અગ્નિપરીક્ષા ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:3 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. પાછલી રાતનો પવન જોરથી ફૂંકાતો હતો અને હંસા બારીએ ઊભી રહી. સ્મૃતિજળથી ભીંજાતી હતી. બહાર અંધકાર ઘૂઘવતો હતો, મુંબઈના મહિસાગરની જેમ. લાઇટ ગઈ હતી અને બારસાખે ટાંગેલું ફાનસ હવામાં ઝૂલતું હતું, તેજછાયાની આ રમતમાં જલબિંદુ ઘડીક ચળકી ઊઠતાં હતાં.

હંસા ખુલ્લી આંખે સપનાંમાં સરી પડી હતી. મુંબઈમાં દરિયાની પાળે એ પતિની સોડમાં છે અને વહાલનાં, ભરતીનાં મોજાં એની પર ઓળઘોળ થતાં ધસી આવતાં હતાં. જળનો પણ કેવો નશો હોય છે! પતિએ કહેલું વરસાદની ઋતુમાં આ દરિયો કેટલા બત્રીસલક્ષણાનો ભોગ લે છે ખબર છે? ખરેખર એ વિસ્ફારિત આંખે જોઈ રહી હતી.

`હા હંસા. પાળ પર જબરાં મોજાં આવી એના શિકારને ઝડપી લે, કોઈ બીચ પર નહાવા પડે અને ડૂબી જાય.’

`વરસતાં વરસાદમાં મને અહીં લઈ આવજો.’

`જરૂર’ તરત જ નવીને ઉત્સાહથી કહ્યું હતું. `પાણીની જે ઊંચી છોળ ઊછળે માય ગૉડ!’

એણે હાથ લાંબો કરી ખોબામાં થોડું જળ ઝીલ્યું. પવનની લહેર જોરથી વહી આવી. ઝૂલતું ફાનસ દીવાલો પર અનેક આકૃતિઓ રચતું રહ્યું. હથેળીનું પાણી વહી ગયું. કેવું લાગતું હશે રૂંવે રૂંવે ભીંજાવું! એક ભરતીની છોળ એની અંદર પણ ઊઠી હતી. એનાં તોફાને ચડેલાં મોજાં એને ખેંચીને લઈ ગયા હતા, એ પણ ડૂબતી હતી.. અંદરને અંદર…

પવનના ધક્કાથી બારી જોરથી પછડાઈ, ફાનસ નીચે પડી ગયું. કાચની ઝીણી કરચોમાં સ્મૃતિઓ વેરણછેરણ થઈ ગઈ. ચંદ્રકાંત મીણબત્તી લઈને આવે ત્યાં બત્તી ગઈ. કાચની કરચો વાગે નહીં એમ એણે સાફ કર્યું.

કેટલો સમય થયો હશે અહીં આવ્યે? મહિનો… બે મહિના… જાણે સમયની સાંકળ તૂટી ગઈ હતી અને એ છેડો પકડીને લટકી રહી હતી, લોલકની જેમ ભૂતથી વર્તમાન અને એ છેડેથી આ તરફ.

એ દૃશ્ય તાદૃશ્ય થઈ ગયું, પપ્પા હાથ પકડી ઝડપથી દાદર ઊતરી રહ્યા હતા અને પાછળ પાછળ નવીન. હંસા… પતિની બૂમે એને જાણે બાંધી દીધી, પછી એણે ખુમારીથી કહી દીધું હતું, હું જરૂર પાછી આવીશ.

પણ શી રીતે પાછી જશે?

પપ્પાની આંખોની ચોકી. તે ઘરે પાછી આવી ત્યારે દાદીએ દુઃખણાં લીધાં હતાં, સારું થ્યું તું દીકરીને લઈ આવ્યો. કોઈના ઘરના ગોલાપા કરવા વહુએ દીકરી થોડી જણી હતી!

પપ્પાએ કહ્યું હતું, થોડો વખત આરામ કરી લે, પછી કૉલેજ જવું હોય તો ભણવાનું પૂરું કરી લે, કોઈ ક્લાસ કરવા જાવું હોય તોય હું રાજી હોં!

પણ શું કરવું એને સૂઝતું નહોતું… અચાનક ઘર છોડ્યું અને એની કમાણીના પૈસા, મોબાઇલ પાછળ છૂટી ગયું હતું. પપ્પા એનો મોબાઇલ ઘડી રેઢો ન મૂકતા. સાસુને ઘર-રિપેરિંગના પૈસા, ભાઈની કૉલેજ ફીનું શું થયું હશે?

