આથમણી કોરનો ઉજાસ ~ ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી ~ પત્ર: ૪૧ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૪૧

પ્રિય નીના,

વ્યસ્તતાને કારણે પત્ર ભલે મોડો મળ્યો પણ મન મૂકીને મળ્યો અને પૂરેપૂરો સંવાદ સાધીને મળ્યો તે મહત્ત્વનું છે. મારા એકેએક મુદ્દાને તેં પૂરો ન્યાય આપ્યો તેનો આનંદ. આજે વળી થોડી નવી વાતો લખું છું.

ગયા અઠવાડિયે અમે યુએસએ.ની ત્રણ જુદી જુદી જગ્યાની મુલાકાત લીધી. ફિલાડેલ્ફીયા, બાલ્ટીમોર અને પેન્સીલ્વાનિયાની પેનસ્ટેટ કોલેજ.

કહેવાય છે કે, અમેરિકામાં પાનખર ઋતુમાં ઉત્તર-પૂર્વ દિશામાં કુદરતમાં પથરાયેલા રંગોના મેઘધનુષી ગાલીચાને જેણે ન જોયો હોય તે માનવી ઓછો ભાગ્યશાળી ગણાય. આમ તો સપ્ટે.નું છેલ્લું અઠવાડિયું હોવાથી હજી પાનખરની માંડ શરુઆત થઈ મનાય. તેથી હજી સોળે કળાએ એ રૂપ નીખરવાને થોડી વાર.

The US Will Soon Look Like An Autumn Wonderland Based On The Fall Foliage 2022 Forecast - Narcity

ખૂબ વહેલી સવારે અમે બંને કારમાં નીકળ્યાં હતાં, પણ ત્યારે જે અનુભવાયું તેની આ વાત. ભૂરા, વિશાળ આકાશમાં વાદળાઓના ઢગલામાં જાણે કોઈ એક અદીઠ ચિતારો, હાથમાં પીંછી લઈ તૈયાર ઊભો હતો.

પર્વતો પરનાં લીલાં ઝાડ-પાન પર રંગના અત્યારે તો માત્ર છાંટણા જ કરી રહ્યો હતો. એટલે ઠેકઠેકાણે એની ખંખેરાયેલી, છંટકાયેલી પીંછીમાંથી બે-ચાર રંગોનાં છૂટક-છૂટક ઝુમખાં દેખાતાં હતાં. પણ જોતજોતાંમાં તો એના સમયપત્રક પ્રમાણે જાણે આ કુદરતના કેનવાસ પર એના તમામ રંગોથી ભરેલો, નયનરમ્ય મખમલી રંગીન ગાલીચો સજાવી દેશે.

ઘણીવાર જોયા છતાં જ્યારે જ્યારે એ જોવાનું થાય છે ત્યારે ત્યારે પાનખરની ભવ્યતા મને કદીક વાસંતી રૂપ કરતાયે ચડિયાતી લાગે છે. ખરેખર નીના, અપસ્ટેટ ન્યૂયોર્ક તરફ આ દૃશ્યો અનુપમ શોભે છે.

Amazing Fall Color in Upstate NY :: Baseball Hall of Fame, Hiking & More!

પ્રકૃતિના સૌદર્યને માણવાનો પણ એક અજબનો નશો હોય છે; નહિ? સવાલ કરું છું ને એની સાથે ગુલઝારના બે શેર યાદ આવે છે.

हर बात का कोई जवाब नही होता
हर इश्क का नाम खराब नही होता
यु तो झूम लेते है नशे में पीनेवाले
मगर हर नशे का नाम शराब नही होता

किसी किसी नशे का नाम कुदरत का ऐसा करिश्मा भी होता है !!!

હા, તો વાત હું પાનખરની કરતી હતી. નીના, વસંતને હું પાંદડાના દરબારમાં કળીઓનો રાજ્યાભિષેક કહું છું તો પાનખરને અનુભવના હીરા-જડિત ગાદીએ હીંચતી ભવ્ય ગરિમાનો હિંડોળો કહું છું.

પાનખર મને ગમે છે, સૂર્યાસ્ત પણ ગમે છે. કારણ કે એ બંને અદબભેર ઊગી શકે છે અને આથમી પણ શકે છે; ખીલી શકે છે અને ખરી પણ શકે છે. આ ખીલીને ખરવાની અને ખરીને ખીલવાની કુદરતી લીલા કેટલું બધું ભણાવી જાય છે, નહિ?

