|

પ્રકૃતિનો સાદ ~ લલિત નિબંધ ~ સંદીપ ભાટિયા

મોસમનું પહેલું ઝાપટું મનની સાચી વયનું બેરોમીટર છે.

વાળને ક્લપ કરીને બીજાઓને, કે વરસાદનાં ગીતો લખીને પોતાની જાતને છેતરી શકાય. પરંતુ બારીના કાચ પર મોસમના પ્રથમ ફોરાનો ટપ્પ અવાજ સાંભળતાંવેંત માટીની સુગંધ તરફ જોયું-ન-જોયું કરી બારી બંધ કરવા દોડી જનારના મન પરની કરચલીઓ તરત ખુલ્લી પડી જતી હોય છે.

શરદી, તાવ અને ન્યૂમોનિયાથી શરીરે ચેતીને ચાલવાનું જ છે. આરોગ્ય જાળવવા બદલાતી મોસમ અને બદલાતી વય પ્રમાણે શરીરે આહાર-વિહારના નિયમો પાળવા જ રહ્યા. શરદી થઈ જતી હોય તો લૂગડાં કાઢી અગાશી પર નાચવા જવાનું ન પાલવે, કબૂલ. પરંતુ, જીવને વહેતા નેવાની નીચે ઊભું રહેવા દેવામાં ક્યાં શરદી – તાવ વળગી જવાનાં હતાં!

વૃદ્ધ મન આકાશમાંથી વરસી રહેલા ઈશ્વરના વહાલને ઝીલવા હાથને બારી બહાર લાંબો થતાં રોકે છે.

આષાઢી આકાશના સાદનો પ્રથમ ઉત્તર વનમાં મોર અને વસ્તીમાં બાળક આપે છે. વીજળીનો પહેલો ચમકારો અને વાદળાંની પહેલવહેલી ગડગડાટી થતાં જ દફ્તરને ખૂણામાં ફગાવી ઘરની બહાર દોડી જવાનું કોઈ બાળકને શીખવવું પડતું નથી.

સગાઈ બાદ અને લગ્નની પહેલાં કૂકિંગ ક્લાસમાં જતી સૌ.કા.ની માફક મોર ચોમાસું નજીક આવતાં જ ટહુકાની પ્રૅક્ટિસ શરૂ કરતો નથી.

નાળવિચ્છેદની ક્ષણ પૂર્વેના બાળ સાથેના ધબકારાનું તાદાત્મ્ય હજી સુધી જેણે ખોયું નથી એ મા બારીના સળિયા પકડી બહાર વરસાદમાં રમતાં ભૂલકાંને જોઈ રહી હોય ત્યારે આખી સૃષ્ટિની ટાઢક એની આંખોમાંથી નીતરતી હોય છે. પરંતુ જેને ઉનાળા આભડી ગયા હોય એવાં મા-બાપ પોતાનાં બાળકોને શિસ્તના એકદંડિયા કિલ્લામાં બંદીવાન બનાવી કોરાકટ્ટ રાખ્યાનું અભિમાન ઉછેરે છે. આ બાળકો જીવનભર એકાદી વાછંટનેય તરસતાં રહે છે.

મોસમનો પહેલો વરસાદ એ મનુષ્યમાંના પંચમહાભૂતને પ્રકૃતિએ પાડેલો સાદ છે. બાળકે હજી દુનિયાદારીના અને સમજદારીના રેઇનકોટ, છત્રી ઓઢ્યાં નથી હોતાં, એટલે માટીની સુગંધ અડકતાં જ એનું રૂંવેરૂંવું ઝંકૃત થઈ ઊઠે છે. એના શરીરમાંનું જળતત્ત્વ વર્ષાનાં ફોરાં સાથે વહી જવા ઉતાવળું થઈ જાય છે.

નિશાળના પહેલા દિવસે મેડીએથી ઊતરી ઓશરી સુધી આવવામાં જેને ગિરનાર ચઢવા જેટલો સમય લાગ્યો હતો એને આજે વાયુએ પવનપાવડી પહેરાવી દીધી છે. ત્રણ છલાંગમાં તો ભાઈસાહેબ મેડી પરથી ફળિયામાં ભાઈબંધોની વચ્ચે પહોંચી જાય છે.

ફક્ત વરસાદ જ નહીં, ફૂલો, વૃક્ષો, પહાડ, ઝરણાં, પ્રકાશ… સમગ્ર કુદરત માણસમાંના પંચમહાભૂતને બોલાવવા ટકોરા દઈ રહ્યાં હોય છે. આપણી કહેવાતી સમજદારીનાં પડળોને વીંધીને એમનો અવાજ ભીતર સુધી જઈ નથી શકતો.

આપણે જેમજેમ ડાહ્યા, શાણા, વ્યવહારુ થતા જઈએ તેમતેમ આપણામાંની પ્રાકૃતતા ખતમ થતી જાય છે. છેલ્લે ચિતા પર બળે છે એ તો કાટમાળ હોય છે.

શેરીમાં ઠેબે ચડતા એક ધૂળના ઢેફાનો ઉકળાટ દૂર ઘૂઘવતો દરિયો સમજે છે, પણ એને કઈ રીતે મદદ કરવી એ જાણતો નથી.

મન તો થાય છે કે, એક, બે ને ત્રણ છલાંગે પહોંચી જાઉં ને ભાંગ્યા ભેરુને ભેટી પડું. પણ માછલીઓ, જળપરી અને પરવાળાંનો વસ્તાર રેઢો મૂકી કઈ રીતે નીકળી પડાય! મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે. એક દિવસ જેઠની નમતી બપોરે આકાશ પાસે હૈયાવરાળ ઠાલવે છે. આકાશ કહે, એ મારું કામ; જ્યાં તું ન પહોંચી શકે ત્યાં આપણું રાજ ચાલે.

વાદળના બટવામાં દરિયાનાં આંસુ લઈને સવારી ચાલી છે. દમામભેર, ધૂમધડાકાભેર… આ સરઘસના પદધ્વનિ ઓળખી વિહ્વળ થઈ ઊઠ્યો છે સાંઠીકડાં વીણતો કાગડો, આળસ મરડતો દેડકો અને થનગનભૂષણ મોર.

દરિયાનાં આંસુ પામીને એ ધૂળનું ઢેફું કેવું ગળગળું થઈ ઊઠશે એ ઘટનાના સાક્ષી થવા માટે જ આમ તો મારી શેરીનાં મકાનોને ઝરૂખા અને બારીઓ બેસાડ્યાં છે. પણ ક્યાંક ક્યાંક એનો ઉપયોગ ફક્ત પાપડ સૂકવવા અને સવારે બ્રશ કરવા પૂરતો જ થાય છે.

~ સંદીપ ભાટિયા 

આપનો પ્રતિભાવ આપો..