પ્રકરણ:16 ~ મૂળજી જેઠા મારકેટમાં, ફરી એક વાર! ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
મારી સાથે જે મિત્રો કૉલેજમાં હતા તેમાંથી મોટે ભાગે બધા લાગવગ ઓળખાણને કારણે સારી સારી નોકરીએ લાગી ગયા. કેટલાક બાપદાદાના ધંધામાં બેસી ગયા. ભાગ્યશાળી નબીરાઓ અમેરિકા પહોંચી ગયા. કેટલાક ચાર્ટર્ડ અકાઉટન્ટ થવા માટે જરૂરી આર્ટીકલ ભરવા મંડ્યા.
આ બધા નસીબદાર લોકોની મને ખૂબ ઈર્ષ્યા આવતી. મારે સાવ સામાન્ય ક્લર્ક તરીકે નોકરી કરવી પડે છે એની શરમ પણ થતી હતી. મને થતું કે હું કોને શું મોઢું બતાડું?
મેં મિત્રો અને સગાંવહાલાંઓને મળવાનું જ બંધ કરી દીધું. મળવાનું થાય તો અચૂક પૂછપરછ થાય, “હમણાં ક્યાં નોકરી કરો છો? ક્યાં રહો છો? ધંધાની કોઈ લાઈન હાથમાં આવી કે?”
આમાંથી એકેય પ્રશ્નના મારી પાસે સંતોષ કારક જવાબ નહોતા. કોઈ જાણીતું મને મળવા આવવાનું કહે તો હું એ ટાળું.
એક વાર થોમસન ઍન્ડ ટેલરના મેઝેનીન ફલોરમાં જ્યાં હું બેસતો ત્યાંથી નીચે સ્ટોરમાં મેં બે મિત્રોને આવતા આવતા જોયા. હું દોડીને બાથરૂમમાં જઈ સંતાઈ ગયો! કંઈ કામે ગાંધી બ્હાર ગયા હશે, એમ માનીને થોડી વાર મારી રાહ જોઈને મિત્રો પાછા ગયા.
જો કોઈ લાગવગ નથી તો અરજી તો કરીએ, ક્યાંક કદાચ એ તુક્કો લાગી જાય, એ ન્યાયે, વળી પાછું મેં દરરોજ ટાઈમ્સ જોવાનું અને એપ્લીકેશન કરવાનું શરૂ કર્યું.
દરરોજ સવારે સારા અક્ષરે એક એપ્લીકેશન લખતો. કાલબાદેવીની નાતની વીસીમાં ખાવાનું, પછી ત્યાંથી ચાલતા ચાલતા ફોર્ટમાં ટાઇમ્સના બિલ્ડીંગમાં મોટા ચકચકતા પીળા બોક્સમાં એપ્લીકેશન નાખવાની. ત્યાંથી ચાલતા થોમસન ઍન્ડ ટેલરમાં જઈને જમાઉધારની જર્નલ એન્ટ્રીઓ પાડવાની. આ મારી રોજનું રૂટીન.
મનમાં ઊંડે ઊંડે હતું કે મારી ડેસ્ટીની કંઈક જુદી જ હોવી જોઈએ. હારવું નથી એવો મક્કમ નિર્ણય કરીને કંઈ ને કંઈ પ્રેરણાત્મક સાહિત્ય વાંચતો.
વિવેકાનંદનો “Arise, Awake” વાળો પેરેગ્રાફ મેં મોટા અક્ષરે લખી મારા ડેસ્ક પર કાચની નીચે રાખ્યો હતો તે વારંવાર વાંચતો.
સ્ટોરના મોટા શેઠ જેના પૈસાથી અમારો ખોટનો ધંધો ચાલતો હતો તે એક વાર અમદાવાદથી સ્ટોરની વિઝિટે આવ્યા. સ્ટોરમાં ફરતાફરતા અમારા અકાઉન્ટીન્ગ ડીપાર્ટમેન્ટ આવ્યા. એમણે એ વિવેકાનંદનો ફકરો જોયો.
મને પૂછ્યું કે તમે કોણ છો, શું અભ્યાસ કર્યો છે, હજુ આગળ અભ્યાસ કરવાનો છો, શું વાંચો છો, મને તમારી પ્રગતિના સમાચાર મોકલતા રહેજો, વગેરે વગેરે. આપણે તો રાજીના રેડ થઈ ગયા. થયું કે આપણું પ્રમોશનનું નક્કી!