પવન સુસવતો હતો. હંસાએ બારી બંધ કરી. અંધકારના ઘૂઘવતા દરિયામાં ક્યાંય દૂર સુધી દીવાદાંડીનું તેજનું ટપકું પણ નહોતું દેખાતું. પપ્પાએ ચોખ્ખું કહેલું આ ગામમાં તારું સાસરું છે, ભૂલી જ જજે. એકવાર તો નવીનનો નાનોભાઈ મનીષ જ આવીને ઊભો રહ્યો. ભાભીને મળ્યા વિના નહીં જાઉં. એનેય ધમકાવીને કાઢી મૂક્યો.

જાણે જીવનનો એક અધ્યાય સમાપ્ત.

વરસાદનું જોર વધ્યું લાગતું હતું. વાદળ તો ત્યાં પણ વરસતા હશે. અરબી સમુદ્રના મોજાં ધસમસતાં હશે. ધોધમાર વરસાદમાં ટિફિન સમયસર આવતું હશે! ચાલીના લોકો પૂછતાછ કરતાં હશે તો એ શું જવાબ આપતા હશે. પપ્પા જેને અણઘડ, ગમાર, લોકો કહેતા હતા એ જ ચાલીના લોકોએ કેટલો સ્નેહ કર્યો હતો!

લોહીના સંબંધો વિનાનું એક કુટુંબ. શહેરમાં રહ્યા વિના એ શે સમજાય? શહેરે જ એને પોતાની રીતે જીવતાં શિખવ્યું હતું. પોતાની કમાણીથી આત્મસન્માનનું ભાન કરાવ્યું હતું.

આખી રાત નિંદરની અલપઝલપમાં વીતી ગઈ. સવારે ઊઠી ત્યારે આકાશમાં ઉઘાડ હતો. એ ફળિયામાં આવી ત્યારે દાદી ખાટલે બેસી માળા કરતાં હતાં. એ દાદીના ખોળામાં માથું મૂકી સૂઈ ગઈ. દાદીએ માળા આંખે અડાડી મૂકી દીધી અને હંસાના વાળમાં હેતથી હાથ ફેરવતા રહ્યા. હંસા આંખો બંધ કરી પડી રહી. વરસ્યા વિનાનાં વાદળોનો મનમાં કેવો ગોરંભો હતો!

દાદીએ ધીમેથી પૂછ્યું, `બોલ હંસા બેટા! તારે શું કરવું છે?’

એ ગભરાઈને બેઠી થઈ ગઈ. દાદીએ એના માથે હાથ ફેરવ્યો.

`ગભરા નહીં, શાંતિ રાખ. તારો હવાલો મને સોંપી તારો બાપ બાજુના ગામે ગયો છે. સાંજ પહેલાં કોઈ બસ નથી, તું મોકળા મને એ કે તારી ઇચ્છા શું છે?’

હંસા દાદીને વળગીને રડી પડી, `મારે ઘરે જવું છે દાદી, મારા ઘરે.’

`તો પેલા રડવાનું બંધ કર. મુંબઈમાં શું’થ્યું એની માંડીને વાત કર. મારો ચંદુ લડીઝઘડીને પરાણે લાવ્યો છે કે તું તારી મેળે ઘરમાંથી નીકળી ગઈ? અહીંથી ધુંઆકુંવા થતો ગ્યો તો.’

લવ યુ દાદી કહેતી એ દાદીને બચીઓ ભરતી ગઈ. તારા મુંબઈના વેવલાવેડા છોડ અને ઝટ વાત કર.

પછી તો એ જે વાતોએ ચડી. મોહમયી મુંબઈ, એનું ઘર અને વર, ચાલીનું જીવન અને એનું કામ, કમાણી. દાદી ધ્યાનથી સાંભળતાં રહ્યાં.

`તે તને લગન અને મુંબઈ સદી ગયા છે. એ વાત સાચી પણ નવીનકુમાર ખોટું બોલ્યા ઈ વાત પણ સાચી જ ને?’

`હા, વાત તો સાચી પણ મારું મન ત્યાં ઠર્યું એટલે મેં એમને માફ કરી દીધા અને આમ જુઓ તો બનાવટનો ઇરાદો નહોતો પણ મારા પર લાગણી બહુ એટલે દાદી.’

`ભલે બેટા, જ્યાં સુધી મનમાં ખોટ નથી ત્યાં સુધી માણસ સારો તો કે’વાય.’

