બોન્સાઈ ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:5 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

બોન્સાઈ-ભાગ 5

પરીક્ષામાં સમય વીતી ગયો. હવે સમય નામની કિંમતી જણસ એને અચાનક સાંપડી હતી. સમય જેવી અલભ્ય વસ્તુ આજ સુધી એની પાસે ક્યાં હતી?

હંમેશાં એક પગ ઘરની બહાર. કૉલેજ અને એ નિમિત્તે ફિલ્ડ વર્ક, પ્રોજેક્ટ, સંગીત, બહેનપણીઓ સાથે મજાકમસ્તી, મમ્મીપપ્પા સાથે ક્યારેક ફિલ્મ કે નાટક. અહીં કામ તો હતું નહીં, રસોડાનું સામ્રાજ્ય અરુણાબહેન, મહારાજ અને નોકરોના કબજામાં હતું. મમ્મીએ ભાખેલું બેટા, તારે તો ઘરે રજવાડું. અમારે હવે નિરાંત. ક્યારેક મમ્મીપપ્પા પાસે જતી પણ લોકો પણ હમણાં ઉત્તરાખંડ ગયા છે.

હવે સંગીતનો કોર્સ પૂરો કરી શકાશે અને હા, પરિણામ પછી માસ્ટર્સ પણ. બપોરે અરુણાબહેનના રૂમમાં આવી. જેઠાણીની રૂમ. લગ્ન પછી અવંતિના બેડરૂમમાં એના માટે વૉર્ડરોબ, ડ્રેસિંગટેબલ તૈયાર થયા હતા ત્યારે જ એને સમજાયું હતું શંભુપ્રસાદ અને અરુણાબહેનનાં બેડરૂમ જુદાં હતાં. મનમાં ને મનમાં એ આશ્ચર્ય પામી હતી. પતિપત્નીના અલાયદા ખંડ હતા.

એ અરુણાબહેનની રૂમમાં દાખલ થઈ, એ વાંચી રહ્યાં હતાં, પાસે જતાં જોયું તો રામાયણ.

`ઓહો ભાભી! રામાયણ વાંચો છો?’

એ ચમકી ગયા.

`સૉરી ભાભી, તમને ડિસ્ટર્બ કર્યા.’

આગળ શું બોલવું તે ન સૂઝતાં અટકી ગઈ, જાણે અચાનક કોઈની અંગત જિંદગીના બંધ દરવાજાનો આગળો ખોલી નાંખ્યો હોય! અને પછી એમાં અનધિકાર પ્રવેશતી હોય.

`તારે કંઈ ખાસ કામ હતું?’

એ છોભીલી પડી ગઈ,

`ભાભી, હું કામ વગર તમારી પાસે ન આવી શકું?’

એમણે ગ્રંથમાં બુકમાર્ક મૂક્યું.

`ના એવું નથી… બેસને?’

ઉમા પલંગની કિનારીએ ઉભડક બેઠી. પહેલેથી ભાભીની રૂમ ગમી હતી. બધી સગવડો સાથે પણ સાદી રૂમ. પલંગની સામે નાનું મંદિર. દેવદેવીઓની નાની મૂર્તિઓ. ધૂપદીપની હલકી સી સુગંધ હજી હવામાં હતી.

`તું કંઈ કહેતી હતી, ઉમા?’

`બસ, આમ તો ખાસ નહીં પણ પરીક્ષા તો ગઈ, માસ્ટર્સને હજી વાર છે, તો મારા સંગીતના વર્ગમાં હું દાખલ થઈ જાઉં. બપોરનો સમય લઈશ. સાંજ પહેલાં તો ઘરે આવી જઈશ.’

`અ..હા.. આમ તો સારી વાત છે..’

વાક્ય અધૂરું છે, ઉમાને થયું.

`તમે કંઈ કહેતા હતા ભાભી?’

`અરુણાબહેન નીચે જોઈ, પંખામાં ફરફરતાં રામાયણ પર હાથ મૂક્યો.’

