તમારી કવિતાઓ મારી જ વાત છે ~ પન્ના નાયક વિષે ~ ગીની માલવિયા

આજે ભર ભર શિયાળાના
પીળા રણમાં
ઝંખું છું
ગુલમોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ
પછી,
હું ખુદ વસંતપંચમી.

આ પીળા રણમાં પોતાના અસ્તિત્વને વસંતપંચમી બનાવીને મહેંકી શકે એ વ્યક્તિની વાત માંડવાની છે.

જેમની કવિતાને ભાવકો ખોબલે ખોબલે વખાણે છે. પ્રશસંકો ટાચકા ફૂટે એવાં હેતભર્યાં ઓવારણાં લે છે. વિવેચકો ઈનામોથી પોંખે છે.

ડાયસ્પોરા કે ભારતીય સાહિત્યમાં જેમની કવિતાનો અવાજ બળૂકા સ્વરે પ્રગટ્યો છે અને મધુરાં ગીત થઈને કાનમાં ગુંજ્યો પણ છે. એ કવયિત્રીની વાત માંડી છે મેં.

કવયિત્રીની કવિતા સાથે તેમનાં ઋજુભાષી, સ્મિતભાષી અને મૃદુભાષી વ્યક્તિત્વની વાત નહીં કરું તો મારી માંડેલી વાત અધૂરી જ રહેશે.

તમે આંખો બંધ કરીને એમનું નામ બોલો એટલે કાનમાં વિદેશિની અને દ્વિદેશિનીનાં કાવ્યોનો મધુર રણકાર સંભળાય. મનના કેન્વાસ પર એક ગૌરવર્ણો, મોટી બિંદીથી શોભતો, કાજળભરી આંખોવાળો અને આભિજાત્યભર્યો ચહેરો ઝિલાય.

પન્ના નાયક : વિદેશિની અને દ્વિદેશિની | ટહુકો.કોમ

માંડેલી આ વાતમાં હું થોડીક કવિતાની વાતની ગૂંથણી પણ કરીશ. એમની કવિતાની, એમના કવિકર્મની વાત.

એમની અછાંદસ, કવિતા, હાઈકુ અને ગીતમાં અપાર વિષયવૈવિધ્ય જોવા મળે છે. કેટલીય કવિતાઓ તમને વાંચીને થાય કે આ તો મારી જ વાત છે. કારણ કે કવિતામાં છે આત્મકથન, કુટુંબીજનોનો પ્રેમ, એમનો વિરહ, ફેમિનીઝમ, રોજિંદા જીવનની ઘટમાળ અને ચૈતન્ય પ્રવાહ.

અને આ ચૈતન્ય પ્રવાહ એટલો તો ધસમસતો છે કે તમે એમાં વહ્યાં વગર રહી જ ન શકો. કવયિત્રીની સંવેદના તમને સાંગોપાંગ ભીંજવી જાય તેની શક્યતા કોઈ વાચક નકારી જ ના શકે.

એમની કવિતા એટલા હદ સુધી પ્રામાણિક છે ક્યારેક એને મર્યાદા ઉલ્લંઘનનું પણ લેબલ લાગ્યું છે. કવિતા અંકુરિતની ક્ષણ કે પોતાની કવયિત્રી થવાની પ્રક્રિયા અંગેનું  સઘળું શ્રેય એ એન સેક્સટનની કવિતાને આપે છે.

Anne Sexton

આમ જુઓ તો એ સામાન્ય ઘટના લાગે. પણ ઊંડાણમાં ઊતરો તો જણાય કે એન સેક્સટનની કવિતા ચાલકબળ કે પ્રેરણા તરીકે મૂકો પણ કવયિત્રીનાં મનમાં, હ્રદયમાં કેટલું ગોરંભાયેલું હશે જે અઢળક, ધોધમાર ગદ્ય પદ્ય થઈને વરસ્યું.

એટલે ધરબાયેલું જે હતું જ તે નાનકડા સૂર્યકિરણના અજવાસભર્યા ધક્કાથી ધરતી ફાડીને ઊગ્યું, ખીલ્યું અને મહેક્યુંય ખરું.

એમના કવિતાસંગ્રહનાં શીર્ષક જુઓ.

પ્રવેશ (કાવ્યસંગ્રહ) / પન્ના નાયક | ગુજરાતી લિટરેચર

‘પ્રવેશ’થી શરૂ થયેલી કાવ્યસફર છે. જેમાં લખવાની ‘નિસ્બત’ છે. ‘અરસપરસ’માં પરસ્પરની વાત છે. ‘આવનજાવન’ એટલે બે દેશ વચ્ચે  વહેંચાયાની દ્વિધા છે. ‘રંગઝરૂખે’ જિંદગીના વિધ વિધ રંગોની વાત છે. ‘ચેરી બ્લોસમ’ નામ સાથે જ ફૂલોથી લૂમઝૂમ વસંત નજરમાં વસી રહે. દેશથી પરદેશની સફરમાં મનના કેમેરાએ ઝડપેલી વાતો એટલે ‘ગુલમહોરથી ડેફોડિલ્સ’.

