પ્રકરણ:26 ~ કાળા લોકોની યુનિવર્સિટી ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
ન્યૂ યોર્કમાં પ્લેન બદલીને એટલાન્ટા જવાનું હતું. એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક ઉપર જઈને ઇસ્ટર્ન એરલાઈન્સનું એટલાન્ટા જતું પ્લેન કેમ પકડવું અને ટેલિફોન કેમ કરવો એ પૂછ્યું.
છોકરી ભલી હતી. એણે વિગતથી મને સમજાવ્યું. મેં કહ્યું: “Thank you,” એણે કહ્યું: “You are welcome.”
આપણે ત્યાં જેમ Thank you પછી “Don’t mention it” કહેવાનો રિવાજ છે તેમ અહીં લોકો “You are welcome,” કહે. હું એમ સમજ્યો કે એ અમેરિકામાં મારું સ્વાગત કરે છે. તો વળી પાછું મેં કહ્યું: “Thank you.” અને એણે કહ્યું: “You are welcome.”
અમારી આ પિંગપોન્ગની શબ્દબાજી આગળ વધે તે પહેલાં જ એણે હારીને કહ્યું: “Never mind!” અને મને ટેલિફોન બૂથ પર લઈ ગઈ. એ જમાનો હજી લેન્ડ લાઇનનો હતો. એણે મને જારેચાનો નંબર જોડી આપ્યો.
મેં જેવો ટેલિફોન ઉપાડ્યો ત્યાં જ જારેચા પૂછે: કેમ છો તમે, ભાઈ?! બરાબર પહોંચી ગયા? ટેલિફોનનો અવાજ એટલો સ્પષ્ટ હતો કે જાણે બાજુમાં જ ઊભા હોય એમ લાગે. મને કહે કે આપણે બે કલાકમાં મળીએ છીએ. એરપોર્ટ ઉપર તમને લેવા આવું છું. ઇસ્ટર્ન એરલાઇનનું પ્લેન બે કલાકમાં મને એટલાન્ટા લઈ આવ્યું.
ઊતરીને હું જેવો ટર્મિનલમાં ગયો કે મેં જારેચાને જોયા. એમની સાથે એક રૂપાળી આફ્રિકન અમેરિકન છોકરી હતી. જારેચાએ અમારી ઓળખાણ કરાવી. એમની ફેન્સી કારમાં હું બેઠો. પાણીના રેલાની જેમ ગાડી દોડ્યે જતી હતી.
એટલાન્ટાના રશ અવરના એ જબ્બરદસ્ત ટ્રાફિકમાં જારેચા સહજતાથી કાર ચલાવતા હતા. એક હાથ સ્ટિયરિંગ વ્હીલ પર, બીજા હાથમાં સિગરેટ. સિગરેટના ધુમાડાના ગોટાઓ ચગાવતા ચગાવતા બાજુમાં બેઠેલી છોકરી સાથે વાતો કરતા જાય. એ બધું જોઈને હું છક્ક થઇ ગયો.
આવા જબરા ટ્રાફિકમાં પણ કેટલી સહજતાથી અને કેટલી સ્પીડમાં ગાડીઓ જતી હતી! હાઈ વે ઉપર કોઈ ટ્રાફિક લાઈટ્સ નહીં, કોઈ ધમાલ નહીં, કોઈ અંધાધૂંધી નહીં. જાણે કે બધાને ખબર કે શું કરવાનું છે, કેવી શિસ્ત! બધા કેવા પોતાની લેનમાં જ કાર ચલાવે છે!
જારેચા કહે કે એ બધાને ખબર છે કે એમ જો ન કરીએ તો શું થાય. નવા નિશાળિયાની કુતુહલવૃત્તિથી મેં પૂછ્યું કે શું થાય? એ કહે, મોટો એક્સિડન્ટ થાય, તમે મરી જાવ, અને જો બચ્યા તો મોટી ટિકિટ મળે અને ઇન્સ્યુરન્સનું પ્રિમિયમ વધી જાય. જો કે એ બધી, ખાસ કરીને પ્રિમિયમ વધવાની વાત તો વર્ષો પછી મારો પોતાનો એક્સિડન્ટ થયો ત્યારે સમજાણી.
