‘ફાધર્સ ડૅ’ તો હોય છે જ, રોજ જ….! ~ નંદિતા ઠાકોર

માએ નાનકડી દીકરીના હાથમાં પાણીનો ગ્લાસ આપીને પપ્પાને આપી આવવાનું કહ્યું. તોફાની દીકરીએ માને પૂછ્યું; ” હું કેમ આપું? ભાઈને કે’ને!’

માએ દીકરીને સમજાવ્યું કે બહારથી થાકેલા આવેલા પપ્પાને તો દીકરીના હાથનું જ પાણી ભાવે છે. દીકરી ખુશ ખુશ. પોતાના પપ્પા તો ખાલી પોતાના હાથનું જ પાણી પીએ છેની બડાશ વર્ષો વીતવા સાથે પાણીમાંથી ચ્હા સુધી, પછી જાતે બનાવેલી વાંકીચૂકી ભાખરી અને ધીરેધીરે સરસ ભોજન સુધી પહોંચી.

બડાશમાંથી પોતાના અબાધિત અધિકાર સુધી પહોંચેલી આ સુખની સરવાણી સતત વહેતી રહી અને દીકરાની ક્વચિત ફરિયાદો-‘ તમને તો એ જ વ્હાલી છે કે, તમે તો એને માથે જ ચડાવો છો ‘ જેવી ) નજરઅંદાજ કરીનેય એ પિતાએ પણ દીકરીનો આ અધિકાર સતત સર આંખો પર રાખ્યો.

ઓફિસેથી થાકીને આવતા પપ્પા, જીવનની નાની મોટી લડતો સામે ખુમારીથી બાથ ભીડતા પપ્પા, સિદ્ધાંત અને સંતોષની જ આંગળી પકડીને ચાલતા પપ્પા,  પુસ્તકોની ભેટ લઇ આવતા પપ્પા.. બાળકોની નાનીનાની સિદ્ધિઓથી પણ અપાર ગર્વ અનુભવતા પપ્પા, જિન્દગીની લડતમાં હારી ગયા વગર મુશ્કેલીઓ સામે ‘સીના તાન કે’ ઊભા રહેવાનું શીખવનાર પપ્પા એ નાનકડી દીકરીની આંખમાં દુનિયાના ‘સુપર હીરો’ હતા.

દીકરીની આંખના વિસ્મયની દિશાઓ પલટાતી રહી, અનુભવો અને પ્રશ્નો ઉમેરાતાં રહ્યાં, વિશ્વ વિશાળ થતું રહ્યું પણ દીકરીના સમગ્ર વિશ્વનું કેન્દ્રબિંદુ હંમેશા એના પપ્પા જ રહ્યા.

આંગળી પકડીને રસ્તો બતાવનાર પપ્પાએ યોગ્ય સમયે આંગળી છોડીને દીકરીને પોતાના બળે આગળ વધવાની તાકાત આપી.

ઝીણાં ઝાંઝર પહેરી આખા ઘરને રુમઝુમતું રાખતી દીકરી પપ્પાની લખવાની પેનો ચોરી લઇ પપ્પાની જેમ જ ‘કવિતા લખું છું’ એમ કહેતી કહેતી ન્યુ ફેશનને નામે પપ્પાની લૂંગી ચોરી લઇ પહેરવા સુધી અને પપ્પાનું સ્કૂટર લઇ મિત્રો સાથે કૉફી પીવા ભાગી જવા સુધી પહોંચી ત્યારેય પપ્પાની આંખમાં છલકતું વ્હાલ, અને મુખ પર સદા સર્વદા વિલસતું શીળું સ્મિત કદી ઝંખવાયાં નહીં.

દીકરીએ ખોટા કે ઉતાવળિયા નિર્ણયો લીધા ત્યારે સાચી દિશા આ કેમ નથી અને સાચું, સારું શું હોઈ શકે એનું ઈંગિત માત્ર કરી, ઉપદેશ આપ્યા વગર એને યોગ્ય રસ્તા તરફ પ્રેરતા એ મક્કમ મનોબળવાળા પપ્પાને પોતાના લગ્ન વખતે દીકરીએ પહેલીવાર રડતા જોયા!

લગ્નવિધિમાં એક સ્થળે દીકરીના પિતાએ જમાઈના પગ ધોવાના હોય છે એ પ્રથા સામે દીકરીને સખત વાંધો પડેલો!

પહાડ જેવું ગૌરવશીલ વ્યક્તિત્વ ધરાવતા પિતા, પોતાના પુત્રની ઉંમરના એક છોકરાના પગ ધોઈ એને સન્માને એ દીકરીને પલ્લે જ નહોતું પડતું, પણ ત્યારે દીકરીના માથે હાથ મૂકી હંમેશના મીઠા સ્મિત સાથે એ પપ્પા જ એને સમજાવી શક્યા  કે કોઈને સન્માનવાથી આપણે નાના નથી થતા, વધુ ગૌરવશાળી બનીએ છીએ.

એ જ પપ્પા દીકરીને સાસરે ફોન કરીને પૂછે; બેટા, મારી ફલાણી ચોપડી ક્યાં હશે? ત્યારે ઘરમાં ત્રણ ચાર હજાર પુસ્તકોના ખજાનામાં એ ખાસ પુસ્તક ક્યાં હશે એ માત્ર એ દીકરી જ કહી શકતી. અને આવી બધી વાતો માટે દીકરીને ફોન ના કર્યા કરાય એમ કહેતી મમ્મી છાનું મલકી જતી ને સમજતી કે પુસ્તક તો બહાનું હતું દીકરીના અવાજના ટહુકાને સ્પર્શવાનું.

સાસરેથી આવતી દીકરી એમના કપડાં, પુસ્તકો, વસ્તુઓને ગોઠવતી, પોતાના સ્પર્શના, પ્રેમના આંદોલનો મૂકી ચાલી જતી અને પછી એ જ પપ્પા મનગમતા વૃક્ષને છાંયે હિંચકે બેસી દીકરીને કાગળ લખતા.

વર્ષો વીતતા ગયા પછી પિયર આવતી દીકરી અને એની પણ દીકરીની વચ્ચે પપ્પા/દાદાના ખોળામાં બેસવા મીઠો ઝગડો થતો.  ત્યારેય પપ્પાના ચહેરા પેલું મીઠું સ્મિત વિલસ્યા જ કરતું.

મમ્મીની વિદાય વખતે ભાંગી પડેલા પપ્પાએ ફરી એકવાર એમના સહજ સ્મિતની આડે બધી વેદના ઢાંકી દીધી અને દીકરીની સાથે ફોન પર કે કાગળમાં વહેંચી માત્ર સુઃખની ક્ષણો.

પપ્પાને  ‘ફાધર્સ ડૅ’ની શુભેચ્છાઓ આપતી દીકરીને એ સામે કહેતા – ‘Happy daughters’ day, which is every day’!

હવે દીકરીએ પપ્પાને ફોન કરવાનો નથી. કાર્ડ કે કાગળ લખવાનાં નથી. પપ્પાને ભાવતી ચીજો બનાવવાની નથી કે પપ્પાને ગમતું ગીત ગાઈ સંભળાવવાનું નથી.

તેમ છતાં-‘ફાધર્સ ડૅ’ તો હોય છે જ, રોજ જ.

“હેપ્પી ફાધર્સ ડૅ, પાપા!’

~ નંદિતા ઠાકોર

આપનો પ્રતિભાવ આપો..

One Comment