજથી પહેલી સવાર સુધી ફ્રી હતો પણ દિવસ દરમ્યાન પૈસા ભરવા પડે નહીંતર ગાડી બમ્બૈયા ભાષામાં કહીયે તેમ ટોચન થઇ જાય. મતલબ ટો થઇ જાય.

અહીંયા ક્રેડિટ કાર્ડ ચાલે તેમ નહોતા. રોકડા પૈસા જ આપવા પડતા હતા ને એ લેવા માટે કોઈ માણસ તો હતો નહિ. તમારે પૈસા મશીનની અંદર નાખી દેવાના અથવા પૂર્વ પેઈડ કાર્ડ હોય એ કારની અંદર બહારથી દેખાય એ રીતે મુકવાનું એટલે ખબર પડે કે તમે પૈસા ભર્યા છે.

અમને આગળ દિવસની ચિંતા હતી. ધારો કે અમે સમયસર પેલું કાર્ડ ખરીદીને મૂકી ન શક્યા તો શું થાય? એ કાર્ડ અમારે અત્યારે જ ખરીદવું પડે તેમ હતું. તેથી અમે કાર લઈને એ ખરીદવા નીકળ્યા. ગામ નાનું હોવાથી દુકાન તો તરત મળી ગઈ. જે એક મિની માર્કેટ જેવી હતી. ત્યાંથી કાર્ડ ખરીદી લીધું.

સીજેના ક્રેડિટ કાર્ડથી આ બે યુરોના કાર્ડનું પેમેન્ટ કરવા કાર્ડ ધર્યું તો કાઉન્ટર પર બેઠેલા ભાઈએ હળવું સ્મિત આપતા કહ્યું, “સોરી નો કાર્ડ, કેશ ઓન્લી.” એ પણ માત્ર યુરોઝ.

અમેરિકા આખામાં નાની રકમની ચીજ ખરીદવા માટે પણ ભલે ક્રેડિટ કાર્ડનું ચલણ હોય, તેથી આખી દુનિયામાં પણ એ જ રીતે નાણાકીય વહેવાર થતો હોય એ માની લેવાથી મુશ્કેલી સર્જાઈ જાય.

મારી પાસે યુરોઝ હતા તેથી મુશ્કેલી ના આવી. સીજેએ કહ્યું, “તું જયારે જયારે કેશ આપે તેનો હિસાબ રાખી મૂક. એટલે ટુરને અંતે આપણને હિસાબ કરતા કોઈ તકલીફ ન પડે. જે હો તે, આ કાર્ડ મળી જવાથી એક ભાર ઓછો થઇ ગયો એ ચોક્કસ.

જો કે બીજે દિવસે કારની ડિકી ખોલતા ખબર પડી કે કાર ભાડે આપવાવાળાઓએ આ બધું વિચારી રાખ્યું હશે એટલે તેઓએ પાર્કિંગ કાર્ડ ગ્રાહકની સગવડ ખાતર મૂકી રાખેલું. જો ગ્રાહકને તાત્કાલિક જરૂર પડે તો કાર્ડ શોધવા ક્યા નીકળે? ગ્રાહકની સગવડનો કેટલો વિચાર!

અમે અધીરા બનીને જોયું નહિ એટલે સમય ને પૈસા બગડ્યા ને નફામાં થોડું ટેન્શન પણ વહોરી લીધું.

હવે બિયર અને ડિનરનું વિચારવાનું હતું. એનો તો કોઈ પ્રોબ્લેમ નહિ થાય. ઘણી બધી રેસ્ટોરન્ટ દેખાતી હતી. અમે કેટલા ખોટા હતા તે થોડીવારમાં સમજાઈ ગયુ. ઘણીબધી રેસ્ટોરન્ટ બંધ થઇ ગઈ હતી ને એક રેસ્ટોરન્ટે અમને ના પાડી દીધી. એમ કહીને કે એમનું કિચન બંધ થઇ ગયું છે. અમારા તો માનવામાં ન આવ્યું કે રાતના નવ વાગે કિચન કેવી રીતે બંધ થઇ જાય? આ તો કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના.