જે યુનિવર્સિટીમાં જારેચા બર્સરની ઑફિસમાં કામ કરતા હતા અને જ્યાં એ પોતે પણ ભણ્યા હતા ત્યાં જ મને એમણે એડમિશન અપાવ્યું હતું, તેની જ ડોર્મમાં એમનો ફ્લેટ હતો.
એ ફ્લેટનો બાથરૂમ પણ કેવો! બધી જ વ્યવસ્થા હતી. આવો બાથરૂમ મેં મૂવીઓ સિવાય ક્યાંય જોયો નહોતો. એમણે મને ઠંડા ગરમ પાણીના નળ, શાવર, ટબ, ટોઇલેટ વગેરેની વ્યવસ્થા સમજાવી.
પહેલે દિવસે તો બીતા બીતા શાવર વાપર્યો, ભૂલે ચૂકેય કાંઈ ગરબડ થઈ જાય તો. અને એવું જ થયું. જિંદગીમાં પહેલી જ વાર મેં શાવર લીધો. શાવર કર્ટન બરાબર બંધ નહીં થયો એટલે બાથરૂમમાં બધે પાણી પાણી થઈ ગયું!
એમનો ફ્લેટ અમેરિકાની દૃષ્ટિએ નાનો ગણાય. લિવિંગ રૂમ, બેડરૂમ અને બાથરૂમ, પણ મુંબઈની સરખામણીમાં તો ખાસ્સો મોટો હતો. હું તરત જોઈ શક્યો કે યુનિવર્સિટીમાં એક ક્લર્કની સામાન્ય નોકરી અને તે પણ માત્ર એક વર્ષથી જ, છતાં જારેચા પાસે કેવો સુંદર ફ્લેટ હતો! જારેચાને મુંબઈમાં આવો ફ્લેટ મેળવતાં આખી જિંદગી નીકળી જાત, અને તે પણ ભાગ્યશાળી હોત તો જ.
દૂરના એક પરામાં ખાલી એક ઓરડી મેળવતાં મારે મુંબઈમાં જે રઝળપાટ કરવો પડ્યો હતો તે મને યાદ આવ્યો. થયું કે સામાન્ય માણસને પણ આ સુખસગવડ મળે તે તો અમેરિકાનો જ પ્રતાપ છે!
અમેરિકામાં કૉલેજ અને યુનિવર્સિટીમાં ભણવા માટે વિદ્યાર્થીઓ મોટે ભાગે બહાર ગામથી આવે. મોટી મોટી યુનિવર્સિટીઓમાં સિત્તેર એંશી હજાર છોકરા છોકરીઓ ભણતા હોય. કેમ્પસમાં સેંકડોની સંખ્યામાં બિલ્ડીંગો હોય. એમાં અનેક ડોર્મ હોય. નાનકડું ગામ જ જોઈ લો.
શરૂઆતમાં વિદ્યાર્થીઓને ડોર્મમાં રહેવું પડે. માબાપ અને કુટુંબથી વિખૂટા પડીને એકલા રહેવાથી એમનામાં સ્વાયત્તતા આવે. એમને જવાબદારીનું ભાન આવે. એટલાન્ટા યુનિવર્સિટી પ્રમાણમાં નાની. છોકરાઓની એક ડોર્મમાં એમની બાજુની રૂમ જારેચાએ મારે માટે નોંધાવી રાખી હતી. એમના ફ્લેટની ચાવી આપી મને કહ્યું કે હમણાં મારા ફલેટનો જ બાથરૂમ વાપરજે.
મેં જ્યારે ડોર્મના કોમન બાથરૂમ વાપરવા શરૂ કર્યાં ત્યારે ખબર પડી કે શા માટે એમણે મને એમનો અંગત બાથરૂમ વાપરવા કહ્યું. મુંબઈની છોકરાઓની હોસ્ટેલમાં હું બાથરૂમમાં ટુવાલ પહેરી રાખવા અને બારણું બંધ કરીને જ ટુવાલ કાઢવા ટેવાયેલો હતો.
