અગ્નિપરીક્ષા ~ દીર્ઘ નવલિકા ~ અંતિમ હપ્તો ~ ભાગ:7 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

ધીમી ધારે વરસતા વરસાદ સાથે સમય પણ વહેતો રહે છે.

હંસાએ રશ્મિ પાસેથી ઇટાલિયન, મૅક્સિકન વાનગીઓ બનાવતાં શીખી લીધી છે, રશ્મિએ એને યુટ્યુબ પર વાનગીઓનો ખજાનો દેખાડી દીધો.

કોઈ વાર રશ્મિને આવતાં મોડું થતું કે એ યશને પોતાને ત્યાં લઈ આવતી, એને ભાવતી વાનગીઓ બનાવતી, નવીન ખુશ થઈ ગયો હતો, `હંસા, તારા પાસ્તા વીથ વ્હાઇટસોસ તો સરને એટલા ભાવ્યા, ટુ ગુડ યાર. હાશ, તારા દેશી ખાનાથી છુટકારો.’

એણે નોટોની થપ્પી ટેબલ પર મૂકી, `આ તારું ઇનામ.’

હંસા બોલી પડી, `આ શું નવીન? આટલા પૈસા?’

`યસ હંસાજી. કડકડતી નવીનક્કોર નોટો. મૂડ બન ગયાના તેરા?’

`ના. તમે સાથે બેસી જમો તો મૂડ બનશે. આજે કેટલા વખતે તમારી દાળઢોકળી બનાવી છે.’

નવીનની આંખની ચમક ભડકો થઈ ગઈ.

`સાલ્લું, તારી સાથે આ જ પ્રૉબ્લેમ. બીજી કોઈ વાઇફ હોય તો કૂદી પડે, શૉપિંગ કરે, હીરા ખરીદે, ટેસ્ટફુલી તૈયાર થાય, પણ તું દાળઢોકળીમાંથી ઊંચી નથી આવતી. દેશી બૈરું જ રહી. એટલે તો પાર્ટીમાં, ઇવેન્ટમાં તને સાથે લઈ જતો નથી. સાલ્લી મારી કદર જ નહીં! આખરે બાપનું જ લોહી!’

થપ્પી ઉઠાવી બેડરૂમમાં જતાં જ બારણું ધડામ બંધ કર્યું.

એનો જોરથી ધક્કો એવો વાગ્યો કે એ જાણે પતિથી જોજનો દૂર ફંગોળાઈ ગઈ. આ એ જ પતિ હતો જેને માટે એ ગામની, કુટુંબની ગર્ભનાળ છેદીને નીકળી ગઈ હતી!

એ આખી રાત સોફામાં જ ઉધમૂધ પડી રહી. વહેલી સવારે આંખ ખૂલી ત્યારે નવીન તૈયાર થઈ જઈ રહ્યો હતો. હંસા સામે જરા વાર ઊભો રહ્યો અને ચૂપચાપ નીકળી ગયો. ઘરનો સૂનકાર અજગર પેઠે એને ગળી રહ્યો હતો.

થયું, કસ્તૂરબાનગર ચાલી જાઉં! પણ ત્યાંય મન નહીં લાગે તો કોઈને કોઈ પારખી જ લેશે. બાવળની કાંટાળી વાડમાં ફંગોળાઈ ગઈ હોય એમ નવીનના શબ્દો હજી ચૂભતા હતા. લોહીના ટશીયાની બળતરા લઈ એનાથી કેમ જીવાશે?

સાંભળ્યું હતું માણસ ખોટી નોટ છાપી કાઉન્ટરફીટ કરન્સી બનાવે છે, પણ રૂપિયાની નોટો પણ કાઉન્ટરફીટ માણસ પેદા કરી શકે છે એ તે નજર સામે જોઈ રહી હતી.

અરે હા, યાદ આવ્યું આજે યશને સ્કૂલમાં રજા હતી. એને ભાવતા પીત્ઝા મગાવી દઈશ, થોડું મનને સારું લાગશે. એણે રશ્મિને ફોન કર્યો.

`તારી બાઈ સાથે યશને મોકલી આપ. એને આજે ઍક્વેરિયમ લઈ જઈશ, અમે મજા કરીશું…’

અધવચ્ચે જ રશ્મિ હસી પડી, કડવું, ધારદાર.

`એમ! તમે મજા કરશો? હા, તમે તો મજા જ કરોને હંસાબેન. તમને અમારા જેવી ચિંતા ક્યાંથી હોય?’

આ તે કેવી ભાષા! રશ્મિ આવું મહેણું મારે? સુખદુઃખની વાત કરતી એ બહેનપણી બની ગઈ હતી અને અચાનક આવી કડવાશ!

`રશ્મિ! કેમ એવું બોલે છે બહેન?’

`બહેન! પ્લીઝ આવા ઢોંગ હવે રહેવા દો અને યશને તો ભૂલી જ જજો, સમજ્યા?’

`અરે પણ થયું છે શું રશ્મિ? મેં એવું તે શું કર્યું?’

`બધું જ કર્યું હંસા, તેં અને તારા પતિએ લોકોને લૂંટવાના ધંધા. પણ યાદ રાખજે કોઈના પસીનાનો પૈસો તને પચશે નહીં.’

`એટલે? હું… હું સમજી નહીં.’

રશ્મિ ફરી હસી પડી, જોરદાર થપ્પડ મારતી હોય એમ. હંસા પડતાં પડતાં રહી ગઈ.