એમણે પાલવના છેડાથી હંસાનાં આંસુ લૂછ્યાં, `જો તું રડતી રહીશ તો તારો દહાડો ના વળે. મન મક્કમ કર. તું ગઈ પછી મને જરાય સોરવે નહીં. ચંદ્રકાંતને કહું, સાંજે ટી.વી. મૂકી દે એમાં જોઉં કે દુનિયા બઉ બદલાઈ બેન. છોકરીયું આકાશમાં ઊડતી થઈ. ડુંગરા ચડતી થઈ અને અમે તને બાંધી રાખી છે. હવે એક વાત સોઈ ઝાટકીને કહી દે, નવીનકુમારની તારી પર માયા છે કે પછી ઍલફેલ ઈવડો ઇ?’

`મારા પર બહુ પ્રેમ દાદી.’

`વિશ્વાસ છે એની પર?’

`પંડથી ઝાઝો.’

`પછીથી પાછીપાની નહીં થાય, હોં!’

હંસા દાદીને જોઈ રહી. સંસારની ઋતુએ ઋતુમાં આમતેમ ફંગોળાયેલી, નાના બાળક સાથે એમને છોડી દઈ સાધુના ટોળામાં ભાગી ગયેલો પતિ, સસરાપક્ષ સાથે લડીને ખેતીમાં લીધેલો ભાગ. દીકરાને ઉછેરવો, પરણાવવો અને પછી નમાયી એની દીકરીને મોટી કરી, બધુંય બોખા મોંએ હસતાં હસતાં.

પણ આજે દાદીનું આ નવું રૂપ દીઠું. એ જોઈ રહી હતી એક સ્ત્રીને, એક માને.

`ઝટ જા હંસા, તારી સાસુ પાસે. પાછલી શેરીમાંથી મોં ઢાંકીને. તારા દેરના ફોન પરથી નવીનકુમારને ફોન જોડજે.’

`અરે પણ…’

`વાતોનો ટેમ નથી. એનું મન શું છે ઈ પાક્કું જાણી લે. વખત છે મન ઊઠી ગ્યું હોય! તારા પરથી! આપણે કોઈનાં હૈયામાં હાથ ઘાલ્યો છે? ઝટ ઊઠ, ને જો તારી સાસુદેરને કહેજે વાત બા’ર નો જાય.’

હંસા અધીરી થઈ ગઈ, `પણ પછી શું? પપ્પા તો કાલ ઊઠીને અમારા છુટ્ટાછેડા કરાવી નાંખશે તો? મને નહીં જવા દે.’

`તું પહેલાં ફોન તો કર. બે આખલાની લડાઈમાં ખો તારો નીકળી જાશે. તારા બાપની જેમ નવીનકુમારેય જો જીદે ભરાયો હોય કે હવે હંસા ધોળેધરમેય ન જોઈ તો તું અધવચાળે લટકી રહીશને બેટા?’

હંસાએ મોઢું ઢાંક્યું, પાછલી શેરીમાં થઈ સાસરે જઈ ઊભી રહી. એને જોતાં જ સાસુ અને મનીષ ગભરાઈ ગયા, `બેટા, તું આંહીં?’

`ભાભી, તમારા બાપુજી તમારા ભેગો મારોય ક્લાસ લેશે. કોઈ જુએ એની પહેલાં જતાં રહો.’

સાસુએ કપાળ કૂટ્યું, `ત્યાં તારા બાપે જઈ ભવાડો કર્યો અને તું આંઈ લડવા આવી? પાછી જા.’

હંસા સાસુને પગે લાગી, `ના બા. હું લડવા નથી આવી. મારા બાપુજી બહારગામ ગયા છે. મારે એમની સાથે વાત કરવી છે. મને મોબાઇલ આપ મનીષ.’

મનીષે મોબાઇલ આપ્યો અને એને અંદર મોકલી બારણું બંધ કર્યું. ફોન કર્યો, `હલ્લો મનીષીયા!’

પતિનો સ્વર સાંભળતાં જ હંસાની આંખ છલકાઈ ગઈ.

`હું હંસા.’

`અરે તું! રોજ તારા ફોનની રાહ જોતો હતો. તારી પાછળ ત્યાં આવું તો તારા બાપુજી આખું ગામ માથે લે… હંસા, તું એકલી છે કે બાપુજી સામે બંદૂક તાણીને ઊભા છે?’

`ના, હું એકલી જ છું, બાપુજીથી છાની અહીં આવી છું. હું તો તમારા વિના અડધી થઈ ગઈ પણ બાપુજીની ચોકી પાક્કી.’