અહીંયા જોયું તો કાળા છોકરાઓ કોઈ પણ સંકોચ વગર નાગા રખડતા હતાં. એમના કાળા ડીબાંગ પડછંદ શરીરને નગ્ન અવસ્થામાં જોઇને હું તો ડઘાઈ ગયો. બાકી હતું તો આ છોકરાઓ નાગા નાગા એક બીજા સાથે મસ્તી કરતા હતાં! મને થયું કે આપણે હમણાં તો જારેચના બાથરૂમમાં જ સારા!
બીજે દિવસે એમની સાથે ડોર્મના ડાઈનિંગ હોલમાં ગયો. નિશ્ચિત સમયે કાફેટેરિયામાં બધા લાઈનસર ઊભા રહે. કોઈ ધક્કામુક્કી નહીં. ખાવાનું પણ કેટલું બધું, અને કેવું જુદું જુદું. બાફેલાં શાકભાજી, ફળફળાદી, બ્રેડ, અનેક પ્રકારની મિષ્ટાનની વાનગીઓ. પીવા માટે દૂધ, બટરમિલ્ક વગેરે.
મેં પહેલી જ વાર ચોકલેટ મિલ્ક જોયું. મારે માટે કેટલીયે વસ્તુઓ સાવ નવી હતી. આપણે તો પાછા વેજીટેરિયન. પૂછવું પડે, આમાં ક્યાય મીટ ખરું? એ જમાનામાં અમેરિકામાં સાલાડ બાર હજુ શરૂ થયા નહોતા. લોકોને વેજીટેરિયન થવાની લત લાગી ન હતી. મોટા ભાગના લોકો મીટ, ખાસ કરીને બીફ સ્ટેક, ફીશ, ચિકન, લેમ્બ વગેરે નિયમિત ખાય.
મેં જોયું કે છોકરા છોકરીઓ બધા સાથે બેઠા હતાં. કોઈને કોઈનો છોછ ન હોતો. સહજ જ અલકમલકની વાતો કરતા ભોજન કરતાં હતાં. ખાધા પછી ઘણા આરામથી સિગરેટ ફૂંકતા હતા. એ જમાનામાં સિગરેટ બહુ પીવાતી. જમ્યા પછી બધા પોતાની ટ્રે લઈ લે અને કન્વેયર બેલ્ટ ઉપર મૂકી દે. કોઈ નોકરો ન હતાં. બધા પોતપોતાનું કામ કરતાં હતાં. અને આટલા બધાં લોકો હતાં છતાં કોઈ ઘોંઘાટ નહીં.
ડોર્મમાં એક વસ્તુ મેં ખાસ નોંઘી. ત્યાં મને કોઈ ગોરો અમેરિકન દેખાયો જ નહીં! ડોર્મના રહેવાસી છોકરાઓ, કામ કરનારા લોકો, વગેરે બધા આફ્રિકન અમેરિકન એટલે કે કાળા લોકો જ હતા. મને થયું કે હું અમેરિકા આવ્યો છું કે આફ્રિકા? આ કેવું?
બીજે દિવસે જારેચા સાથે યુનિવર્સિટીમાં ગયો ત્યાં પણ એવું જ. વિદ્યાર્થીઓ, વિધાર્થિનીઓ, પ્રોફેસરો, અધિકારીઓ વગેરે બધા કાળા જ. થોડા ઇન્ડીઅન અને ચાઇનીઝ વિદ્યાર્થીઓ દેખાયા. ઇન્ડીઅન વિદ્યાર્થીઓ મારી મૂંઝવણ સહેજે સમજી ગયા. એ બધાનો પણ આવ્યા ત્યારે આ જ અનુભવ હતો. એમણે મને સમજાવ્યું કે એટલાન્ટા યુનિવર્સિટી તો મુખ્યત્વે કાળા લોકો માટેની છે.
એટલાન્ટા યુનિવર્સિટી દક્ષિણના જ્યોર્જિયા રાજ્યની રાજધાની એટલાન્ટામાં આવેલી. દક્ષિણના રાજ્યો 1960ના દાયકામાં પણ હજી રંગભેદમાં માનતાં હતાં. તેમણે કાળી અને ગોરી પ્રજાઓને એકબીજાથી અલગ રાખવા માટે કાળાઓ માટે એક જુદી જ સમાજવ્યવસ્થા ઊભી કરી હતી.
