પ્રકરણ:18 ~ બા ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
લગ્નના સહીસિક્કા થયા. વડીલોને પગે લાગી અમે સીધા ગયા બોરીબંદર સ્ટેશને. માથેરાનની ગાડી પકડી. રાતે હોટેલમાં પહોંચ્યા. જીવનમાં પહેલી જ વાર હોટેલમાં રહેવાનું થયું. અને તેમાંય કોઈ સ્ત્રી સાથે! મારે મન મોટી વાત હતી.
વેવિશાળ પછી અમને બહાર ફરવા જવાની છૂટ હતી. નલિનીને લઈને હોલીવુડની ફિલ્મો જવા જતો. એમાં હીરો અને હિરોઈનના છૂટથી ચુંબન કરવાના દૃશ્યો આવતાં. એ જોવા માટે અમે હોલીવુડની મૂવીઓ જોવા જતા. એ જમાનામાં બોલીવુડની હિન્દી ફિલ્મોમાં ચુંબનના દૃશ્યો સેન્સર બોર્ડ કાપી નાખતું હતું.
માથેરાનની હોટેલમાં તો અમે એકલા જ હતા. અહીં તો બધું કરવાની અમને છૂટ હતી. મારી જે જાતીય ભૂખ હતી તે હવે હું કશાય સંકોચ વગર સંતોષી શકું તેમ હતું. છતાં અમે સંયમ જાળવ્યો. જ્યાં સુધી મુંબઈમાં રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારે કુટુંબ શરૂ નહોતું કરવું.
રહેવાનું કોઈ ઠેકાણું નથી, સારી નોકરી નથી, પૈસા નથી, એવા અનેક મૂંઝવણભર્યા પ્રશ્નોને ભૂલીને હું માથેરાનમાં અમારું હનીમુન માણવા મંડ્યો. આપણે તો પાછા રોમેન્ટીક ખરા ને! પ્રસિદ્ધ કવિ અને સૉનેટસ્વામી બલવંતરાય ઠાકોરની જાણીતી સોનેટમાળા ‘પ્રેમનો દિવસ’ મારી સાથે લઈ ગયો હતો! થયું કે અમે બંને સાથે પ્રેમ કરતા કરતા એ વાંચીશું અને માણીશું! બાકી રહ્યું હોય એમ અમે માથેરાનમાં ઘોડેસવારી કરી અને મિત્રોને બતાડવા એના ફોટાઓ પણ પાડ્યા!
જેવું હનીમુન પત્યું કે અમારા પ્રશ્નો પુરબહારમાં શરૂ થયા. જે દિવસે મુંબઈ આવ્યા કે તે જ દિવસે નલિની અને હું દેશમાં જવા રવાના થયા.
એ સમયે મુંબઈથી સાવરકુંડલા જવા વિરમગામ સ્ટેશને ગાડી બદલવી પડે અને લગભગ ચોવીસેક કલાક થઈ જાય. ગાડીની એ લાંબી મુસાફરી અમે ઊંચા જીવે પૂરી કરી ગામ પહોંચ્યા. મનમાં ફફડાટ હતો કે બા કાકા શું કહેશે? હું એમનો ભાર હળવા કરવાને બદલે એમને માથે વધુ બોજો નાખતો હતો. વધુમાં બાની ઇચ્છા વિરુદ્ધ જ મેં ઊભડક લગ્ન કર્યાં હતાં. જે વહુને હું ઘરમાં લાવતો હતો તેને એમણે જોઈ પણ ન હતી!
હું નલિનીનો પણ વિચાર કરતો હતો. ભલે નલિની દેશમાં રહેવા તૈયાર થઈ, પણ એને થયું તો હશે ને કે આ લગ્ન તો કેવું કે જેમાં પરણેતર સાથે રહેવાનું નહીં. જેવા પરણ્યા તેવા જ ધણીથી પાંચસો ગાઉ દૂર જઈને રહેવાનું? અને તે પણ સાસરે જ્યાં સાસુ, ત્રણ દિયર, નણંદ વગેરેને ઓળખવાની વાત તો બાજુ રહી, જોયા પણ નથી. અને એ પણ મુંબઈ જેવું મોટું શહેર છોડીને ગામડા જેવા નાના ગામમાં?