અમને થયું અમારી સાંભળવામાં ભૂલ થઇ એટલે પૂછ્યું વ્હોટ? કીચન ઇસ કલોઝડ? પેલો માણસ કહે યસ. અમે કહ્યું કશો વાંધો નહિ બીજી રેસ્ટોરન્ટમાં જઈશું.

અમને દરેક જગ્યાએ આજ જવાબ સાંભળવા મળ્યો. અમે તો નાસીપાસ થઇ ગયા ટુરની પ્રથમ રાત ને ખાધા પીધા વગર સુઈ જવું પડશે? આમ તો અમે હિન્દુસ્તાનથી ખાવાનું લઇ આવ્યા હતા પણ રેસ્ટોરન્ટમાં બેસીને બિયરની ચુસ્કી મારતા, વાતો કરતા આસપાસનો માહોલ માણવાની વાત જ જુદી હોય છે.

બધા અમને ના પાડે છે એટલે ક્ષણભર એક વિચાર ઝબકી ગયો કે આ નાનકડા ગામમાં ગોરા કાળાના ભેદને લીધે ના પાડતા હશે કે શું? પણ પછી તરત જ એ વિચાર ખંખેરી નાખ્યો કે ટૂરિસ્ટ ગામમાં એવો રંગભેદ રાખવાનું પરવડે પણ નહિ અને એક રેસ્ટોરન્ટવાળા કદાચ રંગભેદની નીતિમાં માનતા હોય તો કંઈ બધા જ આવા સંકીર્ણ વિચારવાળા થોડા હોય?

વળતી વખતે ફરી પાછી પહેલી રેસ્ટોરન્ટ આવી. હમેશનો આશાવાદી એવો સીજે કહે “ચાલો અંદર જઈ ફરી પેલાને વિનંતી કરીએ. રખેને હા પાડી દે.” અમે કહ્યું ચાલો જેવી કેપ્ટનની ઈચ્છા ને કેપ્ટનને અનુસર્યા.

આખરે પહેલી રેસ્ટોરન્ટમાં પાછા જઈ બહુ વિનંતી કરી એટલે પેલાએ અમને અંદર લીધા ને કહ્યું ખાવાનો ઓર્ડર હમણાં જ આપી દો. ઓર્ડર આપી દીધો અને કહ્યું ખાવાનું થોડીવાર પછી લાવજો કદાચ અમે બિયરનો સેકન્ડ રાઉન્ડ પણ કરીએ. પેલાએ કહ્યું એનો વાંધો નહિ. અમે એને કહ્યું “આટલું જલ્દી કિચન બંધ થઇ જાય એવું અમે કદી જાણ્યું નથી.”

એણે અમને સલાહ આપી કે તમે જ્યાં જશો ત્યાં બધે તમને આવો જ અનુભવ થશે. રાતના ભોજન જલ્દી લેવાનો રિવાજ છે. અહીં મોટા શહેરો સિવાય તમને બધે એવું જ સાંભળવા મળશે. નિશ્ચિંન્તે સહસા મારી સામે જોયું ને કહ્યું “ઉત્કર્ષ આપણે કેવી રીતે ભૂલી ગયા. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં પણ આપણને આ જ સમસ્યા નડેલી.” (હાં ઓસ્ટ્રેલિયામાં પણ રેસ્ટોરન્ટ જલદી બંધ થઇ જતી હતી.)

આનો અર્થ કશું ગૃહિત ધરીને ચાલવાનું નહિ. તમે જે રીતે જીવતા હો એ રીતે આખી દુનિયા જીવે છે એ માનવું નહિ. પરદેશ જતા પહેલા હોમવર્ક પાક્કું કરીને જવાનું. નાનામાં નાની વિગત પણ જાણી લેવાની એટલે સમસ્યા ન નડે.

મને લાગે છે કે તેથી જ મોટા ભાગના લોકો કન્ડકટેડ ટુર્સમાં જવાનું પસંદ કરતા હશે. ભલે દિવસ આખો દોડાવ દોડાવ કરે. થાકીને ઠુસ કાઢી નાખે પણ આવી કોઈ અડચણ તો ના નડે. સીજે કહે ‘ચીયર્સ’ને અમે અમારા પ્રથમ દિવસના ટુરની પ્રથમ ઠંડા જર્મન બિયરની ચુસ્કી માણવામાં મશગુલ થઇ ગયા.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..