ચલ, મારીએ લટાર ઘડી ચંદ્રયાનમાં ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

ચંદ્રયાન-૩ નિર્ધારિત ગણતરી પ્રમાણે ૨૩ ઑગસ્ટે ચંદ્ર પર ઉતરાણ કરે એવી સંભાવના છે. ૨૪ ઑગસ્ટે નર્મદનો જન્મદિવસ છે જે વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઊજવાય છે.

Narmad - Wikipedia

આમ બે મહત્ત્વની ઘટનાઓ પ્રત્યે હરખ વ્યક્ત કરીને દેશની શાન સમા ચંદ્રયાન-૩ની યાત્રા નિમિત્તે ચાંદામામાને યાદ કરીએ. ફિલ્મનો એક યુગ એવો રહ્યો છે જેમાં નાયિકા સાથે ચાંદની તુલના કરતાં સુંદર ગીતો પ્રાપ્ત થયાં છે. કુમાશ સાથે આજની મહેફિલની શરૂઆત માયૂસ કવિ ચાણસોલના શેરથી કરીએ…

ઝુલ્ફને ચહેરા ઉપરથી
ના હટાવો હાથથી

ચાંદને અડધો નીરખવાની
મજા કંઈ ઓર છે

Waheeda rehman... Chaudhvin ka chand | Beautiful bollywood actress, Vintage bollywood, Bollywood pictures

ચંદ્ર સાથે આપણે ભાવનાત્મક રીતે જોડાયેલા છીએ. એની કળા હંમેશાં વિસ્મિત કરતી રહી છે. અનેક દેશોએ મિશન કર્યાં હોવા છતાં એના પ્રત્યેનું કુતૂહલ બરકરાર રહ્યું છે.

પૃથ્વીથી ૩.૮૪ લાખ કિલોમીટર દૂર હોવા છતાં દરિયાની ભરતી સાથે ચંદ્રનો સંબંધ અચરજ પમાડે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ચંદ્રની વધતી-ઘટતી કળા જાતકના માનસ પર અસર કરે છે.

Tides | Earth & Tides – Moon: NASA Science

ચંદ્રની સપાટીનું તાપમાન દિવસે લગભગ ૧૨૦ ડિગ્રી અને રાતે માઇનસ ૧૮૦ ડિગ્રી હોય છે. એટલે દિવસે ધગધગે અને રાતે ઠંડોગાર હોય. રશ્મિ અગ્નિહોત્રી પ્રેમની શીતળ ભાવના વ્યક્ત કરે છે…

એક રેખા ચાંદથી મારા લગી
એક રેખા ચાંદથી તારા લગી
બાંધવું છે ચાંદનીનું એ નગર
ઝગમગે જે આખરી તારા લગી

ચાંદ પર વસાહતો બાંધવાની વાતો કેટલાંય વર્ષોથી ચાલે છે. તમારે ચંદ્ર પર પ્લૉટ લેવો હોય તો ન્યુ યૉર્કમાં આવેલી ધી ઇન્ટરનૅશનલ લ્યુનાર લૅન્ડ્સ રજિસ્ટ્રીનો સંપર્ક કરવો રહ્યો. ચંદ્રના વિવિધ વિસ્તારોમાં પ્લૉટ તમારી ખિદમતમાં હાજર છે. લેક ઑફ ડ્રીમ્સ વિસ્તારમાં એક એકર પ્લૉટ ૩૩.૭૨ ડૉલરમાં ઉપલબ્ધ છે.

No photo description available.

જો આ ભાવ વધારે લાગતો હોય લેક ઑફ હૅપીનેસ વિસ્તારમાં એક એકર પ્લૉટ ૨૭.૨૭ ડૉલરમાં મળે છે. મનમીતને આપ આ ભેટ આપીને ચકિત અને વિસ્મિત કરી શકો છો. જે પ્લૉટ ખરીદો એની તસવીર, લોકેશન બધું જ આપને રસીદ સાથે આપવામાં આવશે.

