આથમણી કોરનો ઉજાસ ~ ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી ~ પત્ર: ૪૫ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૪૫

પ્રિય નીના,

‘કેમ છે’ના જવાબમાં એટલું જ કહીશ કે, છેલ્લાં થોડા અઠવાડિયાંઓથી ચક્ડોળે ચડેલી ઘટમાળ અને પ્રવૃત્તિમાંથી જરા સ્થિર થઈ છું. દરમ્યાનમાં દિવાળી અને આપણું નવું વર્ષ પણ આવીને સરવા માંડ્યું.

દિવાળી અને રંગોળીની વાતો તો ઝાઝી નહિ કરું. કારણ કે હવે મોટા ભાગનાં ઘરોને ઉંબરા પણ રહ્યા નથી, તો રંગોળીની ક્યાં વાત? પૂર્વ કે પશ્ચિમ, વિશ્વના દરેક ખૂણે ઉત્સવની ઉજવણીની રીતોની હવે કાયાપલટ થઈ ગઈ છે. છતાં તું કહે છે તેમ નવી રીતો પણ સર આંખો પર.. No regret, no complain. અને આમ જોઈએ તો “દીપ જલે જો ભીતર સાજન, રોજ દિવાળી આંગન…” બરાબર ને?

તારા પત્રના બે અગત્યના મુદ્દાઓની જરા વાત કરું. તેં શારીરિક મુશ્કેલીનો ઉલ્લેખ કર્યો એ વાંચીને મને બે ત્રણ લેખકોની વાત યાદ આવી.

શરીરને પોતાની બારાખડી હોય છે. પણ આપણે બીજું બધું ઉકેલવામાં અને ઉલેચવામાં એટલાં રચ્યાપચ્યાં હોઈએ છીએ કે શરીરની બારાખડીને ઓળખવાનો પ્રયત્ન સરખો પણ કરતા નથી.

ડો. મહેરવાન ભમગરાના પુસ્તકનું શીર્ષક છે “શરીર બોલે છે”.

લેખક કહે છે કે, બધા જૂઠ્ઠું બોલે પણ શરીર જૂઠ્ઠું ન બોલે. એ સત્ય બોલે છે પણ આપણે ક્યાં સાંભળીએ છીએ? બાકી ગાડીને નિયમિત રીતે સર્વિસમાં આપીએ છીએ તો આપણા શરીરના અંગોને કેમ સંવારતા રહેતાં નથી?

સદીઓથી સાંભળતા આવ્યા છીએ કે “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવત કેટલા અનુભવો પછી લખાઈ હશે! આ બાબતમાં મહાત્મા ગાંધીએ તેમના વિચારમંથનમાં લખેલ એક પત્ર/લેખ (‘વેબગુર્જરી’ પર પ્રસિધ્ધ થયેલ) આંખ ઉઘાડનારો છે.

બીજી વાત તેં લખી છે કે, લખવા માટે અંદરથી એક ધક્કો લાગે અને લખવા બેઠાં પછી આપમેળે સ્ફુરતું જાય, લખાતું જાય અને લખ્યા પછીની તૃપ્તિનો આનંદ અનેરો થાય. આ વિશે સંમત થઈને એમાં હું થોડો ઉમેરો કરીશ.

દરેક સર્જનપ્રક્રિયાનું મૂળ સંવેદના છે. આ સંવેદના ધક્કો મારે એ વાત સાવ સાચી. પણ એ પછી સજ્જતા એનું બીજું પગથિયું છે. જીવાતા જીવનમાંથી અને જોવાતા જગતમાંથી આપણને ઘણુંબધું સતત મળતું જ રહે છે.

થોડી સભાનતા અને સજાગતા હોય તો પંચેન્દ્રિયોને સ્પર્શતી દરેક અનુભૂતિ આપમેળે કોઈ ને કોઈ રૂપે વ્યક્ત થતી રહેતી હોય છે. પણ જો એને કવિતાના કે કલાના કોઈપણ પ્રકારમાં, એના નિશ્ચિત્ત રૂપમાં નિખારવી હોય તો થોડી સજ્જતા જોઈએ જ. જેમ થાળીમાં વેરાયેલાં રંગબેરંગી ફૂલો ગમે. પણ એને એક ‘પેટર્ન’ પ્રમાણે વ્યવસ્થિત ગૂંથીને, વેણી કે હાર બનાવીએ તો વધુ શોભે અથવા બીજી રીતે કહીએ તો નાનું બાળક હાથ-પગ હલાવીને નાચવા લાગે તો એને ડાન્સ કર્યો કહીને તાળીઓ પાડીએ અને એ જ બાળક નક્કી થયેલાં નિયમ અનુસાર તાલીમ લઈને ‘ભરતનાટ્યમ’ કે ‘કથ્થક’ કે એવું કંઈક classic કરીને બતાવે તો એ સાચી નૃત્યકલા કહી શકાય. બસ, એનું જ નામ સજ્જતા.