આવી બધી ચિંતા સાથે ઘરે પહોંચ્યો. બા કાકા અને બીજા વડીલોને પગે લાગ્યો. જાણે પોતાની ઈચ્છા વિરુદ્ધ કશું થયું જ ન હોય તેમ બાએ અમ વરઘોડિયાને વધાવી લીધા. એમણે તો ગોર પણ બોલાવી રાખ્યો હતો. ન્હાઈધોઈને અમે જેવા તૈયાર થયા કે તરત પૂજામાં બેસાડયા. આડોશપાડોશમાંથી લોકો આવ્યા. બાએ બધાને કંસાર ખવરાવ્યો, જે વિધિ મેં મુંબઈમાં કરવાની ના પાડી હતી તે બધી જ બાએ દેશમાં મારી આગળ કરાવી.
મેં એમનું એવું તો મનદુઃખ કરેલું કે હવે એમને ના ક્હેવાની મારી હિંમત જ ન ચાલી. અને મેં જો ના પાડી હોત તો પણ મારું ત્યાં થોડું ચાલવાનું હતું? આ કાંઈ મુંબઈ થોડું હતું?
નલિની સાથે દેશમાં હું માત્ર એક જ અઠવાડિયું જ રહ્યો. પણ એમાં મને મારા બાની કુશળતા અને કોઠાસૂઝની પહેલી જ વાર ખબર પડી. એમણે નલિનીની બધી જ જવાબદારી માથે લઈ લીધી. સમજો કે એમણે એનો કબજો લઈ લીધો.
આ એક જ અઠવાડિયામાં મેં જોઈ લીધું કે બાએ સાત સાત સંતાનોને કેવી રીતે ઉછેર્યાં હશે. અમારા બહોળા સંયુક્ત કુટુંબમાં કેટલાં બધાં માણસો રહેતાં હતાં! સંતાનો ઉપરાંત, સાસુ સસરા, જેઠ જેઠાણી અને દૂરના બીજાં બે ત્રણસગાંઓ અને આવતા જતા અનેક મહેમાનો – બાએ આ બધાંની વચ્ચે રહેવાનું અને બધાનું સાચવવાનું. આમાં નલિનીનો વધારો થયો. જો કે નલિનીએ એમનો મોભો વધાર્યો. અત્યાર સુધી બા નાની વહુ ગણાતા. હવે એ સાસુ બન્યા, જાણે કે એમને પ્રમોશન મળ્યું!
આમ તો બા નિરક્ષર હતાં. એ ભણેલાં નહોતાં એનો અર્થ એવો નહીં કે એ ગણેલા નહોતા! અમારા સંયુક્ત કુટુંબમાં રહેવું સહેલું ન હતું. જેઠાણીએ મા-બાપાને રાખવાની ના પાડી અને જુદા રહેવા ગયા.
ઘરડા સાસુસસરાની સારવાર કરવાનું બાને માથે આવ્યું. એમાં માજીનો પગ ભાંગ્યો એટલે બાને માથે વળી એક કામ વધ્યું. માજીને નવરાવવા ધોવરાવવાનું અને એમની બીજી બધી સફાઈ પણ બાએ જ કરવાની હતી. બીજું કોણ કરે? જેઠાણીની કોઈ મદદ હતી નહીં અને અમારી આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે કાકા કોઈ બાઈને માની સંભાળ માટે રાખે.
આવું બધું ઘરનું કામ ઓછું હોય તેમ કાકા એમાં વધારો કરે. ઘણી વાર વગર કહ્યે જ જે ખેડૂતો માલ વેચવા આવ્યા હોય તેમને જમવા માટે ઘરે લઈ આવે. બાએ ઊભાઊભા એમની રસોઈ બનાવવાની. એ ખડતલ લોકોનો ખોરાક પણ જબરો!
