રામલીલા – ઉડિયા વાર્તા ~ મૂળ લેખકઃ અરવિંદ રાય ~ અનુવાદકઃ ડૉ. રેણુકા સોની

(ઉડિયા લેખક શ્રી અરવિંદ રાય (૧૯૬૪) – જન્મસ્થળ: બારડિઆ, જિલ્લા જગતસિહપુર. વાર્તાકાર, સંપાદક.  કૃતિઓ: દીપાદ પૃથિબી, અંતરંગ મણિષ, દૃશ્ય બદળુછી, છાઈ લેઉટાણી, ચાલ ફેરી જીબા વગેરે. એમને મળેલા પુરસ્કારો: ઓડિશા સાહિત્ય અકાદમી પુરસ્કાર, ઓડિશા યુવા ગાલ્પીક પુરસ્કાર, આદિકવિ સારળા દાસ સન્માન, વગરે)

નદીના બંધ  ઉપર શ્રીરામ અને હનુમાન  જઈ રહ્યા છે. રામચન્દ્રનુ શ્યામલ એકદમ પાતળું શરીર. શરીર પર વલ્કલ પહેરેલા રામનાં કાનમાં રુદ્રાક્ષના કુંડળ છે. ડોકમાં ઇગુંદીની માળા, અને માથા પર સર્પાકૃતિની જટા, જટા પર વનમાળા  વીંટેલી છે. ખભા પર ધનુષબાણ છે.

શ્રીરામની પાછળ બેઠેલા હનુમાન પણ એટલા જ સુંદર લાગે છે. પીંગળ રંગની ગોળ ગોળ આંખો, અસ્ત થતાં સૂરજના રંગ જેવા તામ્રવર્ણનાં નાક અને ચહેરો. અને પૂંછડી  ઈન્દ્રની ધજા જેવી ઉર્ધ્વમુખી.

આવી રીતે બરાબર શ્રીરામ જેવો જ વેશ ધારણ કરી નદીના બંધ ઉપર સાઈકલમાં પેડલ મારે છે, વિદ્યાધર ઉર્ફે પ્રીતિપુર ગામનો વિદ્યા દળેઈ – બિદીઓ, – બિદેઈ – અને સાઈકલની પાછળના કેરીઅર પર હનુમાનના વેશમાં બેઠેલો એ જ ગામનો સુનાકર ઘડેઈ ખુબ આનંદથી બીડી ફૂંકે છે.

રામના વેશમાં હાંફતા હાંફતા સાઈકલ ચલાવતી વખતે વિદ્યા દળેઈના શરીર પરથી ભૂરા રંગનો પરસેવો નીતરે છે. પરસેવો લૂછવાથી શરીર પર જગ્યા જગ્યાએથી રંગ લૂછાઈને શરીર ભાદરવા મહિનાના આકાશ જેવું ધબ્બા – ધબ્બાવાળું દેખાય છે.

હાંફતા હાંફતા સાઈકલ પેડલ મારતી વખતે, એક વાર પાછળ જોઈને કેરીઅર પર હનુમાનના વેશમાં બેસી બીડી પી રહેલા સુનાકર ઘડેઈને ધમકાવતા કહ્યું પણ ખરું કે, “સાંભળ, તારે બીડી પીવી હોય તો પી, પણ તારી પૂંછડી સંભાળજે. સાઈકલના સ્પોકમાં જો ભરાઈ જશે તો બે કકડા થઇ જશે. આ કલકત્તી પૂંછડી બીજી નહિ મળે.”

હનુમાન હવે ચમક્યો. ડાબા હાથેથી પૂંછડી ઉઠાવી અને આગળના ભાગમાં રેશમી વાળમાં ચોંટેલી ધૂળ ખંખેરી કહ્યું, “પહેલેથી બોલતો હોય તો! હમણા પૈડામાં ભરાઈ જાત ને?”

રામરૂપધારી બિદીઓ બોલ્યો, “તને હજારવાર કહ્યું છે કે ગદા કે ધનુષ-બાણ તૂટી જશે તો બીજેથી મળી જશે. આ તો રહી કલકત્તી પૂંછડી. જો એકવાર તૂટી, તો પછી કલકત્તા બોહુબજાર લેવા જવું પડે.”

હનુમાને લાંબો નિસાસો નાખ્યો અને કહ્યું, “આ ખરી  જફા છે.”

બિદીઓ સાઇકલ ખેંચતો હોય એમ ચલાવતા ચલાવતા બોલ્યો, “શું કરીએ હવે! આ ધંધામાં ઘુસ્યા છીએ તો પછી….!”

હનુમાનથી રહેવાયું નહીં, “મને લાગે છે કે આ ધંધો બંધ કરી પાછો મારા રંગ કરવાના કામ પર જતો રહું!”

એટલામાં જ રામે સાઈકલને બ્રેક મારી અને નીચે ઉતરી થાક ખાતો ઊભો રહ્યો.

ખભે ગદા મૂકી રામની સામે આજ્ઞાંકિત ભક્તની જેમ ઊભો રહી હનુમાન બનેલો સુનાકર બોલ્યો, “જુઓને, પેલી બાજુ માઈક વાગે છે, થોડીવારમાં નાટક શરુ થશે, એને માટે  આપણે બંને કેટલા હેરાન થઈએ છીએ!”