કાળાઓને ગોરા લોકોની કોલેજો કે યુનિવર્સિટીઓમાં ન આવવા દેવા માટે એમની જુદી સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓ બાંધી. કાળા વિદ્યાર્થીઓ માટે જે પબ્લિક અને પ્રાઈવેટ કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાઈ તેમાંની એક એટલાન્ટા યુનિવર્સિટી. આ યુનિવર્સિટી મુખ્યત્વે કાળા લોકો માટે છે એ અમને દેશી વિદ્યાર્થીઓને તો અહીં આવ્યા પછી જ ખબર પડી!
એટલાન્ટા યુનિવર્સિટી અને આજુબાજુ જે કૉલેજો હતી – મોરહાઉસ, ક્લાર્ક, સ્પેલ્મન, મોરીસ બ્રાઉન – તે બધી ખાસ કાળા છોકરા છોકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે ઊભી કરવામાં આવી હતી.
દેશમાં કાળા લોકો વિષે સાંભળેલું – એમની ગુલામી વિષે, રંગભેદને કારણે એમને થતા ભયંકર અન્યાય વિષે. વધુમાં તેમના મહાન નેતા માર્ટીન લ્યુથર કિંગ અને બીજાઓની આગેવાની નીચે વૉશિંગ્ટનના લિંકન મેમોરિયલ ઉપર લાખોની સંખ્યામાં કાળા લોકો ભેગા થયેલા તેનું ન્યૂસ રીલ પણ જોયું હતું.
એમાં એ વખતે કિંગે આપેલું I have a dream વાળું યાદગાર પ્રવચન પણ સાંભળેલું. પણ એ લોકો માટે જુદી કૉલેજો હશે અને મારે એવી એક કૉલેજમાં જવાનું થશે એની કલ્પના પણ ત્યારે કયાંથી હોય?
અમેરિકાનાં દક્ષિણ રાજ્યો, ખાસ કરીને નોર્થ અને સાઉથ કેરોલીના, જ્યોર્જિયા, ફ્લોરિડા, એલાબામાં, મિસિસિપી, ટેક્સાસ, આર્કાન્સાસ, ટેનેસી વગેરેમાં ગુલામીની પ્રથા સદીઓથી પ્રચલિત હતી.
ત્યાંના સ્યુગર, કોટન અને ટોબેકોના મોટા પ્લાન્ટેશનોમાં કામ કરવા માટે મજૂરોની ખૂબ જરૂર હતી. આવું સખત કામ કરનારા મજૂરો લાવવા ક્યાંથી? પ્લાન્ટેશનોના માલિકો ગોરાઓ હતા. ગોરા લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી, અને જે હતા તે કાંઈ આવું કમરતોડ અને હલકું કામ થોડા કરવાના હતા? એ માટે ગોરાઓ આફ્રિકામાંથી લાખોની સંખ્યામાં કાળા લોકોને ઘસડી લાવ્યા, અને આમ ગુલામીની પ્રથા શરૂ થઈ.
ગુલામ થઈને આવેલા કાળા લોકો ગોરાઓની મિલકત હતી. ઢોર જનાવરની જેમ જ એમની લેવડદેવડ થતી. એમને વેચવા ખરીદવાના રીતસરના બજારો ભરાતા, જ્યાં એમના લીલામ થતાં.
બળબળતા બપોરે કે હાડકાં ભાંગી નાખતી ઠંડીમાં ઢોરની જેમ જ એમણે માલિકના હુકમ મુજબ રાતદિવસ કામ કરવાનું. એમની આ મજૂરીથી જ સ્યુગર, કોટન અને ટોબેકોના ઉદ્યોગો ચાલતા હતાં અને તેથી જ તો દક્ષિણનાં રાજ્યોના અર્થકારણમાં ગુલામીની પ્રથા અનિવાર્ય રીતે ગૂંથાઈ ગઈ.
1860ના દાયકામાં આ ગુલામીની પ્રથા નાબૂદ કરવા અમેરિકાનાં ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે દારુણ સિવિલ વોર થઈ. અમેરિકાના મહાન પ્રમુખ એબ્રાહમ લિંકનની નેતાગીરી નીચે ઉત્તરનાં રાજ્યો એ મહાયુદ્ધમાં વિજેતા નીવડ્યાં.