`પ્લીઝ આ નાટક રહેવા દે. તું એમ કહેવા માગે છે કે તારા વરે, એની કંપનીએ ફ્લૅટ બાયર્સને છેતર્યા છે એની તને ખબર જ નથી? કમઑન ગીવ મી અનધર વન. ટી.વી. ન્યૂઝમાં તારા વરની કુંડળી ખૂલી રહી છે. વર ઘરમાં ઢગલો પૈસા લાવે તો પત્ની પૂછેય નહીં ક્યાંથી આ કમાણી લાવો છો પ્રિય પતિદેવ? કે પછી પારકે પૈસે લહેર? આજથી મને ફોન પણ નહીં કરતી. બાયબાય.’

ફોન મુકાઈ ગયો. રશ્મિએ છેક ઉપલા માળેથી ધક્કો મારી એને ફંગોળી દીધી હોય એમ એ પટકાઈ. એણે તરત ટી.વી. ન્યૂઝ મૂક્યા, આંખો ફાડી સાંભળતી રહી.

નવીન, એના પાર્ટનરની સાથેની કંપનીનાં કરતૂતોનાં પાનાં ખૂલી રહ્યાં હતાં. કંપની ઘણા સમયથી પોલીસના રડારમાં હતી અને સવારે ઑફિસેથી નવીન અને એનો પાર્ટનર્સને કસ્ટડીમાં લીધા હતા. એક પાર્ટનર અશોક સોનીને અગાઉથી ગંધ આવી હશે એનો પત્તો નથી મળી રહ્યો.

એનું કૉમ્પ્લેક્સ ‘બેલાવિસ્તા’ રીક્રિએશન પ્લોટ પર બંધાયું છે. ડેવલોપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન હેઠળ આરજી પ્લોટ પબ્લિક માટે છે, જ્યાં ગાર્ડન, બાળકો માટેની રમતો વ.ની સુવિધા ઊભી કરવાની હોય છે. સત્તાધારીઓ સાથેની સાંઠગાંઠ કરી ડેવલપરો પ્લોટ હડપ કરી જાય છે.

‘બેલાવિસ્ટાનું’ ભવિષ્ય શું, ફ્લૅટ ખરીદનારાઓનું શું થશે તે હવે પ્રકાશમાં આવશે. આજે ઑફિસ પરના દરોડામાં…

દરેક ચૅનલ પર ન્યૂઝ ચાલી રહ્યા હતા. જેમની સાથે છેતરપિંડી થઈ હતી. એ ફ્લૅટધારકો આંસુભરી કથની રજૂ કરી રહ્યા હતા. ઝૂંપડપટ્ટીના રીડેવલપમેન્ટ પ્લાનમાં પણ ગોટાળાનું વર્ણન થઈ રહ્યું હતું.

એણે ટી.વી. બંધ કર્યું ત્યારે એ આખી કાદવથી ખરડાઈ ગઈ હોય એમ ઉબકા આવતા હતા. મોબાઇલનો રિંગટોન ગુંજી ઊઠ્યો, ટ્રાન્સમાં હોય એમ ફોન સ્વિચઑન કર્યો.

અરે નવીનનો ફોન! એ ઉતાવળે બોલી રહ્યો હતો. હંસા, તું બિલકુલ ચિંતા કરતી નહીં, આવું તો અમારા ધંધામાં ચાલ્યા કરે, ઇટ ઇઝ અ બિઝનેસ. અમારો લૉયર અહીં હાજર છે, જામીનની અરજી કરશે… હું થોડા વખતમાં તો ઘરે જ હોઈશ. અરે! અમારા બોસની પહોંચ ક્યાં સુધી છે એની હજી આમને ખબર…

હંસાએ ફોન સ્વિચઑફ કર્યો. અનેકનાં આંસુથી સિંચાયેલી જમીન પર એ ઊભી હતી. એ ધીમે ધીમે સ્વસ્થ થઈ. એના નાનકડા મંદિરમાં એણે દીવો કર્યો. ગળાનું મંગળસૂત્ર અને હીરાની બુટ્ટીઓ ઉતારી મંદિરમાં મૂકી દીધાં. થોડી હળવાશ લાગી. મા! હું જાણે-અજાણે આ પાપમાં ભાગીદાર હોઉં તો મને ક્ષમા કરજે.

એણે કોમળતાથી પેટ પર હાથ મૂક્યો, ગભરાઈશ નહીં, હું તારું રક્ષાકવચ બનીશ. એણે આસપાસ નજર કરી. સાથે લઈ જવાય એવું અહીં એનું કશું નહોતું, ન અહીંની કોઈ વસ્તુનો એને ખપ હતો.

મોબાઇલનો રિંગટોન વાગી રહ્યો હતો, સ્ક્રીન પર નામ ઝબૂકી ઊઠ્યું, જાનુ. એણે મોબાઇલને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધો અને બહાર નીકળી ગઈ. બંધ ઘરમાં મોબાઇલનો રિંગટોન ગુંજતો રહ્યો.

લેચકી વૉચમૅનને આપી એણે ટૅક્સી કરી. કસ્તૂરબાનગર પાસે ટૅક્સી ઊભી રહી. એ જૂના બિસ્માર મકાનને જોતી હતી ત્યાં બિટ્ટુ દોડતો આવ્યો, રાજી થતો બોલ્યો, `ભાભીજી!’

બિટ્ટુને ટેકે ટેકે એ દાદર ચડી, બિટ્ટુએ ઘર ખોલ્યું અને એણે સ્વયં ગૃહપ્રવેશ કર્યો.

(સમાપ્ત)

આપનો પ્રતિભાવ આપો..