રામ બનેલો બિદીઓ બોલ્યો- “અરે ગાંડા! તું આટલો વખતથી મારી સાથે રામલીલા કરે છે, જાણતો નથી કે પ્રભુ રામ અને હનુમાનને પણ સીતાજીને શોધવા કેટલી કેટલી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો! જંગલ પહાડ પર એ લોકો ખાલી પગે ફરતાં. વનમાં બોર વીણી ખાતાં, ઝરણાંનું પાણી પીતાં અને ઝાડ પાંદડા પર સૂઈ જતાં! આપણે તો એવું કંઈ કરવું નથી પડતું.”

હનુમાન સુનાકર ગણગણતા બોલ્યો, “એ લોકો તો સાચુકલા રામ અને હનુમાન હતા. એ લોકો ભગવાન હતા. આપણે શું એમના જેવા બની શકીશું!”

રામરૂપી બિદીઓ કહે, “રામલીલામાં લોકો આપણને ભગવાનની જેમ નથી પૂજતા? ગાંડાભાઈ! તું એક સામાન્ય રંગ કરવાવાળો અને હું એક મિસ્ત્રી! દરરોજ સવાર પડે ને મારે રેતી-સિમેન્ટ સાથે  કામ કરવાનું. અને તું પણ વાંદરાની જેમ વાંસના આગળના ભાગે લટકી કોઈના ઘેર રંગ-ચૂનો કરતો હોય! કામ ન હોય ત્યારે હું મારા ખેતર વાડીમાં મહેનત કરું અને તું બજારમાં શાક ભાજી વેચે. બોલ હવે, ભલે ને ખોટે ખોટે હોય, લોકો આપણને રામ હનુમાન માનીને પગે લાગે છે કે નહીં? રેતી ને સિમેન્ટ અને રંગ ને બ્રશ વચ્ચે આપણને ભગવાનનું નામ લેવાનો વખત મળે નહીં. ભલેને બે દિવસની રામલીલા હોય, એ બહાને આપણે પણ ભગવાનને યાદ તો કરીએ છીએ!”

હવે હનુમાન ભારે સાદે ગળું ખંખેરતા કહે, “હું ક્યાં ના કહું છું! આ રામલીલામાં હનુમાન થવા માટે તો હું પંદર દિવસ પહેલા જ એક ટાઈમ અરુઆ ખાઉં છું. બૈરીનું મોં  પણ નથી જોતો. લોભ મોહ નથી કરતો. સાચું કહું બિદિઆભાઈ, હું જયારે હનુમાનના વેશમાં હોઉં છું ત્યારે ઘર-બાર બધું ભૂલી જઉં છું. મારે પત્ની અને બાલબચ્ચાં છે કે નહીં એ પણ યાદ નથી આવતું. કોણ જાણે મારામાં ક્યાંથી આટલી શક્તિ આવે છે કે એક કૂદકે  મોટાં મોટાં ઝાડ પર ચઢી જઉં છું. વળી એક કૂદકે ત્યાંથી નીચે કૂદી પડું છું. પણ આ બધી પળોજણમાં મન ભારે રહે છે.”

બિદીઓ બોલ્યો, “હા ભઈલા ! મારી પણ એવી જ હાલત છે. ગામના મંદિરેથી આજ્ઞા મળે તે દિવસથી જાણે મારા શરીરમાં તાવ ભરાઈ જાય! એક ટાઇમ અરુઆ ખાઈને રામ-રામ જપ કરું. એ પછી મારું આખું શરીર ધ્રૂજવા લાગે. એ પછી મને આખું જગત રહસ્યમય લાગે. મને પણ ક્યારેક એવું લાગે કે હું મિસ્ત્રી રામ દળેઈ છું કે અયોધ્યાના પ્રભુ રામ?”

હનુમાને ફરી લાંબો નિસાસો નાખ્યો, “હવે શુ કરીશું? સૂરજ પણ આથમવા આવ્યો છે. પેલા ગામમાંથી કંઈ ખબર હજુ આવ્યા નહીં. શું કરીશું?”

બિદીઆએ કહ્યું, “હવે મોડું નથી કરવું – ચાલ જઈને જોઈએ ખરેખર શું થયું  છે !”

એ પછી બંને હાંફતા હાંફતા નદીના બંધ ઉપર સાઈકલ ખેંચવા લાગ્યાં. નદીની પેલી બાજુ ગીચ ઝાડીની  ઘટા પાછળ સૂરજ છુપાઈ જવાનો હજી વિચાર કરી રહ્યો હતો. ડૂબવા જતા સૂરજના રંગથી બંધ ઉપરના ઝાડપાન, નદીનું પાણી અને બંધ પર સાઇકલ ચલાવી જઈ રહેલા રામ–હનુમાન, બધાં લાલ, લાલ દેખાતા હતા.

બંધની નીચેની ખીણના ખેતરોમાંથી ગાયોના ધણ ગામ તરફ પાછા ફરી રહ્યા હતા. સાંજ પડશે એટલે ગામના મંદિરના મેદાનમાં રામલીલા થશે. આખો દિવસ ખેતરમાં મજૂરી કરીને મેલાઘેલા થયેલા, હાટમાંથી ખરીદી કરી પાછા ફરેલા અને બપોરે વડની છાયામાં પત્તા રમતાં રમતાં ‘હો, હલ્લો’ કરતાં લોકો સાંજે મંદિરના મેદાનમાં ભેગા થશે.