જેમ આપણે ત્યાં દેશના ભાગલાની કરુણ અને ભયંકર ઘટના પછી હિંદુ અને મુસ્લિમ પ્રજા વચ્ચેના સંબંધો સદાને માટે વણસી ગયા, તેમ જ અમેરિકાની સિવિલ વોર પછી ગોરી અને કાળી પ્રજાના સંબંધો, ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં બગડેલા જ રહ્યા.
કાળા લોકોની ગુલામીમાંથી મુક્તિ ભલે થઈ, પણ એ કલંકનો ડાઘો હજી અમેરિકાના રોજબરોજના જીવનમાંથી સાવ ભુંસાયો નથી. કાળા ધોળાના સંબંધોમાં એનું ઝેર હજી પણ ઊંડે ઊંડે પ્રસરેલું છે.
સિવિલ વોરને કારણે ગુલામીની પ્રથાની કાયદેસરની નાબૂદી થઈ હોવા છતાં, દેશનો રંગભેદ, ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં લગભગ કંઈક અંશે ટકી રહ્યો છે. આ રંગભેદને કારણે કાળા લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ જ રહી, બલકે વણસી. ગુલામી નાબૂદ થયા પછી તો હવે રોજબરોજ જીવવા માટે એમણે કામ શોધવાનું રહ્યું.
રંગભેદને કારણે જીવનનાં અનેક ક્ષેત્રમાં તેમને બળજબરીથી પાછળ રખાયા. જ્યાં જ્યાં ગોરા લોકો હોય ત્યાં ત્યાં તેમને આવવાનો અધિકાર નહીં. એમને બસમાં બેસવાનું હોય તો તે પાછળ, ગોરા લોકો આગળ બેસે. ગોરા લોકોના ચર્ચમાં એ આવી ન શકે. એમના ચર્ચ જુદાં, એમની સ્કૂલો જુદી, એમની કૉલેજો જુદી, એમનાં રહેઠાણ અને પાડોશ પણ જુદાં.
આમ સમાજના બે ભાગ પડી ગયા, એક ગોરા લોકો માટે, અને બીજો કાળા લોકો માટે. ગોરા લોકો સત્તાનો કબજો લઈને બેઠા હતા. સારા નોકરીધંધા, રહેવાના સારા પાડોશો, સારી સ્કૂલો અને કૉલેજો વગેરે ગોરાઓ માટે, હલકાં કામ કાળાઓ માટે.
કાળા લોકોને પૂરેપૂરો મતાધિકાર અને અન્ય સ્વતંત્રતા મળવાને હજી વાર હતી. મૂળમાં કાળા લોકોની રાજકીય, સામજિક અને ખાસ કરીને આર્થિક સ્થિતિ ગોરાઓની સરખામણીમાં નીચી અને ખરાબ જ રહી અને એમનું શોષણ થતું રહ્યું.
હું એટલાન્ટા 1965માં પહોંચ્યો ત્યારે સિવિલ વોરને સો વર્ષ થઈ ગયાં હતાં. એ સો વરસમાં કાળા લોકોની પરિસ્થિતિમાં ધીમે ધીમે પણ મોટા ફેરફાર થયા હતા. છતાં કાળા ધોળાનો ભેદભાવ મટે અને આખરે એમને નાગરિકતાના બધા હક્ક મળે એ માટે ત્યારે માર્ટીન લ્યુથર કિંગ અને બીજા આફ્રિકન અમેરિકન નેતાઓની આગેવાની નીચે સિવિલ રાઈટ્સની ઝુંબેશ પુરબહાર ચાલતી હતી. છતાં રંગભેદને કારણે જે ભેદભાવ થતો હતો તે ગોરા લોકોના હાડમાં એવો તો ઊતરી ગયો હતો કે સમાજ અને રાષ્ટ્રના જે બે ભાગ પડી ગયા હતા તે યેનકેન પ્રકારેણ ચાલુ જ રહ્યા.
આજે આ લખાય છે ત્યારે 2016માં સિવિલ વોરને દોઢસોથી પણ વધારે વરસ થયાં, પણ રંગભેદનો ભેદભાવ થોડે ઘણે અંશે આખાયે દેશમાં, પણ ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં, હજી જોવા મળે છે.
