એ લાગણી વધાવી, ફાધર્સ ડે નિમિત્તે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
૧૮ જૂન ફાધર્સ ડે તરીકે ઊજવાય છે. જીવ આપી દઈએ તો પણ માતા અને પિતાનું ઋણ ફેડી શકાતું નથી. જેના થકી પૃથ્વી પર પ્રવેશ મળે તે ઈશ્વરના સાકાર પ્રતિનિધિ ગણાય. માતાના ઓજસ સામે પિતાનું તેજ જરા ઝાંખું લાગે, પણ બંનેની સરખામણી ન કરાય.
સંતાન સાથેનું બંનેનું અનુસંધાન જુદા પ્રકારનું હોય છે. જિંદગીમાં મમતા અને સમતા બંને જરૂરી છે. એક માતા પાસેથી મળે તો બીજી પિતા પાસેથી. કિરણ પીયૂષ શાહ ‘કાજલ’ની પંક્તિઓ સાથે પિતૃવંદના કરીએ…
વ્હાલું લાગે નામ પિતાજી
આપે કાયમ હામ પિતાજી
વંદન કરશું પહેલાં તમને
બીજા ઈશ્વર રામ પિતાજી
મા હૈયાધારણ આપે છે, પિતા હામ આપે છે. મા ભણાવે છે, પિતા ગણાવે છે. મા ઉંબરાની ભીતરની સૃષ્ટિ સમજાવે છે તો પિતા દુનિયાની વાસ્તવિકતાથી વાકેફ કરે છે. મા ખોળામાં સુવાડે છે, પિતા ખભા પર બેસાડે છે. સંતાન માટે આકરો નિર્ણય લેતાં કદાચ માતૃત્વ અચકાઈ શકે, પણ ભવિષ્યને ધ્યાનમાં રાખી પિતૃત્વ આ નિર્ણય મક્કમતાથી લઈ શકે છે. માની મમતા છલકતી જોઈ શકાય, પિતાનો પ્રેમ બંધ પડિયામાં મૂકેલા પ્રસાદ જેવો હોય. એ દેખાય નહીં, પણ હોય. જિજ્ઞેશ ક્રિસ્ટી ‘સંગત’ની પંક્તિઓમાં છત્રછાયાનું મહત્ત્વ સમજાશે…
સૌથી પહેલાં એ ઊઠે ને કામ પણ સૌથી વધુ
બાદમાં સમજાયું ક્યાં કદી બાપને આરામ છે?
એ મુસીબત આપણા લગ આવવા દેતા નથી
એ ન હો તો આખું જીવન આપણું સંગ્રામ છે
પિતા પાસે અભિવ્યક્તિની ઊણપ હોય છે, એક સંકોચ હોય છે. તે ફટ દઈને સંતાનને ભેટી નથી શકતા. આમાં અહંકારનો સવાલ નથી. પુરુષજન્ય એક ખચકાટ અને ઇન-બિલ્ટ બ્રેક આમ કરતાં રોકે છે. ઉછેર અને સંસ્કૃતિ પણ એમાં ભાગ ભજવે છે. માતા મંચ પર દેખાય, જ્યારે પિતા નેપથ્યમાં રહીને દરકાર કરતો હોય. તૃપ્તિ ભાટકર આ છાનપને ઝીલે છે…
જીવનના હર તમસને એ હણીને ઓજ પ્રસરાવે
પિતાની હાજરી એવી સૂરજના તેજ શોભાવે
ઘણાયે દર્દ છાનાં હોય છે, ભીતર દબાવેલાં
અને એ વાવ જેવી આંખમાં શાયદ નજર આવે
દીકરી-વિદાય સિવાય બાપની આંખમાં ઝટ આંસુ નથી આવતાં. તેને ઉચાટ થાય, ચિંતા થાય; પણ માતાની જેમ આંસુ સહજ રીતે ધસી ન આવે. વાત ફરી એક વાર મુખર અને સંગોપીને રહેતી લાગણીની છે. આંખની ધાક દેખાય છે, હૃદયમાં ધરબાયેલી ભીનાશ દેખાતી નથી. રશ્મિ જાગીરદાર લખે છે…
ફૂલ કોમળ એ જાણે અંદરથી
સાવ લાગે કઠોર ઉપરથી
વાત શ્રીફળની કંઈ નથી કહેતી
વાત કહું છું પિતાની આદરથી
બાપ અને દીકરાનો સંઘર્ષ હિન્દી ફિલ્મોમાં આબાદ ઝીલાયો છે. ‘મુગલ-એ-આઝમ’માં અકબર અને સલીમ વચ્ચેની કશ્મકશ પૃથ્વીરાજ કપૂર અને દિલીકુમારે અદ્ભુત અભિનયથી તાદૃશ કરેલી. ‘શક્તિ’ ફિલ્મમાં પિતા-પુત્રની ભૂમિકામાં દિલીપકુમાર અને અમિતાભ બચ્ચન વચ્ચેનું ઘર્ષણ વાસ્તવિક લાગતું હતું. પિતાને કડવા બનવું નથી હોતું, બનવું પડે છે.