આજે રામલીલામાં સુંદરકાંડનો અધ્યાય ભજવાશે. આજે હનુમાન દરિયો લાંઘી અશોકવાટિકામાં સીતા માને શોધશે. ખાલી એ ગામના જ લોકો નહીં, કોઈ કોઈના તો સગાવ્હાલા પણ રામલીલા જોવા બે દિવસથી આ ગામમાં આવી ગયા છે. દરેક વર્ષે હોળીની પૂનમ પર ભજવાતી રામલીલા આ પ્રીતપૂર ગામનું એક મોટું આકર્ષણ છે.

આ વર્ષે સર્વેશ્વર સેનાપતિએ આ પ્રોગ્રામ પર પાણી ફેરવી નાખ્યું. નદીની પેલે પારના ગામનો સર્વેશ્વર સેનાપતિ એટલે કે સોબનો, સોબના – આ રામલીલામાં છેલ્લા ત્રણ વર્ષથી સીતાનું પાત્ર ભજવે છે,

સર્વેશ્વરને ભગવાને ખાસ સીતાનું પાત્ર ભજવવા માટે ઘડ્યો હતો. ગોરો સુંદર ચહેરો, લાંબુ નાક, ચાલે ત્યારે કમર લચકાવીને ચાલે. બે મોટી કાળી કાળી આંખો. ભમ્મર પણ ઘાટી અને કાળી. સર્વેંશ્વરને તેના ગામના લોકો પ્રેમથી સોબના કહીને બોલાવે.

સોબના હરિપુરની હાટમાં પાનની દુકાન ચલાવે છે. તેની દુકાનમાં જાત જાતની પ્રસાધનની વસ્તુ સાથે છાપાં અને પત્રિકાઓ લટકતી હોય. રામલીલા શરુ થવાના પંદર દિવસ પહેલાં ઘેર આવી જાય. રામલીલાના બીજા પાત્રો જોડે તે પણ મંદિરે જઈ બાધા રાખે. પંદર દિવસ ફરાળ, એક વખત સાદા ચોખા ખાઈ પોતાની અંદર રહેલી સીતાને આહ્વાન કરે.

પાનની દુકાને બેસી આખી દુનિયાની પંચાત કરતો, લોકો સાથે ગપ્પાં મારતો, હસીહસીને ઊંધો વળી જતો સોબનો એક વખત મંદિરે જઈ બાધા રાખીને પાછો આવે ત્યારે અચાનક બદલાઈ જાય. આખી દુનિયાની પંચાત કરતો સોબનો મૂંગો થઇ જાય, એનું હાસ્ય ગાયબ થઇ જાય. અશોકવાટિકામાં જયારે સફેદ સાડી પહેરી, મોં નીચું રાખી ચૂપચાપ બેઠો હોય, ત્યારે એને જોતાં એવું લાગે જ નહીં કે આ રંભાદેઈપૂરનો પેલો સર્વેશ્વર સેનાપતિ છે, જે હરિપુરની હાટમાં પાન વેચતો હોય છે!

પણ, આજે, એ સોબનાએ બધું બગાડયું. બપોરે બાર વાગે રામલીલાના અખાડામાં બધાં એની રાહ જોતા બેઠા હતા, અને એ આવ્યો નહીં. સૌથી પહેલા રાવણનું પાત્ર ભજવતા નિત્યાનંદ બહેરાએ એને ફોન કર્યો.

પેલી બાજુ સોબનાએ ઉદાસ  ઉદાસ સ્વરમાં કહ્યું – “મોટાભાઈ! મને થોડું મોડું થશે.” એ પછી ઘણી રાહ જોયા પછી પણ સોબનો ન આવ્યો ત્યારે બિદીઆની ધીરજ ખૂટી.

બિદીઓ જાણતો હતો કે એ રામ અને સોબનો સીતા બને ત્યારે એ બન્નેની જોડીને ખાલી દર્શક પસંદ કરે એવું નથી’ એ બન્ને પણ પોતપોતાનો અભિનય માણે અને ગૌરવ અનુભવે.

એકવાર તો રામલીલા ચાલતી હતી ત્યારે મંચના પાછળના ભાગમાં અંધારામાં સોબનાએ આંખોમાં આંસુ સાથે કહ્યું હતુ, “સાચું કહું છું બિદીઆભાઈ, તમારે જોડે સીતાનો પાઠ ભજવવા જ ભગવાને મને જન્મ આપ્યો છે. મને લાગે છે ખાલી આ જન્મે નહિ જન્મોજનમ તમે મારા રામ અને હું તમારી સીતા હતી.”

એને આવતા મોડું થતાં, બિદીઆએ ફોને કર્યો ત્યારે સોબનાએ કહ્યું, “તમે લોકો મેકઅપ કરો હું હમણાં પહોંચું છું. સોબનાની વાત પર વિશ્વાસ રાખી બધાં શરીર પર રંગ લગાવી વેશ પહેરી તૈયાર થઇ ગયા ત્યારે, સોબનાનો સામેથી રામરૂપી બિદીઆને  ફોન આવ્યો, “ભાઈ! મને માફ કરો, હું હવે તમારી રામલીલામાં સીતા નહીં બની શકું.” અને એણે ફોન મૂકી દીધો.

