મા વિષે બે કાવ્યો ~ શૈલેષ પંડ્યા ‘નિશેષ’

1.

એક અક્ષરની કથા છે મા.
વેદ, મંત્રો ને ઋચા છે મા.

કોઈની શ્રદ્ધા હશે કેવળ,
આપણી સાચી પૂજા છે મા.

ઝળઝળિયાની નદી ભીતર,
મૌન વહેતી વારતા છે મા.

ધામ ચારેચાર જે ચરણે,
એવી પાવન જાતરા છે મા.

મોમ, મમ્મીની બૂમો વચ્ચે,
મીઠડો ટ્હુંકાર ‘બા’ છે મા.

કયાંક મંદિર, ક્યાંક મસ્જિદ તો
કયાંક કાશી, કરબલા છે મા.

કર ઈબાદત નેક દિલથી તો,
ખુદ ઈશ્વર કે’ ખુદા છે મા.

2. 

અંતે  મેં  જાતથી છેડો ફાડયો,
મોબાઇલના કેમેરામાં જઈને
બાનો છેલ્લો ફોટો પાડ્યો

બાનું હોવું ઘરમાં એટલે
ચારે ખુણે અજવાળું,
બા વિનાના ઘરમાં છે જાણે
નિસાસાનું તાળું,
ખોળે અંજળ ખુટયા જાણી
માનો પાલવ મેં ભીંજાવ્યો,
અંતે  મેં  જાતથી છેડો ફાડ્યો.

બાની આંખે રોજ ફુટતી
મમતાની કૂંપળ તાજી,
બાપ વિનાના ઘરની
બાએ જીતમાં ફેરવી બાજી,
ખુદ જળજળિયા પીધા માએ
મને છપ્પન ભોગ જમાડ્યો,
અંતે  મેં  જાતથી છેડો ફાડ્યો.

શ્રીફળ સાથે  જાણે  આજે
રસોડું બંધાતું,
ફળિયું આખું આજે માના
ચરણોમાં અટવાતું
મા વિનાનાં માનાં દેહને મેં
મારા ખભ્ભે ઉપાડ્યો.

અંતે  મેં  જાતથી છેડો ફાડયો,
મોબાઇલના કેમેરામાં જઈને
બાનો છેલ્લો ફોટો પાડ્યો.

~ શૈલેષ પંડ્યા ‘નિશેષ’
+91 98980 16524

આપનો પ્રતિભાવ આપો..

15 Comments

  1. ખુબ સરસ શૈલેષ ભાઇ.. કવિ અંદર થી ભીનો હોવો જોઈએ એ સૂત્ર સાર્થક કર્યું…

    1. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ… આપ બહું જ વ્યસ્ત જજ છો છતાં સમય કાઢી અહીં મારા માટે બહું જ મોટી વાત છે. આભર

  2. ક્યા કહું આપની કલમ માં સાંત્વના સોમ્ય અને લાગણી ની ધાર ખુબજ ગમે છે