થોડીવારે આંસુ લૂછતી, હરખાતી હંસા બહાર આવી, `બા, તમે લોકો કોઈને કહેતા નહીં, હું આવી હતી.’

`ના બેટા, તું ઝટ ઘરભેગી થઈ જા, હવે તો થાય તે ખરું.’

હંસા ઘરે આવી ત્યારે દાદી ઉચાટજીવે રાહ જોતાં હતાં.

`શું કીધું નવીનકુમારે?’

`દાદી, એ તો રાત-દી મારી જ માળા ફેરવે છે. આંઈ આવે તો બાપુજી એને છોડે?’

`નક્કી કે’શ તું? ખાતરી?’

`હા દાદી, સો ટકા. પણ એથી શું?’

હંસા રડમસ ખાટલે બેસી પડી.

`ચાલ, ઝટ ઊભી થા, આ બેસવાટાણું નથી.’

દાદીનો કડક ઉતાવળો સ્વર સાંભળી હંસા ગભરાઈ.

`ધ્યાનથી સાંભળ છોડી, તું નીકળી જા અહીંથી. હજી તારા બાપને આવવાની વાર છે અને ગાડીનો ટેમ છે. આવો મોકો નંઈ મળે. આ લે ટિકિટ અને વાટખરચીના પૈસા. મા અંબા તને સુખી રાખે.’

હંસા માનતી ન હોય એમ દાદીને જોઈ રહી.

`દાદી તમે મને ભાગી જવાનું કહો છો?’

`અરે ગાંડી, પોતાના ઘરે કોઈ જાય એને ભાગી જવું કે’વાય?’

`પણ પપ્પા.. નાતના અને ગામલોકો કેવી વાતો કરશે… તમને સંભળાવશે…’

`આવી વાતું તો પરપોટો કે’વાય. ઘડીકમાં ફૂટી જાય ને ચંદુ તારો પપ્પા પણ મારો તો દીકરોને? આખી જિંદગી એણે મનમાની કરી, કો’ક દા’ડો મારો વારોય આવેને?’

પણ હંસા હજી માની શકતી ન હતી.

`તમને પપ્પા પૂછશે.’

`તો મારો જવાબ રોકડો, મને ખબર જ નથી તું ક્યાં ગઈ? જો સ્ત્રીની જાત કાયમ બીજા માટે ઘસાય પણ થોડું પોતાને માટેય જીવવું પડેને? ઝટ નીકળ. અમે તો આખી જિંદગી દબાઈને ફફડતાં જીવે જીવ્યાં, હું અને તારી મા. પણ તું તારી રીતે જીવજે.’

કેટકેટલું કહેવું હતું પણ એ કશું બોલી ન શકી. એક વિદાય હતી શરણાઈના સૂર સાથે ગામની સાક્ષીએ અને આજે આ વિદાય હતી, ચૂપચાપ ભાગેડુની જેમ નીકળી જવાનું હતું.

`અને તું ફિકર નઇ કરતી. ચંદુ હવે તને લેવા મુંબઈ નઈ આવે. ઘર છોડી ગયેલી દીકરી પાછી લાવે ઇ વાતમાં માલ નહીં. એનું અભિમાન એને વ્હાલું છે પણ આપણે હવે મળીએ, નો મળીએ તું વહેતી થઈ જા બેટા. જલદી નીકળ. ઓલો ડણક દેતો આવી પૂગશે.’

હંસાએ રૂપિયાની ચોળાયેલી નોટો પાલવે બાંધી, આ માત્ર નોટો નહોતી પણ એક બે અક્ષર પાડેલી ગ્રામ્ય નારીએ આજે જીવનની અમૂલ્ય શીખ ગાંઠે બંધાવી હતી.

`પાછલી શેરીએથી નીકળ, મનીષને કે’તી જા નવીનકુમાર તને સ્ટેશને લેવા આવે. જે માતાજી.’

હંસાએ ઝડપથી પગ ઉપાડ્યા, ઝાંપે ઘડીક ઊભા રહી ઘરને, દાદીને જોઈ લીધાં. અહીંનો ઋણાનુબંધ પૂરો થયો હતો કે ફરી કદી આવી શકશે?

જય માતાજી દાદી. દૂરથી વંદન કરી, મોઢું ઢાંકી એ લગભગ દોડતી મનીષ પાસે પહોંચી, મોટાભાઈને ફોન કર મને સ્ટેશને લેવા આવે. બા આશીર્વાદ આપો. બોલતી ઊપડતે પગે સ્ટેશને પહોંચી.