ઘણી વાર બાપાને ફરસાણ ખાવાનું મન થાય. કહે, “વહુ, આજે થોડા ભજિયાં બનાવજો,” અથવા ગળ્યું ખાવાનું મન થાય તો કહે, “વહુ, આજે થોડો શીરો હલાવજો!” આ ઉપરાંત આવડા મોટા કુટુંબની સવાર સાંજની રસોઈ તો ખરી જ. એ જમાનામાં બહાર રેસ્ટોરાંમાં જવાની તો વાત હતી જ નહીં અને કેટરિંગનું નામ કેવું અને વાત કેવી?
આ ઘરકામના બોજા ઉપરાંત અમ સાત ભાઈબહેનની સંભાળ લેવાની એ જુદી. કાકા તો સવારથી દુકાને જવા નીકળી પડે. બાની દરરોજની રૂટીન એની એ જ. એમાં કોઈ ફેરફાર નહીં. બાએ કોઈ દિવસ વેકેશન લીધું હોય કે ક્યાંય બહારગામ ગયા હોય એવું મને યાદ નથી. સિનેમા નાટકની વાત બાજુએ મૂકો, મેં એમને નવરાત્રિમાં રાસગરબા લેતા પણ જોયા નથી.
એમની સમગ્ર દુનિયા અમારા ઘરની ચાર દીવાલોમાં સમાઈ ગઈ હતી. એમની જિંદગીમાં ઘરકામના ઢસરડા સિવાય મેં બીજું કંઈ જોયું નથી. મેં ક્યારેય બા-કાકાને સાથે બેસીને વાત કરતા કે હસતા જોયા નથી. ક્યારેય કાકા બા માટે કોઈ સાડી, ઘરેણું એવું કાંઈ લાવ્યા હોય તે પણ મને યાદ નથી.
અને છતાં બા પાસેથી મેં ક્યારેય ફરિયાદનો કોઈ શબ્દનો સાંભળ્યો નથી. ઊલટાનું કાકાનાં વખાણ કરતા બાની જીભ ન સુકાય. અમે એમના પુત્રોએ એમને કોઈ સુખ કે શાંતિ આપ્યાં નથી, ઊલટાનું એમનું દુઃખ વધાર્યું છે. પુત્રવધુઓએ એમનો એક સાસુ તરીકે કોઈ મહિમા કર્યો નથી, ઊલટાનું એમની સાથે ઝગડાઓ કર્યા છે. એમની વૃદ્ધાવસ્થામાં જ્યારે એમને જરૂર પડી છે ત્યારે અમે કોઈ હાજર નથી રહ્યાં.
1997માં મને વિશ્વગુર્જરીનો એવોર્ડ મળેલો ત્યારે બાને આખાયે કુટુંબ સાથે હું અમદાવાદ લઈ ગયો હતો. એમના મોટા દીકરાનું આવું જાહેરમાં ગવર્નરના હાથે સમ્માન થાય એ એમના જીવનનો એક બહુ મોટો પ્રસંગ હતો.

ત્યારે પછી તો હું એમને અમેરિકા લઈ આવ્યો, પણ એમને અમેરિકા ન ફાવ્યું. એ પાછા દેશમાં ગયાં.
બા પાસેથી મોટામાં મોટી હું વસ્તુ શીખ્યો હોઉં તો એ કે જિંદગી જીવતાં જે અનેક મુશ્કેલીઓ, હાડમારીઓ આપણને અનિવાર્ય નડે છે તે સહેવી. એ બાબતની ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી. સહનશીલતા અને સહિષ્ણુતા એ એમના મોટા સદ્દગુણો. મેં એમને ક્યારેય કોઈની સાથે ઝઘડો કરતા કે મોટે અવાજે બોલતા સાંભળ્યા નથી.
