સ્નેહસૌરભ પ્રસરાવતા રહ્યા ~ પિતા વિષે લેખ ~ ડૉ. નિરંજના જોશી (મુંબઈ)
પરિશ્રમ એ જ પારસમણિ… જેમના જીવનનું સૂત્ર જ આ હોય, તે પોતે તો આજીવન પરિશ્રમ કરે જ અને પોતાના સંપર્કમાં આવતા સૌને એ પારસમણિના લાભનો અનુભવ કરાવે.
આ મારા પિતાજી! લાંબો સફેદ ડગલો, ઉપર કાળા બટન,માથે કાળી ટોપી, ધોતિયું – આ તેમનું પરિધાન. વાસુદેવ અને રુકિમણીના વિવાહ સ્થળ માધવપુર તેમનું વતન. બંને ભાઇઓની સાથે ફોઈના દીકરાઓને પણ જેમની માવડીએ ગામનાં દળણાં દળી, પાણી ભરી ઉછેર્યાં.
તેમના મોટાભાઇ ત્યાં શિક્ષક હતા અને નાના ભાઇને એટલે કે મારા પિતાશ્રીને (જેમને અમે સૌ સંતાનો ‘કાકા’ કહી સંબોધતા) એક સજ્જન વેપારીએ બ્રાહ્મણપુત્ર તરીકે સ્ટીમરમાં બેસાડી મુંબઇ પહોંચાડ્યા.
વીશીમાં જમવાનું, દિવસ આખો કાપડની માર્કેટમાં ખભા પર કાપડના તાકા ઉપાડી દલાલી કરવાની. રાતવાસો શેઠના મકાનના આંગણે. બદલામાં શેઠાણીના નાનાંમોટાં બજારમાંથી ખરીદીના કામ કરવાના.
અમાસને દિવસે વીશીમાં મિષ્ટાન્ન મળે પણ ન ખાઓ, તો પૈસા બચે. રવિવારે સાંજે વીશીમાં ન જમો, તોપણ બચત થાય. એમ વિચારી પઇ પઇની બચત કરી તેમાંથી જણસ તરીકે એક કંદોરો ઘડાવી સાચવી રાખ્યો હતો, જેમાંથી ભવિષ્યમાં સંતાનોના આભૂષણોનો મેળ થઇ ગયો.
ધીરે ધીરે મૂળજી જેઠા માર્કેટમાં પોતાની દુકાન કરી. જથ્થાબંધ કાપડના વેપારી તરીકે નામ કમાવ્યું. પ્રામાણિકતા, નીતિમત્તા, ધૈર્યને કારણે મદ્રાસના, કેરાલાના વેપારીઓ જોડે માત્ર ગ્રાહક- વેપારીનો યંત્રવત્ વ્યાપારિક સંબંધ જ ન રહેતાં ઘરવટ સંબંધો વિકસ્યા. દર દિવાળીએ તે ગ્રાહકો ઘરે આવતા.
ઉપરાંત એક મોટી શીપિંગ કંપનીના માલિકે પોતાની કંપનીનો સઘળો આર્થિક વહીવટ કાકાને સોંપી દીધો હતો. વિશ્વાસે વહાણ તરે. પોતાના સગા દીકરાઓ કરતાં એ ભાટિયા પરિવારના માલિકને મારા પિતાજી પર વધુ ભરોસો હતો.
નેપિયન્સી રોડ પરના તેમના બંગલે અમારા આખા પરિવારને ભોજન માટે ક્યારેક નિમંત્રણ આપતા. સ્વદેશી માર્કેટમાં તેમની પેઢી હતી. રોજ અમારી દુકાન વધાવી કાકા ત્યાં મુલાકાત લેતા. કાપડના ઇમાનદાર બ્રાહ્મણ વેપારીને હિસાબે તેમને ‘ મહારાજ’ કહી સંબોધતા.
અમારા સંયુક્ત કુટુંબમાં અમે ચાર ભાઇ (હવે બે જ) અને હું, મારા મોટા બાપુજી તેમનો પરિવાર સાથે રહેતા. મારા જન્મ વખતે જ્યારે હું ભૂજ (કચ્છ) હતી, ત્યારે મુંબઇમાં ઠેકઠેકાણે મકાનના વેચાણ માટે “For Sale” પાટિયાં લાગ્યા હતા. ત્યારે કાકાએ એક આખું મકાન જ ખરીદી લીધું હતું.
વ્યાપારિક જવાબદારી કાકા સંભાળતા અને ગૃહવ્યવસ્થા મોટા બાપુજી. આમ સંયુક્ત કુટુંબમાં સંતાનો સૌનો પ્રેમ પામતાં હોવાથી હૂંફનો અભાવ નહોતો વર્તાતો.