સોબનાના મોઢે આ વાત સાંભળી જાણે બિદીઆના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને એવું લાગ્યું જાણે એના માથા પર કોઈએ અગ્નિનો ભારો મૂકી દીધો. એણે ફરી સોબનાને ફોન કરી કહ્યું – “સોબના ! તને થયું છે શું?”

“અરે ના કંઈ નથી થયું.” સોબનો જાણે નારાજ થઇને કહેતો હોય એમ, આટલું જ કહ્યું.

“તારી તબિયત તો સારી છે ને? ઘરે બધાં મજામાં છે ને? તારા બાપાની તબિયત સારી ન હતી એમ કહેતો હતો, વધારે બગડી છે?” બિદીઆએ એકી સાથે ઘણાં બધાં સવાલો સોબનાને પૂછયા અને આતુરતાથી એના જવાબોની રાહ જોવા લાગ્યો.

“અરે ના, બધું બરાબર છે. તમે મને ભૂલી જાવ. બીજા કોઈને સીતા બનાવીને ચલાવી લો.” પછી સોબનાએ ફરી એવાં જ સ્વરે કહ્યું, “સમજી જાવ ભાઈ! મને હવે આગળ વધુ કંઈ ન પૂછો.” છેલ્લે તો એનો અવાજ રડુંરડું હતો અને એણે ફોન મૂકી દીધો.

સોબનાની વાત સાંભળી બિદીઆની આંખે અંધારા આવ્યા. એને સમજાયું નહીં કે ‘અચાનક સોબનાને એવું તે થયું શું? સાવ છેલ્લી ઘડીએ શા માટે એણે આવો કઠોર નિર્ણય લીધો? પહેલેથી ના કહી હોત તો? અમેય રામલીલાનો વાયદો કર્યો ન હોત! હે ભગવાન! હવે શું થશે!…’

બિદીઆના  મનમાં કેટલાય  વિચાર આવી ગયા. પણ કંઈ નક્કી ના કરી શક્યો. એણે કાંડા પરની ઘડિયાળમાં જોયું,  રામલીલા શરુ થવામાં હજુયે ઘણો સમય હતો. આટલા સમયમાં રંભાદેઈપુર, સોબનાના ગામમાં એની પાસે જઈ શકાય! આ વાત મનમાં આવતા જ એ ગ્રીનરૂમમાંથી બહાર આવ્યો અને સાઇકલ હાથમાં લઇ રસ્તા પર આવતાની સાથે જ એની પાછળ પાછળ હનુમાન રૂપી સુનાકર ઘડેઈ આવી ઊભો.

બિદીઓ કહે – “સુના! તું અહીં ધ્યાન રાખજે. હું સોબના પાસે જઈ, અબઘડી પાછો આવું.”

સુનાકર કહે – “હું પણ તમારી સાથે આવું છું. રામ જ્યાં- હનુમાન ત્યાં!”

બિદીઆએ કહ્યું- ઠીક ત્યારે, જલ્દી ચાલ.”

નદીના બંધ પરથી ઉતરી, બંને નદીના પટમાં થોડું ચાલી ઘાટ પર પહોંચ્યા. ઘાટ પરના હોડીવાળા ગોબરા તરેઈએ એ બેઉની તરફ જોઈ કહ્યું, “અહાહા! આજે મારા નસીબ ઉઘડી ગયાને કાંઈ! સાક્ષાત રામ – હનુમાનના દર્શન થયા.”

ગોબરાની વાત સાંભળી બિદીઆએ કહ્યું- “ગોબરા, ભાઈ! તું મોડું ના કરીશ. અમને જરી જલ્દી પેલે પાર લઇ ચાલ, નહિતર બધું બગડશે.”

ગોબરા તરેઈએ હસતા હસતા આંખ મીંચકારી અને સ્વરમાં ગાતા ગાતા કહ્યું –

“મારી આજીવિકા આ, પોષું હું પરિવાર
બેસાડીશ નહીં નાવમાં, ન ધોઈ પગ.”

“ઓહો! ગોબરાભાઈ! તું હંમેશનો આવો જ મસ્તીખોર રહ્યો! અરે, અમારી સીતા એટલે કે, રંભાદેઈપુરનો સોબનો હજુ સુધી આવ્યો નથી. અમે કેવી રીતે રામલીલા કરીશું? જરી જલ્દી હોડી ચલાવ.” બિદીઆએ  વ્યગ્ર બની કહ્યું.

ગોબરો તરેઈ ચમકીને બોલ્યો – “સીતા નથી આવી? હવે? આજે ત્યારે હનુમાનનું લંકા જવું વ્યર્થ થશે?”

હનુમાનના વેશમાં રહેલા સુનાકરે કહ્યું – “ગોબરા, ભાઈ! તને પગે લાગું છું, જરા જલ્દી હોડી ઉપાડ.”

ગોબરાએ બેપરવાહીથી કહી દીધું, “હોડી પેલી બાજુ તો લઇ લઉં, પણ પાછા શી રીતે આવશો?”

“એટલે ?” બિદીઆએ નવાઈ પામી પૂછ્યું.