`ના, આ તો એમ છે કે… એમની સાથે વાત નથી… થઈ… એટલે…’

`ભાભી, મોટાભાઈને થોડો વાંધો હોય? એ તો રાજી જ થશે. હા ટૅક્સીમાં રોજ જવા માટે હું મનાવી લઈશ, ખરુંને? એમણે તો મારા પપ્પાને કહ્યું હતું કે ઉમાને જે ભણવું હશે તે કરશે.’

અરુણાબહેન એની સામે તાકી રહ્યા. ઉમા નીચે જોઈ ગઈ. એ માનસશાસ્ત્રની વિદ્યાર્થીની ન હોત તોયે એ નજરનો અર્થ ન સમજે એવી અબૂધ રહી ન હતી.

શું હતું એ નજરમાં જે એને આરપાર વીંધતું હતું? એવી નજર ક્યાં કોની જોઈ? અરે હા, અવંતિ, જ્યારે એણે અવંતિના બે ત્રણ વખત કહેવા છતાં ડ્રાઇવિંગ શીખવાની ના જ દોહરાવી હતી ત્યારે એ પણ એને તાકી રહેલો પછી ઓ.કે. બબડતો વાંચવામાં પરોવાઈ ગયેલો.

આ ઘરમાં નીતિનિયમો હતા, સભ્યોના જીવન ફરતે અદૃશ્ય લક્ષ્મણરેખાઓની જેમ દોરાયેલા. આજ સુધી કોઈએ રેખાની બહાર પગ મૂક્યો ન હતો. એક અનામી વિચિત્ર લાગણીથી એ ઘેરાઈ ગઈ. ઘરબહાર નીકળી જવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. એ નીચે ઊતરી પડી. બિલ્ડીંગના નાના બગીચાની હરિયાળી લોન પર બેસી પડી. આસોપાલવને પાંદડે પાંદડે સોનેરી તેજનાં તોરણ બાંધી સૂર્ય ધીમે ધીમે નમી રહ્યો હતો. પતિ સાથે ગાળેલી આથમતી સંધ્યાઓ યાદ આવી.

હવે એવી સંધ્યાઓ શું ખરેખર આથમી ગઈ છે? અંધકારના ફોરાઓ વરસવા લાગ્યા હતા. પતિને હવે સમય ન હતો. જોકે એણે ફોડ પાડીને ખાસ કહ્યું ન હતું પણ એટલી ખબર તો સમાચારો વાંચીને પડતી હતી કે દેશમાં, જુદાં જુદાં શહેરોમાં ચૂંટણીઓ નજીક આવી રહી હતી. શંભુપ્રસાદ કોઈને કોઈ રીતે ક્યાંક સંકળાયેલા હતા. અવંતિ એ બધી દોડધામમાં મોટાભાઈની સાથે હતો. ઑફિસના બીજા લોકોય સાથે હશેને?

કોમળ ઘાસની બિછાતનો સ્પર્શ એનામાં લીલેરી ઇચ્છાઓને ઝંકૃત કરી રહ્યો હતો. ઠંડી હવાની લહેર સંગીતના સૂરોની જેમ એને વીંટળાઈ વળી.

ત્યાં કાર આવીને ઊભી રહી.

ઉમાથી આપમેળે જ ઊભા થઈ જવાયું, મોટાભાઈ આવી ગયા હતા. શું એ પણ પતિ અને જેઠાણી જેવી બનવા લાગી હતી! જલદી જવું જોઈએ. બન્ને ભાઈઓ લિફ્ટ તરફ જઈ રહ્યા હતા. એ સહજ ઊભી રહી. એમના ગયા પછી બીજી લિફ્ટમાં એ ઉપર આવી.

આજે રાત્રે કોઈ ડિનર પર આવવાનું હતું. અરુણાબહેને બપોરથી તૈયારી કરી હતી. એણે તો રસોડામાં જવાનું ન હતું. જુદી જુદી વાનગીઓ એના ઘરે કદી બની ન હતી તો બનાવતાં તો ક્યાંથી આવડે? આમ પણ મહારાજને એના કામમાં દખલ પસંદ ન હતી.