હમણાં જ સાઉથ કેરોલીનાની રાજધાની ચાર્લ્સટનમાં એકવીસ વરસના એક ગોરા જુવાને ચર્ચમાં જઈને પ્રભુભજન કરતા 9 કાળા લોકોની હત્યા કરી. કહે કે એ કાળા લોકોને ધિક્કારે છે.
હું અમેરિકા ગયો ત્યારે કાળા ધોળા વચ્ચેનાં છમકલાં તો રોજબરોજ થયે જતાં હતાં. 1960માં એલાબામા રાજ્યમાં ચાર કાળી છોકરીઓને ચર્ચમાં બોમ્બ ફેંકીને બાળી નાખવામાં આવેલી. આવાં હિચકારાં કૃત્યો ઉપરાંત કાળા લોકો પર થતો રોજનો ત્રાસ ઘણી વાર અસહ્ય બની જતો.
કાળા લોકોનો રોષ ક્યારેક મોટાં શહેરોમાં ભયંકર હુલ્લડોમાં પ્રગટ થતો. અને પછી મહિનાઓ સુધી મોટે ભડકે બળતો. 1968માં માર્ટીન લ્યુથર કિંગની હત્યા પછી અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન સુધ્ધાં કેટલાંક શહેરોમાં આવાં મોટાં હુલ્લડો થયાં હતાં.
અમેરિકામાં કાળા ધોળા વચ્ચેના રંગભેદને કારણે થતો ભેદભાવ ભૂંસવા અસાધારણ પ્રગતિ થઈ છે. ખાસ તો ભેદભાવને લીધે ઊભી થયેલી કાળાઓની દારુણ આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવા માટે અમેરિકામાં અનેક કાયદાઓ ઘડાયા છે.
કાળા લોકોને પૂરેપૂરો મતાધિકાર મળે તે માટે કૈંક કેસ ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા. હું જ્યારે અમેરિકા આવ્યો ત્યારે તો કલ્પના પણ નહોતી થઈ શકતી કે કાળો માણસ અમેરિકાના કોઈ રાજ્યનો ગવર્નર કે રાષ્ટ્રનો પ્રમુખ બને. અને છતાં 2008માં આફ્રિકન અમેરિકન બરાક ઓબામાની બહુમતીથી પ્રમુખ તરીકે ચૂંટણી થઈ.
અમેરિકન સમાજ કેટલો પરિવર્તનશીલ છે એ આ મહાન ઘટના સાબિત કરે છે.
મુંબઈનો પેલો કન્સલ્ટન્ટ જેનો ધંધો અમને અમેરિકન કૉલેજો અને યુનિવર્સિટીઓમાં સહેલાઈથી એડમિશન અપાવાનો હતો, તે એટલાન્ટા યુનિવર્સિટી જેવી કૉલેજ શોધે કે જેમાં અમને જલ્દીથી એડમિશન મળી જાય અને અમે અમેરિકામાં ઠેકાણે પડી જઈએ અને એને એની ફી મળી જાય. એ અમને કંઈ થોડો કહેવાનો હતો કે આ કૉલેજો કઈ કક્ષાની છે? કે કાળા વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે આ કૉલેજોમાં ધોરણ અનિવાર્યતઃ જુદાં અને નીચાં રાખવા પડે.
ક્લાસમાં, ખાસ કરીને મેથ્સ કે અકાઉન્ટિન્ગના ક્લાસમાં, તરત ખબર પડે કે અમારા સહાધ્યાયી કાળા વિદ્યાર્થીઓ ભણવામાં દેશી વિદ્યાર્થીઓ જેટલા સજ્જ ન હતા. જે હાઈસ્કૂલોમાં એ બધા ભણ્યા હતા ત્યાં પણ સગવડો ઓછી હોય. એ પણ આ રંગભેદથી થતા ભેદભાવનું જ પરિણામ.
દક્ષિણનાં બધાં જ રાજ્યોમાં ગોરાઓની સ્કૂલ અને કૉલેજોને ફંડ, સાધનો, સગવડ પહેલાં મળે અને જે કાંઈ વધ્યુંઘટ્યું હોય તે કાળી સંસ્થાઓને મળે.