સાધના પછીનું સર્જન. અભ્યાસ, આયાસ અને રિયાઝ પછીનો નિખાર. સંવેદનામાં સજ્જતા ભળે તો સર્જક અને ભાવક બંનેને આનંદ મળે. કારણકે, તે માત્ર શબ્દોની રમત નથી, અંતરની જણસ  છે, અંદરની સમજણનો ખરો આકાર છે.

દર વખતની જેમ આજે મનમાં એક નવા વિષયનું બીજ ઊગ્યું છે. એક જ ઘરમાં, એકસરખા વાતાવરણમાં ઉછરેલ વ્યક્તિઓ કેટલી જુદી હોય છે. કોઈ કલાકાર બને છે, કોઈ ડોક્ટર બને છે તો કોઈ કંઈ ખાસ થઈ શક્તું નથી. કોઈ વિદેશગમન કરે છે તો કોઈ એક જ જગાએ જીવી જાય છે એવું બધું કેમ થાય છે? નસીબ?!! કે મહેનત?

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક ઉદાહરણના માધ્યમથી આ બંને વાતનો સુંદર રીતે સમન્વય કરીને કહે છે:

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન - વિકિપીડિયા

ધારો કે આપણે ગંજીપે રમીએ છીએ. ગંજીપાના જે પાનાં આપણા હાથમાં છે તે પ્રારબ્ધનો પક્ષ. પણ આ પાનાં પર આપણે આપણો ખેલ જે રીતે ખેલીએ છીએ, તે પુરુષાર્થનો પક્ષ. આપણે જેટલો પુરુષાર્થ કરીશું એટલી આપણી જીતવાની સંભાવના વધારે રહેશે.” એનો અર્થ એ થયો કે,

“જુલ્ફ કેરા વાળ સમી છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.”

બરાબર ને? અને સંસ્કૃતમાં પણ શ્લોક છે કે,
उद्यमेन एव सिध्ध्यन्ति कार्याणि न मनोरथैः।
न हि सुप्तस्य सिहस्य प्रविशन्ति मुखे म्रुगाः॥

એટલે કે, સિંહ જંગલનો રાજા હોવા છતાં એણે ખોરાક માટે પ્રયાસ કરવો પડે છે એ મોઢું ફાડીને બેસી રહે તો હરણાં આવીને એના મુખમાં પડે નહીં.

હવે બીજી બાજુ આપણા ઉપનિષદો કહે છે કે કોઇપણ ઘટના સારી રીતે ત્યારે જ ઘટે છે જ્યારે એ ઘટનામાં કૃપા ભળે છે.

પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને સાથે મળે તે જરૂરી છે. માત્ર પરમની કૃપા હોય કે માત્ર પુરુષાર્થ હોય તો પણ ઘણીવાર સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત થતું નથી. અનુભવે પણ એ જ સમજાયું છે કે, પ્રારબ્ધના ગોખે પુરુષાર્થના દીવડા પ્રગટાવવા જ પડે. જો ને, કનૈયાના અધરે સ્થાન પામવા માટે વાંસળીને કેટલી વાર વીંધાવું પડ્યું હશે?!!

નીના, આ વિષય પર ઘણું લખાયું છે. ફાધર વાલેસ કહે છે તે મુજબ “જાણે પ્રારબ્ધ ન હોય એ રીતે પુરુષાર્થ કરવાનો અને જાણે પુરુષાર્થ કર્યો જ ન હોય એ રીતે પ્રારબ્ધને આધીન થવું.” કારણકે દોરી અને હવા અનુકૂળ આવે તો જ આભ હાથમાં આવે. કિસ્મતની દોરી અને વિશ્વના ગ્રહોની હવા અનુકૂળ હોય તો જ પુરુષાર્થનો પતંગ આભ સુધી પહોંચે. શું કહેવું છે? જણાવજે.

એક સરસ વિચાર લખી વિરમું…

“આજનો પુરુષાર્થ આવતી કાલનું પ્રારબ્ધ છે.”

દેવીની સ્નેહ યાદ.

આપનો પ્રતિભાવ આપો..