ગોબરાએ કહ્યું, “આ રાત પડે એટલે હોડી બંધ! હું આ પાર હોઉં કે પેલે પાર, રાત પડે એટલે હું એક ડગલું પણ આગળ નહીં લઉં. આ તમને પહેલેથી કહ્યું. પછી મારો વાંક ન કાઢતા.”

બિદીઓ અને સુનાકર લગભગ સાથે જ બોલી પડ્યા, “જે થવું હશે તે થશે. તું પેલે પાર તો લઇ ચાલ.”

હોડીમાં સાઈકલ ચઢાવી બન્ને આગળના ભાગમાં હજુ તો બેઠા કે ગોબરાએ બે હાથ જોડી કપાળે અડાડયા અને કહ્યું, “ખરેખર તમ બે જણા અદલ રામ – હનુમાન જેવા લાગો છો. સાક્ષાત ભગવાન જોઈ લો.”

નદીનું પાણી ધીરે ધીરે વહેત્તા પવનથી હિલોળા લેતું હતું. અસ્ત થવા જઈ રહેલા સૂરજના છેલ્લા કિરણો એના પર પડી અનેરી આભા ફેલાવતા હતા. પાણીમાં છબછબ કરતો ગોબરો હલેસાં મારતો હતો અને કેટકેટલા પદ અને ભજન ગાતો હતો.

એ લોકો રંભાદેઈપુર પહોંચતા મોં સુઝણું અંધારું થઇ ગયું હતું. અચાનક આછા અજવાળાંમાં રામ અને હનુમાનને સાઇકલ ચલાવી જોતા ગામના છોકરાંઓ એમની પાછળ પાછળ દોડ્યાં. – “અરે રામ જુઓ, હનુમાન જુઓ.” કહેતા છોકરાંઓએ ગામ ગજવ્યું. એ સાંભળી મોટેરાંઓ પણ કુતુહલથી બહાર રસ્તા પર આવી ગયા અને ગુસપુસ કરવા લાગ્યા.

બિદીઆએ સુનાકરને કહ્યું, “તારી ગદા અને પૂંછડી સંભાળજે. આ બારકસો ખેંચમખેંચ કરીને બન્ને તોડી નાખશે.” છોકરાઓને બીવડાવવા સુનાકર વચ્ચે વચ્ચે ‘હું હું’ કરતો હોંકાટો કરતો જાય. છોકરાઓને એમાં પણ ખુશ થઈ તાલી પાડતાં પાડતાં દોડે.

એ  લોકો  સોબનાના ઘેર પહોંચ્યા ત્યારે સોબનો તો નિરાંતે દિવાનખાનામાં બેસી ટી.વી. જોતો બેઠો હતો. અચાનક પોતાને ત્યાં રામ અને હનુમાનને આમ જોઈને એ ચમકી જવો જોઈતો હતો, પણ, એ તો જાણે એ લોકોની રાહ ન જોતો હોય, એમ બેઠો હતો. એ એવી જ રીતે ગંભીર બેસી રહ્યો અને બેધ્યાનપણે આમ તેમ જોતો રહ્યો. આંગણામાં તમાશો જોનારાંઓનું ટોળું ભેગું થયું હતું.

“સોબના! અમારી જોડે જલ્દી ચાલ.” બિદેઈએ દૃઢતાથી આટલું જ કહ્યું.

સોબનાએ કહ્યું – “મેં નક્કી કર્યું છે હવે તમારી રામલીલામાં નહીં આવું.”

“કેમ?” બિદેઈએ ખુબ દૃઢતાથી પૂછ્યું.

“હું હવે સ્ત્રીનો પાઠ  નહીં ભજવું.”- સોબનાએ પણ છાતી ઠોકીને જવાબ આપ્યો.

હનુમાને કહ્યું – “ભાઈ એટલા વરસથી તમે આ પાઠ  કરતાં હતા, હવે શું થયું.”

સોબનાએ કહ્યું – “અમારા ઘેર બધાં ના પાડે છે.”

બિદીઓ બોલ્યો, “ઠીક છે, પણ, આ બે રાત તું કામ પાર પાડી દે. એ પછી અમે પણ રામલીલા નહીં કરીએ. બધાંને ના પાડી દઈશું. હમણાં તો ચાલ. તને પગે પડું છું.”

હવે સોબનાએ આજુબાજુ જોયું અને દીવાનખાનાનું બારણું આડું કરી પૂછ્યું- “અમારા ગામની મુસલમાન વસ્તીમાંથી તમને બન્નેને કોઈએ જોયા તો નથીને !”

બિદીઆએ નવાઈ પામી પૂછ્યું – “કેમ શું થયું ?”

સોબનાએ ધીમેથી કહ્યું – “રાજનીતિ. એટલે કે આ વખતે સરપંચની ચૂંટણીમાં તમારા ગામના લોકોએ અમારા રાજકભાઈને વોટ આપ્યા નહીં એટલે એ હારી ગયા. તમારા ગામનું નામ સાભળીને એ લોકો ગુસ્સાથી લાલ-પીળા થઇ જાય છે. એ લોકો કહે છે પ્રીતિપુરિયાના લીધે અમારા રજાકભાઈ હારી  ગયા. એ લોકોની સાથેનો સબંધ કટ.”