મેં તો એમની સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો! એમની આગળ અભ્યાસ કરવાની ટકોર યાદ હતી. એમની ઉપર છાપ પાડવા મેં તરત પાર્ટ ટાઈમ એલ.એલ.બી.નું લફરું શરૂ કર્યું.
સવારના વહેલા ઉઠીને ગવર્નમેન્ટ લો કોલેજમાં જતો, પછી વીશીમાં અને પછી સ્ટોરમાં. જો કે આ બાબતમાં મેં દેશમાં કાકાને કહ્યું જ નહિ, એમને થાય કે વળી પાછું કોલેજમાં જવાની શી જરૂર? એક ડિગ્રી ઓછી છે?
સ્ટોરમાં પ્રમોશન મળે કે ન મળે, પણ મારું દરરોજનું એક એપ્લીકેશન કરવાનું તો ચાલુ જ હતું. એક વાર સ્ટોરમાં એક અજાણ્યા માણસ મને મળવા આવ્યા. નામ ભાનુભાઈ. મને કહે કે તમારી સાથે કોફી પીવી છે અને વાત કરવી છે. થોડું આશ્ચર્ય થયું, પણ મફતની કોફી પીવામાં શી હાનિ એમ માનીને એમની સાથે બહાર ગયો.
મને કહે કે તમે મદ્રાસની એક ટેક્ષટાઈલ મિલની મુંબઈની ઑફિસમાં નોકરી માટે જે અરજી કરી છે એ લોકો તમને જોબ આપવા તૈયાર છે. તમે કયારથી શરૂ કરી શકો?
હું તો ભૂલી પણ ગયેલો કે મેં આવી કોઈ નોકરીની એપ્લીકેશન કરેલી. દરરોજ જો હું એક એપ્લીકેશન કરતો હોઉં તો મહિને બે મહિને કેમ યાદ રહે કે ક્યાં એપ્લાય કરેલું? પણ પગાર વધુ હતો એટલે મારી ઉત્સુકતા વધી.
મેં ભાનુભાઈને પૂછ્યું કે તમે ત્યાં કામ કરો છો? ના, એમણે કહ્યું, પણ વાત વિગતથી સમજાવી કે એ શા માટે આવ્યા હતા.
દક્ષિણની બે પ્રખ્યાત ટેક્ષટાઈલ મિલના કાપડનું મુંબઈમાં વેચાણ કરવાનો ઈજારો આ કંપનીના હાથમાં હતો. એ કંપનીના બે ભાગીદારો. એક ગુજરાતી અને બીજા મદ્રાસી. ધંધો ધીકતો ચાલે. કાપડનો માલ ઉમદા, ડીમાંડ બહુ, ગ્રાહકો બંધાયેલા. ઝાઝી મહેનત વગર જ ધંધો ચાલે.
મદ્રાસી પાર્ટનર મિલોનું કામ સંભાળે, ગુજરાતી પાર્ટનર ચોપડા અને બેન્કનું. ભાગીદારીમાં મદ્રાસી સિનિયર, નફામાં એનો ભાગ વધુ, આખરે તો એના સંપર્કો અને સંબંધોને કારણે જ આવી બબ્બે જબ્બર મિલની એજન્સીઓ મળી હતી.
ગુજરાતી પાર્ટનરનું કામ રૂટીન હતું. કોઈ મહેતાજી પણ એ કામ સંભાળી શકે. મુદ્દાની વાત એજન્સી સાચવી રાખવાની હતી, બાકી બધું એની મેળે થાય. અને એ કામ મદ્રાસીના હાથમાં.
જેમ જેમ નફો વધતો ગયો તેમ તેમ ગુજરાતી પાર્ટનરની દાનત બગડી. એને થયું કે એને અડધોઅડધ ભાગ મળવો જોઈએ. આ કચકચ ચાલતી હતી. પણ એનો કોઈ ઉકેલ આવતો નહીં.
ગુજરાતી ભાઈ સમજતા હતા કે જો એ ઝઘડો કરશે તો ધંધામાંથી સાવ જશે. મદ્રાસી ભાઈને એવી શંકા બેઠી કે ગુજરાતી પાર્ટનર ચોપડાઓમાં ગોટાળા કરે છે. કંપની કેટલો નફો બનાવે છે તે બતાડે જ નહીં અને પૈસા ઉપાડ્યા કરે. નફો કેટલો થાય છે એની મદ્રાસીને ખબર જ ન પડે એ માટે એણે ચોપડા લખવાનું સાવ બંધ કર્યું! જયારે મદ્રાસી પાર્ટનર પૂછપરછ કરે ત્યારે જેમ તમે ગલ્લાંતલ્લાં કરીને વાત ટાળી દે.
