એ પ્રત્યેક દિન પિતૃદિન છે ~ વસુધા ઈનામદાર (બોસ્ટન, અમેરિકા)

માતાના પ્રેમનો મહિમા સર્વત્ર ગવાતો હોય છે, પણ પિતાના પ્રેમની, ગરિમાનીયે એક  ઊંચાઈ હોય છે. સ્વયં પ્રકાશિત ગિરિશિખરની જેમ!

પિતા પોતાના કુટુંબની નાનીમોટી જવાબદારી સહર્ષ સ્વીકારી, તેને ઉત્તમ ન્યાય આપવા પ્રયત્ન કરે છે. સંતાનોને માર્ગદર્શન આપી, એમના ઉચ્ય ધ્યેયને પરિપૂર્ણ કરવા અથાગ મહેનત કરે છે.

પિતાના ચીંધેલા માર્ગે કે પોતે પસંદ કરી યશસ્વી અને કીર્તિવંત થનારા, સંતાનોની ફરજ બને છે કે તેઓ પિતાના ત્યાગ અને એમના પરિશ્રમની કદર કરી એમની જીવનસંધ્યાએ એમનો હાથ ગ્રહી, એમને આર્થિક સહાય ઉપરાંત એમની શારીરિક અને માનસિક સ્વસ્થતા તરફ ધ્યાન આપે.

દીકરીને ત્યાં આવેલા એક પિતા પોતાની દીકરીને  પિતૃદિનની ઉજવણી વિષે વાત કરતા કહે છે,

“આપણાં દેશમાં પણ પિતૃદિનની ઉજવણી વર્ષોથી થાય છે, એ વિષે હું તને એક વાત કહેવાનો છું. સાચું કહું તો માતા-પિતાની સેવા માટે કે એમને ખુશ રાખવા માટે પૈસાદાર હોવું એ અગત્યનું નથી.

ઘણીવાર સંતાનો વિચારે છે કે થોડા વધુ પૈસા કમાઈને, વધુ સુખ-સગવડ મેળવું પછી મા- બાપને શાંતિથી પોતાના મોટા ઘરમાં રાખીશ. ખરું જોતા મા-બાપને રાજી રાખવા મોટર, બંગલો કે વાડી-વજીફાની જરૂર નથી, એમને સંતાનોના સહવાસની, પ્રેમભર્યા હૂંફની  તેમ જ એમની વધતી જતી ઊંમરની મુશ્કેલીઓને સમજવાની જરૂર છે.”

વર્ષો પહેલાની આ વાત છે. અમે થોડા સમય માટે મહારાષ્ટ્રમાં એક નાનકડા શહેરમાં રહેતા હતા. ભાડાનું મકાન હતું. તે સમયે ભાડુઆત માટે ઇલેક્ટ્રિક મીટર અલગ નહોતા. મકાનમાલિક અને બીજા ત્રણ ભાડુઆત વચ્યે એક જ મીટર!

રાતનાં દસ વાગે એટલે બધી લાઈટ તેઓ બંધ કરી દેતા. પોતાના ઘરની લાઈટ પણ બંધ કરતા! પરીક્ષાઓ દરમિયાન વિનંતી કરવાથી અગિયાર વાગ્યા સુધી લાઈટ ચાલુ રાખતા.

એમના વાડામાં જ નાનકડો કૂવો હતો. નળમાં પીવાનું  પાણી આવતું અને તે પણ માત્ર અડધો કલાક! બાકીનું પાણી વાડાના કૂવામાંથી ભરવાનું! કૂવામાંથી બે-ચાર ડોલ પાણી વધારે લીધું હોય તો મકાનમાલિક પૂછતાં (‘કાય રે, પાહુણે આલેત કા?’) ‘કેમ, મહેમાન આવ્યા છે કે?’

એ કૂવાની બાજુમાં ટગરનું ઝાડ, એના પર ખૂબ ફૂલો આવે પણ પૂજા માટે ફૂલ લેવાના હોય તો તે પણ ગણીને લેવાના! તેઓ જ્ઞાતિએ બ્રાહ્મણ પણ અમે એમને ‘કંજૂસ મારવાડી કાકા’ કહેતા!

એમના ઘરથી નીકળીને રસ્તો ઓળંગીએ એટલે ડાબા ખૂણે ગણપતિનું મંદિર અને થોડા આગળ એ જ ગલીમાં એક કરિયાણાની દુકાન!

ત્યારે નવી મેટ્રિક પદ્ધતિનું ચલણી નાણું વપરાવાનું શરૂ થયું હતું. પણ બોલચાલમાં તો ‘પાવલી, (ચાર આના),’ ‘અધેલી (આઠ આના)’ એમ જ કહેવાતું!

મહિનાની આખરમાં અમારા મકાનમાલિક ઉર્ફે કાકા, વાળંદને ત્યાં વાળ કપાવ્યા પછી એને પાવલી પકડાવતા! વાળંદ એમને કહેતો ,’કાકા પાવલીનો જમાનો ગયો, પચાસ પૈસા આપો! જૂના ભાવે મને ના પોસાય!’ પણ કાકા તો પાવલી પકડાવીને પગથિયાં ઉતરી જતા!

એકવાર એમના દીકરા આગળ વાળંદે ફરિયાદ કરતા કહ્યું, ‘તમારા બાપાને સમજાવો ને! તેઓ હજુ મને પાવલી જ આપે છે. જૂના ઘરાક છે, એટલે હું કાંઈ કહેતો નથી. તમે જરા એમને સમજાવીને કહેજો ને?’

દીકરાએ કહ્યું, ’તમે એમની પાસેથી પાવલી જ લેજો. બાકીના હું તમને આપીશ. પણ હા, આ વાત તમારે એમને કહેવાની જરૂર નથી!’

એમનો એ નિયમ અમે એમના મકાનમાં હતા ત્યાં સુધી ચાલતો હતો. કાકા કયારેક રુઆબભેર કહેતા, ‘મારો બેટો પેલો વાળંદ….! આખા ગામને છેતરે છે, પણ મને નહીં હં.. કે…!’  એમની એવી વાત સાંભળી દીકરો મલકાતો!

આટલાં વર્ષો પછી હું એ વાતને  યાદ કરુ છું ને વિચારું છું કે પિતાના વાળ કાપેલા જોઈને વાળંદને ચૂપચાપ બાકીના પૈસા આપવા જનારો દીકરો દર મહિને, એ દિવસે ફાધર્સ ડે ઉજવતો હશે!

પિતાના મનનાં ઉકળાટને પોતાના સ્નેહભર્યા વર્તનથી, કે સમજાવટથી સાચવી લેનારા  અથવા એમના દુરાગ્રહને સહજતાપૂર્વક સહી જનારા સંતાનો સાચા અર્થમાં શ્રવણકાર્ય કરે છે.

પિતાનું મન અને માન એમની ભાવનાને ઠેસ પહોંચાડ્યા વિના સચવાય એ પ્રત્યેક દિન પિતૃદિન છે.          

~ વસુધા ઇનામદાર
બોસ્ટન , અમેરિકા

આપનો પ્રતિભાવ આપો..