એ સીધી બેડરૂમમાં આવી. હવે કપડાં બદલી તૈયાર થઈ જવાનું હતું. અવંતિ જલદી શાવર લઈ કપડાં બદલી રહ્યો હતો. એણે ઉમા તરફ પીઠ ફેરવી. બન્ને પતિપત્ની હતાં, લગ્નને કેટલા મહિના થઈ ગયા હતા, થોડા દિવસમાં તો વેડિંગ એનીવર્સરી હતી. છતાં બે વચ્ચે સંકોચ હતો, શરીરની સભાનતા હતી.

સવારે ડાઇનિંગ ટેબલ પર એ મોટાભાઈને કહે એ પહેલાં પતિને કહી દેવું જરૂરી હતું. અવંતિનો હાથ પકડી એ પલંગ પર બેઠી.

`ઉમા, હમણાં મિ. અવસ્થી આવી જશે…’

`જાણું છું, બસ બે મિનિટ. તમને તરત કહી દેવાનું મને બહુ મન હતું. મેં તમને ઉત્સાહથી ફોન પણ કર્યો હતો.’

`સૉરી, હું બીઝી હતો.’

`અવંતિ, કાલથી હું મારા સંગીતના ક્લાસમાં જવાની છું.’

અવંતિ એને ટીકીને જોઈ રહ્યો, `ક્લાસમાં?’

`હં.. પરીક્ષાની ધમાલમાં અને આમ પણ મ્યુઝીક છૂટી ગયું હતું. હવે મેં કાલથી જ ક્લાસમાં જવાનું નક્કી કર્યું છે. થયું, સૌથી પહેલી ખુશખબર તમને આપું.’

પણ અવંતિનો ચહેરો ઝંખવાઈ ગયો હતો.

`પણ કાલથી ક્લાસમાં કઈ રીતે જશો? મોટાભાઈ સાથે વાત નથી થઈ.’

ઉમા જાણતી હતી, એનું જીવન હવે એક હર્ડલ રેસ છે અને એક પછી એક અવરોધ પાર કરવાના છે.

`તો કાલે વાત કરી દઈશ, એમાં શું!’

અવંતિ ગભરાઈ ગયો હોય એમ ઊભો થઈ ગયો.

`પણ એમને કહેવું તો જોઈએને! પછી એ શું કહે છે… ઉમા, એવી શી ઉતાવળ છે? તમે જલદી તૈયાર થઈ જાઓ.’

એ જવા વળ્યો. ઉમાનો સ્વર શાંત અને સ્થિર હતો,

`અવંતિ, બધી વાતમાં મોટાભાઈને પૂછવું જરૂરી છે? હું ક્યાં ચાંદ પર સ્પેસશટલમાં જવાની છું!’

એ તરત પાછળ ફર્યો, ઉશ્કેરાટથી બોલી પડ્યો, `ઉમા!’

અવંતિનું આ બદલાતું રૂપ.. એનો તોળીને બોલાયેલો સ્વર. ફડક ખાઈને થોડી પાછળ ખસી ગઈ. અવંતિના ખ્યાલમાં આવ્યું હશે, એ સ્વાભાવિક થવા મથ્યો, `એવું નથી ઉમા, પણ એ ઘરના વડીલ છે. એમને કહેવું પડે, પૂછવું પડે.’

`કબૂલ પણ આ કોઈ બહુ મોટી વાત નથી. સંગીતના ક્લાસમાં તો જવાનું છે.’

`તમે સમજતા કેમ નથી? આ નાનીમોટી વાતની વાત નથી.’

ઉમા અદબ વાળીને સામે ઊભી રહી. અવંતિ અકળાયો. આવી ક્ષણ એની જિંદગીમાં પણ આવી નહોતી એમ નહીં પણ એ તો વર્ષો પહેલાં વિશાળ કાળસમુદ્રમાં ડૂબી ગઈ હતી.