એક વાર એમની એક માથેભારી વહુ એમને ખખડાવતી હતી ત્યારે બાને મેં મૂંગે મોઢે સાંભળતા જોયાં છે. ગમ ખાવાની વાત જાણે કે એમને સહજ હતી. “કજિયાનું મોં કાળું” એ કહેવત મેં એમની પાસેથી વારંવાર સાંભળી છે.
બધાને સમજીને બધા સાથે સંપીને રહેવું એ બાની ખાસિયત. આ વાત ક્યારેય બાએ મને પાસે બેસાડીને સમજાવી નથી, પણ જીવી બતાવી હતી. બાના જીવનનો આ અમૂલ્ય પાઠ મને ધીમે ધીમે અને બહુ મોડેથી સમજાયો. અને તે પણ સાવરકુંડલા છોડીને મુંબઈ આવ્યો ત્યારે જ.
મેટ્રિકનું ભણવાનું પૂરું કરી હું નોકરીધંધા માટે ગામ છોડીને મુંબઈ આવ્યો, ત્યારે ઘરબાર કે પૈસા ટકાવગર આવનાર નવા માણસને મુંબઈમાં જે હાડમારીઓ ભોગવવી પડે છે તે બધી મને નડી હતી. જ્યારે જ્યારે એ બધું અસહ્ય બની જતું ત્યારે હું બાને, અને ખાસ તો એમની સહનશીલતાને યાદ કરીને મારું ગાડું આગળ ચલાવતો.
અમેરિકા આવ્યા પછી પણ બાની સહનશીલતા અને સહિષ્ણુતા મને વારંવાર યાદ આવ્યા કરી છે. મોટા સંયુક્ત કુટુંબમાં અનેક ચિત્રવિચિત્ર માણસો સાથે રહીને એ બધાને નભાવવાની બાની કુનેહ, એમની કુશળતા મારે માટે અમેરિકામાં પણ માર્ગદર્શક નીવડી છે.
અમેરિકાની રાજધાની વૉશિન્ગટનના ચીફ ફાઈન્સિલ ઑફિસર થવાના નાતે મારે અનેક સારાનરસા માણસો સાથે વર્ષો સુધી નાછૂટકે કામ કરવું પડ્યું છે, કહો કે મારે એ બધાને નભાવવા પડ્યા છે.
એ અગત્યના હોદ્દા ઉપર હું ચૌદ વરસ સુધી ટકી રહ્યો એ બાની સહનશીલતા અને સહિષ્ણુતાના ગુણ જે થોડાઘણા પણ મારામાં ઊતર્યા છે તે કારણે જ. બાની મારા ઉપર જાણેઅજાણે જે અસર પડી છે તે અનેક રીતે મારા વર્તન અને વ્યક્તિત્વમાં આજે તરી આવે છે.
અત્યારની ભણેલી સ્ત્રીઓની સરખામણીમાં બા એક મા તરીકે કદાચ નપાસ થાય. પોતાની નિરક્ષરતાને કારણે એમણે પોતાનાં બાળકો સાથે બેસીને ક્યારેય કોઈ ચોપડી વાંચી નથી, કે નથી કરી કોઈ દેશદુનિયાના વર્તમાન પ્રવાહોની ચર્ચા. પણ પોતાની જિંદગી જે સહનશીલતા અને સહિષ્ણુતાથી બાએ જીવી બતાડી છે તે મારે માટે આજે પણ મોટી દીવાદાંડી સમાન છે.
(ક્રમશ:)
તમરી માતાની રુદય સ્પર્શી સહંશિલ્તા અને સહિષ્ણુતા ની સમાન વાર્તા ઘણી વખત સાંભળેલી છે અને મેં અંગત રીતે અનુભવી છે. અમારી પેઢીએ ખાસ કરીને અમેરિકામાં અમારી માતાઓ પાસેથી ઘણું શીખવાનું છે.