ડૉ. સેજલ દેસાઈ પરકાયાપ્રવેશનો અનુભવ કરાવે છે…
સંબંધમાં અચાનક આવી હતી જે વચ્ચે
એ વાડને કપાવી, ફાધર્સ ડે નિમિત્તે
પપ્પા બની ગયો તો, પપ્પા શું હોય જાણ્યું
એ લાગણી વધાવી, ફાધર્સ ડે નિમિત્તે
સંતાન મોટું થાય એટલે પિતા સાથે નાનોમોટો સંઘર્ષ થવાનો. માતાએ ઢાલ બનવું પડે. એનાથી વિપરીત પણ બને. દીકરીના વિકાસમાં આડે આવતું માનું મમત્વ પિતાએ કઠોર બનીને હડસેલવાનું કામ કરવું પડે.
ઘડતરકાળમાં આકરી લાગતી પિતાની ટકોર કેટલી સાચી હતી એ સમજતાં ઘણી વાર ત્રણ-ચાર દાયકા નીકળી જાય. દીપક ઝાલા ‘અદ્વૈત’ બે અલગ-અલગ સમયખંડની સરખામણી કરે છે…
જિંદગીના તાપ માથે છાંયડો પપ્પા બન્યા
જો પસીનો નીતર્યો તો વાયરો પપ્પા બન્યા
ટોચ પર પહોંચી ગયો હોઉં ભલેને આજ હું
એનું કારણ એટલું કે દાદરો પપ્પા બન્યા
લાસ્ટ લાઈન
ચહેરે હંમેશાં ગુલાલ રાખે છે
પપ્પા, ખિસ્સાંમાં એક રૂમાલ રાખે છે
છાને ખૂણે કોઈ મૂકી રાખ્યો છે
પપ્પાએ લાગણીનો થેલો
ઇચ્છાનાં ઓરતા ચોખ્ખાચણાક
ને પપ્પાનો હાથ સાવ મેલો
ઘરનાં દીવાને અજવાળું આપવા
ખુદ છાતીએ મશાલ રાખે છે
ઘરની દીવાલોને ખભ્ભે ઉપાડીને
દોડે છે તડકાનાં દેશમાં
નસનસમાં વ્હાલપનાં ઝરણા ફૂટે
તોયે પ્રગટે છે રૂદ્રના વેશમાં
કાણા ચપ્પલમાં લીલેરું વ્હાલ રોપી
સૂરજ સામે જાણે ઢાલ રાખે છે
લોચનમાં ફાટફાટ ઊના નિસાસાને
પાંપણોમાં કેદ રાખે આંસુ
ઉપરથી કાળઝાળ રેતીનો દરિયો
ને ભીતરથી લથબથ ચોમાસું
જીવતરનાં ફળિયામાં સપનાઓ વાવીને
પપ્પા સૌને બસ ન્યાલ રાખે છે.
પપ્પા તો આંગણે ટ્હુકાઓ ચીતરે
ને માળામાં ચીતરે કલશોર
પપ્પાનાં સ્પર્શથી મહેકી ઊઠે છે
જાણે ફૂલો થઈ કાંટાળા થોર
ટેરવાંમાં પપ્પા સુગંધની મઘમઘતી
એવી ટપાલ રાખે છે.
પપ્પા, ખિસ્સામાં એક રુમાલ રાખે છે.
~ શૈલૈષ પંડયા નિશેષ
વાહ.. પપ્પાની વાત જ કૈ ઔર છે… વાહ પપ્પા
વાહ
પપ્પા નું સુંદર આલેખન. પપ્પા આવા જ હોય જેવા શૈલેષ ભાઈ વર્ણવે છે . ઘરના કોઈ પણ સભ્ય થી પપ્પા ને ભાગાકાર કરો પપ્પા ‘ નિશેષ ‘ બહાર આવશે
આભાર જગદીશભાઈ..