અગ્નિપરીક્ષા ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:5 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

જીવનકિતાબનાં પાનાં ફરતાં રહે છે, નવાં ઊઘડતાં રહે છે, નવીન ગર્વથી કહે છે, તું જુએ છે ને હંસા, મારી કુંડળી હું જ માંડી રહ્યો છું! મનીષ ફોન કરી બરાબર ખબર આપે છે, તારા પિતાશ્રી ડાકોર ગયા હતા. ના. જાત્રાએ નહીં પણ કાળિયા ઠાકોરને અરજી કરવા, મારી હંસા મને પાછી આપો અને જમાઈરાજને…

હવે મારા માટે શું માગ્યું હશે આઇ કાન્ટ ગેઝ. હંસા, એકવાર અહીં આવીને જોશે તો ઈર્ષ્યાથી સૂકાં લાકડાંની ભારી પેઠે ભડભડ બળી જશે. એ માણસ સમજે છે શું એના મનમાં! મને દલાલની ગાળ મોઢા પર મારી હતીને? હવે મારી જો કમાલ હંસા. હું હવે દલાલ નથી કન્સ્ટ્રક્શન કંપનીમાં પ્રૉપર્ટી ડેવલપર તરીકે મારો હિસ્સો છે. અજીતની નોકરીને લાત મારી દીધી હંસા. શીરો શેકો શીરો.

એ તાળી પાડતો ખડખડાટ હસી પડ્યો. એ હાસ્યનો તેજાબ જેવો શેરડો હંસાને છાતીમાં બાળતો રહ્યો.

અરે! આટલો મોટો નિર્ણય! અને એની કોઈ ચર્ચા, વાત જ એની સાથે નહીં!

હંસા ગભરાઈ ગઈ, `આ શું કર્યું તમે? અજીતસરને તમારા પર કેટલો ભરોસો છે, આવું સરસ ઘર આપણને રહેવા આપી દીધું, મુંબઈમાં કોણ એવું કરે?’

`તો? ઉપકાર નથી કર્યો હંસારાણી. અજીતની નોકરી એટલે સાહેબબીબી ગુલામ જેવો ઘાટ. મેં એના કેવા સોદા પાર પાડી આપ્યા છે, યુ ડૉન્ટ નો. હું ગોલાપા કરું અને એ કમાય?’

હંસા લગભગ કરગરી જ પડી, `એટલું વિચારો, તમે આ શહેરમાં શું લઈને આવ્યા હતા? તેમણે તમને કામ શીખવ્યું, નોકરી આપી. આ ઘર પણ.’

નવીન હસી પડ્યો, ડંખીલું. કાનસ ઘસાય અને તણખાં ઊડે એવું. તણખો એને દઝાડી ગયો.

એ હંસાની પાસે બેસી ગયો, `આજુબાજુ જરા જો માય ડિયર. યંગ છોકરાઓ ડિગ્રીની ફાઇલો લઈ મલ્ટીનેશનલ એક કંપનીમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી કંપનીમાં એક કૂદકે પહોંચી જાય છે. આપણી કહેવત તો તને ખબર છે, જલેબી જમાડે ઈ જેઠોભાઈ, યા જિસકે તડ મેં લડ્ડુ ઉસકે તડ મેં હમ.’

હંસાના ચોટલા સાથે રમત રમતાં હજી એ બોલતો જ રહ્યો.

`સમય તેજીથી દોડી રહ્યો છે. આપણે સાથે ન દોડીએ તો પાછળ રહી જઈએ. ઉપર ચડવું હોય તો દરેકને સીડી બનાવીને ઉપર ચડી જવાનું અને મારે હજી ખૂબ ઉપર ચડવું છે.’

`એમ! અને એ માટે તમે શું કરશો?’

હંસાના સ્વરમાં ધાર હોય તોય નવીનને કળાયું નહીં. એ ફૂલગુલાબી સપનાંનું ચિત્ર દોરી રહ્યો હતો.

