પુસ્તક પરિચય ~ “માનવતાનો મહાકુંભ”, લેખક: કુમારપાળ દેસાઈ ~ પરિચયકર્તા : રિપલકુમાર પરીખ

તમને જયારે એકલતા જેવું લાગે, મનમાં મુંઝારો થાય, કશું જ ગમતું ન હોય, જીવનમાં નિરાશા અને હતાશા ઘેરી વળે, શું કરવું તે જ સમજણ ન પડતી હોય તો શું કરવું જોઈએ?

આવાં આપણી જિંદગીનાં કપરાં સમયે પવનની ઠંડી, પ્રેમાળ અને માનવતાથી સભર એક લહેરખી સમાન અદ્ભુત પુસ્તક આપણને જીવવાનું નવું જોમ આપે છે, મનમાં વ્યાપેલી હતાશા દૂર કરીને હૃદયમાં નવાં વિચારોનો આવિર્ભાવ કરે છે અને  માનવઔદાર્યના મનભર આકાશનું મેઘધનુષી દર્શન કરાવે છે. આવું હૃદયસ્પર્શી પ્રસંગોની ગૂંથણી કરતું એક માત્ર પુસ્તક એટલે ‘મંત્ર માનવતાનો.’

‘મંત્ર માનવતાનો’ જેમાં આમ આદમીથી માંડીને સર્જક, તત્વચિંતક, રાજપુરુષ અને વિજ્ઞાની – એ સહુનાં હૃદયમાં છુપાયેલી માનવતાની કોઈ ને કોઈ ભાવના અહીં પ્રગટ થઈ છે.

તે ઉપરાંત અહીં આલેખાયેલા વિદેશી વિભૂતિઓના જીવનપ્રેરક પ્રસંગો આપણી આજ અને આવતીકાલને માટે પણ ચોક્કસ સર્ચલાઈટ બની રહે છે,  તેમ કહેવું પણ અસ્થાને નથી.

‘મંત્ર માનવતાનો’ પુસ્તકનાં લેખક પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ચરિત્ર, સંશોધન, ચિંતન, બાળસાહિત્ય, અનુવાદ, પ્રૌઢ સાહિત્ય, નવલિકા અને ધર્મદર્શન વિશે એકસોથી વધુ ગ્રંથો લખ્યાં છે. અધ્યાપન ક્ષેત્રે અદ્ભુત કામગીરી તેમણે કરી છે. અનેક પુરસ્કારો તેમણે પ્રાપ્ત કર્યાં છે. ગુજરાતી સાહિત્ય જગતમાં અનેક પ્રવૃત્તિઓ કરનાર, જૈનદર્શનના જ્ઞાની એવાં આદરણીય પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ આ પ્રેરણાદાયી પુસ્તક લખ્યું છે.

આ પુસ્તક વિશે તેઓ પ્રસ્તાવનામાં લખે છે, ‘સામાન્યતઃ આપણે ત્યાં ભારતીય વિભૂતિઓનાં પ્રસંગો મળે છે. ગ્રંથો કે સામયિકોમાં રામ, બુદ્ધ કે મહાવીરનાં જીવનપ્રસંગો મળે છે. ભારતીય ઋષિઓ, સંતો, લોકસેવકો અને સાહિત્યસર્જકોનાં જીવનપ્રસંગો આલેખતા  પુસ્તકો પણ મળે છે, પરંતુ અહીં વિદેશની વિશિષ્ટ વ્યક્તિઓનાં એમનાં જીવનમાં પરિવર્તન લાવનારા  માર્મિક પ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું છે. એક એવો પ્રસંગ હોય કે જેમાં કોઈ એક જ વિચાર આખી પરિસ્થિતિમાં પરિવર્તન આણતો હોય.’

‘મંત્ર માનવતાનો’ પુસ્તકમાં વિદેશી વિભૂતિઓનાં જીવનપ્રેરક પ્રસંગો ખૂબ જ સરળ રીતે રજૂ થયાં છે. બહારથી સાવ સામાન્ય લાગતાં આ પુસ્તકમાં એટલો કિંમતી ખજાનો છુપાયેલો છે, જે વાંચ્યા બાદ  આપણને સંતોષની પ્રાપ્તિ થાય છે.

ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ દ્વારા પ્રકાશિત આ મહાન પુસ્તકને જો તમે એક વાર હાથમાં લેશો તો એક જ બેઠકે આખું વાંચી લેવાનું ચોક્કસ મન થશે.  પુસ્તકનાં કુલ ૧૪૮ પાનાંમાં દરેક પાને એક નવો પ્રેરણાદાયી પ્રસંગ વાંચવાં મળે છે. આ પુસ્તક વાંચ્યા બાદ આપણો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ ચોક્કસ બદલાઈ જશે, તેમ કહેવું જરાય અતિશયોક્તિ નથી.

પુસ્તકમાં લખાયેલો માનવતાનો એક પ્રસંગ  ટૂંકમાં માણીએ.

‘નેપોલિયન નાનો હતો ત્યારે તે પોતાની નિશાળ પાસે ઊભી રહેતી એક મહિલા પાસેથી ફળ ખરીદતો. ક્યારેક નેપોલિયન પાસે ફળ ખરીદવા માટે પૈસા ન હોય ત્યારે તે મહિલા નેપોલિયનને વિશ્વાસપૂર્વક ફળ આપતી અને કહેતી કે જ્યારે પૈસા મળે ત્યારે ચૂકવી દેજે. નેપોલિયન તે પૈસા સમયસર ચૂકવી પણ દેતો. સમ્રાટ બન્યા બાદ નેપોલિયનને તે મહિલાની યાદ આવી અને નેપોલિયને તે માજીને ઘરે જઈને તેમનાં માટે નવા મકાનની અને જીવનભરની ભોજન-વ્યવસ્થા કરાવી આપી.’

પુસ્તક પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.

મોબાઈલ : 9227055777

કિંમત : રુ. ૨૦૦.

પુસ્તક સમીક્ષા માટે સંપર્ક : 9601659655

 

આપનો પ્રતિભાવ આપો..