બોન્સાઈ ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:7 (7માંથી) ~ અંતિમ ભાગ ~ લે: વર્ષા અડાલજા

બોન્સાઈ-ભાગ 7 (અંતિમ)

ભોંયને ખોતરતી હોય એમ એની નજર નીચે જમીન સરસી હતી.

`પ્રસાદજી ખૂબ હોશિયાર. નેતાઓનાં ચીંધ્યાં કામ કરતાં કરતાં એ આજે ક્યાં છે તે તું જુએ છેને ઉમા? એમણે તો હરણફાળ ભરી પણ હું ઘરસંસારને ખીંટે બંધાઈને પાછળ રહી ગઈ. અમારી વચ્ચે એક જ સમાનતા, બન્નેને બાળકની ઝંખના હતી. મને એક બાળક જોઈતું હતું, મારું પોતાનું હોય એવું કોઈક અને પ્રસાદજીને વારસ જોઈતો હતો, એનાં સપનાંનો વારસ.’

અચાનક ઉમાએ જોયું. એમની બુઝાયેલી આંખમાં એક તણખો ઝગી ઊઠ્યો. અગ્નિનું ઝીણું કેસરી ટપકું. ઉમાનાં રૂંવાં ફરફરી ઊઠ્યાં. આ સ્ત્રીએ શું કહેલું, બેઠી ભોંય ખોદવી રહેવા દે! પણ ભોંયમાં ઊંડે ઊંડે માત્ર સોનાનાં ચરૂ જ નથી હોતાં. ક્યારેક કુંડળી મારી ભોરિંગ ફૂંફાડા મારતો હોય છે.

`આવ્યો, મારા જીવમાં નવો જીવ આવ્યો. જે દિવસે છોકરું ફરક્યું એ દિવસે મેં શીરો શેકીને ખાધો. પહેલી વાર જીવનમાં હું ખૂબ ખુશ હતી ત્યારે મને શું વિચાર આવ્યો ખબર છે?’

એના ચહેરાને જોતાં ઉમા ડરી ગઈ.

`મને થયું હતું કે આ બાળકને હું એવું મારું બનાવીશ કે એ બાપના વારસને નકારી દે.’

અરુણાબહેન હસી પડ્યા, અંદરના ભોરિંગે ફૂંફાડો માર્યો હોય એવું. ઉમા ઠરી ગઈ.

`પણ કસુવાવડ થઈ ગઈ. ત્યારથી આ પૂજાપાઠને ચાળે ચડી ગઈ, રન્નાદે તારે દરબાર શી ખોટ! એક ખોળાનો ખુંદનાર દે. દીધો અને લઈ પણ લીધો.’

ધીમે ધીમે એમની આંખનો તણખો રાખમાં ઢબુરાઈ ગયો.

`પ્રસાદજી બીજા બેડરૂમમાં જતા રહ્યા. એમને થયું હશેને કે આ તલમાં હવે તેલ નથી! એક રીતે સારું થયું મારો છુટકો થયો, ઘડી ઘડી શરીર ધરી દેવામાંથી બચી ગઈ. હું મારી દુનિયામાં સુખી હતી ઉમા, પછી તું અમારા જીવનમાં આવી.’

ઉમા છક્ક થઈ ગઈ. જે સ્ત્રીને એ અબૂધ, કદીક અક્કલહીન પણ ગણી હતી એ મનમાં કેવી આગ ભરીને જીવતી હતી!

ઉમા થરથરતા અવાજે બોલી, `હું?’

`હા તું. મને આશા હતી કે તું આ નિષ્પ્રાણ ઘરમાં પ્રાણ ફૂંકશે. અવંતિને મોટાભાઈના પંજામાંથી છોડાવશે. પ્રસાદજી તને પસંદ કરીને લઈ આવ્યા, હું સજાગ હતી કે હવે તને પણ પલોટશે. આ એમની રમત હું ન જાણું? એમની ઑફિસમાં શેટ્ટી, મિસીસ દેશપાંડે એવા કેટલાંક છે જેને એમણે ઉપકારના બોજ નીચે દબાવી રાખ્યા છે. એક જ ખોટ હતી, યુવાન ભણેલી સુંદરસ્ત્રીની. એ ખોટ પૂરી કરી તેં.’

`હા, ભાભી, એ સત્ય મને સમજાઈ ગયું એટલે જ મેં એમનું કામ સંભાળવાની ના પાડી.’

`હું પણ એ જ ક્ષણની રાહ જોતી હતી ઉમા. નાનાભાઈની પત્ની રાતદિવસ સાથે રહે, ટ્રાવેલિંગમાં સાથે સમય વિતાવે.. તો કોઈને વહેમ પણ ન આવે અને તું એમને વારસ આપે.’

ઉમા ધ્રૂજી ઊઠી. એક સ્ત્રીએ કરેલો ગર્ભિત ઇશારો એ સમજી શકી. એ ફાટી આંખે અરુણાબહેનને જોઈ રહી.

`ભાભી!’