લાજ કાઢી ટિકિટ લીધી ત્યાં ટ્રેન આવી, એ ચડી ગઈ અને ગિરદીમાં ભળી ગઈ. ધ્રૂજતા હાથ પાલવમાં ઢાંકી દીધા. પહેલીવાર મુસાફરી કરી ત્યારે પતિને પગલે, એના વિશ્વાસે ચાલી નીકળી હતી. આજે એ એકલી પોતાની પર વિશ્વાસ મૂકી નીકળી ગઈ હતી. જે અરબી સમુદ્રને હિલોળે એ તારતાર ભીંજાઈ હતી એમાં આજે એની હોડી ઝુકાવી દીધી હતી અને લંગર છૂટી ગયું.

હવે વળતી મુસાફરી કદાચ ન હતી.

સવારે મુંબઈ સ્ટેશને ઊતરીને એક તરફ શાંતિથી ઊભી રહી ગઈ. એ આવશે. જરૂર આવશે. ત્યાં પાછળથી બે હાથોએ એને અચાનક જકડી લીધી. એ ચમકી પછી હસી પડી. હા, દાદીએ કહ્યું હતું એમ એની દુનિયામાં એ પાછી ફરી હતી. નવીને એને ગોળ ઘુમાવી છાતીસરસી ચાંપી દીધી.

બન્ને હાથ પકડી ચાલવા જતાં નવીન અટકી ગયો,

`અરે રામ, હરખમાં સામાન વિના જ ચાલ્યા આપણે. પગમાં ચંપલ પણ નથી. તારી સાડી.. આ વેષ…!’

`તમને ખબર તો છે હું છાનીમાંની ઘરેથી નીકળી ગઈ છું!’

સ્ટેશન બહાર ટૅક્સીસ્ટૅન્ડ પર ટૅક્સી કરી નવીને દરવાજો ખોલ્યો, `મનીષે કહ્યું હતું. મને હતું તારા બાપે કેમ…’

હંસા ઊભી રહી ગઈ, `નવીન, હું કોઈનું અપમાન સહન નહીં કરું, તમારું કે મારા પપ્પાનું.’

`સૉરી. ચાલ બેસી જા.’

મુંબઈ વહેલું જાગી દોડવા લાગેલું.

ટૅક્સી ગિરદીમાંથી રસ્તો કરતી જઈ રહી હતી. શહેરની એક વિશિષ્ટ ગંધ હંસાને વીંટળાઈ વળી. નવીનથી ન રહેવાયું, `હંસા, ગુસ્સો તો એવો આવે છે કે…’

`એ વાતનો હવે બંધ વાળી દેશો તો જ સુખે જીવાશેને નવીન!’

ઓહ! કેટકેટલી વાતો કરવી હતી! વૃંદાતાઈ, શુભા, બિટ્ટુ… હમણાં બધાં મળશે. એને યાદ તો કરતા હશેને?

`અરે આ કયા રસ્તે ટૅક્સી જાય છે?’

`રિલૅક્સ હંસા.’

નવીને ડ્રાઇવરને સૂચના આપી. એ નવાઈ પામી જોતી રહી. ટૅક્સી ઊભી રહી, `ઊતરો મૅડમ હંસારાણી.’

વિશાળ કમ્પાઉન્ડમાં બગીચો હતો, અને સામે એક ઊંચું મકાન હતું, ‘ગીની ગોલ્ડ’. કમ્પાઉન્ડમાં કાર, સ્કૂટર પાર્ક કરેલાં હતાં. એ આભી બની પૂછવા જાય છે કે નવીને હોઠ પર આંગળી મૂકી અને એનો હાથ પકડી ચાલવા માંડ્યું. વૉચમૅને લિફ્ટનો દરવાજો ખોલ્યો, લિફ્ટ સરરર પાંચમે માળે ઊભી રહી. નવીન હંસાનો હાથ પકડી બહાર નીકળ્યો. હંસા નવાઈ પામતી ઊભી રહી, `ક્યાં જઈએ છીએ? અત્યારે કોઈને મળવા જવાનું? પહેલાં ઘરે ચાલો.’

નવીને ફ્લૅટને લેચકીથી ખોલ્યો, `વૅલકમ ટુ અવર ન્યૂ હોમ.’

ફ્રેમમાં જડાઈ ગઈ હોય એમ હંસા અવાક ઉંબર પર જ ઊભી રહી ગઈ.

(ક્રમશ:) 

આપનો પ્રતિભાવ આપો..