હનુમાને કહ્યું, “પણ આપણને એ રાજનીતિ સાથે શું લાગે વળગે?”

સોબનાએ કહ્યું –  “અરે! એ લોકો મને હમણાં જ ધમકી આપીને ગયા છે, હું જો તમારી રામલીલામાં આવીશ, તો મને ગામમાંથી કાઢી મૂકશે. મારા બાપાને ગામમાં નાગો કરીને ફેરવશે. એ લોકો ગુંડા છે. અમને મારી નાખશે.”

સોબનો હવે આગળ બોલી શક્યો નહીં. એ બાળકની જેમ બે હાથે મોં ઢાંકીને જોર જોરથી રડવા લાગ્યો, “બોલો, હવે હું શુ કરું?”

રામે હનુમાન સામે જોયું, હનુમાને સીતા સામે જોયું. ઓરડાના એ આછા અજવાળાંમાં એ લોકો થોડીવાર માટે એકબીજાને જોતા રહ્યા. રામની છાતી થથરી. હતાશામાં એણે પોતાની આંખોના આંસુ લૂછી હનુમાન તરફ જોયું, “સુના, ચાલ, આપણે જલ્દી અહીંથી નીકળી જઈએ, નહિતર આપણું તો જે થવાનું હશે તે થશે પણ સોબનાને એ લોકો નહીં છોડે.”

હનુમાને પણ કહ્યું – “ખરી ઉપાધિમાં ફસાયા. ગામ પાછા જઈશું તો ગામ લોકો આપણને મારશે. અહીં પઠાણ લોકો મારશે. હવે શું કરીએ ?”

બારણાંની બહાર કોઈની બૂમાબૂમ સંભળાતી હતી. કદાચ મુસલમાન વસ્તીમાં આ લોકોના આવવાના સમાચાર પહોંચી ગયા હતા. છેલ્લીવાર માટે રામરૂપી બિદેઈએ સોબનાનો હાથ પકડી ગળામાં ડૂમા સાથે કહ્યું – “આજથી આપણી રામલીલા અહીં ખતમ થઈ જાણજે. કોને ખબર કાલે ફરીથી મિસ્ત્રીનું કામ કરીશ કે પછી કોઈ નદી કે તળાવમાં ડૂબી મર્યો હોઈશ.”

છેલ્લું વાક્ય બીદેઈ આગળ બોલી શક્યો નહીં. મુસલમાન વસ્તીના લોકો આવી પહોંચે એ બન્ને સાઈકલ ચલાવી ત્યાંથી પાછા વળી ગયા.

એ લોકો ક્યારે પાછા નદીના ઘાટ પર પહોંચ્યા એમને ભાન રહ્યું નહીં. નદીના હિલોળા લેતા પાણીપર ચાંદાનું ચાંદી જેવું ચળકતું  અજવાળું પડવાનું શરૂ થઈ ચૂક્યું હતું. રાત હજી પૂરી ખીલી નહોતી.

બંધ પરથી નીચે ઉતરતા હનુમાનરૂપી સુનાકર કહે, “બિદેઈભાઈ, હવે ત્યાં શું થશે?”

“જે હોય થવું હોય તે થાય. આપણે હવે ક્યાં ગામમાં પાછા જઈએ છીએ ?”

“એટલે?” સુનાકરે  નવાઈ પામી પૂછયું.

“ગામના લોકો લાઈટો લગાવી માઈક વગાડી આપણી રાહ જોતા હશે. ત્યાં જઈને એ લોકોને કહેવું પણ શું?”

હનુમાને કહ્યું –“હું પણ એ જ વિચારું છું.”

એ લોકો આમ વાતો કરતાં ઘાટ પર પહોંચ્યા અને ત્યાં જે જોયું એ જોઈને ચમક્યા. ગોબરો ગરીબડો બની ઊભો છે. એની સામે ઠસ્સાથી મનાનમિયાં ઊભો છે અને કંઈ કહે છે. ચાંદની રાતમાં મનાનમિયાંને જોઈ બીદેઈ અને સુનાકર આખેઆખા ધ્રૂજવા લાગ્યા.

મનાનમિયાં એ તુબામિયાંનો દીકરો થાય. તુબામિયાંએ પણ હાટમાં દરજીની દુકાન કરી છે. લોકો કહે છે તુબામિયાં રાક્ષસ જેવો છે. યુવાન હતો ત્યારે સાત ખૂન કર્યા હતા. પણ કોઈએ ડરથી એના વિરુદ્ધ જુબાની આપી નહીં એટલે છૂટી ગયો હતો. પછી દાદાગીરી કરી, હાટમાં લોકો પાસેથી પૈસા પડાવતો. એક એકસીડન્ટમાં પગ ભાંગ્યા પછી હરિપુરની હાટમાં દરજીની દુકાન નાખી બેઠો.

એનો દીકરો એટલે આ મનાન. ભારે દેખાવડો. એ ગોબરાને ધમકાવતો હતો, “એય ગોબરા. શું  નદીમાં એકસીડન્ટ  થયો છે કે તું  નાવ ચલાવતા ડરે છે. અલ્યા, હજુ અંધારુ ક્યાં છે! ચાંદની રાત છે. મરકયુરી જેસા સબ સાફસુથરા! નાવ ચલાઓ.”