`હા ઉમા. ભલે થોડા વરસ પણ જેનું પડખું સેવ્યું એ પુરુષનું રૂંવાડુ સ્ત્રી પારખી શકે છે. મારે પાછા જવાનું કોઈ ઠેકાણું નથી એટલે મેં આ જીવન સ્વીકારી લીધું છે. તું જુએ છે ને બહેન! મેં મારી નાનકડી દુનિયા આ મૂર્તિઓ સાથે વસાવી લીધી છે. તારે શું કરવું છે એવો તું વિચાર કરી લેજે. હજી તારી પાસે છે કાલ સવાર સુધીનો સમય. ચોવીસ કલાક.’

એમણે ઠાકોરજીના વાઘાની પેટી બંધ કરી અને મંદિર સામે બેસી એમણે દીવાની વાટ વણવા માંડી. ઉમા પલંગની ધારનો ટેકો લઈ માંડ ઊઠી. પડી જવાની હોય એમ થોડી વાર ઊભા રહી એણે પોતાને સ્થિર કરી. એ પોતાની રૂમમાં આવી. પાણી પીધું, સ્વસ્થ થઈ. તૈયાર થઈ એ ઘરેથી નીકળી અને રિક્ષા કરી. અવંતિને મૅસેજ કર્યો, હું મ્યુઝિક ક્લાસમાં જાઉં છું, ફોન સ્વીચ-ઑફ કરી દીધો.

ઘણા વખતે જૂના મકાનના દાદરા ચડી એ અગાસી પર આવી, ગુરુજી પથારીમાં સૂતા હતા અને એમનો દીકરો સુનિલ વર્ગ લઈ રહ્યો હતો. એ પણ સહુ સાથે બેસી ગઈ. વર્ગ પૂરા થતાં એ ગુરુજીને પ્રણામ કરવા ગઈ, હવેથી એ નિયમિત આવશે જાણી એ ખૂબ રાજી થયા. એને માથે હાથ મૂકીને કહ્યું, બેટા! વેલકમ.

આશીર્વાદ ઝીલતાં એ પ્રણામ કરીને નીચે આવી, રિક્ષા કરી. મનને ખૂબ સારું લાગ્યું. ઘરે પાછી ફરી અને થોડી વારમાં બન્ને ભાઈઓ પાછા ફર્યા. એ કશુંક વાંચી રહી હતી, અવંતિ રૂમમાં આવતાં એ ઊભી થઈ ગઈ. એ બાથરૂમમાંથી બહાર આવતાં ઉમાએ તરત પૂછ્યું, `તમારે કંઈ નથી કહેવું? મારો મૅસેજ વાંચ્યો હતો?’

પીઠ ફેરવી શર્ટ બદલતાં એણે કહ્યું, `હા, અને તમે ક્લાસમાં જઈ આવ્યા?’

`તમે પણ મોટાભાઈને પગલે મારી પર નીતિનિયમો લાદશો કે તમને પૂછ્યા વિના કંઈ ન કરી શકું?’

‘ચાલો’ કહેતાં અવંતિ રૂમ બહાર નીકળી ગયો. એ પણ ડાઇનિંગ ટેબલ પાસે આવી ત્યારે શંભુપ્રસાદ ટેબલ પર મોબાઇલના મૅસેજિસમાં વ્યસ્ત હતા. અરુણાબહેન રસોડું ડાઇનિંગ હૉલ વચ્ચે દોડાદોડીમાં હતા, હંમેશની જેમ. પતિ અને દેરની રુચિ પ્રમાણે એમણે જુદી જુદી જાતના ઢોસા બનાવડાવ્યા હતા, પણ ઉમાએ જોયું શંભુપ્રસાદનું જમવામાં ભાગ્યે ધ્યાન હતું. અવંતિએ કહ્યું, થૅન્ક્સ ભાભી. જમવામાં મજા આવી. ઉમા જોઈ રહી, આ એ જ સ્ત્રી હતી જેને એ બપોરે મળી હતી!

જાણે આવનારી ક્ષણ વિસ્ફોટક હોય એમ ઉમા કાન માંડી રહી.

મોબાઇલમાં વ્યસ્ત શંભુપ્રસાદ ઊભા થઈ ગયા. અરુણાબહેને પીરસવા લીધેલી પ્લેટ પાછી મૂકી દીધી. મોબાઇલ શંભુપ્રસાદે લંબાવ્યો, તરત અરુણાબહેને લઈ લીધો અને એમની રૂમમાં ચાર્જર પર મૂકવા ગયા. શંભુપ્રસાદે ઉમા સામે જોઈને કશી પ્રસ્તાવના વિના કહ્યું,

`કાલથી તારે ઑફિસે આવવાનું છે.’

ઉમા ઊભી થઈ ગઈ, નમ્રતાથી કહ્યું,

`સૉરી મોટાભાઈ, મને જાહેર જીવન કે પૉલિટિક્સમાં બિલકુલ રસ નથી, હું નહીં આવું. મેં સંગીતના વર્ગમાં પ્રવેશ લઈ લીધો છે.’