`વ્હૉટ અ ક્વેશ્ચન જાનુ! તો સુનો. હવે તો તું મુંબઈની રગને જાણે છેને! મુંબઈના પરાંઓમાં જંગલ હતું, આજે ત્યાં કરોડોના ફ્લૅટ્સ, બંગલોઝ, મૉલ્સ, મલ્ટિપ્લેક્સ થિયેટર્સ, હૉસ્પિટલ, સ્કૂલ્સ… કમ્પ્લીટ ટાઉનશીપ.’

એણે બે હાથ ઘસતાં શબ્દોને રમાડ્યા પછી પાસાં ફેંકતો હોય એમ પટમાં ફેંક્યા, એની આંખમાં એક ચમક આવી, જે એણે કદી જોઈ નહોતી.

`મુંબઈની ઍન્ટરટેઇન્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગદંડો જમાવવા રોજના હજારો જુવાનિયાની ફોજ ઊતરી પડે છે. પ્રૉપર્ટીનું કરોડોનું ટર્નઑવર છે, ટી.વી.. સિરીયલ્સ… ફિલ્મ.. મૉડલિંગ.. રિયાલિટી શોઝ… સૌને માથે છાપરું જોઈએ છે. સેમિનાર.. જાતજાતના ક્લાસ અને વર્કશૉપ… જગ્યાનાં ફાંફાં છે, એમાં જ પૈસા છે હંસા. ખણખણતાં. સમજ મે આયા?’

ના. નહોતું સમજાતું, આ જ એનો પતિ હતો! એની ભાષા.. એનો રણકો.. આંખમાં પેલી હિંસક જાનવરની ચમક.. એક આભાસી ઝાકઝમાળ પાછળની આંધળી દોટમાં એ સામેલ થઈ ગયો, હવે એને પાછો વાળવો કેટલું અઘરું હતું!

એણે શાંતિથી પૂછ્યું, `તો આ ઘર ખાલી કરવું પડશેને?’

`એકવાર તો થયું હતું કે નીકળવું નથી.’

`નવીન!’

`મને તારું રીએક્શન ખબર જ હતી. પણ ઠીક છે, મેં કંપનીને કહ્યું, થોડા મહિના આપો. આપણે આપણાં જ આલાગ્રાન્ડ ફ્લૅટમાં જવાના છીએ. સરપ્રાઇઝ છેને? આપણી વેડિંગ એનીવર્સરીની તને ગિફ્ટ.’

`આપણું ઘર?’

`ઍબ્સોલ્યુટલી. તું રાજી ન થઈ? નહીં થૅન્ક્યુ નહીં કીસ!’

હંસા પરાણે હસી, `કેમ રાજી ન થાઉં? ખૂબ અભિનંદન.’

`આ ચમત્કાર તારો છે.’

હંસાને રમૂજ થઈ, `વખાણ કરવાની હદ હોય છે. મેં તો સળીના બે કટકાય કર્યા નથી.’

`તું નહોતી ત્યારે સતત તારો ચહેરો યાદ આવતો હતો. તને મારે ઘણું આપવું હતું અને…’

`અને?’

`અને તારા પપ્પાને, ગામને દેખાડી દેવું હતું. એમને ખબર પડી જવી જોઈએ, હંસા મારી છે મારી જ રહેશે. ચાલ, બહુ વાતો કરી. ગૅટ રેડી. આજે ફાઇવસ્ટારમાં ડીનર.’

હંસા ડ્રેસિંગટેબલ સામે ઊભી રહી.

આ પ્રતિબિંબ શું એનું જ હતું? કે શેતરંજનું એ એક મહોરું હતી માત્ર! બે પ્રતિસ્પર્ધી, એક પિતા અને સામે પતિ.

`ગૅટ રેડી હંસુ ડીયર.’

નવીનની બૂમ ધસી આવી. હા, હવે એણે તૈયાર થઈ જવાનું હતું, નવીનની કોઈ ચાલ માટે.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..