કાકાની સંતાનો પ્રત્યે પ્રેમ દાખવવાની રીત એટલે રવિવારે સ્ટુડિયોમાં ફોટો પડાવવા લઇ જાય, આઇસ્ક્રીમ ખવડાવે, સૌના મનપસંદ વસ્ત્રોની ખરીદી કરાવે, ઘોડાગાડીમાં ચોપાટી ફરવા લઇ જાય.
જ્ઞાતિજનોમાં પણ આદરણીય સ્થાન ધરાવતા હોવાથી અમારી જ્ઞાતિની બૉર્ડિગ ઊભી કરવા માટે પાંચ જ્ઞાતિબંધુઓ ફંડ એકઠું કરવા સ્ટીમરમાં આફ્રિકા ગયા હતા; જેમાંના એક મારા પિતાજી પણ હતા.
જે જમાનામાં સાત સમંદર પાર કરવો જ્ઞાતિબહિષ્કારમાં પરિણમતો એ કાળમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આવાસની વ્યવસ્થા કરવાનો વિચાર કરી દેશાવર પ્રવાસ ખેડવો એ જ અમારા માટે ગૌરવાસ્પદ હતું. તેમનો પાસપોર્ટ જોઇ અમે રાજી થઇ ગયા હતા.
દીકરીને ‘બેન’ સંબોધન કરે, ત્યારે તેમની આંખમાંથી અમી અને વાણીમાંથી મધ જેવી મીઠાશ ઝરતી.
આજીવન સાદી સીધી ખાણીપીણી, નિયમિત શિસ્તબદ્ધ રહેણીકરણી, આંગણે આવેલ સૌને ભાવભીનો આવકાર- આ સૌ તેમની જીવનશૈલી! પરિણામે માત્ર અંગત પરિવાર પૂરતો જ નહીં,પણ જ્યાં જતા, જેમના સંપર્કમાં આવતા, તે સૌને સ્નેહસૌરભ પ્રસરાવતા રહ્યા.
આજીવન આહાર-વિહારની સંયમિત પદ્ધતિને કારણે છેવટ લગી કોઇ બિમારીનો શિકાર નહોતા બન્યા. વચલા કાળમાં સાયેટિકાની અસરને કારણે ચાલવામાં તકલીફ થવાથી વજ્રેશ્વરી ૧મહિનો બા-કાકા ને હું રહ્યા હતા. મારું એમ.એ.નું વર્ષ હોવાથી ત્યાં ઉપર અગાશીમાંથી સૂર્યોદય માણતાં “કાદંબરી”નો કરેલો અભ્યાસ આજ સુધી મારા સ્મૃતિપટ પર યથાવત્ છે.
સંજોગવશાત્ ભારત-ચીન યુદ્ધ વખતે વાલકેશ્વર સૅનેટોરિયમમાં અમે રહેવા ગયા હતા, ત્યારે રોજ હેંગીગ ગાર્ડન ચાલવા જતા, તો ત્યાંની મિત્રમંડળી જોડે પણ ભાવસંબંધ બંધાઇ ગયો અને ‘સંગાત્ સંજાયતે કામ:’-ના ન્યાયે વાલકેશ્વર ખાતે કાયમી આવાસ બનાવી લીધો.
એક દીકરી તો પિતાની ભાવનાને સમજે, તે સહજ છે, પણ પુત્રવધુ પણ સસરાને ઋષિતુલ્ય સમજે અને પોતાના પ્રત્યે દાખવેલી સંબંધની સૌરભ વહેંચે, તેની પણ નોંધ લેવી જ પડે. એ જ વહુ સસરાજી પાસેથી “દેવી” બિરૂદ પામે. સસરાજી માટે વહુને પણ “સસરા એટલે શાંત, સરલ, સ્થિતપ્રજ્ઞ, નિખાલસ, પ્રેરણામૂર્તિ વડીલ” શબ્દો વાપરીને સ્મરણાંજલિ આપવી ગમે એમાં જ પારિવારિક સ્નેહ નીતરતો જોવા મળે.
એક સૂત્રમાં પરોવાયેલા મણકાની જેમ રહ્યા બાદ જ્યારે એક એક મણકા છૂટવા લાગે, ત્યારે પિતાજીને થયેલી વ્યથાએ તેમને નવરાત્રિના ત્રીજે દિવસે ઇશસ્મરણ કરતાં કરતાં પરમધામે પહોંચાડ્યા.
“મરણનું સ્મરણ એ જ જીવનની સાર્થકતા “
~ ડૉ. નિરંજના જોશી (મુંબઈ)