ચૂંટેલા શેર ~ જૈમિન ઠક્કર ‘પથિક’ (વડોદરા) ~ ગઝલસંગ્રહઃ હવાનો પર્યાય…!
પ્રથમ વાંચી બીજાનું મન, પછી શરૂઆત કરવી
ગમે તે હોય મુદ્દો પણ હૃદયથી વાત કરવી
*
ખુદ વિશે થોડું વિચારી તો જુઓ
ખુદ વિશે પણ પ્રશ્ન ઊભા થાય છે
*
હું મને ગમતાં ગગને જોઈ લેતો’તો કદી
એવી પણ ક્યારેક મારી પાસે એક બારી હતી
*
આપણું મન આપણાથી જ્યારે પણ પર થાય છે
કોણ જાણે, જીવનું શેમાં રૂપાંતર થાય છે
*
કંઈ પણ કરી શકશો નહીં ખુદના બચાવમાં
આવી ગયા જો આપ બીજાના પ્રભાવમાં
*
એ પછી ચહેરા ઉપર રોનક થશે
સાદગીથી મનને શણગારી જુઓ
*
સ્મિત હોઠે, મનમાં ડૂમો ને નયન પણ છે સજળ
કઈ રીતે ને કોણ એનું સ્પષ્ટ ભાવાંતર કરે!
*
ક્યારેક્ ગઝલ જો ભૂલમાં પણ પ્રાસ ચૂકી જાય છે
શાયરને લાગે કે, સ્વયંનો શ્વાસ ચૂકી જાય છે
*
આમ પર્વત છે ખુશખુશાલ છતાં
સાધુઓના પડાવ પીડે છે
*
અધૂરાં સ્વપ્નની યાદી કરી રાખી છે, કિંતુ
નથી વાંચી શકાતી ભીડમાં કે એકલામાં
*
પંખીઓ આભમાં ઊડે છે પણ
ડાળીઓનું તો માન રાખે છે
*
સ્તબ્ધ થઈ મેં ખીણને તાક્યા કરી ત્યારે મને
એમ લાગ્યું કે, કદાચિત્ મૌન પણ પડઘાય છે
*
અચાનક મળ્યાં સામે વર્ષો પછી એ
હૃદયને ફરી ખોલવાનું થયું છે
*
કોઈ પણ સિક્કાની બે બાજુ મળે – એવું સુણી
કંઈક લોકો જિંદગીભર માત્ર અટવાતા ગયા
*
વરસાદમાં બંને નિકટ, છત્રી અલગ અલગ
શું નામ દેવાનું હવે આવા બનાવને!
*
એક બાળક શાંત ચિત્તે બેઠું છે
જોઈ લીધી પુખ્તતા, એ દૃશ્યમાં
*
કોણે કહ્યું, વીતી ગઈ છે ઇંતેજારમાં
ઊભે છે સપનાંઓ લઈ આંખો સવારમાં
*
હું મારામાં ના હોઉં, એવા સમય પર
`પથિક’, કોણ આવીને શ્વાસો ભરે છે!
*
નથી કારણ છતાંયે કંઈક વેળા થાય છે
જીવનને જીવવા માટે ઘણા પર્યાય છે
*
તમે પૂછ્યા છે સાંસારિક સવાલો, પણ કહું તો શું?
ઘણાં વર્ષોથી હું સંન્યાસ લઈ, ખામોશ ઊભો છું
*
થાક્યો જરા એથી ઊભો છું હું પડાવ પર
કોણે કહ્યું કે, મેં સફર પણ આદરી નથી
~ જૈમિન ઠક્કર ‘પથિક’ (વડોદરા)
~ ફોનઃ 98798 29531
~ ગઝલસંગ્રહઃ હવાનો પર્યાય…!
~ આવૃત્તિ: માર્ચ ૨૦૨૩