‘તો પપ્પા, હવે ફોન મૂકું? ~ કવિ: મનોહર ત્રિવેદી ~ સ્વરાંકન-પ્રસ્તુતિ: અમર ભટ્ટ ~ સ્વર: હિમાલી વ્યાસ નાયક

ફાધર્સ ડૅ નિમિત્તે ખાસ 

‘તો પપ્પા, હવે ફોન મૂકું?
તમનેય મોજ જરી આવે તે થયું મને
એસટીડીની ડાળથી ટહુકું ….

હૉસ્ટેલને…? હૉસ્ટેલ તો ફાવે છે..
જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે… રં
ગભર્યું મહેંકે છે.
ડાળખીમાં કરે ઝૂલાઝૂલ
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું
પાન એમ થાય નહીં સૂકું..
તો પપ્પા, હવે ફોન મૂકું?

મમ્મિબા જલસામાં?
બાજુમાં બેઠી છે?
ના ના તો વાસણ છો માંજતી,
કે’જો આ દીકરીયે
તારાં સૌ સપનાંઓ
રાત પડ્યે નીંદરમાં આંજતી,
સાચવજો… ભોળી છે….
ચિન્તાળુ … ભૂલકણી …
પાડજો ના વાંકુ કે ચૂંકું ….
તો પપ્પા, હવે ફોન મૂકું?’

કવિ: મનોહર ત્રિવેદી
સ્વરકાર: અમર ભટ્ટ
ગાયક: હિમાલી વ્યાસ નાયક

ખૂબ ગમ્યું આ ગીત. ગીતની બીજી પંક્તિ જે કવિએ લખેલી તે આમ છે-

‘તમનેય મોજ જરી આવે તે થયું મને
એસટીડીની ડાળથી ટહુકું’

મેં બદલાયેલા સમયની સાથે તાલ મેળવવા સ્વરકાર તરીકે થોડી છૂટ લીધી છે -‘એસટીડી’નું ‘મોબાઈલ’ કર્યું છે-

‘તમનેય મોજ જરી આવે તે થયું મને
મોબાઈલની ડાળથી ટહુકું’

ભાવ એ જ છે – દીકરી હોસ્ટેલમાં છે- પિતાને ફોન કરે છે- વાત પૂરી થવાના સમયે ગીત શરુ થાય છે-

અંગ્રેજી શબ્દો ‘હૉસ્ટેલ’ અને ‘મોબાઈલ’ આપણી ભાષામાં કેવા ગોઠવાઈ ગયા છે! આમ તો ગીતમાં ત્રણ અંતરા છે; પણ બીજા અંતરામાં મમ્મીની વાત કરતાં પિતા-પુત્રી બંનેને કંઠમાં ડૂમો ભરાયો હશે એમ માનીને; ને મને તો ડૂમો ખરેખર ભરાયો હોવાથી, મેં બે જ અંતરા સ્વરબદ્ધ કર્યા.

આ નિમિત્તે કવિવર ટાગોરની લગભગ 76 પંક્તિની લાંબી રચના યાદ આવે છે:

‘જેથે નાહિ દેબો’ એટલે કે ‘જવા નહીં દઉં’.

પિતા દુર્ગાપૂજાની રજાઓ ગાળવા ઘેર આવ્યા છે; રજા પૂરી થતાં વતનથી ને ઘરથી દૂર જવાના છે. ત્યારે ચાર વર્ષની દીકરી ઘરના ઉંબર પર બેસી જાય છે ને કહે છે-

‘જવા નહીં દઉં’. ટાગોરની કવિતામાં પિતા કહે છે-

તારા આ કૂમળા હાથમાં મને રોકવાની તાકાત ક્યાંથી આવી? અને પછી આ પૃથ્વી જાણે કે પુત્રી બનીને પોતાને- પિતાને આ સૃષ્ટિ ન છોડવા(એટલે કે સ્વર્ગમાં ન જવા) કહી રહી છે એવી કલ્પના ટાગોર કરે છે.
ખરેખર કવિતા અને સંગીત આપણને અંદરથી અજવાળે છે.

મારૂં સ્હેજ જુદી ફ્લૅવરનું સ્વરાંકન જે હિમાલી વ્યાસ નાયકે ખૂબ સુંદર ગાયું છે તે ફાધર્સ ડૅ નિમિત્તે ખાસ માણો.

~ અમર ભટ્ટ

***

આપનો પ્રતિભાવ આપો..

3 Comments