આવી રીતે ગોબરા સાથે વાતો કરતાં કરતાં અચાનક મનાનમિયાંએ પૂછ્યું – “એ ગોબરા. અલ્યા, આ બે કોણ છે? સાલા ભૂત-બૂત તો નથીને?”

મનાનમિયાંને જોતા એમની હાલત શું થશે એનો અંદાજ બંનેને આવી ગયો. એ લોકોએ અનુમાન કર્યું કે હવે મનાનમિયાં મોટેથી  બૂમો પાડી વસ્તીના લોકોને બોલાવશે અને હવે એમનું આવી બનશે. એટલે એ લોકો ગરીબડા બની નદીની રેતીમાં ખોડાઈને ઊભા રહ્યા.

કળ વળતાં, થોડીવાર પછી ગોબરાએ કહ્યું – “અરે! તમે આ બન્નેને નથી ઓળખતા? આ બન્ને પ્રીતિપુર રામલીલાના રામ અને હનુમાન છે. આ બિદેઈ અને પેલો વાંદરો, તે સુનાકર. આપણા ભોળીદાદાનો દીકરો.”

“હા, હા, હા… .” મનાનમિયાં ખૂબ મોટેથી હસવા લાગ્યો.“ એના હાસ્યથી જાણે ચાંદની રાત ધ્રૂજી ગઈ.

થોડીવાર સુધી જમની જેમ હસ્યા પછી મનાનમિયાં બોલ્યો – “અરે, આજે તો તમારા ગામમાં રામલીલા છે ને? તમે બન્ને રામલીલા છોડી અહીં આ નદીના ઘાટ પર શું  કરો છો?”

બિદેઈ  જાણી ગયો કે મનાનમિયાં કેમ આમ પૂછે છે. એ ગરીબડો થઈને બોલ્યો, “ના, ના. હવે રામલીલા ફામલીલા આજથી બંધ. અમે અત્યારે ને અત્યારે આ ધનુષ બાણ, આ ગદા, આ પૂંછડી બધું નદીમાં નાખી દઈએ છીએ.”

હજુ તો બિદીઓ વાત પૂરી કરે એ પહેલા સુનાકરે કહ્યું – “અમે આ નદીમાં કૂદી મરી જઈએ.”

હવે મનાનમિયાં એમની પાસે આવી ઊભો અને પૂછ્યું, “શુ થયું છે ?”

મનાનમિયાંનો સવાલ સાંભળી શું જવાબ આપે રામ અને હનુમાન? એ બન્ને બાળકની જેમ રડવા લાગ્યા અને નદીના હિલોળા લેતા પાણી સામે તાકી રહ્યા.

મનાનમિયાંએ રામરૂપી બિદેઈનો હાથ પકડી લીધો અને કહ્યું, “અરે ભાઈ! શું થયું છે એ તો કહો ?”

મનાનમિયાંનો આ સવાલ સાંભળી બિદેઈને થયું કે, આ કંઈ જાણતો નથી લાગતો. એટલે એણે હિંમત કરી કહ્યું – “તમારી વસ્તીના લોકો કદાચ અમારા પર ગુસ્સે થયા હોય તેવું લાગે છે. સરપંચની ચૂંટણીમાં તમારી વસ્તીના રજાકભાઈ હારી ગયા એટલે એ લોકો અમારા પ્રીતિપુર ગામના લોકો પર ગુસ્સે થયા છે.”

“એમાં શું થયું ?” મનાનમિયાંએ ફરી પૂછ્યું.

“કદાચ એ લોકો આ રામલીલાની રાહ જોઈ રહ્યા હોય. અમારી રામલીલા ન થાય એ માટે આજે અમારી સીતાને રોકી લીધી છે.”

“કઈ સીતા?”મનાનમિયાંએ  નવાઈ પામી પૂછ્યું.

“તમારા ગામનો સર્વેશ્વર મહાપાત્ર – સોબના. પેલો જેની હરિહર હાટમાં પાનની દુકાન છે એ!” હનુમાનરૂપી સુનાકરે આશામાં ને આશામાં આવી કહ્યું.

બિદેઈએ કહ્યું – “ભાઈ અમે તો મજૂરીઆ માણસ. અમને રાજનીતિ જોડે શું લાગે વળગે? અમને એક દિવસ મજૂરી ન મળે તો ભૂખ્યા રહેવું પડે. આ રામલીલા કરીએ એટલે પંદર દિવસ કામધંધો બંધ રહે. આમાં થોડું પેટ ભરાય છે?  બસ,  નાટક ભજવવાનો એક નશો છે. અમારું નસીબ જુઓ. પેલી બાજુ રામલીલાની તૈયારી ચાલે છે. લોકો સાંજથી લાઈટ કરી અમારી રાહ જુવે છે. આ બાજુ, અમારી સીતા માટે ફતવો બહાર પાડયો છે – રામલીલા કરીશ તો મારી નાખીશું. સીતા નથી. હવે રામલીલા કેવી  રીતે કરીએ! કયા મોઢે લોકોની સામે જઈએ? ગામ પાછા જઈશું તો લોકો અમને મારશે. લોકો પાસેથી બાનું લીધું છે એ કંઈ મોટી વાત નથી. પણ પંદર  દિવસ વ્રત કરી ભગવાન પાસે બાધા રાખી  રામલીલા શરુ કરવા ટાણે જ આવું થયું. હવે શું કરવું સૂઝતું નથી.”