ઓટમાં જળ પાછાં ધકેલાઈ જાય અને કાળા અણિયાળા ખડકો બહાર નીકળી આવે એમ એ ક્ષણ અચાનક ફરી સપાટી પર આવી ગઈ હતી.

ઉમા વધુ નજીક આવી. દર્પણમાંના પ્રતિબિંબની જેમ એકદમ સામે.

`અવંતિ, એક વાત કહું? શા માટે તમે મોટાભાઈના પડછાયામાં જીવો છો?’

અવંતિના હાથની મુઠ્ઠી વળી ગઈ.

`હાઉ ડેર યુ ઉમા? મોટાભાઈ માટે તમે આવું વિચારી પણ કેમ શકો છો?’

`ના અવંતિ. હું મોટાભાઈનું અપમાન કરવાનું સ્વપ્નેય ન વિચારી શકું. મારું તો એટલું જ કહેવાનું છે કે તમે અને હું આપણી જિંદગીનો નાનો સરખો નિર્ણય પણ જાતે ન લઈ શકીએ? મોટાભાઈથી છુપાવવું કશું જ નથી, ખોટું પણ કશું કરવું નથી. આપણને આનંદ આપતી કોઈ પ્રવૃત્તિ.. મારે માટે સંગીત…’

જરા અટકીને બોલી, `તમારે માટે ટૅનિસ.’

અવંતિ ચમકી ગયો. કશોક સહારો શોધતો હોય એમ આજુબાજુ જોવા લાગ્યો. ઉમાએ એનો ચહેરો પોતાની તરફ કર્યો, એ વધુ નજીક સરી આવી. એનું શરીર પતિને સ્પર્શે એમ. શ્વાસ એકમેકમાં પરોવાયેલા. ગ્રહમાળામાંથી છુટ્ટા પડી ગયેલા ગ્રહની જેમ અચાનક કાળશૃંખલામાંથી વિખૂટી પડેલી ક્ષણ હતી આ.

`અવંતિ, તમે તમારા માટે થોડું જીવી ન શકો? આપણાં ભવિષ્ય માટે.. સપનાંઓ માટે? શ્વાસ લેવાની સ્પેસ માટે?’

બારણે ટકોરો પડ્યો, નોકરનો અવાજ, `ભાભી ડીનર માટે બોલાવે છે.’

અવંતિ ખસી ગયો અને ઉતાવળે પગલે બહાર ગયો. ઉમા ઊંડો શ્વાસ લઈ સ્વસ્થ થવા મથી. ઉતાવળે અભાનતાથી વાળ પર હાથ ફેરવી લીધો અને એ બહાર આવી. મહેમાન સાથે વાતો થતી હતી, જમવાનું શરૂ થઈ ગયું હતું. અરુણાબહેને એની સામે જોયું, એ સમજી. એ થોડી મોડી આવી હતી. શંભુપ્રસાદે એની સામે જોયા વિના હાથ કર્યો, `મીટ અવંતિ’ઝ વાઇફ ઉમા. જસ્ટ ફિનિશ્ડ ગ્રૅજ્યુએશન ઇન સાઇકોલૉજી.’

અવસ્થી રસઝરતી આંખે જોઈ રહ્યા, `બઢિયા હૈ, પઢીલિખી લેડિઝ કી ઇસ દેશ મેં બહુત જરૂરત હૈ સરજી.’

એ નીચું જોઈ પ્લેટમાં બે-ત્રણ વસ્તુ લઈને જમવાની કોશિશ કરતી રહી. અરુણાબેન હાંફળાફાંફળા જમતાં જમતાં પતિ અને મહેમાનનું ધ્યાન રાખતાં હતાં. અવંતિ ચૂપચાપ જોઈતી વસ્તુ લઈ વાતચીતમાં રસ લઈ રહ્યો હતો, પણ ઉમાનું મન કોચવાતું હતું, શું અવંતિની પસંદ-નાપંસદનું કોઈ મહત્ત્વ નહોતું?