મદ્રાસી પાર્ટનર કોઈ અકાઉન્ટન્ટ રાખવાની વાત કરે તો ગુજરાતી પાર્ટનર કહે કે એવી શું જરૂર છે, હું બેઠો છું ને? આખરે મદ્રાસી પાર્ટનર આ ગલ્લાંતલ્લાંથી થાકી ગયા. નક્કી કર્યું કે અકાઉન્ટન્ટ તો રાખવો જ પડશે જેથી વ્યવસ્થિત હિસાબકિતાબ થાય, રેગ્યુલર ઓડીટ થાય અને નફાનુકસાનની વરસને અંતે ખબર પડે.
એને એવો અકાઉન્ટન્ટ રાખવો હતો કે જે ઈંગ્લીશ પણ જાણતો હોય. એમને કોઈ મારકેટનો મહેતાજી નહોતો જોઈતો. આવો અકાઉન્ટન્ટને ગોતવાનું કામ એમણે એમના જૂના પાડોશી મિત્ર ભાનુભાઈને સોંપ્યું, એમણે ટાઈમ્સમાં એડ આપી, મેં અપ્લાય કર્યું હશે. કાગનું બેસવું અને ડાળનું પડવું. આમ મને આ નોકરી મળી.
પણ આ નોકરી કરવા મારે પાછું મૂળજી જેઠા મારકેટમાં જવાનું થયું! પણ ભાનુભાઈ પાસે કેટલીક ચોખવટ કરી. “ટોપી નહીં પહેરું, ચા લેવા નહીં જાઉં, શેઠના ગુલામની જેમ ઑફિસ સિવાયના આડાઅવળાં કામ નહીં કરું. શેઠના દીકરા માટે મેટ્રોમાં ટિકિટ લેવા નહીં જાઉં, બેન્ક અવર્સ મુજબ સવારે આવીશ અને સાંજે નિયત સમયે ઘરે જઈશ, શનિવારે પણ બેન્ક અવર્સ રાખીશ, વગેરે.”
પહેલી વાર મારકેટમાં નોકરી શરૂ કરી ત્યારે પહેલે જ દિવસે મોટા મહેતાજીએ કહેલું કે તારે ટોપી પહેરવાની છે. અને પછી કહે ચા લઇ આવ. દરરોજ બધાં આવે એ પહેલાં પેઢીએ પહોંચવાનું તો ખરું જ, પણ ગમે તેટલું મોડું થાય તો પણ શેઠ મહેતાજીઓ બધા ઘરે જાય પછી જ ઘરે જવાનું. શનિવારે તો બહુ મોડે સુધી પેઢી ઉઘાડી હોય. કહે કે ઘરે જવાની શું ઉતાવળ છે? કાલે તો રવિવાર છે!
કંપનીને મારી એટલી તો ગરજ હતી કે ભાનુભાઈએ કહ્યું કે કાંઈ વાંધો નહીં. આવી જાઓ. આ બાબતમાં કોઈ મુશ્કેલી પડે તો મને જણાવજો.
પહેલે દિવસે જઈને જોયું તો મારે ગાદી ઉપર નીચે નહોતું બેસવાનું. બેસવા માટે ખુરસી ડેસ્ક હતાં. ચપ્પલ પણ કાઢવાની જરૂર ન હતી. મારકેટની હાયરારકીમાં હવે મારું સ્થાન પહેલા કરતા ઊંચું થયું. હવે હું ઘાટીને કહી શકું કે “ચા લઈ આવ!”
મારકેટની ભૂગોળથી પણ હું પરિચિત હતો. મુંબઈમાં આવ્યે હવે મને પાંચ વરસ થઈ ગયાં હતાં, એટલે શહેરની પણ ગતાગમ હતી. ઉપરાંત મારકેટના કોક અભણ શેઠિયાની પેઢીમાં નહીં, પણ મિલની એજન્સીની ઑફિસમાં કામ કરવાનું હતું.