અહીં આવ્યા પછી ખબર પડી કે અમેરિકામાં તો ચારેક હજાર કૉલેજો અને યુનિવર્સિટીઓ છે અને બધાની કક્ષા એકસરખી નથી. એટલું જ નહીં પણ હાર્વર્ડ, યેલ, શિકાગો, પેન, સ્ટેનફર્ડ, ડાર્ટમથ જેવી ખ્યાતનામ કૉલેજો તો બહુ ઓછી.
અમે એવી ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીમાં ભણતા નથી એ અમને દેશી વિદ્યાર્થીઓને બહુ કઠતું. એ પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં જે સાધનસગવડ હોય તે બધે કેવી રીતે હોય? અને તેમાં પણ એટલાન્ટા યુનિવર્સિટી જેવી કાળા લોકોની સંસ્થાઓની આર્થિક સ્થિતિ તો બહુ જ કફોડી. ખાસ કરીને સરકારી બજેટમાં ગોરી યુનિવર્સિટીઓની પતરાવળી પહેલી પડે. કાળાઓને ભાગે તો જે કાંઈ બાકી રહ્યું હોય તે આવે.
આવી કફોડી આર્થિક પરિસ્થિતિને કારણે કેટલીક પ્રાઈવેટ કાળી કૉલેજો તો સાવ બંધ થઇ ગઈ અને કેટલીક એકબીજા સાથે જોડાઈ ગઈ. જેમ કે એટલાન્ટા યુનિવર્સિટી આજે ક્લાર્ક એટલાન્ટા યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. એ અને બાજુની ક્લાર્ક કૉલેજ જોડાઈ ગયા.
અમેરિકામાં આવીને પૂરતાં સાધનસગવડ વગરની ગરીબ યુનિવર્સિટીમાં ભણતા અમે બધા વિચાર કરતા કે હાર્વર્ડ, યેલ, શિકાગો, જેવી યુનિવર્સિટીઓમાં ભણવાનું કેવું હશે! એટલાન્ટાની ગોરી યુનિવર્સિટીઓ કેવી હોય તે જોવા જાણવા માટે હું બહુ ઉત્સુક હતો.
એક વાર હું એટલાન્ટામાં આવેલી એમરી નામની ગોરા લોકોની યુનિવર્સિટીમાં ગયો. ત્યાંની વ્યવસ્થા, મકાનો, પ્રોફસરો, વિદ્યાર્થીઓ, વગેરે જોઈને હું છક્ક થઈ ગયો. એની સરખામણીમાં અમારી એટલાન્ટા યુનિવર્સિટી ખૂબ વામણી લાગે. થયું કે આવી યુનિવર્સિટીમાં મારે ભણવાનું?
પણ હવે શું થાય? અહીંથી પાછું થોડું જવાય છે? એમ પણ થયું કે ચાલ, અહીંથી છોડીને બીજી કૉલેજમાં એડમિશન લઉં. પણ જવું ક્યાં? આપણે તો અહીં મફતના ભાવે આવ્યા છીએ. બીજે જવાના પૈસા ક્યાંથી કાઢવા? અહીં તો જારેચાની મદદ પણ છે, કંપની છે, તે મને બીજે ક્યાં મળવાની છે? અને મારાથી એમને એમ કહેવાય પણ કેમ કે મારે હવે એટલાન્ટા છોડીને બીજે જવું છે?
એ ભલા માણસે મારા માટે આટલી બધી મહેનત કરીને બધી વ્યવસ્થા કરી આપી, એરલાઈનની ટિકિટ પણ મેળવી આપી, અને મારો થોડો ઘણો ખર્ચો નીકળે એ માટે યુનિવર્સિટીમાં જોબ અપાવ્યો જેમાંથી હું થોડા પૈસા નલિનીને મોકલતો હતો.
હવે એને જ એમ કહું કે તમે જે યુનિવર્સીટીમાં ભણ્યા છો, અને જ્યાં હવે કામ કરો છો, એ મને નથી ગમતી એટલે હું ચાલ્યો. હું એવો નગુણો નહીં થાઉં. થયું કે આ પલાળ્યું છે તે પૂરું કરો, એમ.બી.એની ડીગ્રી લઈ લો અને પછી ભાગો.
(ક્રમશ:)