શંભુપ્રસાદનું શરીર ધનુષની પણછ જેવું તંગ થઈ ગયું. એમનો આદેશ કોઈ ઉથાપે એવો જીવનમાં પહેલો જ પ્રસંગ. એમના સ્વરમાં ધારદાર શસ્ત્રની તીખાશ હતી, `તને ખબર છે તું કોની સામે બોલે છે?’

`જી.’

`ઉમા! તારી આ હિંમત કે મારો બોલ ઉથાપે છે? તું છે કોણ? કોણ ઓળખે છે તને? ગરીબ ઘરમાંથી તને ઊંચા આસને મેં બેસાડી…’

ઉમાની હથેલી પરસેવાથી ભીની થઈ ગઈ હતી. અંદરથી ભય પણ લાગતો હતો. પગ મૂળિયાં બની જમીનમાં ઊતરી ગયા હોય એમ એ મક્કમ ઊભી રહી. શંભુપ્રસાદની પીઠ પાછળ ઊભેલા અરુણાબહેન એને તાકી રહ્યા હતા. એમણે ગરદન ઊંચી કરી ઉમા સામે જોયું.

ઉમાએ વચ્ચે જ હાથ ઊંચો કરી શંભુપ્રસાદને રોક્યા, `સૉરી મોટાભાઈ, મારું ઘર, ગરીબ પિતા સાધારણ સ્થિતિના પણ તમે જ મને શોધી, પસંદ કરીને ઉતાવળે લગ્ન કરાવ્યા ને? તો એ જ મારી હેસિયત અને લાયકાત.’

`ઉમા!’

જંતરડાની જેમ ગોળ ગોળ ઘૂમતું નામ ચોતરફ ફંગોળાયું. અવંતિ ઊભો થઈ ગયો. અરુણાબહેન દૂર અદબ વાળીને ઊભા હતા. શંભુપ્રસાદ આવા ઉઘાડા અનાદરથી જીવ પર આવી ગયા એમ નાનાભાઈ પર વરસી પડ્યા, `અવંતિ! તારે કંઈ કહેવાનું નથી તારી બૈરીને?’

ગાળ જેવો બૈરી શબ્દ ઉમાને જોરથી વાગ્યો. એણે મનને સંયત કરવાની કોશિશ કરી.

‘ના.’ અવંતિએ ધીમેથી બોલી દીધું.

શંભુપ્રસાદનો ફળફળતો ચહેરો અને તરાપ મારવા તત્પર હોય એની કાયા જોઈ ઉમા પણ સજાગ થઈ ગઈ. કદાચ અવંતિ પર ધસી આવે સમજી એ બે ડગલાં આગળ આવીને ઊભી રહી. આજે એક શબ્દ પણ એના માટે બોલીને પતિએ એનું મન ફરી જીતી લીધું હતું. હવે કશું કહેવાનું કે સાંભળવાનું રહેતું નહોતું.

`મોટાભાઈ સહુની સાથે સુમેળથી રહીને હું મારી રીતે જીવવા માગું છું. મારી વાત પૂરી થઈ. આશા છે તમે મને સમજશો.’

`તારામાં સમજવા જેવું છે શું? આ મારા ઘરમાં રહેવું હશે તો મારી મરજી મુજબ જ જીવવું પડશે. એમાં કોઈ દલીલ નહીં ચલાવી લઉં અને મારી વાત પણ પૂરી થઈ.’

એ જાણતી હતી વાત આ બિંદુ પર આવીને અટકવાની હતી. એમણે દોરેલી લક્ષ્મણરેખાને કૂદીને જવાનો આ સમય હતો.

`સારું થયું તમે મને રસ્તો ચીંધી દીધો મોટાભાઈ. તમે તો જાણો જ છો કે મને એશોઆરામની આદત નથી. એટલે એ છોડવાનું મને કોઈ દુઃખ નથી પણ હું આ ઘરમાં તમારી રીતે નહીં જ જીવી શકું.’

શંભુપ્રસાદને ખાતરી હતી છેલ્લે બધું સમ પર આવી જશે, ઉમા માફી માગી લેશે, નમી પડશે પણ એક વીસ-બાવીસની સાધારણ કુટુંબની છોકરી એની સામે ટટ્ટાર ઊભી રહેશે એવું એમણે ધાર્યું નહોતું. સહુની સામે એને પડકાર ફેંકતી, અદબ વાળી એ ઊભી રહી ગઈ હતી.

ગો ટુ હેલ એમણે જોરથી પાડેલી ચીસથી જાણે ઘર ધરતીકંપથી ધ્રૂજી ઊઠ્યું.

ઉમાએ ડઘાઈને ઊભેલા અવંતિને ખભે હાથ મૂક્યો, `ભલે અવંતિ, હું જાઉં છું પણ હું તમારી પ્રતીક્ષા કરીશ.’

શંભુપ્રસાદની બાજુમાં થઈને જતાં જતાં એણે અરુણાબહેન સામે જોયું. એમના ચહેરા પર આછું સ્મિત હતું એને પાલવમાં આશીર્વાદની જેમ ઝીલી લઈ એ ઘર બહાર નીકળી ગઈ.

(સમાપ્ત)

આપનો પ્રતિભાવ આપો..