Where to See The World's Best Sunsets | Condé Nast Traveler

કોણ જાણે મને હંમેશા આકાશ તરફ જોવું પણ ગમે. કદાચ મનમાં સતત સૂર્ય અંગે દેવત્વનો ભાવ જાગતો રહે છે. પૂરવનો જાદૂગર આવે, છાબ કિરણની વેરે, હળવે હાથે ધીમું સ્પર્શે, પડદા પાંપણના ખોલે. વૃક્ષનું પણ એમ જ છે. એ બંને કેવળ આપે છે, લેવાની અપેક્ષા વગર. અને એમાંથી એક પ્રચંડ શક્તિનો સંચાર મળતો અનુભવાય છે. મનની ખૂબ શાંતિમાં આવું કંઈક જોવા મળી જાય છે ત્યારે વૃક્ષ પર ટહુકો ફૂટે તેમ અંતરમાંથી ભાવ-શબ્દો ફૂટે છે.

Which Trees Offset Global Warming Best?

પછી તો આ બધું જોતાં-જોતાં અમે બંને જીવનની પાનખર, સંધ્યાકાળ વિશે ચર્ચામાં ઊતરી પડ્યાં.

સર્પાકારે પથરાયેલા વળાંકવાળા પેન-સ્ટેટના રસ્તાઓ પર કાર ચાલી રહી હતી. મુદ્દો એ હતો કે શુભ પ્રસંગે વડિલો તરફથી “સો વરસના થજો…શતં જીવ શરદઃ” એવા આશીર્વચનો મળતાં રહેતાં હોય છે તો ખરેખર દીર્ઘ જીવન વરદાન છે કે પછી અભિશાપ?

કલાકો સુધી ઘણા વિચારોની, અનુભવોની, દાખલા-દલીલોની આપલે થઈ. અંતે એક વાત ફલિત થઈ કે, હાથ-પગ સાજાસમા રહે ત્યાં સુધીનું જીવન વરદાન; બાકી અભિશાપ. મને ખાત્રી છે આ વિષય પર સરસ પ્રતિભાવથી ભર્યો તારો પત્ર મળશે.

બીજી એક વાત આજે નૃત્યકલાની કરવી છે. હું માનું છું કે, નૃત્ય એટલે કલામય અંગભંગી અને તે દ્વારા ભાવોની અસરકારક રજૂઆત. કલાના વિવિધ પ્રકારોમાં નર્તન પણ એક છે જે મને નાનપણથી ખૂબ જ ગમે.

Famous traditional dance forms of India you should know about - Hindustan Times

અભ્યાસની સાથે સાથે નૃત્યોમાં પણ મન દોડી જતું. સદનસીબે હાઈસ્કૂલના સમય દરમ્યાનમાં મણીપૂરી, બાલી, આસામી વગેરે નૃત્યો અંગે થોડું થોડું શીખવા મળ્યું હતું. યાદ છે આપણે એક વખત જુદી જુદી જગાએ રાજસ્થાની નૃત્ય સાથે કર્યું હતું.

હા, તો હમણાં એક સુંદર “વૃક્ષાંજલિ” ડાન્સ જોયો. અદભૂત.. સુપર્બ.. વૃક્ષના આકારમાં દર્શાવાતી મુદ્રાઓ, પવનથી હાલતી ડાળી, ડાળી પરથી પડતાં પાંદડાં, ખીલું ખીલું થતી કળીઓ, વિકસીને પૂર્ણરૂપે થતાં પુષ્પો વગેરે એટલી સુંદર રીતે જાણીતા નૃત્યકાર શ્રીમતિ રમા વૈદ્યનાથે રજૂ કરી બતાવ્યા છે કે બસ.. મઝા આવી ગઈ. સાંભળવા મુજબ તેમને પદ્મશ્રીનો ઈલ્કાબ પણ મળ્યો છે.

Every artiste has personal dialogue with art form: Dancer Rama Vaidyanathan
રમા વૈદ્યનાથ

નૃત્યકલામાં વધુ પ્રગતિ કરી રહેલ અને હાલ બાલ્ટીમોરમાં રહેતા શુચિબેન બૂચ પાસેથી આ લાભ મળ્યો જેને તારી સાથે શેર કર્યા વિના રહી ન શકાયું. કુદરતની સાથે સંકળાયેલી આ કલા પણ સૂરની સાથે ભળી શબ્દને અને એના ભાવને ઑર નવીનતમ રૂપ બક્ષે છે.

ચાલ, છેલ્લે કલાવિષયક એક બે પંક્તિઃ

साहित्य संगीत कलाविहीनः
साक्षात पशुपुच्छविषाणहीनः।
तृणं न खादन्नपि जीवमानः
तदभाग्धेयं परमं पशुनाम्॥

અર્થ તો તને ખબર હશે જ. છતાં લખી જ દઉં!

સાહિત્ય, સંગીત અને કલા વગરનો માણસ,પૂંછડા અને શિંગડા વિનાનો સાક્ષાત પશુ જ છે. તે ઘાસ ખાધા વિના પણ જીવી શકે છે, તે પશુઓનું મોટું ભાગ્ય છે!

નિરસ માણસો માટે સરસ વ્યંગ છે આમાં…

ચાલ, અટકું?

દેવીની સ્નેહ યાદ.

આપનો પ્રતિભાવ આપો..