મદ્રાસી પાર્ટનર સાથે ઈંગ્લીશ હિન્દીમાં વાતચીત થતી. એને મળવા આવતા લોકોમાં સાઉથના ઘણા અગત્યના ઊંચા ઓફિસરો, ધંધાદારી લોકો હોય.
ઓફિસની જગ્યા મોટી, સાથે નાનો એવો બાથરૂમ. મારકેટની નજીક પણ મારકેટની બહાર. મોટો ફાયદો એ કે હું ત્યાં રાત્રે સૂઈ શકું. બોર્ડીંગના મિત્રો સાથે જે ફ્લેટમાં રહેતો હતો તે તો કામચલાઉ હતો, એ ખાલી કરવાનો હતો.
રોજના જમણ માટે નાતની વીશીમાં જતો, પણ રહેવું ક્યાં એ પ્રશ્ન તો હજી માથે હતો. મુંબઈમાં એ જમાનામાં જગ્યાની ભયંકર તંગી. દૂરનાં પરાંઓમાં પણ એક નાનકડી ઘોલકી લેવી હોય તો પણ હજારો રૂપિયાની પાઘડી આપવી પડે. મહિને મહિને ભાડું પગારમાંથી નીકળે, પણ એક સાથે પાઘડીની હજારો રૂપિયાની રકમ ક્યાંથી કાઢવી?
ઓરડીની પાઘડીના પૈસા તો હતા જ નહીં. રહેવાનો પ્રશ્ન તો ઊભો જ હતો. મેં વિનંતી કરી કે મારે સૂવા બેસવા માટે ટેમ્પરરી જગ્યાની જરૂર છે તો રાતે હું ઓફિસમાં સુઈ શકું?
મને રજા મળી. પરંતુ શેઠ મને કહે, અહીં તમારો સામાન રાખવાની જગ્યા નથી. એની વ્યવસ્થા કંઈક બીજે ઠેકાણે કરવાની. મારી પાસે ત્યારે કોઈ સામાન કે સાધનસામગ્રી હતા જ નહીં. પહેર્યાં કપડાં એ જ!
ઑફિસમાં એક ઘાટી અને ભૈયાજી પણ રાતે સૂતા હતા. મારકેટમાં કામ કરતા મોટા ભાગના ઘાટીઓ અને ભૈયાઓ પોતાના કુટુંબકબીલાને દેશમાં મૂકીને મુંબઈમાં નોકરી કરતા. વરસે બે વરસે દેશમાં આંટો મારીને કુટુંબીજનોને મળી આવે. મુંબઈની નોકરીની જે કમાણી થાય તેમાંથી દેશમાં બૈરીછોકરાઓનું ભરણપોષણ થાય.
હું ભલે ને બી.કોમ. થયો, પણ ઓરડીની બાબતમાં મારી દશા આ ઘાટીઓ અને ભૈયાઓ જેવી જ હતી. હું એમની સાથે રાતે સૂવામાં જોડાયો. એમને બહુ ગમ્યું નહીં, પણ મેં એમને સમજાવ્યું કે હું તો ઓરડીની શોધમાં જ છું. આ તો ટેમ્પરરી વ્યવસ્થા છે. જેવી મને ઓરડી મળી કે હું ચાલ્યો. જો કે મનમાં ઘણું સમજતો હતો કે હું એમ ક્યાંથી ચાલવાનો હતો? પગારમાંથી માંડ માંડ ચાલતું હતું ત્યાં ક્યાંથી પાઘડીના પૈસા હું કાઢવાનો હતો?
અઠવાડિયે બે અઠવાડિયે ભૈયાજી મને કહે, હમ મજા કરને કે લિયે ચલતે હૈ, આપ ભી ચલિયે. શરૂઆતમાં તો હું કૈં સમજ્યો નહી, પણ ઘાટીએ મને સમજાવ્યું કે ભૈયાજી તો ફોકલેન્ડ રોડ પર વેશ્યાવાડે જતા હતા!
હું ગભરુ માણસ અત્યાર સુધી તો નિશાળેથી નીસરી જવું પાંસરું ઘેરના ન્યાયે જિંદગી જીવ્યો હતો, તે હવે ફોકલેન્ડ રોડ ઉપર મજા કરવા જવાનો હતો? ઉપરથી જો શેઠને ખબર પડી ગઈ તો નોકરી જાય એ કેમ પોસાય? લોકો મારે માટે શું ધારે?
(ક્રમશ:)