મુંબઈથી ચંદ્રની ફ્લાઇટનો ભાવ તો ખૂલશે ત્યારે ખૂલશે, પણ આ ઑગસ્ટ મહિનામાં મુંબઈથી ન્યુ યોર્ક જવું હોય તો વન-વે ખર્ચ કમસે કમ ૧,૩૦૦ ડૉલર થાય. વધુ વૈભવી વિચાર કરતાં પહેલાં દીપક ઝાલા અદ્વૈતનું મુક્તક વાંચી લઈએ…

બ્હાર આલીશાન, ભીતર
જર્જરિત હું છાપરું છું

ક્યાં ગજાથી પણ વધારે,
આભને હું પાથરું છું?

ચાંદ-તારા આંગણે રોપ્યા
ને વાવી ચાંદની છે

આભલા ટાંકી અગાસીએ,
નિશાને આંતરું છું

View of the rooftop terrace with full moon - Picture of Aloft Cancun - Tripadvisor

ચાંદની જ્યારે પૃથ્વી પર પથરાતી હોય ત્યારે એક નિતાંત શાંતિનો અહેસાસ કરાવે. પૂનમ હોય ત્યારે રાત્રિ-ટ્રેકિંગનું વિશેષ આયોજન થતું હોય છે.

Full moon hike and bonfire night with Bchaaleh Trails - Lebanon Traveler

એ વાતાવરણમાં પ્રકૃતિનો આનંદ એક વિરલ અનુભૂતિ તરફ લઈ જાય. કમલેશ શુક્લ સૌંદર્યની મહત્તા કરે છે…

ચાંદ, તારા ભાળવામાં
રસ પડે તો સાથ ચલ

રાત આખી જાગવામાં
રસ પડે તો સાથ ચલ

ક્ષણ પછી ક્ષણ જે મળે
તે ક્ષણ બધીએ માણવી

આ સમયને લૂંટવામાં
રસ પડે તો સાથ ચલ

સમય બદલાયો છે. એક સમયે સાપ અને સપેરાના દેશ તરીકે ઓળખાતો આપણો દેશ ચંદ્રયાન જેવા મિશનને કારણે વિશ્વની નજરમાં માનભેર ઊભરી આવ્યો છે. ઇસરોએ ભરેલી અવકાશફાળ દેશને ગર્વાન્વિત કરી રહી છે. તૃપ્તિ ભાટકર ચંદ્રયાનને ટાસ્ક સોંપે છે…

ચંદ્રને સુંદર છબીઓમાં
કરીને કેદ તું

લાવશે અદ્ભુત રહસ્યોની
ભરીને બૅગ તું

ચાંદ પરથી યાન, પૃથ્વી પર
નજર પણ નાખજે

કોણ સુંદર બેઉમાંથી,
ખોલજે એ ભેદ તું

Apollo 11 Mission Image - View of Moon Limb, with Earth on the Horizon - Moon: NASA Science
Earth from Moon

લાસ્ટ લાઇન
કોઈ ગહન છે મર્મ એના સંવિધાનમાં
રાખે જમીન પર ને રહે આસમાનમાં
શીતળ આ ચાંદની ને સરોવર ડૂબ્યું નગર
ચલ, મારીએ લટાર ઘડી ચંદ્રયાનમાં
આશ્લોષ ત્રિવેદી

લઈ તિરંગો આસમાને,
છે ઊડ્યું જે ચંદ્રયાન
દૂર અવકાશે ગવાતું
દેશના ગૌરવનું ગાન
યાન જાશે એ ભૂમિ ક્યાં છે
અજાણી, અણદીઠી?
નિજ ઘરેથી નીકળીને
જાશે એ મામાને સ્થાન
સંજય રાવ

પળેપળ પ્રમાણી છે તારી પ્રતીક્ષા
મને ખૂબ વ્હાલી છે તારી પ્રતીક્ષા
ચળક ચાંદની જેવો છે પ્રેમ મારો
ગુલાબી ઉદાસી છે તારી પ્રતીક્ષા
શબનમ ખોજા

જત જણાવવાનું તને છે કે
છે અજબ વાતાવરણ
એક ક્ષણ તું હોય છે ને
એક ક્ષણ તારું સ્મરણ
ખાસ અઘરું તો નથી કૈં
આ વિરહનું વ્યાકરણ
ચંદ્રવદને આછુંઅમથું
ચાંદનીનું આવરણ
રાજેન્દ્ર શુક્લ

જરૂરી નથી કે તમે ચાંદ લાવો
જો પડખે રહો તો અમારે ઘણું છે
ડૉ. સેજલ દેસાઈ

આપનો પ્રતિભાવ આપો..