એટલું બોલી બીદેઈ ફરીવાર રડી પડ્યો. મનાનમિયાંએ બિદેઈનો હાથ પકડી ધીમેથી નદીની રેતીમાંથી ઊભો કર્યો. ત્યારે બિદેઈ આખેઆખો ધ્રૂજતો હતો.

હનુમાનરૂપી સુનાકર પણ નવાઈથી જોઈ રહ્યો હતો.

મનાનમિયાંએ કહ્યું, “ભાઈજાન! હું એક વાત કહું, માનશો?”

બીદેઈ નવાઈ પામી એની સામે જોઈ રહ્યો.

મનાને કહ્યું – “સોબનાએ ના પાડી એટલે તમે આ ધનુષ–બાણ, આ ગદા પાણીમાં નાખી દેવા બેઠા છો! આ શું રમકડાં છે?”

“તો પછી શું કરીએ ?” બિદેઈએ ચિંતાથી  પૂછ્યું.

મનાને કહ્યું “સોબનાએ ના પાડી એટલે શુ રામલીલા બંધ કરવાની ?”

“આ બધું ઉપરવાળાના હાથમાં છે. આપણે કોણ બંધ કરવાવાળા! તમારી વસ્તીવાળાના લીધે જ આવું થયું. અમે હવે શું કરીએ!”

મનાને કહ્યું –  “ભાઈજાન, સાંભળો! હું તમારી રામલીલા-ફામલીલા વિશે કંઈ નથી જાણતો. બસ એટલું જાણું છું કે રામ હોય કે અલ્લા હોય, એ લોકો ભાગલા જેવું કંઈ જાણતા ન હતા. ભાઈજાન, અમારી વસ્તીવાળાએ જો સોબનાને મારવાની ધમકી આપી છે, તો, તમે મને સાથે લઈ લો, આજની રાત હું સાડી પહેરી તમારી રામલીલામાં સીતા થઈશ. ચાલો, જલ્દી ચાલો.”

બીદેઈ, સુનાકર અને ગોબરો સ્તબ્ધ બની મનાનને જોઈ રહ્યા. મનાનને કહ્યું, “એકવાર સ્કૂલમાં નાટકમાં ભાગ લીધો હતો. લાગે  છે તમારી રામલીલામાં સીતાનું પાત્ર ભજવવામાં વાંધો નહીં આવે. તમે આ ધનુષ બાણ – ગદા ફેંકશો નહીં – રામલીલા બંધ ના કરશો.”

બિદેઈ એક ઝાટકે મનાનને વળગી ખુબ જોરથી રડવા લાગ્યો.

સુનાકર પણ રેતીમાં હનુમાનની જેમ કૂદકા મારવા લાગ્યો અને ખુશ થઇ વારંવાર રેતી પર ગદા પછાડવા લાગ્યો.

મનાન પણ બિદેઈની બાહોંમાં રહી કંઈ કહેવાનો પ્રયત્ન કરતો હતો પણ એના ગળામાં ડૂમો ભરાઈ જતાં વાત ગળામાં  અટકી ગઈ.

માથા પર ચંદ્રની ગાઢ ચાંદની રેલાઈ રહી છે. નીચે ભીની રેતીનો વિસ્તૃત પટ છે. સામે રૂપેરી રંગનું નદીનું પાણી હિલોળા લે છે. રામરૂપી બીદેઈ, હનુમાન રૂપી સુનાકર અને એમની વચ્ચે સીતા બનવા તૈયાર થયેલો મનાન. ત્રણે નિસ્તબ્ધ બની ઊભા છે.

અચાનક ગોબરા તરેઈને શું થયું કોણ જાણે એ મોટેથી  ભેંકડો તાણી રડવા લાગ્યો અને ત્રણે જણ સામે લાંબો થઇ રેતી પર લોટી ગયો.

બિદેઈએ એને ઊભો કર્યો, “ગોબરાભાઈ! ગોબરાભાઈ! શું થયું?”

ગોબરાએ રેતી પરથી ઊભા થઇ નવાઈ ભરી નજરે ફરીવાર એ લોકો તરફ નજર નાખી અને એ ત્યાં જ ઘૂંટણીએ બેસી ગયો.

એ ચાંદની રાતમાં ગોબરો વિચારતો હતો, કે,  “બે પૈસા રળવામાં, આ ઘાટ પર દિવસ રાત લોકોની વાટ જોતો બેસી રહ્યો. એક પણ દિવસ રામલીલા  જોઈ નહીં  કે ભગવાનનું નામ લીધું નહીં. તોયે હું તો ખરો નસીબદાર! ત્યાં ગામલોકો લાઈટ કરી, આસન પર બેસી જૂઠી રામલીલા જોવા માટે રાહ જોઈ બેસી રહ્યા છે – ત્યારે ચાંદની રાતે આ નદીની રેતીના પટમાં  હું મારી આંખો સામે ખરી રામલીલા જોઉં છું, ગામલોકોને ક્યાં આ વાતની ખબર પણ છે!”

****

આપનો પ્રતિભાવ આપો..