માંડ ડીનર પત્યું કે અવસ્થીને નમસ્તે કરી એ બેડરૂમમાં ચાલી ગઈ. પથારીમાં સીધી પડી. અવસ્થીની સાપ જેવી લીસ્સી નજર એના પર સળવળતી સરકી ગઈ હતી એની શું બે ભાઈઓને ખબર જ નહીં પડી હોય?

ડ્રોઈંગરૂમમાંથી હજી વાતચીતના અવાજો આવી રહ્યા હતા, અવસ્થીનું હો હો કરીને મોટેથી હસવાનું બેડરૂમના બંધ દરવાજાને વીંધીને રૂમમાં પડઘાતું હતું. મન અજંપો અનુભવી રહ્યું હતું. સાંજે જ નીચે ગાર્ડનમાંથી પપ્પાને કૉલ કર્યો હતો, એ લોકો હજી ઉત્તરાખંડમાં હતા અને ત્યાં કોઈ આશ્રમમાં ચાલતી કથામાં મમ્મી રોજ જતી હતી એટલે હજુ રોકાવાના હતા. કંઈ કામ હતું બેટા? ના જવાબમાં આઇ મિસ યુ કહી ફોન સ્વીચ-ઑફ કર્યો હતો.

થોડીવાર એ પાઉલો કોહેલોનું પુસ્તક વાંચતી રહી. હજી અવંતિ આવ્યો નહોતો. એની આંખ અજંપામાં જ નીંદરથી ઘેરાઈ ગઈ.

સવારે મોડું ઉઠાવ્યું. રાત્રે મોડેથી સૂવા છતાં અવંતિ વહેલો ઊઠી ગયો હતો અને તૈયાર થઈ રહ્યો હતો.

‘ગુડ મૉર્નિંગ’ કહેતાં એ પણ જલદી ઉપલક તૈયાર થઈ ગઈ. લાગતું હતું બન્ને ભાઈઓ જલદી ઑફિસ જવાના હશે, ન જાને મિટિંગ, પ્રવાસ, ડીનર… શું શું હશે એમના દિવસની કિટ્ટીમાં? ડાઇનિંગ ટેબલ પરથી મોટાભાઈ ઊઠી જશે તો પછી વાત નહીં થઈ શકે.

અવંતિની પાછળ જ એ બહાર આવી ત્યારે શંભુપ્રસાદ ટેબલ પર બેસતા હતા. હીંચકા પર નોકર અખબાર મૂકતો હતો. અરુણાબહેન રસોડું હૉલ વચ્ચે આવનજાવન કરતા હતા. ગરમ ઈડલી, સંભાર, ચટની પિરસાયાં. એ બોલવા જતી હતી ત્યાં અરુણાબહેને સ્વાભાવિક થવા મથતાં કહ્યું, `આજે તો સારો દિવસ છે, મેં ઉમાને કહ્યું તું આજથી તારા મ્યુઝિક ક્લાસમાં ફરી પ્રવેશ લઈ લે. એનો રિયાઝ પણ છૂટી ગયો છે.’

ઉમા ચમકીને બોલવા જાય છે કે અરુણાબહેને એની સામે જોયું. શું હતું એ બોલકી નજરમાં? કાકલૂદી? યાચના? એને જે વાત કહેવી હતી એ અરુણાબહેને પોતાની વાત તરીકે કહી દીધી. શું કામ? કદાચ પતિની નારાજગી રોષ કશો પણ પ્રતિભાવ એમને જ ભાગે આવે. જાણે રક્ષાકવચની જેમ એ ઢાલ બની ઊભા રહ્યા.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. વ્યકિતત્વને રુંધવા મથતા પરિબળો અને પાત્રો સામે હિંમતથી ઊભી રહેતી નાયિકાનું સબળ શબ્દ-ચિત્ર