વિદેશિની : પન્ના નાયકનાં કાવ્યો » 2013 » December

ભારતીય સંસ્કૃતિને છલોછલ રાખીને તટસ્થતાથી અહીંની પ્રકૃતિ અને પ્રવૃત્તિ ઝીલી શકવાની વાત એટલે ‘અત્તર અક્ષર’. એટલે બંને દેશોની  મહેંક સત્તર અક્ષરોમાં આલેખાયેલી છે. સ્વતંત્રપણે કોઈ પણ છોછ વગર લખવાની વાત એટલે ‘અબ તો બાત ફૈલ ગઈ.’

કવિતા અને હાઇકુ લખતાં કવયિત્રીનું કવિકર્મ જેટલું આકર્ષક એટલું વાર્તાકર્મ પણ ધ્યાનાર્ષક અને વૈવિધ્યસભર.  સંગોપિત રાખવાની બેડરૂમની વાત અહીં મોકળા મને પાનાં પર નિર્ભિકતાથી આવી છે.

ભારતીય સંસ્કૃતિ અને અમેરિકાના જીવન વચ્ચે બે છેડાના અંતિમ જેવી વાતો વાર્તા બની છે અને એનું સીવણ બારીક અને સીમલેસ થયું છે.

દરેક વાર્તાઓ જાણે ક્યાંક આસપાસના માહોલમાં બની હોય એટલી નજીક લાગે આપણને. કવયિત્રી કહે છે,

“મારા લખાણની મૂળ વાત છે ચૈતન્યનો પ્રવાહ. બધી જ અપેક્ષાઓ ખંખેરાઈ ગયા પછી મન કઈ રીતે જાતને અને જગતને લગભગ સાક્ષીભાવે જુએ છે એનો અહીં કોઈને નકશો મળે તો મળે.”

જોયું તમે? વિવેચકો જેને કવયિત્રીનું પ્રતિબિંબ કે સ્વભાવગત આરસી કે જે કંઈ કહે છે તેને અહીં નકશાનું નામ અપાયું છે. નકશો એટલે જેનું ગંતવ્યસ્થાન નક્કી છે ત્યાં પહોંચવાની પગદંડી કહો તો પગદંડી અને રાજમાર્ગ કહો તો રાજમાર્ગ, એ રસ્તો ચીંધ્યો છે.

અને સાચે જ કેટલીય સ્ત્રીઓ, કોઈ પણ ઉંમરની સ્ત્રીઓ આવીને કવયિત્રીને કહે છે તમારી કવિતાઓ મારી જ વાત છે. કારણ કે અંતર્યામીની જેમ જુદી જુદી વયની સ્ત્રીઓનાં ભાવજગતને, મનોજગતને ઊંડાણથી સાચા અર્થમાં સમજી શક્યાં છે અને એટલે જ સ્પર્શી શક્યાં છે.

સુખની વ્યાખ્યા દરેક વ્યક્તિની જુદી હોઈ શકે પણ પીડાની વ્યાખ્યા દરેક દેશ કે દરેક દેશની સ્ત્રીઓની એક જ રહે છે.

કવયિત્રી કહે છે કે, “વેદનાથી પ્રારંભ થયેલી મારી કવિતા કોઈ વિસ્મયના વિશ્વમાં મને લઈ જાય છે.”

વેદનાથી પ્રારંભ થયેલી પીડાને જિન ટોનિકમાં પીતા આવડે એ કવયિત્રીની વાત હું કરી રહી છું. જે વેદનાને વિસ્મયમાં કે ગણગણવાં ગમે એવા ગીતમાં ઢાળી શકે છે. આ પીડાના ચક્રને ઊંધું ફેરવીને જે સર્જન થયું છે તે પ્રશંસનીય છે. પીડાને સંગોપીને થયેલું આ સર્જન પાછું ગમી જાય એવું સત્ય છે. અને હા, કાળજયી છે, ધૂળ પર લીંપણ જેવું અલ્પજીવી નથી.

કવયિત્રીનાં શબ્દો છે-

સમગ્ર કવિતા થઈ,
કાવ્ય પૂર્ણ ક્યારે થશે?

કવયિત્રીના મતે કવિતા તો સમગ્ર થઈ ગઈ છે પણ કાવ્ય પૂર્ણ થવાનો પ્રશ્ન વાચકને પુછાયો  છે. વાચક અને ભાવક તરીકે મારો જવાબ એ છે કે,

પ્રિય પન્નાબેન,

જેનું આભિજાત્યભર્યુ, ખુમારીભર્યું, ગરિમાપૂર્ણ,સહ્રદયી, ઋજુ, રમૂજની તીક્ષ્ણ છાંટવાળું અને ગમતીલું વ્યક્તિત્વ જ એક ગુજરાતી સાહિત્યની નખશિખ કવિતા જેવું લાગે છે.

જે કોઈ તમારાં સંપર્કમાં આવ્યું એ તમારી મેઘધનુષી પ્રતિભાના રંગમાં રંગાયા વગર રહી જ ના શકે. નખશિખ કવિતા  જેવી પ્રતિભા અને વ્યક્તિત્વને એક પૂર્ણ કાવ્ય જ કહી શકાય.

કવિતાને પ્રેમ કરતા શીખવાડવા માટે આભારી,

~ ગીની માલવિયા

આપનો પ્રતિભાવ આપો..